મેથીના ઢેબરા …

મેથીના ઢેબરા …

સમય: ૧ કલાક

૪-૫ વ્યક્તિ માટે 

 

શિયાળો – ઠંડી ઋતુમાં બાજરો ખાવો જોઈએ અને તે ખૂબજ સ્વાદિષ્ટ હોય છે.  શિયાળામાં બાજરો તેમજ લીલી મેથી (Fenugreek Leaves) પણ બજારમાં સારી મળે છે. જે ખૂબજ પૌષ્ટિક આહાર છે. કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકાય છે. આજે આપણે મેથીના ઢેબરા બનાવીશું.

 

સામગ્રી :

૨૫૦ ગ્રામ બાજરાનો લોટ (૨-કપ)

૧૭૫ ગ્રામ ઘઉંનો લોટ (૧-૩/૪ – કપ)

૧૦૦ ગ્રામ રવો (૩/૪ કપ)

૭૫ ગ્રામ મકાઈ નો લોટ (૧/૩ – કપ)

૨ કપ લીલી મેથી (બારીક સમારેલી)

૧ ટે.સ્પૂન તલ (સફેદ)

૧/૨ નાની ચમચી જીરૂ

૨૦૦ ગ્રામ ખાટું દહીં (૧ –કપ)

૧ નાની ચમચી ગોળ

૧ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૨ લીલા મરચાં

૧ નાનો ટુકડો આડું (૧-ઈંચ લંબાઈમાં)

૧/૪ નાની ચમચી લાલ મરચાનો પાઉડર

૧/૪ ચમચી હળદર પાઉડર

તેલ ઢેબરા તળવા માટે જરૂરી

રીત:

બાજરાના લોટમાં ઘઉંનો લોટ, મકાઈનો લોટ અને રવો એક ચારણીથી ચાળી અને એક વાસણમાં મિક્સ કરવો.

મેથીને ધોઈ ને તેના પાન પરથી પાણી હટાવી અને બારીક સમારી લેવી. મરચાં ની ડાળખી તોડી મરચાંને ધોઈ ને તેમાંથી બી કાઢી અને બારીક સમારી લેવા. આદુને છીણી અને તેની પેસ્ટ બનાવી લેવી. દહીંમાં ગોળ મિક્સ કરી દેવો.


લોટમાં વચ્ચે ખાડા જેવી જગ્યા કેરી તેમાં જે ગોળ દહીંમાં મિક્સ કરેલ તે દહીં, ૧-ટે.સ્પૂન તેલ, બારીક સમારેલી મેથી અને બધીજ બાકી રહેલ સામગ્રી (મસાલા) અંદર નાખી અને સારી રીતે મિક્સ કરી અને તેમાં જરૂરી પાણી ઉંમેરી અને પૂરીના લોટ જેવો મસળી ને લોટ બાંધવો. લોટને ગૂંથી લીધા બાદ લોટને ૧/૨  કલાક માટે ઢાંકી ને રાખી દેવો. (લોટ ફૂલી જશે અને સેટ થઇ જશે)


ત્યારબાદ, લોટને ફરી મસળી ને લોટના લીંબુના આકાર જેવડા નાના લુઆ/ગોળા પાડવા.

એક કડાઈમાં તેલ નાખી અને ગરમ કરવું. ત્યારબાદ એક લુઆ / ગોળાને લઇને હાથમાં થોડું તેલ લગાડી અને પાટલી પર પણ તેલ લગાડી અને તેને વણવું, આ સિવાય અન્ય રીત છે, પાટલી પર પ્લાસ્ટિક પાથરી અને તેની પર તેલ લગાડી અને એક ગોળો તેની ઉપર મૂકી અને તે પૂરી જેવા આકારમાં નાની પૂરી અથવા ૨-૩ ઈંચ ની પૂરી જેવડું વણવું અને ગરમ તેલમાં તે  નાખી અને ઢેબરું તળવું. તળતી સમયે ઝારાની મદદથી કડાઈમાં તેને થોડું દાબવું અને માથે ગરમ તેલ રેડવું જેથી ઢેબરું સારી રીતે ફૂલશે. બંને સાઈડમાં બ્રાઉન થાય તેમ તેણે તળવું. અને બ્રાઉન થઇ ગયા બાદ એક પ્લેટ પર પેપર નેપકીન પાથરી અને તેની પર મૂકવા.  આવીજ રીતે ધીરે ધીરે બધાજ ઢેબરા તળી લેવા. એક સાથે ૨-૪ ઢેબરા એક સાથે તળી શકાઈ. આંમ બધાજ ઢેબરા તળી અને પ્લેટમાં રાખી દેવા.

બીજી રીત :

કડાઈમાં ઢેબરા તળવા ના હોઈ તો લોઢી /તાવીમાં શેકી શકાય. જે થેપલા જેવા આકારમાં મોટા પતલા વણવા અને ત્યારબાદ તાવીમાં  બને બાજુ બ્રાઉન થાય તેમ શેકવા અને તૈયાર થઇ ગયા બાદ પ્લેટમાં રાખી દેવા.


ઢેબરા અથાણા ની સાથે કે ચટણી સાથે ખાઈ શકાય.  થેપલા જેવા ઢેબરા ને બટેટા વટાણા ના શાક સાથે પણ ખાઈ શકાય છે.

ઢેબરાને ફ્રીઝમાં રાખીને ૪-૫ દિવસ ઉપયોગમાં લઇ શકાય છે. ફ્રીઝમાં રાખેલ ઢેબરાને બહાર કાઢી ગરમ કરીને ખાઈ શકાય છે. શિયાળામાં બાજરો લાંબો સમય ખરાબ થાતો ના હોઈ ઉપયોગમાં લઇ શકાય છે.

નોંધ : જો તમે પસંદ કરો તો આદુ – લસણ અને લીલા મરચાની પેસ્ટ બનાવી અને તે પણ મસાલા સાથે ઉપયોગમાં લઇ શકાય છે. જેનો સ્વાદ પણ અનેરો આવે છે.

 

બ્લોગ લીંક :http://das.desais.net