જ્ઞાન પ્રાપ્તિના સોપાન …

જ્ઞાન પ્રાપ્તિના સોપાન …

gyan

જ્ઞાન એટલે શું ?
સામાન્ય રીત જ્ઞાનના જુદા જુદા તબક્કા અને કક્ષાને આધારે આ પ્રશ્નના જવાબ આપી શકાય છે. સૌ પ્રથમ તો આપણામાના સૌ મોટે ભાગે ઇન્દ્રિયો દ્વારા એકઠી કરેલી માહિતીને જ્ઞાન ગણે છે. આ જ્ઞાન કે માહિતી ઇન્દ્રિયો દ્વારા મળેલ બાહ્ય જ્ઞાન પણ હોઈ શકે અને મન દ્વારા મેળવેલ આંતરિક જ્ઞાન પણ હોઈ શકે.
માહિતી અને જ્ઞાનની પ્રૌદ્યોગિકીના વિકાસ દ્વારા માહિતીસંગ્રહની પ્રક્રિયા વધુ ઝડપી તો બની છે. ઈન્ટરનેટ દ્વારા આપણે માહિતીના અત્યંત વિશાળ વિશ્વને  એક જ સ્થળે બેસીને મેળવી શકીએ છીએ. અને એ પણ ઘણી ઓછી કીંમતે!
બીજો તબક્કો એટલે આ જ્ઞાન-માહિતીના સમૂહનું વર્ગીકરણ કરવું અને તેને જુદા જુદા ઉપયોગ પ્રમાણે નામ આપવાં. અહીં આ વાત યાદ રાખવા જેવી છે કે દરેકે દરેક વ્યક્તિ આ જ્ઞાનસમૂહને પોતપોતાના દ્રષ્ટિકોણ સાથે મેળવતો હોય છે. એટલે એમાં આત્મલક્ષી દ્રષ્ટિકોણને ધ્યાનમાં લેવો પડે કારણ કે એ ઘણો મહત્વનો દ્રષ્ટિકોણ છે.
આવી જ્ઞાનમાહિતી મેળવવામાં અને તેનું વર્ગીકરણ કરવામાં દરેક વ્યક્તિની પાશ્ચાદભૂમિકા જેમકે કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક વગેરે અગત્યનો ભાગ ભજવે છે. ઉદાહરણ તરીકે એક આયુર્વેદિક ડોક્ટરના ઘરે ઉછરેલ વ્યક્તિ એલોપેથીની દવા આપતી વખતે એને  મળેલા સાહજીક આયુર્વેદિક જ્ઞાન અને માહિતીને એ ભૂલી ન શકે; પછી ભલે એ પોતે એલોપેથીના ડોક્ટર હોય તો પણ એ જ્ઞાનનો પ્રભાવ એના પર અલ્પાંશે પણ પડવાનો જ.
જ્ઞાન અને માહિતીના વર્ગીકરણ તેમજ તેને વ્યાખ્યાયિત કરવાના પ્રયાસોમાં પણ પોતાના વ્યવસાય પ્રમાણે જુદા જુદા દ્રષ્ટિકોણ અને અલગ પદ્ધતિઓ પણ આપણને જોવા મળવાની. દા.ત. કોઈપણ દર્દીને જ્યારે આયુર્વેદના, હોમીઓપેથીના ડોક્ટર ચકાસતા હોય ત્યારે રોગ વિશે માહિતી એકઠી કરવાની પ્રક્રિયા અલગ અલગ રહેવાની. હોમીઓપેથીમાં રોગનાં ઘણાં લાક્ષણિક ચિહનો પર વિશેષ ભાર દેવાય છે. એલોપેથી કે આયુર્વેદમાં આટલી બારીકાઈથી લાક્ષણિક ચિહનો પર ધ્યાન અપાતું નથી. ક્યારેક ક્યારેક તો નાડી જોઈને જ વૈદરાજ દવા આપી દેતા હોય છે. આથી આટલું તો સ્પષ્ટ થાય છે એના પર આધારિત છે, એટલે કે એ કાર્ય આત્મલક્ષી છે.
જ્ઞાન મેળવવાનું ત્રીજું પગલું એળે મેળવેલા વર્ગીકૃત જ્ઞાનને વ્યાખ્યાયિત કરવું. આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ જો અપનાવીએ તો આ વ્યાખ્યાન અગાઉથી નિર્ધારિત કરેલ ‘મોડેલ’ પર આધારિત રહે છે. દરેક પ્રકારના વિજ્ઞાનમાં આવા ૨૦૦ થી ૩૦૦ જેટલા મુખ્ય ‘મોડેલ્સ’ આપણને જોવા મળે છે. આના ઉપયોગથી જ એકઠી કરેલી વર્ગીકૃત માહિતીને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ મોડેલને પૂરેપૂરું જાણવું –સમજવું અને એનો ક્યારે વિનિયોગ કરવો અને એ માટે ક્યા કયા પ્રકારની માહિતીઓ આવશ્યક છે, એ વિશે જે તે વિજ્ઞાન શાખાના નિષ્ણાતને પ્રશિક્ષિત કરવામાં આવે છે, જેટલા વધુ આવા  મોડેલ્સને વ્યાખ્યાયિત કરવાની ક્ષમતા રાખે તેટલા પ્રમાણમાં એ જે તે વિષયના નિષ્ણાત ગણાય છે.
પાશ્ચાત્ય દેશોમાં જ્ઞાન અને માહિતી મેળવવાની આ એક મુખ્ય પદ્ધતિ કે પ્રણાલી છે. આનાથી  પણ એક પગલું આગળ વધીને આવાં માહિતીજ્ઞાનથી પણ ઉત્કૃષ્ટ કક્ષાનું જ્ઞાન એટલે શાણપણ છે, એમ તેઓ માને છે. આવું શાણપણ તો વર્ષો સુધીના જ્ઞાન મેળવવાની પ્રક્રિયાને જીવનમાં અમલમાં મૂક્યા પછી  આવે છે.
એનો અર્થ એ થયો કે જ્ઞાન અને માહિતીને મેળવવાં, એમને સુયોગ્ય રીતે વર્ગીકૃત કરવાં તેમજ તેને વ્યાખ્યાયિત કરવાં એ જ પૂરતું નથી. જ્યાં સુધી આ જ્ઞાનમાહિતીને વ્યવહારમાં ઉપયોગમાં ન લેવાય ત્યાં સુધી સાચું શાણપણ આવી શકતું નથી. કાર્યન્વિત  થયા વિનાનું જ્ઞાન કે માહિતી નિરર્થક છે.
હવે પ્રશ્ન એ ઊભો થાય કે પ્રાપ્ય જ્ઞાન-માહિતીની વ્યાખ્યા કર્યાં પછી આ જ્ઞાન શેના દ્વારા ઉપયોગ અને ક્રિયાશીલતાવાળું બને છે ? એ માટે આવશ્યક એવી જીવન દરમિયાન આપણે જ્ઞાનમાહિતી એકઠાં કરી શકીએ, જે તે વિષયમાં નિષ્ણાત પણ બની શકીએ અને એની ગળે ઊતરે તેવી વ્યાખ્યા કરવાની ક્ષમતા ધરાવતા બનીએ, પરંતુ મનની દ્રઢસંકલ્પ શક્તિ વિના આપણામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવી ન શકે. આપણે પરિવર્તન પામવા ઈચ્છીએ, આપણી પાસે એ પરિવર્તન માટે પૂરતું જ્ઞાન પણ હોય, પરંતુ આપણે ઘણીવાર જેવા છીએ તેવાં જ જીવવા શાપિત બન્યા હોય એવું લાગે છે.
મેં મેળવેલ જ્ઞાનમાહિતીની શક્યતાઓ અને ક્ષમતાઓથી મારા મનમાં એક ઝાંખું ચિત્ર આવી પણ શકે, પરંતુ વાસ્તવિક રીતે તો જ્યારે એ બધાને હું મારા જીવનમાં ઉતારું એટલે કે એને જીવનવ્યવહારમાં લાવું ત્યારે જ એની સાચી ગુણવત્તાનો ખ્યાલ આવે છે.
જગતના મહાન માણસો એ હતા કે જેમણે માત્ર અને માત્ર જ્ઞાન-માહિતી એકત્ર કરવામાં જિંદગી કાઢી નથી, પરંતુ એમણે તો જે તે જ્ઞાન-માહિતી મળ્યાં એની સાચી ગુણવત્તા જાણી લીધી અને એની પાછળ જ મંડી પડ્યા; અને જ્યાં સુધી એમના જીવનમાં એ જ્ઞાન-માહિતીએ દિશાસૂચક પરિવર્તન લાવી ન મૂક્યું ત્યાં સુધી તેઓ એની  પાછળ જ પડી ગયા. કોઈ પણ જ્ઞાન પાછળ બૌદ્ધિક કે તાર્કિક રીતે પડવાથી વધારે સારું તો એ છે કે એની પાછળ પોતાના સમગ્ર અસ્તિત્વ સાથે, એટલે કે મન-હૃદય પ્રાણ રેડી ને એને ક્રિયાશીલ બનાવવાનો પ્રયત્ન કરવો.
જયારે તમે આ પ્રક્રિયા દ્વારા જ્ઞાન સાથે પ્રવૃત બનો છો ત્યારે જ તમારા જીવનમાં પરિવર્તનની પળ આવે છે. એવા કેટલાય વૈજ્ઞાનિકો છે કે જેમણે વિજ્ઞાનનો અભ્યાસ તો કર્યો છે, પણ એ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો કે પ્રણાલીઓને પોતાના દૈનંદિન જીવનમાં કે પોતાના જીવન ઘડતરમાં એનો વિનિયોગ નથી કર્યો. આપણે ઇતિહાસનો અભ્યાસ નકારી શકીએ છીએ પણ ઇતિહાસમાંથી બોધપાઠ મેળવીને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જીવવાનું ક્યારેય વિચારતા નથી. આવે વખતે પ્રાપ્ત કરેલ જ્ઞાન માહિતી નિર્થક બની જાય છે.
કેટલા બધા અંધશ્રદ્ધા, વહેમ અને પૂર્વગ્રહો આપણા જીવનનું ચાલક બની જાય છે? જો આપણે સાચી રીતે વૈજ્ઞાનિક વિચારો ધરાવતા હોઈએ અને વિજ્ઞાનીક પદ્ધતિ પ્રમાણે તર્કસંગત રીતે જીવવાનો દાવો કરતા હોઈએ તો ઉપર્યુક્ત ઊણપોનું અસ્તિત્વ આપણા જીવનમાં રેહવાનું નથી. પણ એને માટે એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે તર્કસંગત જીવન જીવવા આપણામાં અનન્ય વિનમ્રભાવ હોવો જોઈએ અને આપણી થતી ભૂલો સ્વીકારવાની ક્ષમતા પણ આપણામાં હોવી જોઈએ.
યુગ, સમાજ, રાષ્ટ્ર કે રાજ્યની બદલાતી જતી પરિસ્થિતિ પ્રમાણે આપણે નવાં નવાં ‘મોડેલ’ રચવાં પડે અને મેળવેલ જ્ઞાનમાહિતીના સંગ્રહને નવા દ્રષ્ટિકોણથી જોવી પડે અને વ્યાખ્યાયિત કરવી પડે. આ માટે તો આપણે આપણા  પૂર્વગ્રહો અને પહેલાંની જૂની પદ્ધતિની વળગણોને ખંખેરી નાખવાની ક્ષમતા કેળવવી પડે.
આમ થાય તો માણસ જ્ઞાન મેળવવાનો સાચો અધિકારી બને છે. આવો માણસ જ મક્કમ મને આટલું ચોક્કસ કહી શકે કે હવે હું માત્ર જ્ઞાન-માહિતી જ એકઠાં નહિ કરું પણ હું એને ફરીથી જીવતાંજાગતાં બનાવીને એને નવા જ્ઞાનસર્જનમાં પરિવર્તિત કરીશ.
સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું હતું કે એમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ  એટલા માટે શ્રેષ્ઠ છે કે એમની પાસે આપણા જેવું ઉછીનું –પાછીનું જ્ઞાન ન હતું, અને એવું કરવાની ઈચ્છા પણ ન હતી. એમણે તો એ પ્રચલિત દાળ –રોટી કમાવાની વિદ્યાને ત્યજી પણ દીધી હતી. આપણા જેવા કેહવાતા ભણેલ –ગણેલ માટે સ્વામીજીએ કહ્યું હતું કે આપણામાંથી મોટા ભાગના લોકો આવું ઉછીનું-પાછીનું જ્ઞાન ધરાવે છે.એટલે જ આપણામાંથી કોઈ પણ વ્યક્તિ સર્જનાત્મક વિચાર કરી શકતી નથી. પરંતુ શ્રીરામકૃષ્ણદેવ તો સીધે સીધા પ્રત્યક્ષ રૂપે પ્રકૃતિ પાસેથી મૂળ જ્ઞાનના સ્તોત્રને મેળવવા તત્પર રહ્યા.
ભૌતિક વિજ્ઞાનના મોટા ભાગના મહાન વૈજ્ઞાનિકોએ પણ આજ પ્રણાલી દ્વારા મહાન શોધો કરી છે અને જ્ઞાનના ભંડારમાં સર્જનાત્મક સંવૃધ્ધી કરી છે.
દા.ત. આઇન્સ્ટાઇને પોતાના વિચારો  કે તર્કનો પ્રયોગ પોતાના મનમાં કર્યો. અને એમણે દુનિયાને જોવાની નવી તરકીબ કે રીતે પોતાના મનમાં જ સર્જી લીધી. પછી બહારથી મેળવેલા જ્ઞાનના જથ્થાનો ઉપયોગ કરીને પોતાના મનમાં જોયેલી નવી તરકીબને પરીપૂષ્ટ કરી.
એટલે કે કલા, સૌન્દર્ય, સંગીત, વિજ્ઞાન, દર્શન શાસ્ત્ર, આધ્યાત્મિકતા, જેવાં બધાં ક્ષેત્રોમાં જે લોકો પ્રાજ્ઞજનો હતાં, એમણે આ જ પદ્ધતિનું અનુસરણ કર્યું હતું. એટલે આવા પ્રાજ્ઞ પુરુષો પાસે આવી ક્ષમતા હોવી જોઈએ:
  • જ્ઞાનમાહિતી એકઠી કરવાં માટે એમની પાસે ઉત્કૃષ્ટ સાધનો હોવાં જોઈએ, પછી ભલે એ બાહ્ય હોય કે આંતરિક હોય.
  • એમને ઇંન્દ્રિયજન જ્ઞાન માટે એક પ્રકારનો આદર હોવો જોઈએ, એને એ અવગણી ન શકે પણ એમણે એ પણ સપષ્ટ સમજી લેવું જોઈએ કે જે ઇન્દ્રીયો દ્વારા સ્પષ્ટપણે જોઈ-જાણી શકાતું નથી.
  • એમનામાં સંગૃહિત જ્ઞાનમાહિતીને વ્યવસ્થિત રીતે વર્ગીકૃત કરવાની અને એનું સુયોગ્ય પ્રબંધન કરવાની ક્ષમતા હોવી જોઈએ.
  • આ સંગૃહિત અને વર્ગીકૃત જ્ઞાનમાહિતી વર્તમાન ‘મોડેલ’ કે પોતે સર્જેલ નવા ‘મોડેલ’ દ્વારા એને વ્યાખ્યાયિત કરવાની ક્ષમતા પણ કેળવવી પડે. કોઈ પણ વ્યક્તિ પાસે જ્ઞાનનો ભંડાર હોઈ શકે, પણ જો એને સુપેરે અભિવ્યક્ત ન કરી શકે તો એ નિર્થક બની જાય છે.
  • આ ઉપર્યુક્ત જ્ઞાનમાહિતીને દૈનંદિન વ્યવહારુ જીવનમાં પણ ઉતારવાની ક્ષમતા એણે કેળવવી પડે. સર્જનાત્મક કે ક્રિયાશીલતાવિહોણી એકઠી કરેલી માહિતી કે એનું વ્યાખ્યાન વ્યક્તિગત રીતે કે સામુહિક રીતે કોઈપણ પ્રકારનું પરિવર્તન લાવી શકતી નથી.
જ્યારે કોઈ  પણ વ્યક્તિ પોતાના જ્ઞાન પ્રાપ્તિના ક્ષેત્રમાં અંતિમ તબક્કે પહોંચે ત્યારે એની અને જ્ઞાનની વચ્ચે કોઈભેદ રહેતો નથી.
દા.ત. જેમ જેમ કોઈ મહાન સંગીતકાર પોતાની સૂરાવલીઓમાં ઊંચે ને ઊંચે જતો જાય તેમ તેમ એ પોતાની સંગીત વિદ્યામાં ગૂમ થઇ જાય છે અને એ જ એનું સંગીત બની જાય છે. આ કક્ષાએ વ્યક્તિનાં કૌશલ્ય અને એની ક્ષમતાઓ એક બની જાય છે.
એટલે કે માણસ જૈવિક કક્ષાથી (બાયોલોજિકલ નોલેજ) ઉપર ઊઠીને આપણે વૈશ્વિક જ્ઞાન મેળવાનો પ્રારંભ કરીએ છીએ. ૯૫% લોકો આ કક્ષા સુધી પહોંચે છે અને પછીએ અટકી જાય છે. તેઓ પોતાનાં સબંધો, સત્તા, ધન-સંપત્તિ, ઈચ્છાપૂર્તિઓ, ભાવિ આશાઓ, પોતાની સામાજિક પ્રતિભા, વગેરેમાં ફસાઈ જાય છે.
પરંતુ ગણ્યાગાંઠ્યા લોકો ઉપર્યુક્ત બાબતથી સંતુષ્ઠ થયા વિના પોતાની પસંદગીનાં જ્ઞાનક્ષેત્રમાં કૌશલ્ય તેમજ ક્ષમતામાં ક્રમશ: વૃદ્ધિ કરતાં રહે છે. જ્યાં સુધી પોતાના અંતિમ ધ્યેય કે લક્ષ્ય સુધી પહોંચતા નથી ત્યાં સુધી એમનાં જીવને સંતોષ થતો નથી. આ માટે આવા લોકોએ ઘણાં સમય, તન-મન-ધનનો વિનિયોગ અને ક્ષણિક સુખનો ત્યાગ પણ કરવો પડે છે.
આવી રીતે આપણે સ્વના માલિક બનીએ છીએ. અને આપણે પોતાના ભાગ્યના વિધાતા તો બનીએ જ છીએ પણ સાથે ને સાથે આપણી આજુબાજુ રહેતા લોકોને પણ આવા માર્ગે ચલાવવા પ્રેરતા રહીએ છીએ અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમના જીવનને પણ પોતાની રીતે જીવતાં શીખવીએ છીએ અને એમને પોતાના ભાગ્યવિધાતા બનતા શીખવીએ છીએ.
(રા.જ.-૪/૧૧/૬-૮)