સૂર્ય કેન્દ્રિત વિશ્વ વિશે ભારતનાં શાસ્ત્રો …

સૂર્ય કેન્દ્રિત વિશ્વ વિશે ભારતનાં શાસ્ત્રો …
sun n earth
૧૪૫૩માં પશ્ચિમના ખગોળ શાસ્ત્રના વૈજ્ઞાનિક કોપરનિક્સે સૂર્ય કેન્દ્રિત વિશ્વની વાત સૌ પ્રથમ કરી હતી, એમ આપણે સૌ માનીએ છીએ. એટલે કે સૂર્યની આસપાસ બધા ગ્રહો પોત-પોતાની ભ્રમણકક્ષામાં રહીને ફરે છે. આ સત્ય રજૂ કરવા જતાં એમના પર પવિત્ર બાઈબલની વિરુદ્ધ બોલવા માટે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાર પછી ૧૬૩૨માં મહાન વૈજ્ઞાનિક ગેલેલિયોએ આ વિધાનને સમર્થન આપ્યું અને એ ચર્ચના ધુરંધરોની આંખોમાં પાપી બની ગયા.
આ જ વાત આપણા વેદોમાં અને બીજાં પ્રાચીન ખગોળ શાસ્ત્રના ગ્રંથોમાં સ્પષ્ટપણે કેટલાંયે વર્ષો પહેલાં વર્ણવી છે. પણ આપણે એનાથી અજાણ છીએ. એટલે આપણા ભારતીય વૈજ્ઞાનિક દ્રષ્ટિવાળા મનીષીઓને ઓળખી જાણી ન શક્યા. સૂર્ય બધા ગ્રહોના કેન્દ્રમાં રહેલો છે, એ વાત પ્રાચીન વૈદિક ગ્રંથોમાં બહુ સરસ રીતે વર્ણવામાં આવી છે.
મિત્રો દાધાર પૃથવીમુત દ્યામ્ મિત્ર: ક્રુષ્ટી: || (૩.૫૯.૧)
સૂર્ય પોતાની આકર્ષણશક્તિથી આ પૃથવી અને બીજા સૂર્યમંડળના ગ્રહોને પોતાના તરફ આકર્ષે છે.
ત્રિણાભિ ચક્રમજરમનવઁ યત્રેમા વિશ્વા ભુવનાધિ તસ્થુ: || (૧.૧૬૪.૨)
સૂર્ય મંડળના બધા ગ્રહો સૂર્યની ભ્રમણકક્ષા માં ફરે છે.
આયં ગૌ: પૃશ્વનિરક્રમીદસદન્ માતરં પુર: | પીતરં ચ પ્રયન્ત્સ્વ : || (૧૦.૧૮૯.૧)
ચંદ્ર, પૃથ્વીનો ઉપગ્રહ છે અને એ પોતાના મૂળગ્રહ પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે.
ઋગ્વેદ-ઐતરેય બ્રાહ્મણમાં આવું કેહવામાં આવ્યું છે: સૂર્ય ક્યારેય ઊગતો નથી કે આથમતો નથી. પૃથ્વીની સૂર્યની આસપાસની પ્રદક્ષિણાને કારણે સૂર્ય પૂર્વમાં ઊગતો દેખાય છે અને પશ્ચિમમાં આથમતો દેખાય છે.
આર્યભટ્ટે આ વિલક્ષણ ઘટનાને ‘લઘુગુરુ ન્યાય’ નામના સિદ્ધાંત દ્વારા તાર્કિક રીતે સમજાવી છે. ગુરુ એટલે કદમાં મોટો અને ભારે પદાર્થ. જેમ શિષ્ય ગુરુની આસપાસ ફરે છે તેવી જ રીતે નાનો પદાર્થ મોટા પદાર્થની આજુબાજુ ફરે છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે ચંદ્ર સૂર્ય પાસેથી પ્રકાશ મેળવીને પ્રકાશે છે. એટલે સૂર્ય પ્રકાશિત છે, સ્વયં પ્રકાશિત નથી. ‘દરેક ગ્રહ પોતાની ધરીની આસપાસ ફરે છે’ એ વાત પ્રસ્થાપિત કરનાર તેઓ સર્વ પ્રથમ વૈજ્ઞાનિક હતા. એમણે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરવામાં અને સૂર્યની પ્રદક્ષિણામાં કેટલો સમય લે છે એની પણ ચોક્કસ ગણતરી કરી દીધી હતી.
ભારતીય દ્રષ્ટિએ સૂર્ય અને ચંદ્ર બંનેને ગ્રહ ગણવામાં આવતા. જે બીજાં પર પ્રભાવ પાડે છે કે બીજાથી પ્રભાવિત થાય છે, એવો અહીં ગ્રહોનો અર્થ થાય છે. ખગોળીય અને જ્યોતિષ વિદ્યાના તજજ્ઞોની આ બધી ગણતરીઓ વિવિધ ખગોળીય ગ્રહ-તારા કે નક્ષેત્રોની સ્થિતિના સાપેક્ષ પ્રમાણ પર આધારિત હતી. એટલે આ બધી ગણતરીઓનો અર્થ ‘પૃથ્વી કેન્દ્રિત વિશ્વ’ એવો ન કરવો જોઈએ. ભારતીય ખગોળ શાસ્ત્રીઓમાં આવો સ્પષ્ટ ખ્યાલ હતો કે સૂર્ય આ વિશ્વનું કેન્દ્ર છે. વેદો અને આપણી ઉપર જેમનો નિર્દેશ કર્યો છે એવા ભારતીય ખગોળ વિદ્યાના ગ્રંથો આમાં સૂર પુરાવે છે.
(‘વિવેકાનંદ લાઈફ સ્કિલ્સ એકેડમી’ દ્વારા પ્રકાશિત અને જે. ચંદ્રશેખર અને એમ. ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ ‘ઇટરનલી ટેલેન્ટેડ ઇંડિયા-૧૦૮ ફેક્ટ્સ’માંથી કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)