એકમેવાદ્વિતીયમ્…

એકમેવાદ્વિતીયમ્…

 

એક દિવસ શંકરાચાર્ય શિષ્યો સાથે ગંગા સ્નાન કરવા જઈ રહ્યા હતા. મણિકર્ણિકાની નિકટ આવતાં એમણે જોયું તો સામેથી એક કુરૂપ ભીષણમૂર્તિ ચાંડાલ સાંકળે બાંધેલ ચાર કૂતરાને લઈને ઉદ્દંડતાથી ચાલ્યો આવતો હતો. અસહાય બનીને આચાર્ય શંકરે ચાંડાલને કહ્યું: ‘અરે ચાંડાલ, કૂતરાની સાથે તું એક બાજુ ઊભો રહે; અમને નીકળી જવા દે.’ ચાંડાલે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને આગળ વધ્યો. એટલે શંકરાચાર્યે ઉત્તેજિત થઈને કહ્યું: ‘અરે! ઊભો રહે! તારા કૂતરાને રોક અને અમને માર્ગ કારી દે.’ એમની વાતને પેલા ચાંડાલે સાંભળી ન સાંભળી કરી. પછી વિકટ હાસ્ય સાથે શંકરને સંબોધીને શ્લોકબદ્ધ સંસ્કૃત ભાષામાં કહ્યું: ‘તું કોને હટી જવાનું કહે છે, આત્માને કે દેહને ? આત્મા તો સર્વવ્યાપી નિષ્ક્રિય અને સતત શુદ્ધ સ્વભાવનો છે અને જો તમે ‘એકમેવાદ્વિત્યમ્’ આ બ્રહ્મતત્વમાં પ્રતિષ્ઠિત હોવાનું મિથ્યાભિમાન કરો છો. તત્વદ્રષ્ટિએ બ્રાહ્મણ અને ચાંડાલમાં ભેદ છે ખરો? .. ગંગાજળમાં પ્રતિબિંબિત સૂર્ય અને સુરામાં પ્રતિબિંબિત સૂર્યમાં કંઈ ભેદ ખરો? શું આજ તમારું બ્રહ્મજ્ઞાન?’ ચાંડાલનાં જ્ઞાનગર્ભિત વચનો સાંભળીને શંકર તો થંભી ગયા અને ભોંઠા પડી ગયા. એનાં મનમાં સૂઝી આવ્યું કે ચોક્કસ આ કોઈ દેવ લીલા જ છે. ત્યાં જ એમણે હાથ જોડીને પ્રાર્થના કરીલ: ‘જે બધાં ભૂતો પ્રત્યે સમજ્ઞાનીછે, એ જ મારા ગુરુ છે. એમનાં ચરણોમાં કોટિકોટિ પ્રણામ કરુ છું.’ એકાએક ચાંડાલ અને કૂતરાં અદેશ્ય થઈ ગયાં. એમણે જોયું તો સૂર્ય અને અગ્નિસમા દિવ્ય પુરુષ મહાદેવ ચારે વેદ હાથમાં લઈને એમની સન્મુખ છે. શંકરે ભક્તિભાવે પ્રાર્થના કરી.
‘સમસ્ત જીવોના પતિ, પાપનાશક પરમ ઈશ્વર, ગજ્ચર્મધારી અને રમણીય તેમજ જેમની જટામાં ગંગા જળ વહી રહ્યું છે, એવા અદ્વિત્ય મહાદેવનું હું સ્મરણ કરુ છું…જે જન્મરહિત, શાશ્વત, બધાં કારણોનું કારણ, કેવળ મંગલમય, જગત્પ્રકાશક, તમ: પારવર્તી, આદિ-અંતહીન, તુરીય પરમ પાવન અને અદ્વૈત છે એમનું હું શરણ લઉં છું…હે વેભુ, હે વિશ્વમૂર્તિ, હે ચિદાનંદ મૂર્તિ, હે તપયોગગમ્ય, વેદજ્ઞાનગમ્ય, તમને વારંવાર પ્રણામ.’
પ્રસન્ન થઈને મહેશ્વર શિવે શંકરનાં મસ્તક પર હાથ મૂકીને કહ્યું: ‘હે વત્સ ! હું પ્રસન્ન થાયો છું. તમે જગતમાં વૈદિક ધર્મની પુ:ન પ્રતિષ્ઠા કરો એમ હું ઈચ્છું છું. બ્રહ્મસંકુલ મતવાદોનું ખંડન કરીને વેદાંતની નિર્દોષ નિર્મળ વ્યાખ્યા દ્વારા વ્યાસ રચિત બ્રહ્મસૂત્ર પર ભાષ્ય રચો અને વેદાંતના મુખ્ય તાત્પર્ય બ્રહ્મજ્ઞાનની પ્રતિષ્ઠા કરીને વૈદિક ધર્મનો સર્વસાધારણ જાનમાં પ્રચાર કરો. તમારું કાર્ય પૂર્ણ થતાં તમે મારામાં મળી જશો. જગતનાં સર્વવિધ કલ્યાણ માટે તમે મારા અંશથી જન્મ ગ્રહણ કર્યો છે.’
આમ કહીને શિવજી અંતરધ્યાન થઇ ગયાં.
સ્વામી અપૂર્વાનંદજી

ભક્તિ જ સાર …

ભક્તિ જ સાર …

devotion

એક ભક્ત – સંસારમાં રહી ને ઈશ્વર તરફ જવું બહુ જ કઠણ.
શ્રીરામકૃષ્ણ- કેમ? અભ્યાસ-યોગ ! દેશમાં ભાડભૂંજાનાં બૈરાં પૌંઆ ખાંડે. એ કેટલી બાજુએ સંભાળીને કામ કરે, સાંભળો. ઉપરથી સાંબેલું એક સરખી રીતે પડયા કરે છે. બાઈ નીચે કે હાથથી ડાંગર સંકોરતી જાય છે. બીજે હાથે છોકરાને ખોળામાં ધવરાવે છે. એ વખતે વળી ઘરાક આવેલ છે. આ બાજુ સાંબેલું પડ્યે જ જાય છે, ને એ સાથે ઘરાકની સાથે વાત પણ કરે છે. ઘરાકને કહે છે કે ‘ ટોમ પછી આગલા જે પૈસા બાકિએ રહ્યા છે તે ચૂકતે કરી જાઓ ને પછી નવો માલ લઇ જાઓ.’
‘ જુઓ છોકરાંને ધવરાવવું, સાંબેલું પડ્યાં કરે તેની નીચેની ડાંગર સંકોરવી, અને ખંડાયેલી ડાંગર ભરીને ઉપાડી લેવી, અને એ સાથે ઘરાકની સાથે વાતો કરવી, એ બધું તે એકી સાથે કરી રહી છે. આનું નામ અભ્યાસ-યોગ. પરંતુ તેનું પંદર આના મન સાંબેલા તરફ હોય, કદાચ તે હાથ પર પડે તો? બાકીના એક આનામાં છોકરાને ધવરાવવાનું અને ઘરાક સાથે વાત કરવાનું ! તેમ, જેઓ સંસારમાં છે તેમણે પંદર આના મન ભગવાનને આપવું ઉચિત, નહીતર સર્વનાશ ! કાળના પંજામાં સપડાવું પડે. બાકીના એક આના મન થી બીજાં કામ કરો. જ્ઞાન થયા પછી સંસારમાં રહી શકાય. પરંતુ જ્ઞાન-પ્રાપ્તિ તો કરવી જોઈએ ને ! તેમ, સંસાર રૂપી પાણીમાં મન રૂપી દૂધને એમને  એમ રાખીએ તો ધૂધ પાણી ભેગા ભળી જાય. એટલા માટે મન રૂપી દૂધનું દહીં બનાવી, એકાંતમાં વલોવીને માખણ કાઢીને પછી સંસાર રૂપી જળમાં રાખવું જોઈએ. માટે જ સાધનાની જરૂર. શરૂઆતની અવસ્થામાં એકાંત સ્થાનમાં રેહવાની બહુ જરૂર. પીપળાનું ઝાડ જ્યારે નાના રોપા જેવડું હોય ત્યારે તેની આસપાસ વાડ કરી લેવી જોઈએ; નહિતર ગાય બકરાં તેને  ખાઈ જાય. પણ થળ મોટું થઈ જાય એટલે પછીએ વાડ કાઢી નાખે. એટલે સુધી કે એ થડે હાથી બાંધી દો ને, તોય ઝાડ ને કાંઈ થાય નહિ.
‘ગમે તેટલા ભણોગણો, પણ ઈશ્વરમાં ભક્તિ ન હોય, જો ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોય તો એ બધુંય નકામું.’ એકલી વિદ્વત્તા હોય, અનાદર, વિવેક,વૈરાગ્ય ન હોય તો તેની નજર કામ-કાંચનમાં રહે. ગીધ આકાશમાં ખૂબ ઊંચે ઊડે, પરંતુ તેની નજર ઉકરડા તરફ.
‘જે વિદ્યાથી ઈશ્વરને જાણી શકાય, એ જ ખરી વિદ્યા, બીજું બધું મિથ્યા !
વારુ તમારી ઈશ્વર વિષે શી ધારણા છે ?’
એક ભક્ત – જી, હું એટલું સમજ્યો છું કે તે એક જ્ઞાનમય પૌરુષ છે. તેની સૃષ્ટિ જોઈને તેના જ્ઞાનનો પરિચય મળી શકે છે….
શ્રીરામકૃષ્ણ – ઈશ્વર છે એ તો જગત જોતાં સમજી શકાય. પરંતુ ઈશ્વર સંબંધે સાંભળવું ને જાણવું એ એક વસ્તુ. ને તેને પ્રત્યક્ષ જોવો એ જુદી વસ્તુ.પણ તેની સાથે વાતચીત કરીને પરિચય અને સંબંધ બાંધવો એ વળી સાવ અલગ જ વસ્તુ ! કોઈએ દૂધ વિષે સાંભળ્યું છે, કોઈએ દૂધ જોયું છે, તો કોઈએ દૂધ પીધું છે. એ ત્રણે જુદી વસ્તુ. દૂધ જુઓ તો આનંદ આવે ને? પીઓ તો જ બળ આવે ને ? ત્યારે જ હૃષ્ટપુષ્ટ થવાય ને ? ભગવાનનાં દર્શન કરો તો જ શાંતિ મળે, તેમની સાથે વાતચીત કરો ત્યારે જ આનંદ મળે ને શક્તિ વધે !
એક ભક્ત – ઈશ્વરને યાદ કરવાનો સમય મળતો નથી.
શ્રીરામકૃષ્ણ (હસીને)- એ ખરું.
સમય પાક્યા વિના કશું થાય નહિ. એક છોકરું રાતે સૂઈ જતી વખતે માને કહે છે કે ‘બા, રાતમાં મને જ્યારે હાજત થાય ત્યારે ઊઠાડજો.’ માએ કહ્યું કે ‘બેટા, હાજત જ તને ઊઠાડશે. મારે ઉઠાડવો નહિ પડે !’

શ્રેષ્ઠ કોણ ? …(જાતક કથા)…

શ્રેષ્ઠ કોણ ? …(જાતક કથા)…

shreshth kon

કૌશલનરેશ મલ્લિક એક ન્યાયપ્રિય અને શક્તિશાળી રાજા હતો, પરંતુ એને પોતાની યોગ્યતા ઉપર જરાય વિશ્વાસ નહોતો. એ હંમેશા વિચાર્યા કરતો કે લોકો મારા માટે જે કહે છે તે સાચું છે? લોકો મને સજ્જન, વીર, બહાદુર અને પરાક્રમી કહે છે તેવો હું ખરેખર છું?
એક દિવસ રાજા દરબાર ભરીને બેઠો હતો. એણે ભર્યા દરબારમાં પોતાના મંત્રીઓને પૂછ્યું : ‘મને સાચે-સાચું બતાવો કે શું મારામાં ખરેખર કોઈ દોષ નથી?
બધા મંત્રીઓ એક સાથે બોલી ઊઠ્યા. ‘ના, મહારાજ !  આપ સજ્જન અને દયાળુ છો.’
રાજાએ પોતાના પ્રજાજનોને પણ આજ વાત પૂછી. બધાએ એક જ વાત કરી, ‘આપ ન્યાયપ્રિય રાજા છો. અમને ખૂબ વ્હાલા છો, આપના  રાજમાં અમે ઘણા સુખી છીએ.’
આમ છતાં રાજાને સંતોષ ન થયો. એ વિચારવા લાગ્યો, મારા મંત્રી અને પ્રજાજનો મને સારું લગાડવા માટે ખોટું બોલી રહ્યા છે.
આ વાતનો જવાબ મેળવવા એ છૂપા વેશે ગામે-ગામ ફરવા લાગ્યો. ઘણાં લોકોને તેણે એ જ સવાલ પૂછ્યો. પણ બધાએ કહ્યું : ‘અમારા રાજાના રાજમાં અમે ઘણાં ખુશી છીએ. રાજા ખૂબ જ નિષ્ઠાવાન સજ્જન અને પરોપકારી છે.’
એક દિવસ રાજાનો રથ એક સાંકડા રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો. રસ્તો ફક્ત એટલો જ પહોળો હતો કે ફક્ત એક જ રથ પસાર થઇ શકે. સામેથી કોઈ બીજું વહાન આવે તો રસ્તો રોકાઈ જાય તેમ હતો. હવે બન્યું એવું કે એ જ વખતે  સામેથી રાજા બ્રહ્મદત્ત પણ પોતાના શાહી રથમાં બેસીને આવી રહ્યા હતા. સામ-સામે બંને રથ આવીને ઊભા રહી ગયા.
મલ્લિક રાજાના સારથિએ કહ્યું : ‘તારો રથ પાછો લે. મારા રથમાં રાજા મલ્લિક બેઠા છે.
બીજી તરફ બ્રહ્મદત્ત રાજાના સારથિએ કહ્યું : ‘જે રાજા બંનેમાંથી શ્રેષ્ઠ હશે તે પહેલા આ રસ્તો પાર કરશે.’
રાજા મલ્લીક્ના સારથિએ પૂછ્યું : ‘તારા રાજાની ઉંમર કેટલી છે? અને એમનું રાજ્ય કેટલું છે?
આમ બંને વચ્ચે તકરાર થવાં લાગી.
બંને રાજાનું રાજ્ય સરખું જ હતું. બંને રાજાની ઉંમર પણ સરખી જ હતી. જ્યારે કોઈ ફરક ન દેખાયો ત્યારે બ્રહ્મદત્ત રાજાના સારથિએ કહ્યું :  ‘તારા સ્વામીમાં શું વિશેષતા છે?’
રાજા મલ્લિકના સારથિએ કહ્યું : ‘મારા માલીક ભલાઈનો બદલો ભલાઈથી અને બુરાઈનો બદલો બુરાઈથી આપે છે.’
રાજા બ્રહ્મદત્તના સારથિએ કહ્યું : ‘જો તારા સ્વામીની આ વિશેષતા હોય  તો દોષોની કલ્પના કરતાં જ હું ધ્રુજી ઊઠું છું.’
રથમાં બેઠેલા રાજાએ આ સાંભળ્યું, એટલે એ મનોમન બોલ્યો : ‘ચાલો છેવટે કોઈ તો એવો સાચો માણસ મળ્યો કે જેણે સાફ-સાફ વાત કરી. મારામાં દોષ જોયો.’ રાજા મલ્લિક હવે વિચારમાં પડી ગયો.
‘હવે ખોટી બકવાસ બંધ કર અને તારા સ્વામીમાં કઈ ખૂબી છે, એ મને જલ્દી કહે.’
રાજા મલ્લિક અને એનો સારથિ બંને રાજા બ્રહ્મદત્તના સારથિ તરફ જોવા લાગ્યા કે એ શું કહે છે.
તરત જ રાજા બ્રહ્મદત્તના સારથિએ પોતાનો રથ એક તરફ લઇ લેતાં કહ્યું : ‘મારા સ્વામી તો બુરાઈનો બદલો પણ ભલાઈથી આપે છે. ‘અને ચોક્કસ એટલે જ એ એક માત્ર વિશ્વના એક શ્રેષ્ઠ શાસક છે.’
આટલું સાંભળતાં જ રાજા મલ્લિક ઊભો થઈને રથની નીચે ઊતરી ગયો અને રાજા બ્રહ્મદત્તને પ્રણામ કર્યાં અને કહ્યું : ‘ખરેખર આપ મારા કરતાં પણ શ્રેષ્ઠ રાજા છો.’
પછી મલ્લિક રાજા પોતાના સારથિ પાસે આવ્યો અને કહ્યું : આજે મને ખબર  પડી કે મારામાં શું દોષ છે ? હું આદર્શથી હજી કેટલો દૂર છું. ચાલો રથ પાછો વાળી લો અને રાજા બ્રહ્મદત્તને રસ્તો આપો.
ઉપસંહાર : આપણા ગુણ – દોષની પરખ પોતાના લોકો નહીં, પરંતુ પારકા લોકો જ કરી શકે છે.

બલજી – ભૂરજી …(પ્રેરક કથા) …

બલજી – ભૂરજી …(પ્રેરક કથા) …

camel

આજથી ૭૦-૮૦ વર્ષ પહેલાં રાજસ્થાનના શેખાવટી વિસ્તારમાં બલજી-ભૂરજી ડાકુઓનું જબરું જોર હતું. લોકો એનું નામ સાંભળીને ધ્રુજી ઊઠતા. હથિયારોથી સજ્જ સો-દોઢસો જાનૈયાની એક ટુકડીએ બલજી-ભૂરજીના પાંચ-છ સાથીઓ સામે પોતાનો માલ-સામાન, ધન વગેરે ધરી દેવાં પડ્યાં હતાં. ગમે તેમ હોય પણ એનો એક નિયમ હતો – એમણે ક્યારેય બ્રાહ્મણ, હરજન, ગામની બહેનો કે દિકરીઓને તેમજ દુઃખીદરિદ્રને સતાવ્યાં ન હતાં. આ બધાં પ્રત્યે એનો એટલો સદભાવ હતો કે કેટલાય પ્રસંગે પોતાના જીવને જોખમમાં મૂકીને કે પકડાઈ જવાનું જોખમ ખેડીને ગરીબ બ્રાહ્મણોની કન્યાનાં લગ્નમાં મામેરું દેવા આવી જતા.
થોડાં વર્ષો પછી એના નામનો ગેરલાભ ઉઠાવીને નાનીયા નામનો એક રુંગો (રાજસ્થાની નીચી જાતિ) પોતાની જાતને બલજી-ભૂરજી બતાવીને કેટલાંય નિર્દોષ લોકોને સતાવવા લાગ્યો. આ વાતની જાણ બલજી-ભૂરજીને થઇ. આ વાતને એમણે ગંભીરતાથી ન લીધી.
આ દરમિયાન એક ઘટના બની. બીસાઉ નામનો એક કસબો શેખાવટીના ઉત્તરના ખૂણામાં છે. અહીં શેઠ ખેતસીદાસ પોદાર રહેતા. તેઓ અત્યંત સરળ અને ધર્મનિષ્ઠ માનવ હતા. એમનાં દાનપુણ્યની ચર્ચા આજુબાજુના વિસ્તારોમાં થતી રેહતી. લોકો એમનું નામ આદર અને પ્રેમ સાથે લેતા. જરૂરતવાળા લોકોને ગુપ્ત રૂપે મદદ કરતા. નામ કે કીર્તિની એમને પડી ન હતી.
એક દિવસ શેઠ ખેતસીદાસ પોતાના ચિલિયા નામના ઊંટ પર સવાર થઈને નજીકના ગામમાં સગા-વહાલાને મળવા જતા હતા. એમનાં ઊંટની વાતો આસપાસનાં ગામડાંમાં અને કસબામાં થતી રહેતી. એના પર સવારી કરવી આરામદાયક હતી. વળી એની ચાલ પણ ચિલ-સમડી જેટલી જ તેજ ! એટલે એનું નામ ચિલિયા પડ્યું હતું. સામાન્ય રીતે પોતાની યાત્રા સમયે શેઠજી સાથે એકાદ-બે ઊંટ કે ઘોડા અને બે-ચાર સરદાર પણ રહેતા. આજે સંજોગવશાત તેઓ એકલા જ હતા.
પોષ મહિનાની સંધ્યા હતી. ઠંડી પાડવા લાગી હતી. અંધારું થતું જતું હતું. શેઠજીએ જોયું તો થોડે દૂર રસ્તાના કિનારે એક અર્ધનગ્ન વૃદ્ધ એને ઊભા રહેવાનો ઈશારો કરતો હતો. ઝડપથી ઊંટને હાંકીને તેઓ એની પાસે પહોંચ્યા. એમણે પૂછતાં જાણવા મળ્યું કે એણે પણ શેઠજી જ્યાં જાય છે એ જ ગામે જવાનું છે. પગ મરડાઈ ગયો છે, એટલે લાચારીથી અહીં બેસવું પડ્યું. જવું જરૂરી છે. શેઠજી જો સાથે લઇ જાય તો એમની મહેરબાની.
શેઠજીએ ઊંટને ઝૂકાવ્યું. હાથના સહારાથી વૃદ્ધને પોતાની પાછળ બેસાડી દીધો અને ઊંટને આગળ ચલાવ્યો. થોડીવારમાં જ શેઠજીને પાછળથી જોરથી એક ઝાટકો લાગ્યો. તેઓ તો ઊંટ પરથી નીચે પડી ગયા. આમ દોડતા ઊંટ પરથી પડવાને લીધે તમ્મર આવી ગયા પણ થોડીવારમાં બધું સંભાળી લીધું. એમના પગના ઘૂંટણનું હાડકું તૂટી ગયું, એને લીધે પીડા વધવા લાગી.
ઊંટ પણ સ્વામીભક્ત અને સમજદાર હતો. એને ઘણી મારપીટ સહન કરવી પડી અને આમતેમ ખેંચવામાં આવ્યો. પણ એણે એકે ડગલુંયે આગળ ન માંડ્યું. તે અડગ થઇ ગયો અને મોટે અવાજે ગાંગરવા લાગ્યો. શેઠજીએ જોયું તો ઊંટના સવારની સફેદ દાઢી મૂછ દૂર થઇ ગઈ હતી. એનો ચહેરો ઘણો ભયાનક લાગતો હતો. અસહ્ય પીડાથી વ્યાકુળ થયા. પરિસ્થિતિને સમજવામાં એને વાર ન લાગી. એમણે સવારને કહ્યું: ‘ભાઈ, તમારી ઓળખાણ આપશો ?’ ડાકુએ મૂછ પર હાથ ફેરવતા કહ્યું : ‘હું બલજીનો માણસ છું. કેટલાંય દિવસોથી એની નજર આ ઊંટ પર હતી. પણ મોકો મળતો ન હતો. હવે તમે આ ઊંટને ઈશારો કરીને મારી સાથે આવે એવું કરો. નહિ તો મારે આ દુનિયામાંથી તમને ઉપાડી લેવા પડશે.’
શેઠજીએ આ સાંભળીને ઊંડો આઘાત અનુભવ્યો. એમણે બલજી-ભૂરજીનાં આવાં છળકપટની કલ્પનાયે કરી ન હતી. પેલાની વાતમાં એને  વિશ્વાસ આવતો ન હતો. એટલે શેઠજીએ કહ્યું : ‘ભાઈ, બલજી-ભૂરજી ડાકુ તો છે જ. પણ આવી કપટબાજી એમણે કરી છે, એવું મેં આજ સુધી સાંભળ્યું નથી. મને આ વાતમાં કંઈક શંકા લાગે છે. ભલે ભાઈ, તમે ગમે તે હો પણ તમને જીણ માતાનાં સમ છે કે આજની આ ઘટનાની વાત તો કોઈનેય નહીં કરતા. તમે ઇચ્છતા હો તો આ ઊંટ સાથે બસ્સો રૂપિયા પણ વધારાના દઈશ.’ પેલો ડાકુ તો જોઈ જ રહ્યો કે એણે આજે કોઈ અજબના આદમી સાથે પનારો પડ્યો છે. ઊંટ તો જવાનો જ છે અને એમાં વળી ઉપરથી રૂપિયા દેવા પણ તૈયાર! આ ઘટના વિશે કોઈને કંઈ ન કહેવાની શરત રાખે છે, એ પણ નવાઈ વાત.
થોડું ન સમજાતાં એણે શેઠજીને આવી શરત કેમ રાખી એ સમજાવવા કહ્યું. શેઠજીએ કહ્યું: ‘ભાઈ, મને ડર એ છે કે આવી ઘટનાની વાત જો ચારેબાજુ ફેલાઈ જાય તો ભવિષ્યમાં લોકો અજાણ્યા વૃદ્ધ અને અસહાય મુસાફરોની મદદ કરતાં ડરશે. એમ કરવામાં એને  દગો-ફટકો દેખાશે. માનવજાતિ પરનો વિશ્વાસ ઊડી જશે. ભાઈ, તેં નકામું આ બધું કર્યું. તને જો ઊંટ આટલો ગમતો હતો તો મારી પાસેથી એમને  એમ માગી લેવો તોને !’
આ વાત સાંભળીને ડાકુએ શેઠજીને ઊંટને ચલાવવા ઈશારો કરવા કહ્યું. શેઠજીએ ઊંટને ઈશારો કર્યો અને ઊંટ તો મંડ્યો ચાલવા. પેલો ડાકુ શેઠજીને એવી જ ઘાયલ હાલતમાં વેરાન જંગલમાં છોડીને ચાલ્યો ગયો. બીજે દિવસે શેઠજીને શોધતાં શોધતાં લોકો એ જગ્યાએ આવી પહોંચ્યા અને પછી એને ઘેર લઇ ગયા. શું થયું, ઊંટ કેમ ગયો, વગેરે વાતોની ચર્ચા એમણે ટાળી.
સાચી વાત છુપાવવાથી છુપાતી નથી. બલજી-ભૂરજીને શેઠનો ઊંટ ગુમ થઇ ગયો એની ખબર પડી ગઈ. એને એ પણ ખબર પડી કે નાનિયા રુંગાની પાસે એ ઊંટ છે. આખી વાત તેઓ સમજી ગયા.
થોડા દિવસો પછી શેઠજીએ પોતાનું ઊંટ એની મૂળ જગ્યાએ જ બંધાયેલું જોયું. એના ગળામાં એક ચિઠ્ઠી બાંધી હતી. એમાં લખ્યું હતું: ‘શેઠ ખેતસીદાસજીને બલજી-ભૂરજીની ભેટ. તેઓ ડાકુ છે પણ દગાબાજ નથી.’
આ ઘટનાના બીજે દિવસે નાનિયા રુંગાની લાશ ઝૂંઝનૂ પાસેના એક પર્વતની તળેટીમાં જોવા મળી.
(શ્રી રામેશ્વર તાંતિયા લિખિત આ સુંદર વાર્તા દ્વારા આપણને શું બોધ મળ્યો? આજે મોટાભાગના લોકો નીતિ ને કોરાણે મૂકીને પોતાની સગવડતા કે પોતાની જરૂરીયાત એ જ નીતિ માની જીવન જીવે છે, જ્યારે જુના સમયમાં બહારવટિયો પણ સિદ્ધાંત અને નીતિથી ચાલતા હતા. અને તે માટે કદાચ પોતાનો જીવ દેવો પડે તો પણ હિચકાતા નહિ પરંતુ નક્કી કરેલ નીતિ ધર્મને અનુસરતા હતા અને વિશ્વાસે જ દરેક કાર્ય થતા હતા.)

દિવ્યવાણી … (વિણેલા મોતી)

દિવ્યવાણી …. (વિણેલા મોતી) …

pearls

‘ખરું કહું છું, તમે સંસારમાં રહો છો તેમાં દોષ નથી, પણ ઈશ્વરમાં મન રાખવું જોઈએ . તે વિના ન ચાલે. એક હાથે કામ કરો, બીજાં હાથે ઈશ્વરને પકડી રાખો. કામ કાજ પૂરાં થાય એટલે બેય હાથે ઈશ્વરને પકડો.’
-શ્રીરામકૃષ્ણદેવ

 

જેવી રીતે વાયુ વાદળાંને હાકી કાઢે છે, તેવી જ રીતે ભગવાનનું નામ મનને ઢાંકી દેતા વિષયલોલુપતાના મેઘને છિન્નભિન્ન કરી નાખે છે.
– શ્રી શ્રીમા શારદાદેવી

 

‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત’
(ક્ઠોપનિષદ: ૧.૩.૧૪)
‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો.’
‘દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે.
અંદરની આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે.

 

આપણા વ્યાસ મુની કહે છે : ‘કળયુગમાં એક જ કર્મ બાકી રહ્યું છે. યજ્ઞો અને ઘોર તપસ્યાઓ અત્યારે નિરુપયોગી છે. કર્મોમાંથી એક જ કરવાં જેવું બાકી રહ્યું છે અને એ છે દાનકર્મ.’ અને આ બધાં દાનોમાં અધ્યાત્મ દાન, આધ્યાત્મિક જ્ઞાનનું દાન સર્વશ્રેષ્ઠ છે; ત્યાર પછી આવે જીવનદાન અને ચોથું આવે છે અન્નદાન. આપણી અદભુત દાનવીર પ્રજા તરફ જુઓ; આ ગરીબ કંગાલ દેશમાં જે દાનો અપાય છે તેના તરફ જરા નજર કરો; આ આતિથ્યભાવના તરફ નિહાળો ! માણસ ઉત્તરથી દક્ષિણ સુધી ગમે ત્યાં જાય, પણ તેને દેશની સારામાં સારી વસ્તુઓ મળવાની, મિત્ર હોય તેમ સૌ એને સત્કારવાના અને રોટલાનો છેલ્લો ટુકડો હોય ત્યાં સુધી ભિખારીને ભૂખે નહીં મરવાના દેવાના !

 

દાનની આ ભૂમિમાં આપણે ઉત્તમમાં ઉત્તમ કોટિના દાનની શક્તિ, આધ્યાત્મિક જ્ઞાનના પ્રચારની શક્તિ અપનાવી લઈએ. અને એ પ્રચાર માત્ર ભારતની સીમામાં જ ગોંધાઈ રેહવો ન જોઈએ; એ આખી દુનિયામાં ફેલાવો જોઈએ. પ્રાચીન કાળથી આ રિવાજ ચાલ્યો આવે છે. જેઓ એમ કહે છે કે ભારતીય વિચારો ભારતની બહાર કદી ગયા જ નથી, જેઓ એમ કહે છે કે ભારતની બહાર પરદેશોમાં પ્રચાર કરવા જનારો હું જ પેહલો સંન્યાસી છું. તે લોકો પોતાની પ્રજાનો ઇતિહાસ જાણતા નથી. વારંવાર આ ઘટના બનતી રહી છે. જ્યારે જ્યારે જગતને જરૂર પડી છે ત્યારે ત્યારે આ અખંડ વહેનારાં આધ્યાત્મિકતાનાં પૂર ઊભરાઈ ચાલ્યાં છે અને જગતને તરબોળ કરી રહ્યા છે. રાજદ્વારી જ્ઞાનનું દાન ઢોલ પિટાવીને અને બેન્ડ સહિત લશ્કરી કૂચ કરાવીને થઇ શકે છે, ભૌતિક જ્ઞાન અને સામાજિક જ્ઞાનની ભેટ આગ અને તલવારથી આપી શકાય છે. પરંતુ જેવી રીતે ઝાકળ અદશ્ય રીતે અને નીરવપણે ઊતરી આવે છે, છતાં તેનાથી ગુલાબનાં ફૂલો થોકે થોકે ખીલી ઊઠે છે, તેમ આધ્યાત્મિક જ્ઞાન તો કેવળ નીરવ શાંતિમાં જ આપી શકાય છે. ભારતે જગતને વારંવાર આપેલી ભેટ આ છે.

 

આપણા બચપણથી માંડીને આજ સુધી આપણને નિષેધાત્મક શિક્ષણ અપાયું છે. આપણને માત્ર એ જ શીખવવામાં આવ્યું છે કે આપણે કંઈ જ નથી. આપણને ભાગ્યે જ સમજાવવામાં આવ્યું છે કે આપણા દેશમાં મહાન પુરુષો જન્મ્યા છે. કશું વિધેયાત્મક આપણને શીખવવામાં જ આવ્યું નથી. આપણા પોતાના જ હાથપગનો કેમ ઉપયોગ કરવો એ પણ આપણે જાણતા નથી. અંગ્રેજોના પૂર્વજોને લગતી હકીકતો અને આંકડાઓ આપણે કંઠસ્થ કરીએ છીએ, પરંતુ આપણા પોતાના પૂર્વજો વિશે એ બાબતમાં સાવ બેદરકાર  છીએ ! આપણે માત્ર નબળાઈ જ શીખ્યા છીએ. જિતાયેલી પ્રજા હોઈને આપણે આપણી જાતને મનાવ્યું છે કે આપણે નબળા છીએ અને આપણને કોઈ પણ બાબતમાં કશુંય સ્વાતંત્ર્ય નથી. પછી શ્રદ્ધા ચાલી ન જાય તો બીજું શું બને? ફરી એક વાર સાચી શ્રદ્ધાની ભાવના આપણામાં લાવવી જોઈએ, આપણી પોતાની જાતમાં ફરી પાછો વિશ્વાસ જાગ્રત કરવો જોઈએ; ત્યારે જ આપણા દેશની સમક્ષ પડેલી તમામ સમસ્યાઓનો ક્રમે ક્રમે આપણે પોતે જ ઉકેલ લાવી શકીશું.

 

કેળવણી શું છે ? શું તે ગ્રંથોનો અભ્યાસ છે ? ના. શું તે વિવિધ પ્રકારનું જ્ઞાન છે?  તે પણ નથી.  જે અભ્યાસથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય, તે છે કેળવણી …. શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં.  આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ –મનન જોઈએ છે.

 

આત્મજ્ઞાન માટે શોક સહાયકર્તા છે.  પણ અનુભવના કડવા પાઠો માણસે યાદ રાખવા જોઈએ.  જે લોકો બિલાડાં – કૂતરાંની પેઠે માત્ર જીવનનું દુ:ખ જ સહન કરતા મરે છે,  તેઓ તે કંઈ મનુષ્યો છે ? જે સુખ-દુઃખના તીવ્ર આઘાત-પ્રત્યાઘાતોથી અસ્વસ્થ બનવાં છતાં વિવેક રાખે છે, તથા તેમને ક્ષણભંગુર માનીને આત્મા પ્રત્યે અત્યંત ભક્તિ રાખે છે, તે જ ખરો મનુષ્ય છે.

 

-સ્વામી વિવેકાનંદ

 

મનમંદિરનો ઘંટારવ -મા-દીકરી અને વૈદરાજ …

મનમંદિરનો ઘંટારવ -મા-દીકરી અને વૈદરાજ …

bell

માની નજરમાં ચિંતા છે, મુંઝવણ છે. તેની નમણી હોંશિયાર દીકરી આટલી બધી કેઈ રીતે બદલાઈ ગઈ તે તેને સમજાતું નથી. આજકાલ વાતવાતમાં તેની દીકરી રડ્યા કરે છે. ઘરના પાછળના ભાગમાં જઈ ખૂણામાં છૂપાઈને હાથ પર આંગળી વડે કંઈક ચિતર્યા કર છે. કંઈક બબડે છે. મા પૂછવા જાય તો ‘તું જા અહીંથી ‘ કહીને ગુસ્સામાં ત્રાટકે છે. અને પછી રડવા લાગે છે. એવા સમયે કોઈ એની પાસે જાય એ એને પસંદ નથી.
શું કરવા તે માને સમજાતું નથી. પૂછવાનો પણ કોઈ અવકાશ નથી. કારણ કે દીકરી પાસેથી સીધો જવાબ મળતો નથી. જ્યારે જ્યારે દીકરી નજરે ચડે ત્યારે ઘરના પાછળના ખૂણા તરફ માના પગ ખેંચાય છે અને દીકરીને ત્યાં ઉભેલી જોતાં તેની આંખો પણ આંસુથી છલકાઈ જાય છે. શું થયું છે મારી દીકરી ને? આટલી સુંદર સુશીલ હોંશિયાર દીકરીને કોઈની નજર તો નથી લાગીને ? સવારના ઉઠતાવેંત ૧૨ વર્ષની દીકરી માનો  છેડો પકડી રડવા લાગે છે. ‘તું અહીં બેસ’ કેહતી સાડીનો પાલવ સજ્જડ રીતે પકડી રાખે છે. તેની નજરમાં ગહન ભીતિ છે. રડતાં રડતાં કંઈ બોલે છે પણ સમજાતું નથી. ઘરના બધા આવાક્ બનીને જોયા કરે છે. કોઈ ગમે તેમ (ભૂત વળગ્યું છે, વગેરે) બોલે તો મા તેમને  તતડાવે છે. શું કરવું સૂઝતું નથી. આંસુભર્યા હૃદયે પ્રભુને પ્રાર્થે  છે અને એક ઉપાય સૂઝે છે.
પ્રભુ ગણેશજીનો જેમની પર વરદ હસ્ત છે તેવા અમદાવાદના (તેના પિયરના) પ્રખ્યાત વૈદરાજ પાસે મા પોતાની દીકરીને લઇ જાય છે. વૈદરાજ પૂજામાં બેઠા હોય છે. મા-દીકરી હિંચકે બેસે છે. વૈદરાજ આવતાં મા ઊભી થઇ થાય છે. ‘તારી દીકરીને લાવી છો?’  કેહતા વૈદરાજ દીકરીની પાસે બેસે છે. તેની સાથે મીઠી મધુરી વાતો કરે છે. પેહાલાંની ઓળખાણ હોવાથી માની બધી વાત પણ તેઓ સ્વસ્થચિત્તે સાંભળી લે છે. પત્ની પાસે પ્રસાદ મંગાવીને બધાને વહેંચે છે.
અંદરના રૂમમાં તેમના દિકરાઓ કેરમ રમતા હોય છે. ‘ચાલ આપણે પણ રમીએ, તને આવડે છે ને રમતા?’ કેહતા વૈદરાજ દીકરીને દોરીને કેરમબોર્ડ પાસે લઇ જાય છે. કેરમની ગેમ અને સાથે સાથે મઝાના ટૂચકા! હસતી રમતી દીકરીને જોતાં માના હૈયે ટાઢક વળે છે. પાછા વળતાં વૈદરાજ દવાની ટીકડીઓ આપે છે. ‘સવારના ઉઠતાવેંત આ સાકરની ગોળી ખાવાની અને મીઠું મધ જેવું હસીને ઉઠવાનું સમજી?’ દીકરી ‘હા’ પાડે છે. તેમના સાનિધ્યમાં દીકરી ખુશ છે. તેઓ કહે તે બધું માને છે તેથી માને સંતોષ છે.
બીજે દિવસે સવારના ઉઠતાવેંત દિકરીના રડવાનો અવાજ સંભળાય છે અને મા દીકરી પાસે દોડી જાય છે. તેને ટીકડી ખવડાવતા વૈદરાજના શબ્દો યાદ દેવડાવે છે. દીકરી ફિક્કું હસે છે પણ તેની નજરમાં હજી ભીતિ છે. આંખો નિસ્તેજ છે. મા તેની પાસે બેસે છે અને દીકરી સાડીનો પાલવ પકડી રાખે છે. મા દીકરીને થાબડે છે, થોડીવાર બેસી રસોડામાં ચાલી જાય છે.
થોડીવારે દીકરી માની પાસે આવે છે અને તેનો હાથ ખેંચાતા કહે છે: ‘ચાલ, વૈદરાજને ત્યાં જઈએ.’ અત્યારે સવારના પહોરમાં…?’ માનો પ્રશ્ન, ‘હા, અત્યારે જ, ચાલ, મારે તેમની પાસે જવું છે, ચાલ..’ દીકરી માનો  હાથ પકડી ચાલવા લાગે છે. ચંપલ પેહરવાનું કારણ કાઢી મા રોકવાનો પ્રયત્ન કર છે પણ દીકરી આગ્રહ કરી તેને ખેંચી જાય છે. વૈદરાજ પૂજામાં બેઠા હોય છે. દીકરી ધ્યાનપૂર્વક તેમને  જોયા કરે છે. ફરીવાર એ જ ક્રમ, હસી-રમીને વાતો, પ્રસાદ અને રમગમત ! આવું એક-બે દિવસ ચાલે છે. દવા ચાલુ છે.
દીકરી, ખૂબ આગ્રહ કરીને વૈદરાજને પોતાને ઘેર બોલાવે છે. કોઈને ત્યાં ન જનારા, પાણી પણ ન પીનારા વૈદરાજ તેનું આમંત્રણ સ્વીકારે છે. સાંજના આરતી કરવાને સમયે પધારે છે. આસન ધારણ કરી ‘રામરક્ષા સ્તોત્ર’ ની એકએક કડી દીકરી પાસે ગવડાવે છે.
છેવટે આરતી કરીને ઊભા થઇ જાય છે. બધાને પ્રસાદ વહેંચતા તેઓશ્રી વિદાય લે છે. તેમની ચરણરજ લઇ  મા-દીકરી ધન્યતા અનુભવે છે. વૈદરાજને વિદાય આપે પાંચ મીનીટ પણ નથી થઇ ત્યાં દીકરી માને વળગી પડે છે.
‘હું મુકત થઈ ગઈ મા, મુકત થઇ ગઈ..’ દીકરીની પ્રેમભરી પકડે માને ભીંજવી નાંખી છે. દીકરીની આંખોની ચમક અને સંતોષભરી આભા ઘરના બધા જોઈ રહ્યા છે. મા તેની દીકરીનું કપાળ ચૂમી લે છે. તેના આનંદની કોઈ સીમા નથી. આજે એ વાતને ૨૦ વર્ષ થઇ ગયા છે પણ ફરી કદી એ અનુભવ દોહરાયો નથી. ખરેખર જ્યાં ભગવાનનો વાસ છે, સાચી શુદ્ધ સાધના છે, એવાં સાત્વિક મહાપુરુષના મંત્રોચારમાં અગાધ શક્તિ છે. વૈદરાજે તે પૂરવાર કરી બતાવ્યું છે. આ એક સત્યઘટના છે.
સાભાર : હેમલતાબેન મોરો

સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન …

સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન …

duty & religion

કર્તવ્ય એટલે શું ?
આપણે અનેક કાર્યોમાં વ્યસ્ત રહીએ છીએ. એ બધાંને પ્રાય: કર્તવ્ય એવું નામ આપીએ છીએ. અને સામાન્ય રીતે આ કાર્યો કેવળ દુ:ખ અને અશાંતિ જ નીપજાવે છે. જો આ સત્ય હોય તો કર્તવ્ય વિશે આપણી ધારણામાં ક્યાંક ખામી છે ખરી.આપણે ‘કર્મ’ કરીએ છીએ, પરંતુ સામાન્યત: આપણે એને યોગ રૂપે એક આધ્યાત્મિક સાધના તથા આત્મસાક્ષાત્કારના રૂપે પરણિત કરવાનું જાણતા નથી. જરા જુઓ, સ્વામીજી (સ્વામી વિવેકાનંદ) કર્મ યોગ વિશે શું કહે છે:
‘આ સ્વાર્થનું વળગણ ઊભું કરનારી વૃતિનો નાશ કરો. સ્વાર્થને નિયમનમાં રાખવાની શક્તિ કેળવો. તમારા મનને સ્વાર્થના માર્ગમાં લપટવા ન દો’. કર્મયોગનો આ ઉપદેશ છે. આટલું થયા બાદ તમે જગતમાં જાઓ. તમારાથી થાય તે કાર્ય કરો. બધે હળોમળો, જવું હોય ત્યાં જાઓ. તમને અનિષ્ટનો પાશ લાગશે નહિ. જળમાં કમળ હોય છે; જળ તેને સપર્શી કે વળગી શકતું નથી. તમે જગતમાં જળકમળવત્ રહો. આનું નામ ‘વૈરાગ્ય’, નિર્લેપતા અથવા અનાસક્તિ.અનાસક્તિ વગર કોઈ પણ પ્રકારનો યોગ સંભવી શકે નહિ. બધા યોગોનો મૂળ પાયો અનાસકિત છે. કોઈ માણસ ઘરબાર છોડે, સારાં વસ્ત્રો પેહારવાનું છોડે, સારો ખોરાક ખાવાનું છોડે, અને રણમાં જાય, છતાં કદાચ ખૂબ જ આસક્ત હોય. એની એક માત્ર સંપતિ જે એનો પોતાનો દેહ, એને મન સર્વસ્વ બને. અને જીવે ત્યાં સુધી દેહને ખાતર એ મથ્યા કરે. અનાસક્તિ એટલે કેવળ આપણા બાહ્ય દેહ સંબંધમાં જે કાંઈ કરીએ તે નથી; અનાસક્તિ માત્ર મનમાં જ છે. ‘હું અને મારું’ ની લોખંડી સાંકળ મનમાં રહેલી છે. દેહ સાથેની ઇન્દ્રિયગમ્ય બાબતો સાથેની આ સાંકળ આપણામાં ન હોય, તો આપણે ગમે ત્યાં કે ગમે તે હોઈએ છતાં, અનાસક્ત છીએ. એક માણસ સિંહાસન પર બેઠા હોય છતાં એ સાવ અનાસક્ત હોય. બીજો સાવ ચીંધરેહાલ હોય છતાં ખૂબ આસક્ત હોય. પ્રથમ આપણે આ અનાસક્તિની સ્થિતિ મેળવવાની છે અને પછી સતત કાર્ય કરવાનું છે. થોડી કઠિન હોવા છતાં અનાસક્તિ કેળવવાની રીત કર્મયોગ આપણને બતાવે છે. (૩.૮૧-૮૨)
તો પછી કર્તવ્યનો અર્થ શો છે ? કર્તવ્ય અને જવાબદારી એ બે શબ્દોમાંથી જવાબદારી શબ્દમાં વિશેષ તથા તાત્કાલિક બાધ્યાતાનો સંકેત મળે છે. દા.ત્. એક વ્યક્તિ પર પોતાની વૃદ્ધ વિધવા માતાના ભરણપોષણની જવાબદારી છે. એનાથી ભિન્ન કર્તવ્ય શબ્દમાંથી તાત્કાલિક પરિસ્થિતિઓને કારણે ઉપસ્થિત કર્મની બાધ્યતા કરતાં નૈતિક કે આચાર વિષયક પ્રભાવનો વધારે અર્થ ધ્વનિત થાય છે. અંગ્રેજી કવિ વર્ડઝ્વર્થ કર્તવ્યને ‘ઈશ્વરીય આદેશની કઠોર કન્યા’ ની સંજ્ઞા આપે છે. આપણે બધા જાણીએ છીએ કે ક્યારેક ક્યારેક કેવી રીતે આપણને કર્તવ્ય તથા વ્યક્તિગત સ્વાર્થના પરસ્પર સંઘર્ષનો સામનો કરવો પડે છે. આપણે ભલે એને કોઈ નામ આપીએ કે ન આપીએ, આપણા જેવા અજ્ઞાની જીવો માટે કર્તવ્યનો અર્થ અમુક હદ કે મર્યાદા સુધી બાધ્યતા અને બંધન છે.
જ્ઞાની પુરુષની વાત જુદી છે. ઈશ્વરાવતાર શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદગીતામાં આપણને કહે છે:
ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિચ્ચન।
નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ || (૩.૨૨)
‘હે પાર્થ, મારે ત્રણેય લોકમાં કંઈ કર્તવ્યકર્મ નથી. કે કંઈ ન મેળવેલું મેળવવાનું પણ નથી. છતાં હું કર્મમાં વર્તુ જ છું.’ ઈશ્વરીય અવતાર અને મુક્તપુરુષ મુક્તિમાં પ્રતિષ્ઠિત થઈને દુ:ખી માનવજાતિ પ્રત્યે પ્રેરિત બનીને કર્મ કરતાં રહે છે.
દૈવીપુરુષમાં કામનાઓનો સંઘર્ષ થતો નથી. અત:કર્તવ્યનો પણ દ્વન્દ્વ થતું નથી. એને માટે કાર્ય કરવાનો એક જ માર્ગ હોય છે અને તે છે ઈશ્વરીય માર્ગ. અજ્ઞાનને કારણે આપણે કર્તવ્ય તથા તેની પૂર્તિના માર્ગ વિશે ભ્રમણામાં પડી જઈએ છીએ.
કર્તવ્ય અને સ્વાર્થપરતા …
સ્વામી વિવેકાનંદ કેટલી બધી માર્મિક રીતે આપણને એ બતાવે છે કે આપણું કેહવાતું કર્તવ્યનું જ્ઞાન પાર્ય: એક રોગ બની જાય છે:
‘કર્તવ્યની આ ભાવના ઘણીવાર દુ:ખનું કારણ પણ બને. રોગની પેઠે આપણને કર્તવ્ય વળગે છે, આગળ ઘસડી જાય છે, અને પકડમાં લે છે. કેટલીક વાર આપણું આંખું જીવન દુ:ખી બનાવે છે. માનવજીવનનું એ મોટું સંકટ છે. કર્તવ્યની આ ભાવના ખરા બપોરના તાપની જેમ માનવજાતના અંતરને બાળી નાખે છે. કર્તવ્યના બંદા ગુલામ બનેલા તરફ જરા નજર તો નાખો ! કર્તવ્ય એમને પ્રાર્થનાનો સમય રેહવા દેતું નથી, નાહવા-ધોવાનો વખત રેહવા દેતું નથી. એમની ઉપર એ હંમેશાં સવાર હોય છે. તેઓ બહાર જઈને કાર્ય કરે છે, ને કર્તવ્ય એમના પર ચડી બેસે છે; તેઓ પાછા ઘરે આવે છે ત્યારે પણ બીજાં દિવસના કામનો વિચાર કર્યાં કરે છે: કર્તવ્યનું દબાણ ! એ ગુલામ જીવન છે, છેવટે ભાડૂતી ગાડીના ઘોડાની જેમ કામ કરતાં કરતાં રસ્તામાં ઢળી પડે અને મારવાનું છે. માણસો આને જ કર્તવ્ય સમજે છે. ખરું કર્તવ્ય અનાસક્ત બનાવામાં, સ્વાધીન રીતે કાર્ય કરવામાં, અને સર્વ કાર્ય પરમાત્માને અપર્ણ કરવામાં રહ્યું છે. આપણા સર્વ કર્તવ્ય તે એનાં જ છે.’ (૩.૮૩)
આપણે કર્તવ્યના ગુલામ બનીને પોતાના સમગ્ર જીવનને દુ:ખપૂર્ણ બનાવી દઈએ છીએ. આપણું કર્તવ્ય શું છે તથા એને કેવી રીતે પૂરું કરવું જોઈએ, એ વિશે આપણને વધુ સ્પષ્ટ જ્ઞાન હોવું જોઈએ. કેટલીક વખત આપણને જોવા મળે છે કે આપણી પોતાની જ સમસ્યાઓનો ઉકેલ મેળવવાનું શીખતાં પેહલાં જ પ્રેમથી પ્રેરાઈને નહિ પરંતુ આપણી આત્મસંતુષ્ટિ માટે આપણે બીજાની મદદ કરવા માંડીએ છીએ. બીજાની સેવા કરવામાં તત્પર નિ:સ્વાર્થ વ્યક્તિ તો છે જ, પરંતુ જેને આપણા એક વરિષ્ઠ સ્વામીજીએ ‘ભગવાનના વિરાટ પાગલખાનાની’ સંજ્ઞા આપી છે એવાં આ વિચિત્ર સંસારમાં કેટલાક બહુ એવા તોફાની વ્યક્તિઓ છે કે જે જીવનમાં અસફળતા અને હતાશાનો શિકાર બની જાય છે અને એવા લોકો નીકટનાં સામાન્ય કાર્યો પણ કરવા ઇચ્છતા નથી. આવા લોકો પોતાના અહંકારને સંતોષવા બીજાં પર પોતાની જાતને પરાણે લાદે છે. અહં કેન્દ્રિત વ્યક્તિ ‘એમને મારા પ્રેમપ્રેરિત સેવાની આવશ્યકતા છે’ એમ કહે છે. આપણે માનવીઓ એટલા બધા સ્વાર્થી છીએ કે આપણે બીજાને જેટલા નથી ચાહતા એટલા જ બીજા લોકો પણ આપણને નહિ ચાહતા હોય, એની કલ્પના પણ નથી કરી શકતા. એક મનોવૈજ્ઞાનિકે જ્યારે આ વાત કેટલીક છોકરીઓને કહી તો એ સાંભળીને એમને ઘણું આશ્ચર્ય થયું, કારણ કે પોતાના પ્રત્યેના પ્રેમને કારણે કોઈ આપણને હૃદયથી નથી ચાતુ, આ વિચારને સ્વીકાર કરવો એ ઘણું મુશ્કેલ છે.
એક બીજા પ્રકારના અહંકેન્દ્રી માણસો હોય છે. આવા લોકો બીજાને સુખી કરવા માટે જરૂર કરતાં પણ વધારે ચિંતિત રહે છે અને એમને ધ્યાન અને પ્રાર્થના માટે સમય પણ મળતો નથી. આવા લોકો ક્લબ, સંગઠન, બ્રિજ પાર્ટી, ભોજન સમારોહ, રાજનૈતિક સમિતિઓમાં સંમિલિત થઈને જગતનો ઉધ્ધાર કરવા વ્યગ્ર રહે છે. આને લીધે એવાં લોકોને થોડા સમય માટે આત્મસમ્માન તો મળી રહે છે, પરંતુ જ્યારે એમાં નવીનતા ક્ષીણ થઇ જાય છે કે કાર્ય કે ચર્ચા – વિચારણા થોડાં શાંત થઇ જાય છે ત્યારે એ બધાં તત્કાળ દુ:ખી અને અસંતુષ્ટ બની જાય છે. મૃદભાષાનો ઉપયોગ કર્યાં વિના સ્વામીજી સ્પષ્ટ શબ્દોમાં કહે છે:
‘પરાધીનતાને કર્તવ્ય તરીકે લેખવાનું કાર્ય કેટલું સરળ છે ! શરીર ઉપરની આસક્તિના ગાંડપણભર્યા ખ્યાલને કર્તવ્ય માનવું ! માણસો જગતમાં કામ કરવા બહાર પડે છે અને દ્રવ્ય માટે અગર જેના પ્રત્યે આસક્તિ હોય એવાં અન્ય કશા માટે મથામણ કરે છે, લડે છે. આમ નાહક ષા માટે કરો છો એમ તમે એમને પૂછશો તો તેઓ કેશે, ‘અમે અમારું કર્તવ્ય બજાવીએ છીએ.’ ખરું તો એ સુવર્ણ અને કીર્તિનો ગાંડપણભર્યો લોભ છે-માત્ર લોકો તેને થોડાં સુંદર વાણીનાં ફૂલોથી ઢાંકી દેવા માથે છે.’ (૩.૮૩)
સ્વાર્થપરાયણતાને ફૂલોથી ઢાંકીને આપણે અનાસક્તભાવે સાચું કર્તવ્યપાલન કરીને એને આધ્યાત્મિક જીવનનું અભિન્ન અંગ બનાવી શકતા નથી. અહંકેન્દ્રી કર્તવ્ય આપણા માટે કેટલીયે સમસ્યાઓ અને નવાં બંધનોનું નિર્માણ કરી શકે છે.
અહંકારના વિભિન્ન રૂપ …
માનવ વિભિન્ન ભાવોનો વિચિત્ર સમૂહ છે. વિલિયમ જેમ્સના મતાનુસાર મોટા ભાગનાં લોકો જેટલા ભિન્ન ભિન્ન જનસમૂહોના મતાભિપ્રાયનો સમાદાર કરે છે તેમણે તેટલાં સામાજિક વ્યક્તિત્વ હોય છે. એટલે કે આપણે બે નહિ પણ અનેક વ્યક્તિત્વ ધરાવીએ છીએ. વ્યવસાયમાં આપણું એક રૂપ હોય છે, ગીરાજાઘરમાં બીજું, અને પોતાના ઘરમાં ત્રીજું. પોતાના વ્યક્તિગત જીવનમાં આપણે જે કાર્ય હસતાં હસતાં કરીએ છીએ તે આપણે સમાજમાં કરતાં અચકાઈ છીએ. આપણાં આવાં ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ કેટલીયે વાર બીજા સાથે મેલ ખાતાં નથી, એટલે જ આપણા માટે અનંત આંતદ્વંદ્વોની સૃષ્ટિ ઊભી કરી દે છે. એક દુકાનદારની વાત છે. પોતાના પરિવાર સાથે ધાર્મિક પુનજાર્ગરણની સભામાં જતો. ધર્મ પરિવર્તન કરતાં પેહલાં દર રવિવારને દિવસે પણ દુકાન ખૂલી રાખતો હતો. ધર્મ પરિવર્તન કર્યાં પછીના રવિવારે કોઈ એક પાડોશીએ બાળકને માટે દૂધ લેવા બારણું ખખડાવ્યું એટલે દુકાનદારની નાની છોકરીએ ઉપરની બારીમાંથી જોઈને કહ્યું : ‘તમને ખબર નથી, અમે ગયા સપ્તાહથી જ ખ્રિસ્તી બની ગયા છીએ ? હવે જો તમારે રવિવારને દિવસે દૂધ ખરીદવાનું હોય તો તમારે પાછલે દરવાજે આવવું પડશે.’
આવી રીતે સામાન્ય લોકો જ પોતાની જાતને છેતરે છે એવું નથી, ઉચ્ચ સ્થાને બિરાજેલા મોટા ભાગનાં લોકો પણ આવું બેવડું જીવન જીવે છે. સમ્રાટના મતદાનમાં વિશેષ અધિકાર મેળવનાર જર્મનીના કોલંગ નગરના એક રાજકુમાર કે જે મુખ્ય ખ્રિસ્તી ધર્માધ્યક્ષ પણ હતા, એમને વિશે એક કથા કેહવાય છે. એક દિવસ એને એક ખેડૂત સામે અધાર્મિક શબ્દનો પ્રયોગ કર્યો. એ સાંભળીને ખેડૂતના આશ્ચર્યનો પાર ન રહ્યો. પોતાની જાતને સાચા સાબિત કરવાના પ્રયત્નમાં એમને કહ્યું: ‘ભલાભાઈ, મેં તને આ અપશબ્દ ધર્મગુરુના રૂપે નથી કહ્યો પણ એક રાજકુમાર તરીકે કહ્યો છે.’ ખેડૂત બુદ્ધિશાળી હતો. એને કહ્યું : ‘પરંતુ શ્રીમાન રાજકુમાર જ્યારે નરકમાં જશે ત્યારે ધર્માધ્યક્ષનું શું થશે ?’
આપણે બધાએ એ યાદ રાખવું જોઈએ કે જો આપણે પોતાના અંગત જીવન અને સામાજિક જીવનને અલગ કરતાં કે માનતા રહીએ અને એને માટે વિપરીત નીતિનિયમો અપનાવીએ તો આપણે અશાંતિ અને બેવડા-બંધનના રૂપે ઘણો મોટો દંડ ભરવા બાધ્ય થવું પડશે. ખરેખર તો આપણે પોતાના જીવનમાં એક નરકનું નિર્માણ કરી રહ્યા છીએ અને અશુભ પરિણામોની એક શૃંખલાનો પ્રારંભ પણ કરી નાખીએ છીએ.
વાસ્તવિક કર્તવ્યની જેમ જૂઠાં કર્તવ્ય પણ હોય છે. આપણા જીવનમાં ક્યા કાર્યો સારાં છે અને ક્યા કાર્યો સારાં નથી એ નક્કી કરવું હંમેશ સરળ હોતું નથી. શાંતિના કાળમાં કોઈની હત્યા કરવી એ કાનૂનની દ્રષ્ટિએ ગુન્હો છે. પણ યુદ્ધકાળમાં વધારે ને વધારે શત્રુઓને મારવા બધા વિશેષ કરીને સેનામાં દાખલ થાય છે અને એ એનું કર્તવ્ય બની જાય છે.હિંદુધર્મ પ્રમાણે ગૌહત્યા પાપ છે, કારણ કે એને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. એક મુસલમાન માટે વિશેષ તેહવાર વખતે ગાયનો વધ એ પાપ નથી. એનાથીયે વધારે એક તરફ જ્યાં હિન્દુઓએ અહિંસા તેમજ કોઈને કષ્ટ ન પહોંચાડવાનું એક કર્તવ્યના રૂપે સદા આચરણ કર્યું છે, તો બીજી બાજુએ કાફીરોની હત્યા મુસલમાનોમાં પ્રશંશાને પાત્ર ગણાય છે. મધ્યયુગમાં ખ્રિસ્તી ન્યાયાધિકારી ઈસાઈ ધર્મની રક્ષા માટે વિધર્મીઓને ખીલે બાંધીને બાલી નાખતા અને એને પોતાનું કર્તવ્ય સમજતા.
આ રીતે કેટલાંય પ્રકારનાં વિરોધી કર્તવ્યો છે…
સ્વામી વિવેકાનંદ આ વિશે આમ કહે છે :
‘આ રીતે જોતાં, કર્તવ્યની શાબ્દિક વ્યાખ્યા આપવી એ સાવ અશક્ય છે. તેમ છતાં કાર્ય કરનારની દ્રષ્ટિમાં કર્તવ્યનો આદર્શ હોય છે. તેમ છતાં કાર્ય કરનારની દ્રષ્ટિમાં કર્તવ્યનો આદર્શ હોય છે. જે કાર્યથી આપણી ગતિ ઈશ્વર ભણી થાય તે કાર્ય શુભ, એ આપણું કર્તવ્ય; જે કાર્યથી આપણું પતન થાય તે કાર્ય અશુભ, અને તે અકર્તવ્ય.’ (૩.૫૧-૫૨)
મહાન હિંદુ દાર્શનિક રામાનુજના મત પ્રમાણે જેનાથી આત્માનો વિસ્તાર થાય તે શુભ છે અને જેનાથી આત્મા સંકુચિત થાય તે અશુભ છે.
હિન્દુધર્મમાં કર્તવ્યની સંકલ્પના વર્ણાશ્રમધર્મ …
હિન્દુધર્મમાં સમાજને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યો છે – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. એ ચારેયમાંથી દરેકનાં કર્તવ્ય પણ સ્પષ્ટ રૂપે નિર્ધારિત કરવામાં આવ્યાં છે. વિકાસની અવસ્થા પ્રમાણે આ બધાંનું વિશેષ દાયિત્વ પણ છે. જેમ કે બ્રહ્મચારી અથવા વિદ્યાર્થી, ગૃહસ્થ, સક્રિય જીવનમાંથી નિવૃત વાનપ્રસ્થાશ્રમી, તેમજ સંન્યાસી. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં આ બધી જીવનપ્રણાલીઓ પૃથક રીતે અને સ્પષ્ટ રૂપે નિશ્ચિત થઇ છે. પરંતુ આધુનિક યુગમાં પાશ્ચાત્ય સામાજિક અને રાજનૈતિક વિચારો તેમજ પ્રૌદ્યોગિકીએ આ બધું બદલી નાખ્યું છે. હવે અધિકાર અને કર્તવ્ય વિશે વિભ્રાંતી, અસ્પષ્ટતા જોવા મળે છે. પોતે ક્યાં વર્ગના છે અને એમને શું કરવું જોઈએ એ ન જાણનારા લોકોની સંખ્યા વધતી જ જાય છે. પ્રત્યેક વ્યક્તિનો એક ધર્મ કે આચારસંહિતા છે જે એને ઈશ્વર તરફ આગળ લઇ જાય છે, આવું હિન્દુધર્મનું શિક્ષણ છે. ધર્મજીવનનું એ વ્યાપક, સર્વોતોમુખી વિધાન કે નિયમ છે. એ માનવના સમ્ગ્રજીવન દરમિયાન સમાજ અને વ્યક્તિના માધ્યમથી અભિવ્યક્ત થાય છે અને ગહન સાર્વભૌમિક લય સાથે સામંજસ્ય સ્થાપિત કરે છે. અનંત અભિવ્યક્તિઓ સાથે આત્માનું એકત્વ તો છે જ.
‘એક વ્યક્તિ સમાજનું અંગ હોવાની સાથે એક અખંડ સાર્વભૌમિક સત્તાનું પણ અંગ છે.’ ભગવદ્ ગીતા તથા અન્ય ધર્મ શાત્રોનો મહાન ઉપદેશ છે. પ્રાચીન હિંદુ શાસ્ત્રોમાં વિરાટ પુરુષનું પ્રતીકાત્મક વર્ણન જોવા મળે છે. એના મુખમાંથી પવિત્રતા, જ્ઞાન, ધર્મ અને સંયમથી યુક્ત બ્રાહ્મણની; બાહુઓમાથી ક્ષત્રિયની; ઊરૂમાંથી જીવનનિર્વાહની સામગ્રી તથા અન્ન ઉત્પન્ન કરનાર કૃષક તેમજ વૈશ્યની; પગમાંથી સંસારમાં કઠિન પરિશ્રમ કરનારા મજૂરની ઉત્પત્તિ થઇ છે. (પુરુષસુક્ત, ઋગ્વેદ્, ૧૦.૯૦.૧૨) માનવદેહની જેમ સમાજના બધા વર્ગ કે વર્ણ એક પૂર્ણના અવિભાજ્ય અને અનિવાર્ય અંગ છે. વિદ્યાર્થી તેમજ ગૃહસ્થ જીવનની પરિસમાપ્તિ પછી જીવનમાંથી નિવૃત થવાનો સમય આવે છે. સંભવત: ત્યાર બાદ બધાં બંધનોમાંથી મુક્ત થઈને એકાંત ધ્યાન કરતાં કરતાં સંન્યાસી જીવનનો પણ અવસર આવે છે.
જો પ્રત્યેક વ્યક્તિ જીવનની બધી અવસ્થાઓમાં અંતનિર્હિત સાર્વભૌમ વિરાટ સત્તાના લય સાથે સમાયુંક્ત અને સમરસ બની જાય તો પોતાનું જ નહિ પણ પોતાની પાસે રહેલાં બધાનું કલ્યાણ સાધી શકે. આ જ આપણા બધાનું પરમ કર્તવ્ય છે. વિરાટ પુરુષનું કેટલીયે વાર અનેક હાથપગવાળા પુરુષ રૂપે ચિત્રણ કરવામાં આવ્યું છે. એનાથી આપણને એ પરમ અદ્વિતીયની અનેક પ્રકારની અભિવ્યક્તિઓ યાદ આવી શકે છે. પ્રત્યેક વ્યક્તિ વિશ્વની આ નાટકશાળાનો અભિનેતા છે. એને પોતાની ભૂમિકા ઘણી સારી રીતે નિભાવવાનું શીખવું જોઈએ. આપણામાંથી કોઈ પણ બેની ભૂમિકા એક જ સરખી નથી.
(શ્રી રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી યતિશ્વરાનંદજીએ મૂળ અંગ્રેજીમા લખેલ ‘મેડીટેશન એન્ડ સ્પિરુચ્યુઅલ લાઈફ ‘ ના સ્વામી બ્રહ્મોશાનંદજીએ કરેલા હિન્દી અનુવાદ ‘ધ્યાન ઔર આધ્યાત્મિક સાધના ‘ ગ્રંથમાંથી એક પ્રકરણ નો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)

તૃષ્ણાની કોઠી કદી ભરાય નહિ …(બોધકથા) …

તૃષ્ણાની કોઠી કદી ભરાય નહિ … (બોધકથા)

Greedy man

ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો: ‘સોનું ભરેલી સાત કોઠીઓ તારે જોઈએ છે?’ વાળંદે આસપાસ જોયું પણ એને કોઈ દેખાયું નહિ. પણ સોનાની કોઠીઓ આપવાની વાતે એનો લોભ જાગી ઊઠયો અને એ મોટેથી બોલી ઊઠયો: ‘હા, હું એ સાત કોઠી લઈશ.’ તરત જ જવાબ મળ્યો : ‘ ઘેર પહોંચી જા,. કોઠીઓ મેં તારે ઘેર પહોંચતી કરી દીધી છે.’ આ વિચિત્ર જાહેરાતની ખાતરી કરવાના ઈરાદાથી એ વાળંદ દોડતો ઘેર પહોંચ્યો. ઘેર પહોંચતા વેંત એણે કોઠીઓ જોઈ. કોઠીઓ ખોલી એણે જોયું કે એ સોનાથી છલોછલ ભરેલી હતી, પણ છ પૂરી ભરેલી હતી અને એક અર્ધી ભરેલી હતી. એ સાતમીને પણ સોનાથી ઉભરાવી દેવાની જોરદાર ઈચ્છા એ વાળંદમાં જાગી; કારણ ત્યાં સુધી એ પૂરો સુખી ન હતો. એટલે એણે ઘરમાંનાં બધા ઘરેણાં ભંગાવી તેને સોનાના સિક્કાઓમાં ફેરવ્યું અને એ મહોરો તેણે પેલી કોઠીમાં નાખી; પણ એ જાદુઈ કોઠી ઊણી જ રહી. આથી વાળંદની ધીરજ ખૂટી ગઈ. જાતે ભૂખ્યા રહીને અને ઘરનાંને ભૂખ્યાં રાખીને એણે થોડા વધારે પૈસા બચાવ્યા અને એ સોનાથી કોઠી ભરવાં કોશિશ કરી.પણ કોઠી તો પેહલાંની જેમ અધૂરી જ રહી. એટલે એક દિવસ રાજાને પોતાનો પગાર વધારી દેવા નમ્ર વિનંતી કરી કહ્યું કે મળતા પગારમાં પોતાનું ગુજરાન ચાલતું નથી. એ વાળંદ રાજાનો માનીતો હતો એટલે, એની વિનંતી સાંભળીને તરત જ રાજાએ એનો પગાર બમણો કરી દીધો. આ બધી આવક બચાવી એ પેલી કોઠી ભરવા માંડ્યો પણ, એ લોભણી કોઠી ભરાવાની નિશાની દેખાઈ જ નહીં. આખરે એ ઘેરઘેર ભીખ માગવા લાગ્યો અને એની ધંધાની તથા ભીખની આવક ભેગી કર્યાં છતાંય, પેલી જાદુઈ કોઠીની તરસ છીપી જ નહીં. મહિનાઓ ને મહિનાઓ પસાર થયા અને એ દુ:ખી અને કંજૂસ વાળંદની સ્થિતિ ઉત્તરોઉત્તર બગડતી ચાલી. એની આવી દશા જોઈ રાજાએ એણે પૂછ્યું: ‘ અરે ! તારો આજના કરતાં અર્ધો હતો ત્યારે, તું સુખી, આંનંદી અને સંતુષ્ટ હતો; પણ તારો પગાર બેવડો કર્યાં પછી તું મને ચિંતાતુર, ચડેલા મોઢાવાળો અને નાસીપાસ જોઉં છું. તને શું થયું છે? તને શું સાત કોઠીઓ મળી છે?’ આ સવાલથી વાળંદ ઘા ખાઈ ગાય અને બોલ્યો: ‘નામદાર, આ વાત આપને કોણે કહી છે?’ ‘જેને યક્ષ એ સાત કોઠીઓ આપે છે તે આમ પીડાય છે એ તું નથી જાણતો શું?’ રાજાએ કહ્યું. ‘એ મને પણ આ કોઠી આપતો હતો પણ, મેં એને પૂછ્યું કે આ મૂડી વાપરી શકાય કે ખાલી કોઠીમાં જ રાખી મૂકવા માટે છે?’ આ સવાલ પૂછતાં ભેગો એ બોલ્યો : ‘એ મૂડી કોઈ વાપરી શકતું નથી એ તને ખબર નથી શું? એ તો સંઘરો કરવાની તૃષ્ણા જ આણે છે.’ જા જલ્દી અને એ કોઠીઓ પાછી આપી આવ. આ સલાહથી વાળંદને પાછી સાન આવી અને પેલા ભૂતિયા ઝાડ પાસે જઈ એ બોલ્યો: ‘હે યક્ષ, લઇ લે તારું સોનું પાછું.’ યક્ષે કહ્યું, ‘ભલે.’ વાળંદ પાછો ઘેર આવ્યો, ત્યારે રહસ્યમય રીતે આવી હતી તે જ રીતે, પેલી કોઠીઓ અદશ્ય થઈ ગઈ અને એના ભેગી એની જિંદગીની બચત પણ તણાઈ ગઈ હતી.
સાચું ખર્ચ અને સાચી આવક વચ્ચેનો ભેદ સમજતા નથી તે લોકો ગાંઠનું પણ બધું ગુમાવે છે….

વ્યવહાર અને પરમાર્થ …

વ્યવહાર અને પરમાર્થ …

practicle

ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગ પુરુષાર્થમાં ધર્મનું સ્થાન ક્યાં છે એ બતાવાયું છે. અન્ય બે પુરુષાર્થ કરતાં ધર્મની વિશિષ્ટતા એ છે કે તેમાં ઉત્તરાવસ્થાનો ધર્મ તે પૂર્વાવસ્થાના ધર્મથી તદ્દન ભિન્ન નથી, પણ પૂર્વાવસ્થાનો ધર્મ જ ઉત્તરાવસ્થામાં પરિપાક્દશાને પામે છે-એ મૃગશિરનો વા વાતાં જેમ કેરી મીઠી બને છે, તેમ પ્રભુનાં દ્વાર સમીપ આવતાં ધર્મ કોઈક અનેરી મીઠાશ ધારણ કરે છે. એ અવસ્થામાં અર્થ અને કામ સાથેનો એનો સંબંધ ક્ષીણ થઇ એ શુદ્ધ રૂપે પ્રકાશે છે, અને એ વખતે એ ‘સંન્યાસ’ ને નામે ઓળખાય છે; પણ આ સ્થિતિ સામાન્ય જનમાં દુર્લભ છે. તેથી એ સ્થિતિનો વિચાર હવે પછીથી કરવાનો રાખી, પૂર્વાવસ્થામાં ધર્મ જ્યારે અર્થ અને કામ સાથે જોડાયેલો હોય છે તે વખતે એનું શુદ્ધ સ્વરૂપ કેવું હોય છે અને તે બીજાં બે પુરુષાર્થ સાથે કેવી જાતનો સંબંધ ધરાવે છે એ વિશે આજ વિચાર કરીશું.
સર નારાયણ ચંદાવરકરે એક ભાષણમાં ટાંકેલો પોતાનો અનુભવ યાદ આવે છે. સર નારાયણ કહે છે કે ‘એક દિવસરજાના દહાડામાં હું પૂના પાસેના એક ગામ બહાર ફરવા નીકળ્યો હતો. સૂર્યનો લાલ પ્રકાશ ખેતરો ઉપર પથરાયેલો હતો અને સઘળું શાંત હતું. મારી આગળ એક બાઈ આસપાસનાં ખેતરોમાંથી છાણ લઇ પાસે મૂકેલી ટોપલીમાં ભરતી જતી હતી. એટલામાં મારી પાસે થઈને એક માણસ તથા બે જુવાન છોકરા નીકળ્યા. પેલા માણસે છોકરાઓને કહ્યું : ‘આપણે દુનિયામાં શું કરવું છે? મેહનત કરવી, પેટ ભરવું અને ગુપચુપ બેસી રેહવું.’ આ શબ્દો સાંભળીને હું બોલ્યો : ‘ભાઈ ! આ છોકરાઓને દુનિયાનો આવો હલકો ખ્યાલ કેમ આપો છો ? મેહનત કરવી અને પેટ ભરવું તે સિવાય શું બીજું કાંઈ જ કરવાનું નથી ?’ એણે ઉત્તર દીધો: ‘ભગવાનનું સ્મરણ કરવું એ તો ખરું જ તો.’ પછી પેલી બાઈ મારી સાથે વાતમાં ભળી અને કહ્યું : ‘ભાઈ, ઠીક કહો છો: ‘પણ ભગવાનનું ફક્ત સ્મરણ કરીશું તેથી એ અન્ન કેમ આપશે?’ પેલી બાઈએ તૂરત જવાબ વાળ્યો : ‘ભગવાનનું સમરણ કરશો તો તમે ચોરી નહિ કરો, જૂઠ્ઠું નહિ બોલો અને આળસુ બની પડી નહિ રહો.’
ઉપરનો ઉત્તર સાંભળી સર નારાયણનું હૃદય સ્વદેશાભિમાનથી હરખાયું. કોનું ન હરખાય? છેલ્લી સાક્ષર-નિરક્ષરની ગણતરીમાં કદાચ આ સઘળાં સાદાં ખેડૂતજનો ‘અભણ’ વર્ગમાં નોંધાયા હશે ! પણ ભણેલાઓને પૂછો કે વ્યવહાર અને પરમાર્થનો સંબંધ આ કરતાં વધારે યથાર્થ અને સચોટ રીતે તમે દર્શાવી શકશો? કહે છે કે પ્રભુનાં દફતરમાં તો ‘આપણા આગળના તે પાછળ, અને પાછળના તે આગળ’ એમ હોય છે. તે બરોબર છે: ‘અવિજ્ઞાતં વિજાનતાં વિજ્ઞાતમવિજાનાતામ્’ (ઉપનિષદ) શબરી ક્યાં નૈવૈધનો વિધિ ભણવા ગઈ હતી? એ બિચારીએ પ્રભુને બોર ધરાવ્યાં ત્યારે પાસે બેઠેલા કોઈ કે પૂછ્યું કે ખાંટા તો નથી? ત્યારે તેને ઉત્તર આપ્યો કે ‘એકે એક કરડી ચાખીને લાવી છું !’ પ્રભુએ એ બોર સ્વીકાર્યાં. માટે અમે તો સ્પષ્ટ કબૂલ કરીશું કે પ્રભુનાં રહસ્યો જેવાં આ સાદાં-ભોળા-અજ્ઞાન ભાસતાં મનુષ્યોને સમજાયાં હોય છે, તેવાં આપણી મૂર્ખ વિદ્વતાને સ્વપ્નામાં પણ ભાસ્યાં હોતાં નથી. તેથી આજ તો આ બાઈના ઉત્તરને જ સૂત્રસ્થાને રાખી એના વિવરણ રૂપે બે શબ્દો કહીશું.
વ્યવહાર સાથે પરમાર્થ શી રીતે જોડવો, ચોતરફ ચાલતા દુનિયાદારીના પ્રચંડ વિગ્રહની વચમાં ઊભા રહી પ્રભુભક્તિ શી રીતે કરવી, – એ પ્રશ્ન હંમેશાં વિકટ ગણાયો છે. પણ વર્તમાન સમયમાં તો એ ઘણાને તદ્દન અસમાધેય જ લાગે છે, કેટલાંક મનુષ્યોમાં ધનની તૃષ્ણાનો વાયુ પુષ્કળ બ્હેકી રહ્યો હોય છે તેમણે માટે તો કદાચ એમ કહી શકાય કે તેઓ પ્રભુનું સ્મરણ કરતા નથી એ એમની ભૂલ છે. પણ જે મનુષ્યોને સામાન્ય ગુજરાન માટે ઘર અને બજારના વૈતરાં કરવાં પડે છે તેમની પાસે પ્રભુભક્તિની શી આશા રાખી શકાય? બેશક, જો પ્રભુ જ નિત્ય અને સાચો ઠરે અને આ દુનિયા ક્ષણભંગુર અને મિથ્યા ઠરે તો પ્રભુભક્તિ સામે કોઈ પણ સ્વાર્થને ટકવાનો હક નથી. પણ આ દુનિયા જેવી સત્ય અને અનિવાર્ય લાગે છે તેવો જ્યાં સુધી પ્રભુ નથી લાગતો ત્યાં સુધી તો આ દુનિયાના વ્યવહારને જ પ્રાધાન્ય આપવું જોઈએ. આમ પૂર્વપક્ષ થાય છે. આથી વર્તમાન સમયમાં ધર્મ પ્રત્યે સામાન્યજનોમાં અનેક તરેહના ભાવો જોવામાં આવે છે. કેટલાક તો ધર્મ ને – ડાહ્યા ની સભામાં ગાંડો આવ્યો હોય એમ પોતાના ડાહ્યાડમરા દુનિયાદારીના વિચારોની મોગલાઈ સભામાંથી હંસીને હાંકી કાઢે છે ! કેટલાક એ બિચારાને સભાને છેડે એક ખૂણે બેસાડી મૂકે છે. અને એ ડાહ્યાઓની સભામાં એણે જરાએ બોલવાનો હક્ક તો શેનો જ હોય? કેટલાક મનુષ્ય હૃદયના ભાવોમાં એની ઉત્કૃષ્ટતા સ્વીકારે છે; પણ એ તો જાણે વારતેહવારે ઘડી બે ઘડી પેહરવાનાં કપડાં હોય એમ સમજીને ! વળી કેટલાક એને આ કરતાં વધારે આવશ્યક માને છે. પણ તેઓ એના ઉપર દર અઠવાડિયે મળ ધોવાની ‘કેથાટિક પિલ.’ કરતાં કે તાવ રોકવાના ‘કિવનાઇન’ કરતાં વધારે પ્રેમની દ્રષ્ટિએ જોતા નથી.
ખરી વાત એ છે કે ધર્મનો અન્ય પુરુષાર્થ સાથે કેવી જાતનો સંબંધ છે એ ન સમજવાથી જ ધર્મની આ સર્વ વિડંબણા થાય છે. સિપાઈના પેહરા બદલાય છે તેમ ધર્મ,અર્થ અને કામ ના પેહરા નથી કે અર્થ અને કામના સમય ઉપરાંત ધર્મનો સમય જોઈએ. અર્થ અને કામનો સમય તે જ ધર્મનો : માત્ર ધર્મના અંત:પ્રવેશથી અર્થ અને કામ સપ્રયોજન અને પવિત્ર બને છે એટલું જ: અંત: પ્રવેશ, બાહ્ય સહચાર નહિ. અન્ય પુરુષાર્થ સાથે ધર્મનો બાહ્ય સહચાર એ નિર્થક દંભ છે. આનું એક દ્રષ્ટાંત સાંભળેલું અમને યાદ આવે છે.
એક સારા દેશી રાજ્યના એડમિનિસ્ટ્રેટર પોતાના રાજ્યકાર્યમાં એવાં ગૂંથાયેલા રહેતા કે રાત્રે સૂતી વખતે પાસે મીણબત્તી અને દીવાસળીની પેટી રખાવે અને રાતમાં જ્યારે એકાએક વિચાર સૂઝી આવે (તે રાજ્યપ્રકરણી જ) ત્યારે ઝટ દીવો કરી એ વિચાર લખી કાઢે. એમને સંધ્યા-પૂજાનો તો વખત ક્યાંથી મળે ? તેથી તેઓ નહાવાની કુંડીમાં પાણી કઢાવે ત્યારથી સંધ્યા ભણવા માંડશે, તે નહાઈને પાતળ ઉપર જમવા બેસે ત્યાં સુધીમાં પૂરી થાય – જેથી પોતાના જીવનની એક ક્ષણ પણ સરકારી નોકરીમાંથી ઓછે ન કરવી પડે અને પ્રભુભક્તિ થઈ ગણાય ! આ ધર્મનો વ્યવહારમાં કરવો જોઈતો જે અંત:પ્રવેશ તે નથી. એ તો માત્ર બાહ્ય સહચાર છે. બલ્કે તે પણ છે કે કેમ એ શંકા પડતું છે.
ઔરંગઝેબ ચાલતે યુધ્ધે પણ હાથી ઉપરથી ઊતરી વખતસર પ્રભુની બંદગી કરવી ચૂકતો નહિ. એ ખરા હૃદયથી તે કરવા માટે એને આપણે દંભ તો નહિ કહીએ, તથાપિ એ ધર્મનું ખરું સ્વરૂપ – જે અર્થ અને કામને અર્થાત વ્યવહારને પવિત્ર બનાવવાનું તે – એ સમજ્યો નહોતો અને તેથી એનો વ્યવહાર ધર્મથી વિખૂટો પડી અપવિત્ર બલકે પાપી બન્યો હતો. ધર્મનો વ્યવહારમાં એટલે કે અર્થ અને કામમાં અંત:પ્રવેશ થયેલો કેમ જાણવો?
એક દ્રષ્ટાંતથી બતાવીશ : એક મોચી બૂટ સીવવા બેસે છે; સીવતાં સીવતાં એને થયું કે બિચારા બચ્ચાને આ ચામડું તો ખૂંચશે: તુરત કાપેલું ચામડું એને ફેંકી દીધું. અને બીજું કૂણું ચામડું લઇ ફરીથી સીવવા બેઠો- એ માણસે પ્રભુને ઓળખ્યો. પ્રભુની ઓળખ જેવી નિત્ય વ્યવહારમાં થાય છે તેવી સમાધિમા પણ થતી નથી. અર્થ અને કામથી દૂર રહ્યે ધર્મ આવડતો નથી. ધર્મની શિક્ષાશાળા તે આ વ્યવહારનું જગત છે. પાણીમાં પડ્યાં વિના માત્ર હાથ હલાવવાની વાત જાણવાથી તરતાં આવડતું નથી; વ્હાણે ચઢ્યા વિના વહાણ હંકારતા આવડતું નથી; યુદ્ધનું શાસ્ત્ર પણ ગમે તેટલું શીખો પણ રણભૂમિ ઉપર હિંમત, શાંતિ સમયસૂચકતા વગેરે ગુણો તમે કેટલા રાખી શકો છો તે ઉપર જ તમારા જ્યપરાજયનો આધાર છે, આ જ પ્રમાણે ધર્મની પણ છે.
ધર્મની ચાર વાતો અરણ્યની ગુફામાં બેસીને કરવાથી ધર્મ આવડતો નથી. અરણ્યની ગુફા એ પ્રાચીન રૂઢીનો દાખલો લીધો, પણ વર્તમાન સમયની સમયની ગુફાઓ થોડી નથી; યુનિવર્સીટી, પુસ્તકશાળા, પ્રાર્થનામંદિર વગેરે આ જાતની ગુફાઓ જ છે. એમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન જ્યાં સુધી વ્યવહારની કસોટીએ ચઢતું નથી ત્યાં સુધી એ સિદ્ધ અને સંસ્કારી બનતું નથી. અમારા વખતના એક શિક્ષક માટે એવી વાત ચાલતી કે એમને ઘોડા ઉપર બેસતા આવડતું નહોતું, પણ એ ગુરુત્વમધ્યબિંદુનો સિદ્ધાંત જાણતા હતા અને તેથી ગુરુત્વમધ્યબિંદુણી રેખા ઘોડામાં રાખવી એ કરતાં મનુષ્યે ઘોડે બેસવામાં કાંઈ વિશેષ કરવાનું નથી એમ તેઓ સમજતા હતા. આવી સમજથી તેઓ ઘોડે બેઠા, પણ ઘોડાએ એમની સમજને માન ન આપ્યું ! આપણો વ્યવહાર એ પણ આવો જ ઘોડો છે; એને સમતાનો સિદ્ધાંત જાણનાર અસંખ્ય ઘોડેસ્વારને પાડ્યા છે, અને આપણને પ્રતિદિન કેટલી બધી વાર પાડે છે એનો સાક્ષી આપણો આત્મા જ છે. પણ ઘોડે બેસી જાણે તે ઘોડેસ્વારને સમતાનો સિદ્ધાંત જાણવાનું શું પ્રયોજન છે? એમ તમે પૂછશો.
આનો ઉત્તર કે- દુનિયામાં હંમેશાં ઘોડે જ બેસવાનું હોતું નથી. કોઈકવાર ઊંટે પણ બેસવાનું આવે. તે વખતે એ ઊંચું અને કઢંગુ પ્રાણી જોઈ તમારું કાળજું ન ધળકે તે માટે એટલું જાણવાની જરૂર છે કે જ્યાં બેસીશું ત્યાં જો સમતાથી બેસીશું તો પડવાનો ભય નથી.
માટે જ પેલી બાઈએ કહ્યું છે કે ‘જેણે ભગવાનને ઓળખ્યો છે તેનામાં જૂઠ, ચોરી, આળસ એ કદી પણ નહિ આવે.’ જેણે ભગવાનને નથી ઓળખ્યો તેમની શાહુકારી તો જ્યાં સુધી જેલ છે ત્યાં સુધી જ; એનો ઉદ્યોગ પણ જ્યાં સુધી પારકે પૈસે રબર ટાયરની ગાડીઓ દોડાવવાની નથી મળી ત્યાં સુધી જ. માટે ચોરી, આળસ વગેરે અટકાવવાનો ખરો ઉપાય જે સર્વ દેશોમાં સર્વ કાળમાં મનુષ્યની સર્વ અવસ્થાઓમાં કામ લાગે છે તે એ જ છે કે પ્રભુની ઓળખ કરવી. અને પર્ભુની જેણે ખરી ઓળખ થઇ હશે તે સારી રીતે જાણશે જ કે પ્રભુ મારી અને આ દુનિયાની બહાર નથી, આખા વિશ્વનો એ જ અંતર્યામી છે, અને તેથી એનું સ્મરણ અર્થાત ધર્મ એ પણ દુનિયાના સઘળા વ્યવહારનો -અર્થનો અને કામનો – અંતર્યામી થવો ઘટે છે, એટલે કે અર્થ ને કામનો એ દાસ નથી, પણ અર્થ અને કામ ઉપર અમલ ભોગવી અર્થ અને કામને પોતાના કાર્યમા પ્રેરે છે. ધર્મનું આ જીવંત અંતર્યામિત્વ જેના જાણવામાં નથી તેઓ ધર્મને પોતાની દુનિયાદારીના વૈભવનું સાધન બનાવવા ઈચ્છે છે !
જે ધર્મ પૈસો આપે, સર્વ પ્રકારનું સુખ આપે એ જ ધર્મ ખરો ! એક જાણે તો અણગમો વ્યક્ત કરતા કહ્યું છે તેમ ‘Men donot worship God; they use Him.’-જૂના વખતમાં અમારી જ્ઞાતિના એક અમલદાર વિશે કેહવાય છે કે (આશા છે કે એ વાત કલ્પિત હશે) તેઓ નિત્ય દેવનું પૂજન કરતા, અને પૂજન કરતી વખતે બોલતા નહિ, માત્ર સંજ્ઞાથી જ વાત કરતા હતા, તેવામાં કારકૂને આવીને પૂછ્યું કે અમુક ગુન્હેગારને શી શિક્ષા કરવી ? પેલા અમલદારે પોતાના લાલજીને પોતાના જનોઈથી વીંટીને ટાંગ્યા, અને આચમની વતી ફટકા મારી બતાવ્યા ! અરે દુષ્ટ ! તને ખબર નથી કે જે પ્રેમાળ માતાનાં દામણાંથી પણ પૂરેપૂરો બંધાયો નથી તે તારા સૂતરના તાંતણાથી બંધાવાનો હતો? માત્ર તું તારી ભાવનાને જ બાંધે છે ! અને એને પણ તું પવિત્ર પદવીથી ભ્રષ્ટ કરી તારા દુનિયાદારીના વ્યવહારનું સાધન બનાવે છે ! તારા કરતાં તો જેઓએ પ્રભુને જગતની બહાર બેસાડી મૂક્યો છે અને જગતમાં એને અવતરતો અનેર મૂર્તિમંત થતો જોતા નથી તેઓ જ સારા. ધર્મને અર્થ અને કામનો દાસ બનાવવો તે કરતાં તો ધર્મનું નામ છોડી દઇ અર્થ અને કામની સેવા કર્યાં કરવી એ જ સારું.
આપણા કેળવાયેલા સ્વદેશબંધુઓની બલ્કે આજકાલ પૃથવી ઉપર ઘણે ભાગે, આ બીજી સ્થિતિ જ જોવામાં આવે છે. પણ પૃથ્વીના બીજાં ભાગમાં એટલું સારું છે કે ધર્મશિક્ષણ એ દેશના પ્રાથમિક માધ્યમ તેમજ ઉચ્ચ સામાન્ય શિક્ષણનો ભાગ હોઈ એની સર્વથા ઉપેક્ષા થઇ શકતી નથી. પણ આપણે ત્યાં તો કેળવાયેલો વર્ગ ધર્મજ્ઞાનથી તદ્દન વિરહિત રહે છે અને તેથી સામાન્ય અશિક્ષિત વર્ગના ધર્મથી જ દેશની ધાર્મિક ભાવના સચવાઈ રહે છે. આ સ્થિતિમાં ફેરફાર થવાની બહુ જરૂર છે. ધર્મમાં જીવ હશે તો જ અર્થ અને કામમાં જીવ આવશે – કૂવામાં પાણી નહિ હોય તો હવાડો કેટલો વખત ભર્યો રેહવાનો હતો? આપણો કૂવો પાતાળ કૂવો છે – એમાં પાણી કદી પણ ખૂંટવાનું નથી; પણ યોગ્ય સંભાળ નહિ લઈએ તો એ નહિ ચાલે. કૂવો માટી કચરાથી પૂરાઈ ગયો હોય તો તે ગાળવો. એમાં કહોવડામણ દેખાતું હોય તો તે કઢાવી નાંખી સ્વચ્છ કરો. બહોળાં અને સ્વચ્છ પાણીથી તમારાં અર્થ અને કામનાં ખેતરો યોગ્ય સમયે અને યોગ્ય માપમાં પાશો તો એનો પાક સારો ઉતરશે. જમીન ચૂસે, વાવેતરનાં મૂળ ચૂસે તે કરતાં અધિક પાણી ઢોળીને જમીન બગાડશો નહિ, વાવેતરને કહોવડાવશો નહિ. પણ પાણી વિના ખેતરો સૂકાવા દેશો નહિ.
(‘આપણો ધર્મ’ પુસ્તકમાંથી ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર, પંડિત અને તત્વજ્ઞ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો પ્રસ્તુત લેખ વાચકોના લાભાર્થે લેવામાં આવેલ છે.)

‘પૃથ્વી ગોળ છે ‘ એ વિધાનના વિશ્વપ્રથમ જ્ઞાતા …

‘પૃથ્વી ગોળ છે ‘ એ વિધાનના વિશ્વપ્રથમ જ્ઞાતા …


earth

પૃથ્વી ગોળ છે, એ કોને શોધી  કાઢ્યું ?
આપણાં પુસ્તકો આપણને આવું કહે છે અને શીખવે છે : કેપ્લર, ક્પોરનિકસ અને ગેલેલિયો. આ ત્રણેય વૈજ્ઞાનિકો ૧૬મી અને ૧૭મી સદીના છે.
પ્રાચીન સમયમાં આ વિશે ભારતની માન્યતા કેવી હતી ? પૃથ્વી ગોળ છે, એમ તેઓ જાણતા હતા ?
આનો જવાબ ‘હા’ છે. તેઓ એટલે કે ભારતીયો આ હકીકતને પ્રાચીન સમયથી એટલે કે યુગોથી જાણતા હતા. અહીં એ વિશેની હકીકતના કેટલાક સંદર્ભો પ્રસ્તુત છે.

 

  • ભારતના સુખ્યાત ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે (ઈ.સ. ૪૭૬) આમ કહ્યું હતું: ‘ભૂગોલ: સર્વતો વૃત્ત:-પૃથ્વી બધી બાજુએથી ગોળ છે.’ (આર્યભટ્ટીયમ્, ગોલપદ, શ્વલોક -૬ )
એણે પૃથ્વીના વ્યાસની ક્ષતિરહિત ગણતરી પણ કરી હતી. (આર્યભટ્ટીયમ્, પ્રકરણ -૧, શ્વલોક -૫ )

 

  • પોતાના આ ગ્રંથનાં ગોલપદના શ્વલોક -૩૭માં આર્યભટ્ટે ગ્રહણનાં કારણો પણ આપતાં કહ્યું છે: ‘છાદ્યતિ સૂર્યમ્ શશિનમ્ મહતી ચ ભૂચ્છાયા – જ્યારે ચંદ્ર સૂર્યને ઢાંકી દે કે સૂર્ય પર ચંદ્રનો પડછાયો પડે ત્યારે સૂર્યગ્રહણ થાય છે અને જ્યારે પૃથ્વી ચંદ્રને ઢાંકી દે કે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.’
એમણે ગ્રહણની ક્ષતિરહિત ગણતરી પણ કરી હતી. સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા કરવામાં પૃથ્વીને ૩૬૫ દિવસ, ૬ કલાક, ૧૨ મિનિટ અને ૩૦ સેકંડ લાગે છે. અને પૃથ્વી પોતાની ધરીની આસપાસ ૨૩ કલાક, ૫૬ મિનિટ, ૪.૧ સેકન્ડમાં ફરે છે.

 

  • ૬ઠ્ઠી સદીના વરાહમિહિર નામના એક બીજા ભારતીય ખગોળશાત્રીએ પોતાના પુસ્તક ‘પંચ સિદ્ધાંતિકા’ માં આમ કહ્યું છેઃ ‘પંચ મહાભૂત માયાસ્ત્રારાગણા પંજરે મહીગોલાહા-ગોળ પૃથ્વી પંચ મહાભૂતોની બનેલી છે અને અવકાશમાં તારે છે. તે તારાઓથી મઢેલા પાંજરામાં લટકતા લોખંડના ગોળા જેવી છે.’ (પંચ સિદ્ધાંતિકા, પ્રકરણ-૧૩, શ્વલોક-૧)
  • હવે આપણે આ ઋગ્વેદ (૧.૩૩.૮) મંત્ર જોઈએ : ‘ચક્રણાસ: પરિણહં પૃથિવ્યા – પૃથ્વીના પરીઘની સપાટી પર લોકો રહે છે.’ એમ આ મંત્રમાં કહ્યું છે. આવા ઘણા વૈદિક મંત્રો છે. એમાંના ઘણા પૃથ્વી ગોળ છે એવું વિધાન કરે છે.
  • ‘સૂર્યસિધ્ધાંત’ નામના એક પ્રાચીન ખગોળવિદ્યાના ગ્રંથ (૧૨.૩૨) આમ કહ્યું છે: ‘મધ્યે સમાનાતાંઙસ્ય ભૂગોલો વ્યોમની તિષ્ઠતિ -બ્રહ્માંડની વચ્ચે ગોળ પૃથ્વી અવકાશમાં અડગ ઊભી છે.
  • ભાસ્કરાચાર્ય (૧૧મી સાદી) નામના સુખ્યાત ગણિત શાસ્ત્રીએ પોતાના ગ્રંથ ‘લીલાવતી’ માં એક નાની બાલિકા લીલાવતીએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આ શબ્દોમાં આપે છે : ‘તમારી આંખ જે જુએ છે તે વાસ્તવિકતા નથી. તમે જુઓ છો એવી પૃથ્વી સપાટ નથી. તે વર્તુળકાર છે, જો તમે એક મોટું વર્તુળ દોરો અને તેના ચોથા ભાગના પરિઘ પર દ્રષ્ટિ કરો તો તે તમને સીધી રેખા જેવો લાગશે. પણ વાસ્તવિક રીતે તો એ વર્તુળ જ છે. એવી જ રીતે પૃથ્વીનો આકાર ગોળ છે.’
આજે પણ મોટા ભાગની ભારતીય ભાષાઓમાં અંગ્રેજી શબ્દ ‘જ્યોગ્રાફી’ એટલે ‘ભૂગોળશાસ્ત્ર’ ના નામે વર્ણવાય છે. ભૂગોળ એટલે વર્તુળાકાર પૃથ્વી. એનો અર્થ એ થયો કે યુગો પેહલાં ભારતીય લોકો પૃથ્વીનો આકાર ગોળ છે એ જાણતા હતા.

 

તો પછી આપણે શાળામાં આપણાં બાળકોને ‘પૃથવી ગોળ છે’ એ મહાન શોધ પશ્ચિમના વૈજ્ઞાનિકો – ખગોળ શાસ્ત્રીઓએ કરી હતી, એમ શા માટે ભણાવીએ છીએ ?

 

(‘વિવેકાનંદ લાઈફ સિકલ્સ એકેડમી’ દ્વારા પ્રકાશિત અને જે. ચાદ્રશેખર અને એમ. ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ ‘ઇટરનલી ટેલેન્ટેડ ઈંડિયા-૧૦૮ ફેક્ટ્સ’ માંથી કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)