મન સ્વસ્થ તો તન સ્વસ્થ – ૧:

મન સ્વસ્થ તો તન સ્વસ્થ – ૧:
ડો. પાર્થ માંકડ …
M.D.(HOM)
(ડૉ.પાર્થ માંકડ.. દ્વારા દાદીમા ની પોટલી http://das.desais.netબ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી છીએ. આપના મન પસંદ લેખ  અને સાથે સાથે અન્ય  મન પસંદ સામગ્રીઓ બ્લોગ પર માણ્યા બાદ, આપ સર્વે બ્લોગ પરના પાઠક મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો ને વિનંતી કે આપના મંતવ્યોપ્રતિભાવકોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ ઉપર અથવા ફેશબુક ઉપર મૂકી આભારી કરશો, આપની કોમેન્ટ્સ  અમોને સદા માર્ગદર્શક અને પ્રેરક  બની રેહશે.)‘દાદીમા ની પોટલી’ ના તમામ વાચક મિત્રો ને ૨૦૧૨ ના આગમન ની સાથે અનેકાનેક શુભકામનાઓ. શરૂ થતા નવા વર્ષો માં આપણી આશા ઓ છુપાયેલી છે, જે ગયું એ કરતા વધુ કૈક મેળવવા ની ઝંખના પ્રત્યેક દિવસ માં છુપાયેલી છે ને માટે જ આતુરતા પૂર્વક રાહ જોઈએ છીએ સમય બદલાવાની. એ આશા એ કે બદલાયેલો સમય આપણા માટે  કૈક લઇ ને આવશે.
નવા વર્ષે આપણે શરુ કરીએ એક નવો અધ્યાય સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ અંતર્ગત અને ઉમેરીએ મન ના આયામ ને સ્વાસ્થ્ય યાત્રા માં,  સ્વસ્થ મન એ સૌથી પાયા ની જરૂરિયાત છે સ્વસ્થ રહેવામાં.
પહેલા તો થોડા લેખ માં આપણે સમજીશું અસ્વસ્થ મન ને કારણે થતા રોગ વિષે, સાથે સાથે આપણે સમજીશું આખરે અસ્વસ્થ મન શા માટે થાય છે અને સ્વસ્થ મન તરફ જવા માટે ના હોમીઓપેથી ના રોલ વિષે.

 

મન ની સ્વાસ્થ્ય પર ની અસરો :

મન એ શરીર નો એવો ભાગ છે કે જેનું કદાચ કોઈ જ ફીઝીકલ કોઈ જ અસ્તિત્વ નથી પણ છતાં આપણા શરીર ના આખાય તંત્ર ને એ જ ચલાવે છે. આપણું મન આપણી લાગણી ઓ નું ઉદ્ભવસ્થાન છે , અને લાગણી ઓ અને અંતસ્ત્રાવી ગ્રંથી ઓ નો સીધો સંબંધ છે. જેટલું મન અસ્વસ્થ એટલો અંતસ્ત્રાવી ગ્રંથી ઓ પર સ્ટ્રેસ વધારે અને જેટલો એ વધારે એટલું આપણું શરીર રોગો નું ઘર.
તાણ, ટેન્શન, ચિંતાઓ, ડર, ગુસ્સો આ બધું જ સતત આપણી અંદર એક પ્રકાર નું ડિસ્ટર્બંસ પેદા કરે છે, જેના પાયા પર શરીર ની અલગ અલગ સિસ્ટમો જેમ કે, પાચનતંત્ર, અંતસ્ત્રાવી તંત્ર, રુધીરભીશ્રણ તંત્ર, રોગ પ્રતિકારક ક્ષમતા, ચયાપચય બધા પર અસર થાય છે અને પરિણામ સ્વરૂપ ઘણા ઘણા રોગ. ઘણી બધી વખત આપણા મન પર અસર કરી ગયી હોય એવી ઘટના બને તો પણ રોગ થવા ની શક્યતા ખુબ વધી જાય છે.
અસ્વસ્થ મન ને કારણે ઉદ્દભવતી તકલીફો :
૧. ઓછી ભૂખ
૨. એસીડીટી
૩. હાઈ બ્લડ પ્રેશર
૪. પેપ્ટિક અલ્સર
૫. સોરીઆસીસ અને અન્ય કેટલાક ચામડી ના રોગ.
૬. ડાયાબીટીસ
૭. થાયરોઈડ
૮. હૃદય ની તકલીફો
૯. સ્ત્રીઓ ના મોટાભાગ ના રોગ.
આ બધા રોગની પાછળ અને હજી વધુ કેટલાય રોગ ની પાછળ જવાબદાર છે આપણું અસ્વસ્થ મન.
આપણી માનસિકતા ની તકલીફ એ છે કે આવું કઈ પણ થાય પછી આપણે તરત એને કારણે ઉદભવેલા રોગ અને એના ચિન્હો ને મટાડવા બધું ય કરીએ છીએ પણ એના કારણ સ્વરૂપ અંદર અસ્વસ્થ થયેલા મન ને ભૂલી જઈએ છીએ કે પછી થોડી ઘણી મેડીટેશન ટેકનીક સીખી ને મન સ્વસ્થ હોવા નો જાત ને આભાસ આપ્યા કરીએ છીએ.
જરૂર છે પહેલા તો મન ની અસ્વસ્થતા ઓ ઓળખવા ની ને સ્વીકારવા ની , એના મૂળ સુધી પહોચવાની . ઉપાય ની વાત તો બિલકુલ પછી રહી.
સ્વસ્થ મન તરફ જવા માં ઘણું ઘણું મદદ રૂપ થાય છે પણ હોમીઓપેથી નો એમાં ખુબ અકસીર કહી શકાય એવો રોલ પ્લે કરે છે . કઈ રીતે ને શું એની વાત આવતે વખતે .
ત્યાં સુધી સર્વે વાચક મિત્રો નું મન સ્વસ્થ અને આનંદિત રહે એ જ પ્રાર્થના.

પ્લેસીબો :
“ If  your mind is healthy,  your body will follow ..”
ડૉ.પાર્થ માંકડ …
સર્વે પાઠક મિત્રો ને વિનતી કે  આપ આપના પ્રતિભાવો દ્વારા  આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા જાળવવાનો પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું.

ચતુર કાગડો … (બોધકથા)

ચતુર કાગડો … (બાળવાર્તા)

સર્વે પાઠક મિત્રો – બહેનો તેમજ  વડીલબંધુઓ  ને આજથી શરૂ થતા  ઈશુના નવા વર્ષ ૨૦૧૨ ની શુભકામનાઓ સાથે અમારી  અંતરપૂર્વક ની શુભેચ્છાઓ પાઠવીએ છીએ …

 

 

એક કાગડો હતો. ઉનાળાના દિવસોમાં ઊડતો ઊડતો તે ઘણે દૂર નીકળી ગયો. એવામાં તેને બહુ જ તરસ લાગી. તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો. આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા.

પાણીની શોધમાં તે આમતેમ ભટકવા માંડ્યો. ઘણી શોધ કરવા છતાં તેને પાણી મળ્યું નહિ.

અચાનક તેની નજર એક કોઠી પર પડી. તેના આનંદનો પાર ન રહ્યો. ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો. તેને થયું મહેનતનું ફળ મળ્યું ખરું!

જુએ તો કોઠીમાં પાણી તો હતું પણ ઠીક ઠીક નીચે હતું. તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહિ.

પાણી પીવા તેણે ઘણી મહેનત કરી. ખૂબ ઊંચો નીચો થયો,પરંતુ બધી જ મહેનત નકામી ગઈ.

પણ તે હિંમત ન હાર્યો. ખંતથી કામ લેવાનું તેણે નક્કી કર્યું. કોઈપણ યુક્તિ કરીને તરસ છીપાવવી એમ તેણે વિચાર્યું.

તે ચતુર હતો. તેણે આજુબાજુ નજર કરી. બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તે મનમાં હરખાયો. તેને યુક્તિ સૂઝી ગઈ.

જો કે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી. તરસે મરવા કરતાં મહેનત કરવી સારી એમ વિચારી તેણે ઢગલામાંથી ચાંચથી કાંકરો ઉપાડ્યો. કાંકરાને કોઠીમાં નાખ્યો. તેણે વારાફરતી ઊડી ઊડીને કાંકરા કોઠીમાં નાખવા માંડ્યા.

કોઠીમાં કાંકરા જેમ જેમ પડતા ગયા. તેમ તેમ કોઠીનું પાણી ઊંચે આવતું ગયું. પાણી છેક કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાંકરા નાંખ્યા.

કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. પેટ ભરીને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઊડી ગયો.

જ્યાં ચતુરાઈ અને મહેનત બન્ને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ અઘરું રહેતું નથી.