કયાંથી લાવું ?? …

કયાંથી લાવું ?? …

radhakrishna

૧) મન કેરી વૃંદાવનની ગલીઓમાં આમતેમ ભટકું છું
પણ ગોપીઑ કેરી રસભાવના ક્યાંથી લાવું?
-દ્વારમાંથી નંદભવનમાં જવા માટે અધિરી બનતી જાઉં છું
પણ દ્વારમાંથી અંદર જવાનો માર્ગ ક્યાંથી લાવું?
-મા, મૈયા ને અમ્મા બનીને લાડીલાને લાડ લડાવું છું
પણ તોયે માતા યશોદા કેરું વહાલ ક્યાંથી લાવું?
-નરો, ચતુરા ને પાથો સાથે દેવદમનની નિત્ય વાતો કરતી રહું છું
પણ તેમની જેમ દેવદમનને આંખોથી પીવાનો મહાવરો ક્યાંથી લાવું?
૨) મન કેરી વૃંદાવનની ગલીઓમાં આમતેમ ભટકું છું
પણ ગોપીઑ કેરી રસભાવના ક્યાંથી લાવું?
રોજ યમુના તટ કેરા પનઘટ પર પાણીડા ભરવા જાઉં છું
પણ ગોપીઑ કેરી મટુકીઑ ક્યાંથી લાવું?
-કુમુદિની બનીને રોજે યમુના જલમાં ખીલતી રહું છું
પણ રાધાજીની વેણીમાં ગૂંથાવાને કનૈયાનો હસ્ત ક્યાંથી લાવું?
-અષ્ટ સખાઓ સાથે રહીને નિતનિત નવા પદ ગાતી રહું છું
પણ ઠાકુરજીને રીઝવવા માટે સુંદર ભાવ ક્યાંથી લાવું?
૩) મન કેરી વૃંદાવનની ગલીઓમાં આમતેમ ભટકું છું
પણ ગોપીઑ કેરી રસભાવના ક્યાંથી લાવું?
-સખાઓ અને સખીઓ સાથે હોળીના રંગોએ રમતી જાઉં છું
પણ રંગીલા વનમાળીજી સાથેના રંગોથી રંગાયેલું હૃદય ક્યાંથી લાવું ?
મારા પ્રમાણેની ઉત્તમ ને સર્વોત્તમ સેવા શ્રી હરિની કરું છું
પણ શ્રી વિઠ્ઠલ પર વ્હાલ ઢોળવાને શ્રી વલ્લભ કેરું વાત્સલ્ય
ક્યાંથી લાવું?
-શ્રી ગોવર્ધનરાયજીના ચરણોમાં બેસી સેવકત્વ સ્વીકારું છું
પણ તોયે શ્રી ગિરિરાજજી તણી દૈન્યતા ક્યાંથી લાવું?
-કુંજ નિકુંજોમાં શ્યામસુંદરને શોધવા માટે ફરતી રહું છું
પણ શ્યામસુંદરને શોધવા માટેની તત્પરતા ક્યાંથી લાવું?
૪) મન કેરી વૃંદાવનની ગલીઓમાં આમતેમ ભટકું છું
પણ ગોપીઑ કેરી રસભાવના ક્યાંથી લાવું?
સાભાર : પૂર્વી મલકાણ – મોદી  – (યુ.એસ.એ.)

અમૂલ્ય જીવન …

અમૂલ્ય જીવન …
life
 

એક પ્રખ્યાત વક્તાએ હાથમાં સો રૂપિયાની નોટ રાખી ભાષણ આપવું શરૂ કર્યું. આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરૂ કરતાં જ તેણે હાથમાં પકડેલી સોની નોટ બતાવતા પૂછ્યું, ‘કોને જોઈએ છે આ સો રૂપિયાની નોટ?’

ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એણે કહ્યું, ‘ભલે. જેટલાએ હાથ ઉપર કર્યા છે એ દરેકને હું આ સો રૂપિયાની નોટ આપીશ પણ એ પહેલાં મારે કશુંક કરવું છે.’ એમ કહી એ સો રૂપિયાની નોટનો તેણે ડૂચો વાળી દીધો. ખંડમાં સન્નાટો વ્યાપી ગયો. એ ચૂંથાયેલી નોટ તેણે ધીમેથી ખોલી અને પૂછ્યું, ‘હજુ પણ આ નોટ કોને જોઈએ છે?’ ફરી હાથ ઉપર થવા લાગ્યા.

‘ભલે’ કહી એણે એ સો રૂપિયાની નોટ જમીન પર ફેંકી પોતાના બૂટ નીચે કચડી. ફરી ઊંચકી અને ડૂચો વળેલી, પગ નીચે ચગદાયેલી એ નોટ ઊંચી કરી પૂછ્યું, ‘હજુય આવી ખરાબ અને ધૂળવાળી નોટ કોને જોઈએ છે?’ છતાં ય બધાના હાથ ઉપર થયા.

‘મારા પ્રિય મિત્રો. ખૂબ મહત્વની વાત આજે આપણે શીખ્યા છીએ. આ નોટને મેં ડૂચો કરી, રગદોળી છતાં તમને જોઈએ છે, કારણ કે તમને ખબર છે કે એનાથી એની કમિંત ઘટશે નહીં. અત્યારે પણ એ સો રૂપિયાની નોટ જ છે. આવી જ રીતે ઘણીવાર જીવનમાં આવતા સંજોગોને લીધે આપણે નીચે પડીએ છીએ, ખોટા નિર્ણય કે ભૂલને લીધે હતાશ, નિરાશ થઈ સંકોચાઈ જઈએ છીએ. આ નોટની જેમ જ ડૂચો વળી જઈએ છીએ અને આપણને લાગે છે કે આપણે સાવ નકામા થઈ ગયા છીએ પણ એવું નથી. કંઈ પણ થાય છતાં આપણી કમિંત નથી ઘટતી. આપણે બધા ખાસ છીએ – આ વાત ક્યારેય ન ભૂલતા.’

સોર્સ  : અજ્ઞાત