‘ભગવાનનું ક્યાં ધ્યાન ધરવું ?’…

‘ભગવાનનું ક્યાં ધ્યાન ધરવું ?’…

meditation

ભગવાનનું ક્યાં ધ્યાન ધરવું? જે આપણા બધાની સમસ્યા એક રીતે જોઈએ તો છે. પરંતુ આપણે સૌ આપણી સમજ-અનુકુળતા – સગવળતા પ્રમાણે તે બાબતની નિષ્ફળ કોશિશ કરતાં હોઈએ છીએ. કોઈ મંદિરમાં તો કોઈ ઘરમાં તો કોઈ ક્યાંય … છતાં કોઈ ને પણ મોટે ભાગે સંતોષ નથી આમ છતાં તે માટે નિષ્ફળ સતત પ્રયત્ન કરતાં હોઈ છે, અને ચારેય બાજુ સતત ભટકતા રહિયે છીએ. આજ રીતે શાંતિ મેળવવા માટે પણ મનુષ્ય પોતાનું ઘર છોડી અને બહાર મેળવવા ભટકતો રહે છે., અને અનેક હાલાકી ભોગવી ફરી ઘેર પાછો ફરતો હોય છે., અને ત્યારે જ તેને હાશકારો થતો હોય છે.
તો એવી તે કઈ જગ્યા છે કે જે જગ્યાએ ભગવાનનું ધ્યાન ધરી શકાય? શાંતિ મળી શકે?
શ્રીરામકૃષ્ણ પરમહંસ -(ઠાકુર) ને એક ભક્તે પૂછ્યું – ‘ભગવાનનું ક્યાં ધ્યાન ધરવું ?’
ઠાકુરે કહ્યું – ‘કેમ ભાઈ, હૃદય એ તો ડંકો મારેલી જગ્યા છે.’
આ વાતનો અર્થ શો?
ડંકો મારીને જાહેર કરવામાં આવ્યું છે; માત્ર નોટીસ મૂકીને કેહવામાં આવ્યું નથી. કોઇપણ જાહેરાત કોઈ વાંચે, કોઈ વાંચે નહીં. પણ જ્યારે ડંકા બજાવીને-ઢોલ વગાડીને ગલીએ ગલીએ ઘોષણા કરવામાં આવે તે તો બધાનાં સાંભળવામાં આવે.
ઋષીમુનિઓ પણ કહી ગયા છે કે હૃદય એ શ્રેષ્ઠ મંદિર છે.
‘ભગવાન ! તમે મારા હૃદયમંદિરમાં આવી ઇષ્ટરૂપે સ્થિર થાઓ’ – આવી હોઈ છે ભક્તની આકાંક્ષા.
આપણી સાધના, આપણાં ધ્યાન, જપ, પૂજા- બધું જ અંદર. મનને બહારથી અંદર લાવવું પડશે.
ગીતામાં ભગવાને કહ્યું છે કે તેઓ બધાં પ્રાણીમાં છે, તેઓ સર્વવ્યાપી છે. તેઓ હૃદયની બહાર પણ છે, તો પછી આમ કેમ કહ્યું?
શા માટે અંદરની વાત કરી?
શ્રીરામકૃષ્ણ એ પણ કહ્યું છે કે હૃદયમાં ધ્યાન કરજો.
એક વાત છે – ‘રથે ચ વામન દ્ષ્ટવા પુનર્જન્મ ન વિદ્યતે’-
અર્થાત- રથ છે હૃદય, ત્યાં તેમને જોવા પડશે, તેમ થશે તો પછી પુનર્જન્મ થશે નહીં.
સર્વવ્યાપી ભગવાન ઓતપ્રોત ભાવે ચરાચર વિશ્વને આવૃત કરીને રહ્યા છે- ‘સર્વમાવૃત્ય તિષ્ઠતિ.’
તો પછી હૃદયમાં જ કેમ?
તેના જવાબમાં ઠાકુરે કહ્યું છે કે – ‘જમીનદાર – તેને વિસ્તૃત જમીનદારી હોય, મહેલો, હવેલીઓ હોય, કેટલી સંપતિ, કેટલી ધનદોલત હોય, પરંતુ પોતે પોતાને પ્રિય બગીચાના મકાનમાં કે બંગલામાં વધુ રહે. તેમની મુલાકાત કરવી હોય તો ત્યાં જ જવું પડે’. શ્રી રામચંદ્ર સાત દ્વિપોના અધિપતિ હોવા છતાં આપણે કહીએ છીએ કે ‘અયોધ્યાપતિ રામ’ – અયોધ્યા જ રઘુપતિ ની રેહવાની જગ્યા. તે રીતે ભક્ત હૃદયમાં ભગવાન.
‘ભક્તનું હૃદય ભગવાનનું દીવાનખાનું છે’ -ઉપનિષદમાં કહ્યું છે કે ‘અન્ત:શરીરે જ્યોતિર્મયો હિ શુભ્ર:’.
જ્યોતિર્મય શુભ્ર ભગવાનને પેહલાં તો ‘અંત:શરીર’ માં શોધવા પડશે. તેઓ અંદર છે -એજ સર્વપ્રથમ સમજવું પડશે. આજ છે ધર્મની અસલ વાત. અંદર આવવું પડશે. જિસસે કહ્યું છે કે ભગવાનનું રાજ્ય તમારી અંદર રહ્યું છે. મહાભારતમાં છે કે ‘ધર્મસ્ય તત્વં નિહિતં ગુહાયામ્,’ અહીં ગુહા એટલે હૃદય; તેથી અંદર શોધ કરવી પડશે, જોવું પડશે, બહાર તપાસ કરી ચાલશે નહીં. જેઓ બહારથી અંદર આવી શકે છે, તેઓના ધર્મજીવનની શરૂઆત થઈ ગઈ છે.
બંગાળીમાં એક ગીત છે કે, આપનાતે આપનિ થેકો મન, જેઉ નાકો કારો ઘરે.
આ ગીતનો ભાવ એવો છે કે -પોતાની અંદર શોધ કરવી પડશે, ત્યાં જ બધું મળશે…ઉપનિષદ, ગીતા, બાઈબલ, – બધામાં આ જ વાત કહી છે. ઉપનિષદ કહે છે કે- બહિર્મુખ ઇન્દ્રિયો પ્રત્યે પરમેશ્વર વિદ્વેષ કરે છે. પરિણામે જીવ બાહ્ય વિષયોને જ જુએ છે, અંતરાત્માને નહીં. જ્યાં સુધી ઇન્દ્રિયો બહિર્મુખ રહે, ત્યાંસુધી સુધી જીવ આત્મજ્ઞાન મેળવી શકે નહીં. ઇન્દ્રિયો બહિર્મુખ હોવાથી જ બહારની ચીજો તેમને બહુ ગમે; બહારની દિશામાં જ તેઓ ખેંચાય. ઇન્દ્રિયોનું સર્જન જ એ પ્રકારનું છે. મન પણ એ રીતે જ તૈયાર થયેલું છે; બહારની વસ્તુ જોઈને અને તેને મેળવીને મુગ્ધ થઈ જાય. બધાં બહારના જ વ્યવહાર- અંદર પેસે કોણ ? અસલ વાત એ છે કે ઈન્દ્રિયોને અંતર્મુખ કરવી. ‘અમૃતત્વમિચ્છન’- આપણી વાસના, કામના, અમૃત્વના અધિકારી બનવાની થવી જોઈએ. આપણે અમૃતનાં સંતાનોએ અમૃતના અભિલાષી થઈને બહિર્મુખ ઈન્દ્રિયોને અંતર્મુખ કરવી-તો જ ભગવદદર્શન થશે. ખરી વાત એટલી કે- અંદર આવવું પડશે.
શ્રી રામકૃષ્ણદેવએ – સઢના થાંભલા અને પક્ષીની વાર્તા દ્વારા સાચો ઉપદેશ આપ્યો છે-
એક પક્ષી વહાણના સઢના થાંભલા ઉપર બેઠું હતું; વહાણ સમંદરમાં- મધ દરિયે હતું. પક્ષી ને થયું આમ તો ક્યારે મંઝિલે પોહચાય? મારી પાસે તો પાંખો છે, ઉડીને સમંદર પાર કરી દઉં અને મંઝિલે આ સઢના થાંભલા ના આશરા વિના આમતેમ ઉડીને પોહંચી જાઉં. પરંતુ વિશાળ સમંદર નું અંતર કેમ કરી કપાય? થાકી ને લોથ પોથ થઈ ફરી તે થાંભલે આવી બેઠું.
સઢના થાંભલાનો આશરો લેવો એટલે ભાગવાનું શરણ લેવું. સઢનો થાંભલો છોડી આમતેમ ઊડવું એટલે ધર્મપ્રાપ્તિ માટે તિર્થભ્રમણ કરવું, આ કરવું, તે કરવું. જ્યારે ભગવાનના ચરણનો આશરો લેશો, ત્યારે જ ધર્મ લાભ થશે; તેમના ચરણ પકડીને બેસવું. પક્ષી સઢને થાંભલે પાછું આવ્યું કેમ? ભમી ભમી ને પાંખ દુખવા લાગી,દિશા નું ભાન પણ હતું નહિ -એટલે આપણે સંસારમાં લક્ષ્યભ્રષ્ટ થઈને બહાર દોડાદોડ કરીએ છીએ- બહાર શોધ કરીએ છીએ, ધારીએ છીએ કે આપણે કેવા સ્વતંત્ર છીએ. પરંતુ- આ પૈસા, વિષયો, અષ્ટ પાશ – એ બધાં વચ્ચે સ્વાધીનતા ક્યાં છે ? જેઓ ઇન્દ્રિયોની ઉપર છે તેઓ જ સ્વતંત્ર છે, મન ઉપર તેમણે સત્તા મેળવી છે. ભગવાન અંદર જ રહીને ચગડોળની જેમ ઘુમાવે છે, બધું કરાવે છે. આપણે પૂરેપૂરા પરતંત્ર છીએ.
તો પછી રસ્તો શો?
ઉપાય- ‘તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત’- અંદર જાઓ, તેમનો આશરો લ્યો, સઢનો થાંભલો પકડો. આ શરણાગતિ જ સાધનાની છેલ્લી વાત છે. માનવી સમજતો નથી એટલે આમતેમ ઘૂમે. ‘સર્વભાવેન’ એટલે મનમુખ એક કરીને – ભાવના ઘરમાં ચોરી કર્યા વિના તેને શરણાગત થાઓ. તે પછી ‘તત્પ્રસાદાત્ પરાં શાન્તિમ્ ‘ – આ તો જોઈએ છે. ત્યાં જ આનંદ છે, શાંતિ છે. આનંદ એટલે શાંતિ. વિષયોમાં શાંતિ નથી. વિષયાનંદની -સાથે સાથ અશાંતિ. તમને હજાર રૂપિયા મળ્યા – તે પછી વધારે જોઈએ, એથી પણ વધારે. જગત આપણો તાબામાં આવે તો પણ તૃપ્તિ થાય નહીં, વધારે ને વધારે જોઈએ. આપણે બહાર શોધી શોધીને હેરાન થઈ ગયા, પણ શાંતિ ક્યાં છે ? માટે અંદર આવો, તેમને-ઈશ્વરને-પકડો. એ જ છે ઉપાય.
આનંદ-શાંતિ બહારની વસ્તુ નથી. સંપત્તિ જેટલી વધે તેટલો આનંદનો અભાવ. એક સમળી ઝાપટ મારીને માછલી પકડી ઊડી. અસંખ્ય કાગડાઓ તેની પાછળ પડ્યા. સમલી માછલી લઇ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ચારે તરફ ઘૂમી; કાગળા પણ પાછળ ને પાછળ. ઊડી ઊડીને સમળીને અજંપો આવ્યો. લાંબે વખતે થાકીને માછલી તેણે ફેંકી દીધી. માછલી નીચે ફેંકતા જ- બધાં કાગળા તેનાથી દૂર માછલી પાછળ ગયા, હાશ કરીને છૂટી આ વાસના-માછલી; અને કાગડાઓ હતા તેની અશાંતિ જ્વાળા. વાસના રૂપી માછલી જ્યાં સુધી રેહશે ત્યાં સુધી અશાંતિ. ત્યાગમાં જ શાંતિ – ત્યાગ આચરવો પડશે. ત્યાગમાં જ ધર્મનો આરંભ થશે.
સૌજન્ય: શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન ના સ્વામી વિશુદ્ધાનંદ ના લેખ પરથી સંકલિત કરી આ લેખ અત્રે મૂકવા નમ્ર કોશિશ કરેલ છે., જે માટે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન નો આભારી છું.