(૧) રાજાની પાસે બેસવાનું ફળ … (બોધકથા)

(૧) રાજાની પાસે બેસવાનું ફળ … (બોધકથા)

shethji

શ્રાવસ્તી નગરીમાં વિષ્ણુગુપ્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ ગરીબ પણ બુદ્ધિમાન હતો. સમય અને સંજોગોને માન આપી ભિક્ષાવૃત્તિ કરી પોતાના કુટુંબનું ભરણ-પોષણ કરતો હતો. વિષ્ણુગુપ્તને એક દીકરી હતી. નામ એનું રાધા હતું. રાધાના લગ્ન માટે તે બચત પણ કરતો હતો. બચત કરેલી રકમ અમૂલખ શેઠની પેઢીમાં જમા કરાવતો હતો. વિષ્ણુગુપ્તે આ રીતે દશ વરસ સુધી બચત કરી, હવે તેની રાધા પુખ્ત વયની બની હતી. સારું ઘર અને સારો વર જોઈ વિષ્ણુગુપ્તે રાધાની સગાઈ કરી નાખી. વસંતપંચમીના રોજ લગ્ન કરવાનું મુહૂર્ત પણ જોવડાવી દીધું.
એક દિવસ વિષ્ણુગુપ્ત અમૂલખ શેઠની પેઢીએ આવી કહેવા લાગ્યો : ‘ શેઠજી, મેં દીકરીનાં લગ્ન લીધાં છે. માટે હિસાબ કરીને મારી બચત થયેલી રકમ આપો.’
શેઠની દાનત બગડી હતી. એણે ઉગ્ર સ્વરે કહ્યું : ‘હું તને ઓળખતો નથી. બચત કેવી ને વાત કેવી ? ભાગ અહીંથી.’
વિષ્ણુગુપ્ત કહે : ‘શેઠ, ગરીબ બ્રાહ્મણની મજાક ન કરો. હાડિયાને હસવાનું થાય છે ને ઊંદરડીનો જીવ જાય છે. આપની ખાતાવહીમાં મારું ખાતું પાડેલું છે. એમાં મારી બચત રકમ બોલે છે. કૃપા કરી મારી ખાતાવહી જુઓ, મારી જે રકમ નીકળતી હોય તે આપો. હું ભિક્ષાવૃત્તિ કરવા આવ્યો નથી.? શેઠે નોકરો મારફતે બ્રાહ્મણને તગેડી મૂક્યો. શેઠની બેઈમાનીથી વિષ્ણુગુપ્તને ભારે આઘાત લાગ્યો. એનો અરમાનોનો મહેલ કડડડ ભૂસ કરતો તૂટી પડ્યો. એ ભારે હૈયે રાજાના મહેલે આવ્યો.
રાજા બિંદુસાર યજ્ઞના કામમાં વ્યસત હતો. એને એક પળની નવરાશ ન હતી. આમ છતાં પ્રજાવત્સલ રાજાએ યજ્ઞનું કામ પડતું મુકી ગરીબ બ્રાહ્મણની કથની પૂરેપૂરી સાંભળી. બ્રાહ્મણને કહ્યું : ‘પૂરાવાના અભાવે હું ન્યાય આપી શકતો નથી. ન્યાયશાસ્ત્રમાં પૂરાવાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આમ છતાં તને તારી બચતની રકમ મળે તે માટે મેં એક યુક્તિ વિચારી છે.’ આમ કહી રાજાએ એના કાનમાં યુક્તિ જણાવી. રાજાની યુક્તિ સાંભળી રવિકિરણથી કમળ ખીલે એમ બ્રાહ્મણનું મોં ખીલી ઊઠ્યું. એ ધમધમ પગલાં ભરતો પોતાના આવાસે ગયો. રાજાએ સાંજે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે, ‘આવતી કાલે સવારથી રાજાની શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગે ફરશે. તો સૌ નગરજનોને શોભાયાત્રામાં ભાગ લેવાનું આમંત્રણ છે.’ આખી રાત નગરના લોકોએ નગરને ધજાપતાકાથી શણગાર્યું. લોકો ખુશીના મહેરામણમાં હિલોળા લેતા હતા.
એવામાં સવાર પડ્યું. દશવાગે રાજા બિંદુસારની શોભાયાત્રા દક્ષિણ દરવાજે આવેલા ભગવાન સોમેશ્વ્રરના મંદિર પાસેથી નીકળી. લોકો, વેપારીઓ અને શ્રેષ્ઠીઓ માર્ગમાં રાજાનું અભિવાદન કરતા હતા. આ વખતે વિષ્ણુગુપ્ત અમૂલખ શેઠની પેઢીએ ઊભો હતો. થોડી જ વારમાં રાજાની શોભાયાત્રા અમૂલખ શેઠની પેઢી પાસે આવી પહોંચી. અમૂલખશેઠે ફૂલહાર પહેરાવી રાજાનું અભિવાદન કર્યું. આ વખતે રાજાની નજર વિષ્ણુગુપ્ત પર પડી. રાજાએ ઈશારો કરી વિષ્ણુગુપ્તને પોતાની પાસે બોલાવ્યો. રાજાએ ‘ગુરુદેવ’ કહી વાતની શરૂઆત કરી : ‘યજ્ઞના કામકાજ માટે મારે તમારી સલાહ લેવાની છે. માટે આપ થોડીવાર મારી પાસે બેસો.’વિષ્ણુગુપ્ત થોડીવાર રાજાની પાસે બેસી ઊતરી ગયો. નગરજનો અને અમૂલખશેઠ વિષ્ણુગુપ્તને રાજા તરફથી મળતું માન જોઈ રહ્યા. નગરજનો દંગ થઈ ગયાં. જ્યારે અમુલખ શેઠ ધ્રૂજી ગયો. શેઠ અમૂલખને મનમાં વસી ગયું કે, ‘વિષ્ણુગુપ્ત જો મારા વિરુદ્ધ રાજાને ફરિયાદ કરશે તો રાજાના સૈનિકો મારા તમામ ચોપડાઓ જપ્ત કરી તપાસ કરશે. ખાતાવહીમાં બ્રાહ્મણનું ખાતું જોઈ મારી તમામ મિલકત રાજા જપ્ત કરશે. મને જેલમાં પૂરશે. મારા કુટુંબને દેશનિકાલ કરશે. આ તો રાજા વાજાંને વાંદરા. એમનું કંઈ કહેવાય નહીં.’ આવું વિચારી શેઠે નોકરોને દોડાવી વિષ્ણુગુપ્તને પેઢી પર બોલાવી મંગાવ્યો.
શેઠે બ્રાહ્મણને પેઢીમાં બેસાડી બહુમાન કર્યું. વિનમ્ર થઈને કહ્યું : ‘બ્રહ્મદેવતા, તમારા ગયા પછી મેં ખાતાવહી તપાસી તો તમારું જમા પડેલું ધન મળી આવ્યું. મને એ યાદ ન હતું. આપ મને ક્ષમા કરશો. હું અત્યારે જ હિસાબ કરી તમારી તમામ રકમ વ્યાજસહિત આપી દઉં છું. ઉપરાંત દીકરીનો લગ્નપ્રસંગ હોઈ હું થોડી વધારે રકમ મારા તરફથી આપું છું. આપ એનો સ્વીકાર કરશો.’ વિષ્ણુગુપ્તનું કામ થઈ ગયું. એ વિચારવા લાગ્યો કે રાજા સાથે થોડીવાર બેસવાથી આ પરિણામ આવ્યું તો રાજાના રાજા ઈશ્વર પાસે બેસીને ઉપાસના કરવાથી કોણ જાણે કેટલું મોટું ફળ મળતું હશે ? આ રીતે ઉચ્ચ ચિંતન કરવાથી ભક્તની વિચારણા, ક્રિયા અને નિષ્ઠામાં ફેરફાર થઈ જાય છે. ભક્ત ધીરે ધીરે ઊંચે ઊઠવા લાગે છે.
ચંદન પાસે ઊગનારાં બીજાં ઝાડ પણ સુગંધિત થઈ જાય છે. તીડ, કીડા, પતંગિયાં લીલાઘાસમાં રહેવાને કારણે લીલાં થઈ જાય છે. તેમ ઈશ્વર પાસે સાચી ઉપાસના કરવાથી આપણે ઈશ્વરમય બની જઈએ છીએ. આવું વિચારી વિષ્ણુગુપ્ત ઈશ્વર પાસે બેસી ઉપાસના કરવા લાગી ગયો.
સાભારઃપોપટલાલ મંડલી…

 

માગતાં શીખો … (બોધકથા)

માગતાં શીખો … (બોધકથા)

Final Diwali Card - ASD-JAD-YAD-n-D

એક વાણિયો હતો, જેનું નામ હતું માણેકલાલ; નહોતાં મા-બાપ, કે નહોતી સ્ત્રી કે ઘરબાર, અને વળી અધૂરામાં પૂરું બિચારો બન્ને આંખે હતો અંધ. એક શહેરમાં આવીને રહેલો અને તેની જ કોમના એક ગૃહસ્થે દયા લાવીને દુકાને મુનીમ રાખેલ. મુનીમનું કામ મોઢેથી ટપોટપ હિસાબ કરી દેવાનું હતું. હિસાબમાં એવો એક્કો હતો કે એની કોઈ જોડ મળે નહિ. દસ રૂપિયા પગાર મળતો, તેમાંથી દોઢ રૂપિયો ઓરડીના ભાડાનો ભરતો; જેશંકર નામના બ્રાહ્મણને ત્રણ રૂપિયા રસોઈના મહેનતાણાના આપી રસોઈ કરાવતો અને જેશંકર અને માણેકલાલ લહેર કરતા. જેશંકર ગામમાં માગવા જતો અને ખાઈ-પી લહેર કરતો. જેશંકર ઘરબારી હતો, તેને એક છોકરો હતો અને ઘરવાળી હતી; ત્રણચાર રૂપિયા ઘેર મોકલતો અને ગાડું ઠીકઠીક ગબડે જતું હતું. 

એક વખત પુરુષોત્તમ માસ આવ્યો અને વળી તે શ્રાવણ માસ હતો; એટલે જેશંકરે, ભીડભંજક મહાદેવમાં બેસી આખો દિવસ શંકરની ઉપાસના કરવા નક્કી કર્યું,આની વાદે માણેકલાલે પણ નિશ્ચય કર્યો અને બન્ને જણાએ મહાદેવ-ભોળા ભગવાનને પ્રસન્ન કરવા તપ આદર્યું. બ્રાહ્મણ અંદર બેસે અને વાણિયો બહાર બેસે એટલો જ ફેર. બરાબર મહિના દિવસ સુધી એક ચિત્ત અને ધ્યાનથી ઉપવાસ કરીને ‘ૐ નમ: શિવાય’ ના સવા લક્ષ જપ કર્યાં. ભોળાનાથ પ્રસન્ન થયા અને એકેક વરદાન માગી લેવા કહ્યું. વાણિયો તો ખુશખુશ થઈ ગયો, પણ બ્રાહ્મણ લોભી તે ભગવાન ભોળાનાથને કહે : ‘પ્રભો, આ તો આપનો અન્યાય છે. હું અંદર બેસીને આપને સ્નાન કરાવતો, ચંદન ચોપડતો, ફૂલ ચડાવતો અને વળી જ્ઞાતે બ્રાહ્મણ જ્યારે આ વાણિયો તો બહાર બેસતો અને જ્ઞાતે વૈશ્ય. માટે વરદાનમાં ફરક હોવો જોઈએ. વાણિયાને આપે ભલે એક વરદાન આપ્યું અને તેને એક જ બસ છે; કારણ કે તે તો એકલો જ છે, જ્યારે દીનાનાથ, અમે તો ત્રણ જણાં છીએ, તો અમો ત્રણેને એક એક વરદાન મળવું જોઈએ.’ ભગવાન કહે : ‘ભાઈ, ભલે ત્રણ વરદાન તમારા ત્રણ વચ્ચે, પણ તું જાણે છે કે, અતિલોભ પાપનું મૂળ છે, લોભે લક્ષણ જાય; પણ તું અનુભવથી જ શીખીશ, તથાસ્તુ.’

બ્રાહ્મણ તો દેવળેથી જ પોતાને ગામ ગયો અને ઘેર જઈને જુએ છે તો પોતાની પત્ની કપડાં ધોવાં નદીએ ગયેલી અને છોકરો નિશાળે ગયેલો. જેશંકર તો હરખમાં ને હરખમાં શૌચ આદિ દૈનિક ક્રિયાઓ પતાવવા ઉપડ્યાં. રસ્તામાં નદીએ પત્ની મળી અને તેને વરદાનની વાત કરી અને એક ઈચ્છિત વરદાન માગવાનું તેને ભાગે આવ્યું હતું તે વાત કરી ને પછી એ ઉપડ્યા. બ્રાહ્મણી તો વિચારમાં પડી કે મારે શું માગવું ? વિચાર કરતાં રૂપ માગવાનું નક્કી કર્યું. કારણ કે રૂપ હશે તો બ્રાહ્મણ વશ રહેશે; નહિ તો વરદાનથી ધન મેળવી બીજી રૂપાળી સ્ત્રીને પરણશે એવી બીક લાગી. બ્રાહ્મણીએ તો રૂપ માગ્યું અને રૂપસુંદરી બની ગઈ.

બરાબર આ વખતે એક રાજા શિકારે નીકળેલો.. તે પોતાના ઘોડાને પાણી પાવા નદીએ આવ્યો અને આ રૂપરૂપના અવતારવાળી સ્ત્રીને જોઈને તેની દાનત બગડી. તેને એમ લાગ્યું કે આ સ્ત્રી તો રાજદરબારમાં શોભે, એમ વિચારીને પેલી સ્ત્રીને પકડી ઘોડે બેસાડી દીધી અને પોતે પણ તે જ ઘોડા ઉપર બેસી, ઘોડાને દોડાવી મૂક્યો; જેશંકરનો છોકરો આ જ વખતે નદીએ બોલાવવા આવ્યો પણ પોતાની માતાનું હરણ થતાં જોઈને પોકેપોકે રોવા લાગ્યો. જેશંકર શૌચ આદિ પ્રાત:ક્રિયા પતાવીને આવ્યો અને બધી બનેલી વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. છોકરાને ઘેર મૂકીને, ગામમાંથી કોઈનો ઘોડો માગીને રાજાના ઘોડાની પછવાડે પછવાડે ગયો. રાજાએ તો બ્રાહ્મણીને ખૂબ આશા આપેલી અને પટરાણી બનાવીશ એમ વચન આપ્યું અને દરદાગીના અને કપડાંની લાલચમાં લપટાવી. બ્રાહ્મણ તે ગામમાં ગયો અને પોતાની સ્ત્રીનો માંડમાંડ પત્તો મેળવ્યો. બહુ જ કાકલૂદી અને કાલાવાલાથી એક જ વખત તે સ્ત્રીનું મોઢું જોવાની રજા મળી. મોઢું જુએ તો રૂપરૂપનો ભંડાર. બ્રાહ્મણ સમજી ગયો કે આ સ્ત્રીએ તો વરદાન માગી મને ખાડામાં ઉતારી દીધો. સ્ત્રીને ઘણું સમજાવ્યું કે હું તને માગે તે આપીશ, તું વ્યભિચારીણી કેમ થાય છે ? છોકરાં રોઈ રોઈને મરી જશે અને તને આ શું સૂઝ્યું ? ઘણી રીતે સમજાવી પણ તે તો એક ટળી બીજી થઈ નહિ. એ તો જબદજસ્ત નાગણી થઈ.

બ્રાહ્મણને ગુસ્સો આવ્યો કે તપ કરી માંડમાંડ વરદાન મળ્યાં અને આ સ્ત્રીએ તો એનો દાટવાળી દીધો. મારી કમાણી ઉપર પાણી ફેરવી દીધું, આના કરતાં તો ભગવાને એક વરદાન આપ્યું તે લીધું હોત તો ઠીક હતું. આ લોભનાં ફળ ભોગવવાં રહ્યાં. આ તો હું સુખ લેવા દોડ્યો, ત્યાં નસીબ બે ડગલાં આગળ ને આગળ. પછી બ્રાહ્મણે પણ રાજાને ઘણી વિનંતિ કરી : ‘હે રાજા તમારે તો પ્રજાનું રક્ષણ કરવું જોઈએ તેને બદલે આ તો ભક્ષણ કરો છો, પ્રજાની મા અને દીકરીની લાજ અને મર્યાદા માટે તો ક્ષત્રિયોએ પોતાનાં માથાં આપ્યાં છે તેને બદલે તમે તો આવાં હલકાં અને નીચ કામ કરો છો ?તમે તો ગૌબ્રાહ્મણપ્રતિપાળ કહેવાવ, તેને બદલે બ્રાહ્મણનાં જ ગળાં કાપો છો ? રાજા, તું જરા સમજી જા. રાજા રાવણે પણ સીતાજીનું હરણ કરી શું લાડવો લીધો ? અને દુર્યોધને પાંચાળીનાં પટકુળ ખેંચી શું સુખ માણ્યું ?’ આવી રીતે ઘણાંઘણાં વચનો રાજાને સંભળાવ્યાં; પણ તે તો પોતાના વિચારમાં અડગ રહ્યો. છેવટે બ્રાહ્મણે ભોળાનાથ ભગવાનની સ્તુતિ કરી વરદાન માગ્યું કે : ‘હે ભોળાનાથ, આ સ્ત્રીને ગધેડી બનાવી દ્યો.’ બ્રાહ્મણી તુરત જ ગધેડી બની ગઈ અને આ જોઈને રાજા તો ગભરાયો અને બ્રાહ્મણને પગે પડી કહેવા લાગ્યો કે, ‘મહારાજ, મારો ગુનો માફ કરો. હું તમારી ક્ષમા માગું છું, તમે તો દયાળુ છો. મહારાજ, હવે તમારે જોઈએ તે માગી લો. પણ મને ગધેડો બનાવશો મા.’ રાજા તો ભાગીને સંતાઈ જ ગયો. બ્રાહ્મણ તો ગધેડીને દોરીને પોતાને ગામ આવ્યો. છોકરો તો બિચારો માના વિરહમાં રોતો હતો; કારણ કે તેને મા વિના સંસાર સૂનો હતો.

જેશંકરનો દીકરો બિચારો મા વિના ઝૂરતો હતો, એટલામાં ગધેડીને લઈ તેના પિતા આવી પહોંચ્યા. જેશંકરે કહ્યું :’ બેટા ! રો મા, જો આ તારી માને પકડી લાવ્યો છું. તું નહિ સાચું માને કે આ તારી મા છે, પણ હું સાચું કહું છું કે આ તારી મા છે. હવે હું કહું તેમ કર. હાથ જોડી બોલ કે હે ભોળાનાથ શંકર, આ ગધેડી મારી મા જેવી હતી તેવી થઈ જાઓ.’ પિતાની આજ્ઞા પ્રમાણે પુત્રે કહ્યું એટલે તુરત જ ગધેડી બદલાઈ ગઈ અને તે બ્રાહ્મણી બની ગઈ; છોકરો માને પ્રેમથી ભેટી પડ્યો. ત્રણ વરદાન હતાં, પણ માગતા ન આવડ્યું એટલે હતા ત્યાં ને ત્યાં અને હતા તેવા ને તેવા રહ્યા.

હવે પેલા વાણિયા માણેકલાલે શું માગ્યું તે જુઓ. તેને તો એક જ વરદાન હતું. ધન માગે તો આંખ ન મળે, આંખ માગે તો ધન ન મળે અને પાછી નોકરી તો કરવી જ પડે.એટલે ખૂબ વિચાર કરી માગ્યું :’હે ભોળાનાથ, હું મારા છોકરાના છોકરાની વહુને સાત માળની હવેલીએ સોનાની ગોળીએ છાશ કરતાં જોઉં.’ આમાં વાણિયાએ માગવામાં શું બાકી રાખ્યું ?’ ધન માગ્યું, વહુ માગી, દીકરા માગ્યા અને દીકરાનો પરિવાર માગ્યો, ઘર માગ્યું. ઢોર માંગ્યા અને આંખ પણ માગી લીધી. આવી રીતે જેને માગતાં આવડે છે તેનો બેડો પાર થાય છે. આપણે જેવું માગીએ એવું ઈશ્વર જરૂર આપે છે પણ માગતા પહેલાં આપણે આપણામાં લાયકાત લાવવા જરૂર પ્રયત્ન કરવો જોઈએ. પ્રથમ લાયક બનો પછી માગણી મૂકો.

(૧) કાનજી કાળા (રચના) અને (૨) પુરુષોત્તમ શ્રીકૃષ્ણ …

(૧) કાનજી કાળા …
રચિયતા : શ્રી કેદારસિંહજી એમ. જાડેજા …
ઢાળ:- રાગ પ્રભાતિ જેવો
krishna
 

કાનજી કાળા ના કર ચાળા, મતિ મુંઝાણી મારી રે…

રામ બની તેં અહલ્યા ઉધ્ધારી, શબરી પાર ઉતારી રે
અસુર નારી તાડકા મારી,       ભક્ત ઉગાર્યા ભારી રે…

એકજ નારી જન હિત કારી, એક વચન વ્રત ધારી રે
ધોબી ના વચને રાણી સીતા ને, કષ્ટ દીધાં બહુ ભારી રે…

ક્રુષ્ણ બની તું કપટ કરે છે,   રણ છોડી રણછોડ બને છે
છોગાળા ને તું છળ થી છળે છે, વિપરીત વાણી તારી રે…

જોર કરી જાંબુવતી લાવ્યાં,   પરણ્યા છો બહુ નારી રે
રાધા સંગે તેં રીત ન પાળી,    વિરહ વેઠાવ્યા ભારી રે…

બે માતા ને તારે બે બે પિતાજી, સમજણ આપે ભલે સારી રે
પણ-જનમ ભોમકા (જેલ) ભાગ ભજાવે, મતી બગાડે તારી રે…

“કેદાર” કપટ એક કાન કરી દે,  મુજ પાપી ને પાર કરી દે
જગત બધાને જાણ કરી દે,    તૂં અધમ નો પણ ઉધ્ધારી રે…

(૨) પુરુષોત્તમ શ્રીકૃષ્ણ …
ભારતની સંસ્કૃતિ વ્યક્તિનિરપેક્ષ હોવા છતાં એની ગોદમાં કેટકેટલાં અદભુત -રમણીય વ્યક્તિત્વો પાંગર્યા છે ! વ્યક્તિત્વોની એ નક્ષત્રમાળામાં રામ અને કૃષ્ણ ભારતીય જનતાનાં હૈયામાં જડાયેલાં છે. હજારો વર્ષોથી ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાતાં આવતાં આ જનકલ્યાણકારી વ્યક્તિત્વ ભારતીય જનજીવનના આદર્શરૂપ રહ્યાં છે.
આ બન્નેમાં પણ કૃષ્ણે તો ભારતીય વિચારો, જીવન અને સંસ્કૃતિ ઉપર ઘણી ઘેરી અસર કરી છે. ધર્મ અને તત્વજ્ઞાનમાં જ નહિ, રહસ્યવાદમાં, કવિતામાં, શિલ્પમાં, સંગીતમાં, નૃત્યમાં અને ગ્રામજીવનનાં દરેકે દરેક પાસાંમાં એ પ્રવેશી ચૂક્યા છે. એણે ભારતની પેઢી દર પેઢી પર પોતાનો જાદુ પાથરી દીધો છે.
નવાઈ તો એ છે કે આવું અદભુત રમણીય ચરિત્ર ધરાવતા પુરુષોત્તમ શ્રીકૃષ્ણ પર પણ એના અજ્ઞાન કે અધૂરી સમજણને કારણે આક્ષેપો અને કપરી આલોચનાઓ મૂર્ખોએ કરી છે. આપણે અતિઉત્સાહભરી પ્રશંસાઓ અને કપરી આલોચનાઓની વચ્ચેનો સંતુલિત માર્ગ શોધવાનો અહીં પ્રયત્ન કરવાનો છે.
આપણે અહીં જે કૃષ્ણ ની વાત કરવાની છીએ, તે કંઈ ઋગ્વેદના (પ્રથમ અને દસમા મંડલના) વિશ્વકાયના પિતા ‘કૃષ્ણ’ પણ નથી કે કૌષિતકી બ્રાહ્મણ (૩૦/૯) ના આંગિરસ ‘કૃષ્ણ’ પણ નથી. તેમજ ઐતરેય આરણ્યક (૩/૨૬) નાં હારિત ‘કૃષ્ણ’ પણ નથી અને મહાભારતકાર ‘કૃષણ’ ?દ્વૈપાયન પણ નથી. આપણા કૃષ્ણ તો એ છે કે જે કંસના કારાવાસમાં જનમ્યા હતાં; જેમણે શૈશવમાં નિર્દોષ અને લીલાઓ કરી; બંસીનાદથી ગોપીઓને ગાંડી કરી;? જેમણે ભરયુવાની માં ભૂમિને ભારરૂપ ત્રાસવાદી કંસ અને કેશી જેવા કેટલાયને મોતને ઘાટ ઉતારી દીધા હતા; જેમણે બાળીને નવી વસાહતો સ્થાપી હતી; જેમણે રુકિમ, શિશુપાલ અને જરાસંઘ જેવા અનેક જુલ્મીઓના જુલ્મમાંથી રાજા-પ્રજાને છોડાવ્યાં હતાં; જેમણે છેક મોટી ઉંમરે પણ ઘોર આંગિરસ પાસેથી વિદ્યા મેળવી હતી; જે અર્જુનના રથના યુધ્ધ સમયે સારથી બન્યા હતા; જેમણે પાંડવોને વિજય અપાવ્યો હતો; જેમણે બાળસખા સુદામાની દરિદ્રતા દૂર કર્યું હતું; અને જેઓ અંતે અકળ રહસ્યસંકેતને અનુસરીને, બાજીગર જેમ પોતાની બાજીણે સંકેલી લે, તેમ પોતાની જીવનલીલાને સંકેલીને ચાલ્યા ગયા ! આ મહામાનવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ વિશે થોડીક વાત કરવી છે.
આ કૃષ્ણકથા મુખ્યત્વે મહાભારત, ભાગવત, હરિવંશ અને વિષ્ણુપુરાણમાં અને સામાન્ય રીતે બીજા પુરાણોમાં પણ પથરાયેલી છે. એક બીજામાં અન્યની પૂર્તિ કરી પૂર્ણ કથા પ્રાપ્ત થાય છે. આમ તો આ કૃષ્ણકથા ભારતનાં આબાલવૃધ્ધ્માં અત્યંત જાણીતી છે જ, જીવન સાથે જડાઈ છે.
આ કૃષ્ણ કોઈ મહામાનવ છે કે કોઈ દિવ્ય અવતાર છે, એની વાયકાઓને એક બાજુએ મૂકીએ, તોયે એટલું તો સુનિશ્ચિત જ છે કે ત્રણેક હજાર વર્ષોથી હજારો-લાખો -કરોડો હિંદુઓના હૃદયમાં એ શાસન ચલાવી રહ્યા છે.
અને જો એ મહામાનવ સમગ્રહિંદુવંશ ઉપર આટલી બધી ઊંડી અસર પાડી શક્યા હોય તો એ ભગવાન સ્વયં સિવાય બીજો કોઈ જ ન હોઈ શકે ! માનવજાતિના ઉધ્ધાર માટે-ધર્મસંસ્થાપન માટે ભગવાન જ ભૂમિ પર અવતર્યા એવી હિંદુઓની શ્રધ્ધા સ્વાભાવિક જ છે.
ઇતિહાસ ઈશ્વર અવતાર સર્જતો નથી. પણ ઈશ્વર અવતાર જ ઇતિહાસને સર્જીને એને ઘડે છે. અવતારનો પ્રાથમિક હેતુ ધર્મસંસ્થાપન હોય છે. આ હેતુની સિદ્ધિ માટે તત્કાલીન ધર્માચારી સજ્જનોના હાથ મજબૂત કરવા અનર જરૂર પડ્યે દુરાચારીઓને દબાવવા કે એમનો ધ્વંશ કરવાની આવશ્યકતા હોય છે.
આ માટે તે અવતાર પોતાની સઘળી સત્તા અને તત્કાલીન સહાયક સ્તોત્રોનો ઉપયોગ કરે છે પણ આ પ્રક્રિયામાં તે પોતાનાં માનવ સહજ લક્ષણોને છોડી નહિ દે, છોડવાં જોઈએ પણ નહિ જ, હા, કોઈક વખત પોતાની માનાવાતીત ઉચ્ચતર સ્તરે જવાની ક્ષમતા અને સંભાવનાને લોકો આગળ રજૂ કરે છે ખરો ! અને એવી રજૂઆતો આપોઆપ જ થઇ જાય છે. અવતાર એને માટે સભાન હોતો નથી.
આ દ્રષ્ટિથી કૃષ્ણચરિતનું અધ્યયન કરતાં એનું વ્યકતિત્વ કેટલું પ્રેરક છે ? માનવ માટે કેટલું ઉપયોગી છે ? કૃષ્ણનું સમગ્રજીવન ‘ધર્મકેન્દ્રી’ હતું: ધર્મધારણ, ધર્માંરક્ષણ ધર્મનું પુન:સ્થાપન અને ધર્મની સમસ્યાઓનું સમાધાન -આ બધાં કૃષ્ણજીવનનાં મૂળતત્વો હતાં.
જો આ ધર્મ માનવોનાં મન અને હૈયામાં વસતો ન હોય, અને એમનાં કાર્યોમાં એ અભિવ્યક્તિ પામતો ન હોય તો તે એ ખાલી સૂકો ખ્યાલમાત્ર જ છે. એટલે જ કૃષ્ણે સૌ પ્રથમ માનવીય સંબંધોને પોતાનાં જીવનમાં મહત્વ આપ્યું. અને એમાં પણ વંચિતો, દીનહીનો, દુર્બળો, સમાજે હિન્ ગનેલાઓ અને સ્ત્રીઓ સાથેના કૃષ્ણના માનવીય સંબંધો મોખરે છે. વૃંદાવન ગોવાળિયાઓની એમને કેવી કાળજી લીધી ! કુબ્જાની કુરુપ્તાને કેવી દૂર કરી ! કપરે કાળે દ્રૌપદીની કેવી લાજ રાખી ! ગરીબ કુચેલાને કેવું સ્વાસ્થ્ય આપ્યું. અને આવાં આવાં તો કેટલાંય ઉદાહરણો કૃષ્ણના વ્યક્તિત્વને અજવાળી રહ્યાં છે.
કમળથીયે કોમળ હૈયું ધરાવતા કૃષ્ણ જરૂર પડ્યે ધર્મરક્ષણાર્થે અને ધાર્મિકજનોના રક્ષણાર્થે વ્રજ્થીય કઠોર -અચલ ઇચ્છાશક્તિ ભય કે પરાજયને એ ઓળખાતા ણ હતા. તેમણે મારેલા રાક્ષશો અને દબાવી દીધેલા અસુરો અસંખ્ય હતાં. તેમનું યુદ્ધકૌશલ અનુપમ હતું. આમ છતાં એ ‘યુદ્ધખોર’ ન હતાં. એ અનન્ય રાજપુરુષ અને શાંતિદૂત તરીકે પણ ઘણા પ્રવીણ હતાં. કૃષ્ણમાં ‘મગજ’ અને ‘મસલ્સ’ ની શક્તિઓનો દુર્લભ સયોંગ હતો. વૈદિક્જ્ઞાન, ભૌતિકજ્ઞાન, કલા વગેરેમાં તેઓ પાવરધા હતા. ભગવદગીતા, અનુગીતા અને ઉદ્ધવગીતા એનાં જવલંત ઉદાહારનોઓ છે. પ્રખર બુદ્ધિશક્તિ, આંતરસૂઝ અને વ્યવહારુ ડહાપણના તેઓ ભંડાર હતાં. એથી તેઓ કેટલીય આંટીઘૂંટીઓને આસાનીથી ઉકેલી શક્યા હતા. એમનુ હસ્તિનાપુરનું દૂતકાર્ય, કર્ણને પાંડવોના પક્ષમાં લાવવાનો તેમનો પ્રયત્ન, કુરુક્ષેત્રની યુદ્ધમાં તેમણે કરેલી વિવાદાસ્પદ બનેલી વ્યૂહરચનાઓ -વગેરે આ વાતની સાખ પૂરે છે.
બુદ્ધિ અને વિદ્વત્તા ઘણી વખત સભ્યતા અને શિષ્ટતાને બદલે માણસમાં અંહકાર અને લુચ્ચાઈ ઉત્પન્ન કરી દે છે. પણ કૃષ્ણ તો પૂર્ણ નમ્રમાનાવ જ હતાં. કંસને માર્યા પછી કે જરાસંઘને મરાવ્યા પછી એ પોતે રાજગાદી પર ન બેઠા અને ઉગ્રસેન તેમજ સહદેવને ગાડી પર બેસાડ્યા?! ?વૃધ્ધો, બ્રાહ્મણો, ઋષિઓને તેમણે યથોચિત સમ્માન્યા હતાં. ગંભીર ઉદ્વેગકારી પ્રસંગોએ પણ શાંત અને સ્વસ્થ રહ્યા હતાં. ગંદી ગાળો વરસાવતા શિશુપાલ સામે તેમણે અનન્ય સહિષ્ણુતા દાખવી હતી-એ એનો દાખલો છે.
કૃષણ તત્વજ્ઞાની અને સાથો સાથ એક સિદ્ધ યોગી પણ હતાં. તેથી તેઓ ‘યોગેશ્વર’ તરીકે સર્વત્ર જાણીતા છે. યોગબળથી એમને અક્રુરને વિષ્ણુદર્શન કરાવ્યા, કુબ્જાને રૂપ બક્ષ્યું. શ્રીકૃષ્ણમાં રહસ્યમયતા અને પ્રવૃતિશિલાતા સમાંતરે ચાલતા. શ્રીકૃષણ લોક-કલ્યાણાર્થે બાળપણથી મરણ સુધી સતત પ્રવૃતિશીલ રહ્યા. એમનું આખુંયે જીવન લોક કલ્યાણ માટે સમર્પિત હતું. શરીરયાત્રા સિવાયનું એમનું કોઈપણ કાર્ય પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે થયું નથી. એમનાં કોઈ પણ કાર્યમાં વ્યક્તિગત સ્વાર્થની લેશમાત્ર પણ ગંધ નહિ મળે. ‘પારકી છઠ્ઠીના જાગતલ’ (બીજાનાં કાર્યો કરવા માટે તત્પર) નું જીવતું જાગતું રૂપ એટલે શ્રીકૃષ્ણ !

દાનનો મર્મ …(ભાગ ..૨)…

દાનનો મર્મ …(ભાગ ..૨)…
ગતાંકથી ચાલુ…
dan no murm
(બધા લોકો જિજ્ઞાષા સાથે નોળિયાને જોઈ રહ્યા હતાં. તેણે માનવ વાણીમાં કહ્યું : ‘હે બ્રાહ્મણજનો ! મહારાજ યુધિષ્ઠિરનાં આ મહાયજ્ઞ અને અનોખા દાનનું મહત્વ એક શેર સત્તુના દાન બરાબર પણ નથી.’ ધૃષ્ટ નોળિયાની વાત સાંભળીને બધા લોકો ખળભળી ઊઠ્યા. સાથે ને સાથે નોળિયાની આ વિચિત્રતા અને એની નિર્ભિકતા જોઈને બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો. કેટલાક લોકો આગળ આવ્યા અને હિંમત કરીને નોળિયાને પૂછ્યું : ‘હે નકુલરાજ, ધર્મરાજ યુધિષ્ઠિરે જે યજ્ઞ તથા મહાદાન કર્યાં છે એવાં યજ્ઞ અને દાન આજ સુધી કોઈએ જોયાં કે સાંભળ્યાં નથી. ભવિષ્યમાં આવું થશે કે કેમ, એવી આશાએ ન કરી શકાય. આમ છતાં પણ તમે આ યજ્ઞની નિંદા કરી અને તેનું મહત્વ એક શેર જવના લોટ બરાબર પણ નથી એમ કેમ કહ્યું ?’)
.
નોળિયાએ હસીને કહ્યું : ‘હે બ્રહ્મદેવો, તમે મારા કહેવાનો મર્મ નથી જાણતા એટલે આ યજ્ઞ અને દાનની આટલી બધી પ્રશંસા કરો છો અને મેં કરેલી નિંદાનું કારણ પૂછો છો. મારી વાતનું તાત્પર્ય જાણી લીધા પછી આપ લોકો પણ મારી વાતનું સમર્થન કરશો એવો મને દ્રઢ વિશ્વાસ પણ છે.’ બ્રાહ્મણોએ પૂછ્યું : ‘નકુલરાજ, તો હવે તમે અમને એ શેર જવના લોટનું મૂલ્ય અને રહસ્ય સમજાવો.’ નોળિયાએ બ્રાહ્મણોને આ કથા સંભળાવી :
પૂણ્યભૂમિ કુરુક્ષેત્રમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. એ પરિવારમાં ચાર વ્યક્તિ હતાં –બ્રાહ્મણ, તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂ. પરિવારનાં બધાં સભ્યો નિષ્ઠાવાન અને ધર્મવૃતિવાળાં હતાં. આ પરિવારે અપરિગ્રહવૃત્તિનું  વ્રત લીધું હતું. એ વ્રત પ્રમાણે બ્રાહ્મણ દેવતા ધન કે અન્નનો સંગ્રહ ન કરતા. પક્ષીની જેમ ખેતરોમાંથી અન્નના દાણા આવશ્યકતા પ્રમાણે લઇ આવતા અને અપરિગ્રહ વૃતિ સાથે જીવન નિર્વાહ કરતા. સાથે ને સાથે એમણે છેક છઠ્ઠા પ્રહરે ભોજન લેવાનું વ્રત લીધું હતું.
એક વખત કુરુક્ષેત્રમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વર્ષ પર વર્ષ વીતતાં ગયાં. પાણીનું એક ટીપુંયે ન વરસ્યું. આખા વિસ્તારમાં ત્રાહિ ત્રાહિનો પોકાર મચી ગયો. પશુ પક્ષી ભૂખ અને પાણી વિના તરફડીને મારવાં લાગ્યાં. કેટલાંક બચ્યાં એમને પોતાના પેટની જ્વાલાને સંતોષવા માણસો એમને મારીને ખાઈ ગયા. પૃથ્વી સૂકી ભઠ્ઠ અને ચારે બાજુ તિરાડોવાળી થઇ ગઈ હતી. ધૂળની ડમરીઓ ઊડતી. આવા વિષમકાળમાં પરિવાર પર જાણે કે વિપત્તિનો પહાડ જ તૂટી પડ્યો. અપરિગ્રહ વૃતિ પરિવારે અન્ન-ધનનો સંગ્રહ કર્યો ન હતો. દુષ્કાળને કારણે ખેતખળામાં પણ કંઈ મળે તેમ ન હતું. દરરોજ ભોજન કરવાનો છઠ્ઠો પ્રહર આવી જતો અને બ્રાહ્મણ પરિવારને ભૂખમાં છોડીને ચાલ્યો જતો. આમ કેટલાંય પ્રહર વીતી ગયા પણ અન્નનું દર્શન ન થયું. પરિવારનાં બધાં સભ્યો દુર્બળ બની ગયાં. ગમે તેમ કરીને પોતાના પ્રાણને જાળવી રાખ્યાં હતાં. આવા ઘોર સમયે એક દિવસ બ્રાહ્મણને એક શેર જાવ દાનમાં મળ્યા. બ્રાહ્મણે અત્યંત કરુણાપૂર્વક આ કૃપા માટે પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી અને આનંદ ઉત્સાહ સાથે ઘરે પાછો આવ્યો. ઘરે આવીને મળેલું અન્ન પત્નીને આપ્યું. ઝડપથી પ્રસાદ બનાવીને ઈષ્ટદેવને નૈવેધ ધરવાનું  કહ્યું. બ્રાહ્મણીએ શ્રધ્ધાપૂર્વક જવનો લોટ બનાવ્યો અને રાંધીને ઈષ્ટદેવને નૈવેધ અપર્ણ કર્યું. રાંધેલ અન્નના ચાર સરખા ભાગ કર્યાં. ચારેય ભાગ ક્રમશ: પતિ, પુત્ર, પુત્રવધુ અને પોતાની વચ્ચે વહેંચી દીધા. જેવા એ લોકો ભોજન કરવા બેઠા કે બારણે એક કરુણ ક્ષીણ અવાજ સંભળાયો : ‘ભાઈ, કંઈ ભોજન સામગ્રી મળશે ખરી?’
બધાના હાથ એમનાં એમ રહી ગયા. ભોજનનો કોળિયો પાછો થાળીમાં મૂકી દીધો. બધાના મૂખ પર એક જ પ્રશ્ન હરતો : ‘શું બારણે કોઈ અતિથિ આવ્યા છે ?’ બ્રાહ્મણે બારણું ખોલ્યું અને તેમણે એક ભૂખથી પીડિત જીવતા નરકંકાલ જેવા માણસને જોયો. ભૂખને કારણે એનું પેટ અને પીઠ જાણે કે એક થઇ ગયા હતા. એક દુર્બળ વ્યક્તિએ દયાભરી નજરે બ્રાહ્મણ તરફ જોયું અને વળી પાછો બોલ્યો: ‘બાબા, કંઈ ખાવાનું મળશે ખરું ?’ બ્રાહ્મણે અતિથિને સહાય કરી અને આદરપૂર્વક ઘરની અંદર લાવ્યા. એને આસન પર બેસાડ્યા અને પોતાના ભાગનું ભોજન એની સામે મૂકી દીધું. ભૂખ્યો મહેમાન થોડી જ વારમાં બ્રાહ્મણનું ભોજન ખાઈ ગયો પણ એની ભૂખની જ્વાળા શાંત ન થઇ. જાણે કે એ વધુ પ્રજ્વલિત થઇ ઊઠી. ભૂખનો ભાવ એના મુખ પર સ્પષ્ટ પણે જોઈ શકાતો હતો. બ્રાહ્મણના સંકોચનો પાર ન હતો. હવે અતિથિની ભૂખ ભાંગવી કેમ? પોતાનો ભાગ તો આપી દીધો હતો.
હવે કોને અન્નથી વેગળાં કરવા એ પ્રશ્ન હતો. પતિપરાયણ પત્નીએ પોતાના સ્વામીના મનનું દુઃખ જાણી લીધું અને એને કહ્યું: ‘નાથ, સ્ત્રી માટે પતીવ્રતાધર્મ જ શ્રેષ્ઠ ધર્મ છે. પત્નીને અર્ધાંગિની કહેવાય છે. પતિના પાપપુણ્યમાં એનો અડધો ભાગ હોય છે. અતિથિ સેવાના આ મહાન ધર્મ-પાલનમાં મારે પણ આપણે સાથ આપવો જોઈએ. એટલે હું મારા ભાગનું અન્ન અતિથિદેવની સેવામાં અપર્ણ કરી શકું એ માટે મને આદેશ આપો.’
બ્રાહ્મણનો સંકોચ દૂર થયો. પોતાની પત્નીનું સદાચરણ જોઈને એના આનંદ અને ગર્વનો પાર ન રહ્યો. એમણે આનંદપૂર્વક પત્નીનો ભાગ અતિથિની સેવામાં અપર્ણ કરવા અનુમતિ આપી. અતિથિ પણ તરત જ આ ભાગ ઝાપટી ગયા. હજીયે એની ભૂખ ભાંગી ન હતી. એના મુખ પરના ભાવ જોઈને બ્રાહ્મણ દુઃખી દુઃખી થઇ ગયા. આજે એક અતિથિ એમના બારણેથી ભૂખ્યો પાછો ફરશે. એનો એને મોટો અફસોસ હતો.
પિતાના મુખની ઉદ્વિગ્નતા જોઈને પુત્રે વિનંતી કરી : ‘પિતાજી, માતાપિતાની સેવા એ જ પુત્રનો પરમ ધર્મ છે એમ નીતિ કહે છે. એમની સેવાસુશ્રુષાથી પુત્રને પરમગતિ મળે છે. તમે અત્યારે દુઃખી છો. તમારું દુઃખ દૂર કરવા જો હું મારા પ્રાણનું બલિદાન પણ આપી શકું તો એ મારું સદભાગ્ય ગણાશે. હું પણ મારા ભાગનું અન્ન અતિથિદેવને આપું એવી આજ્ઞા મને પણ આપો.’
પુત્રનું આચરણ જોઈને બ્રાહ્મણદેવ ગળગળા થઇ ઊઠ્યા. પુત્રને ભેટી પડ્યા, આંખમાંથી આનંદના અશ્રુ વહેવા લાગ્યાં. ગળગળા અવાજે પુત્રને કર્તવ્ય પાલન માટે આજ્ઞા કરી. આ રીતે પુત્રે પણ પોતાનો ભાગ અતિથિને આપી દીધો. અતિથિ મહાશય તો એ ભાગેય આરોગી ગયા. એમના મુખ પર સંતોષની છાયા દેખાતી ન હતી. વળી પાછા એમણે બ્રાહ્મણો તરફ જોયું. અતિથિના મુખ ભાવ જોઈને  બ્રાહ્મણ વ્યાકુળ વ્યાકુળ થઇ ગયા. મનમાં વિચારવા લાગ્યા – ‘હે પ્રભુ આ શું? ભૂખી પત્ની અને પુત્રના મોંનો કોળિયો લઈને અતિથિદેવને અપર્ણ કર્યો. હું પોતે ય ભૂખની જ્વાળામાં બળતો રહ્યો. છતાંયે આજે હું આ અતિથિને તૃપ્ત ન કરી શક્યો. હે ભગવાન ! હું અતિથિસેવાના ધર્મમાંથી ભ્રષ્ટ  થયો છું. હે પ્રભુ, મને માર્ગ બતાવો. મારા ધર્મની રક્ષા કરો.’
એમનું વ્યથિત હૃદય જાણે કે નેત્રો દ્વારા વહી રહ્યું હતું. બરાબર એ જ વખતે સુશીલ પુત્રવધુએ અત્યંત નમ્રતાપૂર્વક પોતાના સસરાને કહ્યું : ‘પિતાજી, આપની કૃપાથી જ મને આપના સુપુત્ર પતિ રૂપે મળ્યા છે. હું પતિવ્રતા ધર્મનું પાલન કરવા સમર્થ છું. પતિનાં કાર્યમાં મદદ કરવી એ મારો ધર્મ છે. મારા પતિ માટે આપ જ દેવ સ્વરૂપ છો, એટલે આ અતિથિ સેવાના મહાન યજ્ઞમાં મારો ભાગ પણ આપીને આપને હું ચિંતામુક્ત કરું, એ મારો પરમધર્મ બની રહે છે.’
પુત્રવધુની આ ઉદારતા અને ત્યાગ જોઈને બ્રાહ્મણના આનંદનો પાર ન રહ્યો. એના હૃદયની ગ્લાની દૂર થઇ ગઈ. અંતકરણથી પુત્રવધુને આશીર્વાદ આપ્યા અને એના ભાગનું અન્ન પણ અતિથિને અપર્ણ કરી દીધું.
હવે અતિથિના હોઠ પર હાસ્યની રેખા ખેંચાઈ. પૂર્ણ તૃપ્તિ સાથે એણે ભોજન કર્યું. એમની ભૂખ હવે ભાંગી ગઈ. એના મુખ પર પૂર્ણ તૃપ્તિ અને સંતોષ છલકાઈ રહ્યો હતો. અતિથિ તો આશીર્વાદ આપીને ચાલતા થયા.
નિરંતર ઉપવાસ અને સાધનાની કઠોરતાને લીધે બધાં સભ્યોનાં શરીર દુર્બળ અને જર્જર બની ગયાં હતાં. ભૂખનો અગ્નિ અને સાધનાની કઠોરતા એમનાં દેહ વધુ સહન કરી ન શક્યા. કાળચક્રના અનિવાર્ય નિયમ પ્રમાણે તે ચારેય કાળનો કોળિયો બની ગયાં. નોળિયાએ બ્રાહ્મણોને કહ્યું : ‘હે દ્વિજ્જનો ! હું એ જ જગ્યાએ એક ભોંણમાં રહેતો હતો. ભોજનની શોધમાં અહીંતહીં ભટકતો હતો. જે સ્થળે પેલા અતિથિએ ભોજન કર્યું હતું ત્યાં સત્તુના કેટલાક કણ પડ્યા હતા. અકસ્માતે મારા શરીરનો એક ભાગ એ લોટને સ્પર્શી ગયો. એમના સ્પર્શમાત્રથી જ મારા શરીરનો એ ભાગ સોનાનો બની ગયો. એ દિવસથી હું એવા કોઈ મહાન ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞ કે દાન વગેરેના પવિત્ર સ્થળની શોધમાં ભટકું છું કે એવી ભૂમિના સ્પર્શથી મારું બાકીનું અડધું શરીર પણ સુવર્ણમય બનાવી શકું એ મારો હેતુ છે. ત્યારથી માંડીને આજ સુધી દાનપુણ્ય થતાં કેટલાંય પવિત્ર સ્થળોએ ભટકતો રહ્યો છું. મહારાજ યુધિષ્ઠિરના યજ્ઞ અને દાનની પ્રશંસા મેં ખૂબ સાંભળી. એટલે હું અહીં આવી ગયો. પરંતુ બીજાં સ્થાનોની જેમ અહીં પણ મને નિરાશા જ મળી !
ધર્મ દેવ સ્વયં અતિથિના રૂપે એ બ્રાહ્મણની આકરી કસોટી કરવાં આવ્યા હતાં. ધર્મે જ પછીના કાળમાં દાનનો મહિમા બતાવ્યો હતો, એ જ હું આપને કહી રહ્યો છું : ‘સુખી અને સાધન સંપન્ન ઘણા લોકો પોતાની સુવિધા પ્રમાણે દાન દેતા હોય છે, પરંતુ એમનું દાન, દાનની પવિત્ર ભાવનાપૂર્વક થતું નથી.
એ લોકો તો દીનદુઃખી પ્રત્યે દયા કે કરુણાની ભાવનાથી જ પ્રેરાઈને આવું કરે છે. એટલે એમની સંપન્નતા કે સક્ષમતા જ આ લોકોના દાનની પ્રેરણા બની જાય છે. પરિણામે એ દાનનું ફળ શ્રેષ્ઠ નથી હોતું.
જે લોકો નાશ-યશ કે કીર્તિની આશા રાખીને કે દાનને બદલે કંઈક મળે એવી અપેક્ષાથી દાન કરે છે એ દાન નિમ્નકક્ષા કહેવાય છે.
સાચું દાન તો એ છે કે જે કેવળ દાન આપવાની પ્રેરણાથી જ અપાય છે. દાન કરવું એ મારો ધર્મ છે એમ વિચારીને સામાન્ય પરિસ્થિતિમાં જે લોકો દાન કરે છે તેનું સુફળ પ્રાપ્ત થવાનું જ. પરંતુ અસાધારણ કે વિષમ પરિસ્થિતિમાં જ્યારે મનુષ્યને દાન દેવાની કોઈ સુવિધા હોતી નથી, દુઃખ કષ્ટ અને વિપત્તિને કારણે જ્યારે માનવનું ચિત્ત વિક્ષુબ્ધ બની જાય ત્યારે પણ દાન વિશે એ માનવીની બુદ્ધિ નિર્લોભ રહે અને શુદ્ધ દાનની પ્રેરણાથી પ્રેરાઈને તે પોતાનું સર્વસ્વ શ્રદ્ધાપૂર્વક દાનમાં ધરી દે તો ચોક્કસ એ માણસને પરમપદની પ્રાપ્તિ મળવાની જ.
ધન જ એક માત્ર દાનનું સાધન નથી. કરોડો સુવર્ણ મુદ્રાઓના શ્રદ્ધાપૂર્વક કરેલા દાન કરતાં. શ્રદ્ધાપૂર્વક દીધેલા થોડા અન્નના દાણાનું દાન શ્રેષ્ઠ છે. એટલે દાનનું ફળ વસ્તુગત નથી, ભાવગત છે. શ્રદ્ધા જ દાનની શ્રેષ્ઠતા કે ન્યુનતાની કસોટી છે. દાન દેતી વખતે દાતાના મનમાં દાન પ્રત્યે જે ભાવ જાગે છે એ જ દાનની કસોટી છે અને એ જ દાનનો મર્મ છે.
સમાપ્ત …

દાનનો મર્મ …(ભાગ ..૧)

દાનનો મર્મ …(ભાગ ..૧)

dan no murm

મહાભારતનું મહાતાંડવ સમાપ્ત થઈ ચૂક્યું હતું. દેશમાં સર્વત્ર શાંતિ છવાયાં હતાં. રાજકાજ પણ સુચારુ રૂપે ચાલતાં હતાં. એ સમયે મહારાજ યુધિષ્ઠિરના રાજયમાં બધા લોકો સુખી અને પ્રસન્ન હતા. એ સમયે મહારાજ યુધિષ્ઠિરના મનમાં ‘હું પણ અશ્વમેઘ યજ્ઞ કરીશ’ એવી એક પ્રબળ  અભિલાષા જાગી. મનમાં આવો વિચાર આવતાં જ એમની છાતી ગ્રવથી ફૂલી ગઈ અને મસ્તક ઊંચું થઇ ગયું, ભૂજાઓ ફરકવા લાગી. પોતાના નિર્ણયની વાત ભાઈઓને કહી સંભળાવી. બધાએ ધર્મરાજની વાતનું સહર્ષ સમર્થન કર્યું.
રાજયના બધા અધિકારીઓને આ મહાયજ્ઞની તૈયારી કરવાનો આદેશ આપી દીધો. અન્નના કોઠારો ભિન્ન ભિન્ન પ્રકારના અનાજથી ભરવાં લાગ્યા. પશુશાળામાં દૂધ અને દાન માટે અસંખ્ય ગાયો આવતી થઈ. યજ્ઞની વેદી બનાવવા ઉચિત સ્થાનની પસંદગી પણ કરવામાં આવી. અનુભવી અને નિપુણ કલાકારો તેમજ શિલ્પકારોને મંડપ વગેરે બનાવવાની જવાબદારી સોંપી દીધી. અતિથિઓને ઉતારવા માટે મોટાં મોટાં અતિથિભવનો બની ગયાં. એમાં શયન – વિશ્રામ વગેરેની બધી સુખસુવિધાઓ હતી. અતિથિઓને પોતાની રુચિ પ્રમાણે ભોજન વગેરે મળતા રહે એટલા માટે અનેક પાક્શાત્રીઓની વ્યવસ્થા પણ થઇ. રાજ્યના અંત:અંચલમાં બધી તૈયારીઓ થઇ રહી હતી. આ બાજુ પાંડવોની રાજસીમાની બહારના વિસ્તારમાં અશ્વમેઘનો વિજય અશ્વ ભમી રહ્યો હતો સ્વછંદ અને મુક્ત મને ! મહાવીર અર્જુન પોતાની અજેય સેનાને લઈને અશ્વની રક્ષા માટે સાથે જઈ રહ્યા હતા.
એક પછી એક રાજ્યની સીમાઓ વટાવીને અશ્વ ફરી રહ્યો હતો. ધનુર્ધર અર્જુન અને એની વિશાળ સેનાને ભલા કોણ લાલકરવાનું સાહસ કરી શકો ! અશ્વ જે રાજ્યમાં જતો એ રાજ્યના રાજા ધર્મરાજ યુધિષ્ઠિરનું આધિપત્ય સ્વીકાર કરી લેતાં અને અનેક બહુ મૂલ્ય રત્ન તેમજ પશુ વગેરે ભેટ રૂપે અર્જુનને અપર્ણ કરતા.
ભારતની પરિક્રમા કરીને અર્જુન યથા સમયે હસ્તિનાપુર પાછા ફર્યા અને યુધિષ્ઠિરને કહ્યું : ‘મહારાજ, ભારતના બધા રાજાઓએ આપનું આધિપત્ય સ્વીકાર્યું છે. સાથે ને સાથે ભેટ રૂપે અનેક રત્ન, ધન, પશુ પણ આપ્યાં છે. બધાએ યજ્ઞમાં આવવાનું નિમંત્રણ પણ સ્વીકારી લીધું છે.’ અર્જુનની નિર્વિઘ્ન તેમજ સફળ વિજયયાત્રાના સમાચાર સાંભળીને ધર્મરાજ ખૂબ પ્રસન્ન થયા. ભાવભીના હૃદયે તેઓ અર્જુનને ભેટી પડયા. મંત્રીઓ તેમજ વિદ્વાનો સાથે પરમાર્શ કરીને તપસ્વી ઋષિઓ, ત્યાગી તેમજ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણો વગેરેને યજ્ઞ સંપન્ન કરવાના હેતુથી નિમંત્રણ સ્વીકારી લીધું અને યથા સમયે યજ્ઞમંડલમાં ઉપસ્થિત થઇ ગયા. મહારાજ યુધિષ્ઠર પોતે જ ઋષિમુની વગેરે અતિથિઓનું સ્વાગત કરી રહ્યા હતા. એમનાં નિવાસ અને ભોજનની વ્યવસ્થાની જાત-દેખરેખ રાખતા હતા. રાજાની સુંદર મજાની વ્યવસ્થાથી બધા અતિથિઓ પ્રસન્ન અને સંતુષ્ટ હતા.
શુભ મુહૂર્ત જોઈને યજ્ઞકુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવ્યો. વેદમંત્રના ધ્વનિથી દિશાઓ ગુંજી ઊઠી. બધા દેવતાઓનું આહવાન કરીને એમને યજ્ઞભાગ અપર્ણ કરવામાં આવ્યો. યજ્ઞ પૂરો થયા પછી દાન દેવાનું મહાન કાર્ય શરૂ થયું. આ મહાયજ્ઞમાં દાન દાતાની ઈચ્છા પ્રમાણે નહિ પણ દાન લેનારની ઈચ્છા પ્રમાણે દેવાતું હતું. રાજભંડાર ખુલ્લો મૂકી દેવામાં આવ્યો. અન્નભંડાર પણ ખાલી કરી દીધો. લાખો ગાયો દાનમાં દેવામાં આવી. જેમણે જેટલું માંગ્યું અને જે માંગ્યું એટલું અને એ એમને આપવામાં આવ્યું. યુધિષ્ઠિરના આ મહાદાનથી સમગ્ર પૃથ્વી ધન્ય થઇ ગઈ. જાણે કે પૃથ્વી પરથી દુઃખ અને દારિધ્ર નિ:શેષ બની ગયા. આ મહાપર્વની સમાપ્તિ થઇ. બધા બ્રાહ્મણો, મુનીઋષિ વગેરે મહારાજા યુધિષ્ઠિરની પ્રશંસા કરીને એમને આશીર્વાદ આપતા હતા ત્યારે એક વિચિત્ર ઘટના ઘટી.
જ્યારે યજ્ઞ મંડપમાં સત્વનગાન થઇ રહ્યાં હતાં તે સમયે ત્યાં મેઘ સમી એક ગંભીર ગર્જના થઇ. બધાએ આશ્ચર્ય સાથે જોયું તો ત્યાં એક વિચિત્ર એવું પ્રાણી ઊભું છે. તેનો અર્ધો દેહ સુવર્ણની જેમ ચમકી રહ્યો છે અને બાકીનું અરધું અંગ અસલ સ્વરૂપમાં હતું. એ વિચિત્ર પ્રાણી હતું, નોળિયો. બધા લોકો જિજ્ઞાષા સાથે નોળિયાને જોઈ રહ્યા હતાં. તેણે માનવ વાણીમાં કહ્યું : ‘હે બ્રાહ્મણજનો ! મહારાજ યુધિષ્ઠિરનાં આ મહાયજ્ઞ અને અનોખા દાનનું મહત્વ એક શેર સત્તુના દાન બરાબર પણ નથી.’ ધૃષ્ટ નોળિયાની વાત સાંભળીને બધા લોકો ખળભળી ઊઠ્યા. સાથે ને સાથે નોળિયાની આ વિચિત્રતા અને એની નિર્ભિકતા જોઈને બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો. કેટલાક લોકો આગળ આવ્યા અને હિંમત કરીને નોળિયાને પૂછ્યું : ‘હે નકુલરાજ, ધર્મરાજ યુધિષ્ઠિરે જે યજ્ઞ તથા મહાદાન કર્યાં છે એવાં યજ્ઞ અને દાન આજ સુધી કોઈએ જોયાં કે સાંભળ્યાં નથી. ભવિષ્યમાં આવું થશે કે કેમ, એવી આશાએ ન કરી શકાય. આમ છતાં પણ તમે આ યજ્ઞની નિંદા કરી અને તેનું મહત્વ એક શેર જવના લોટ બરાબર પણ નથી એમ કેમ કહ્યું ?’
(નોળિયાએ હસીને કહ્યું : ‘હે બ્રહ્મદેવો, તમે મારા કહેવાનો મર્મ નથી જાણતા એટલે આ યજ્ઞ અને દાનની આટલી બધી પ્રશંસા કરો છો અને મેં કરેલી નિંદાનું કારણ પૂછો છો. મારી વાતનું તાત્પર્ય જાણી લીધા પછી આપ લોકો પણ મારી વાતનું સમર્થન કરશો એવો મને દ્રઢ વિશ્વાસ પણ છે.’ બ્રાહ્મણોએ પૂછ્યું : ‘નકુલરાજ, તો હવે તમે અમને એ શેર જવના લોટનું મૂલ્ય અને રહસ્ય સમજાવો.’)
નોળિયાએ બ્રાહ્મણોને આ કથા સંભળાવી : ….(વધુ વાંચવા આવતીકાલની પોસ્ટ અહીં જરૂરથી જોશો કે નોળિયાએ એવી તે કઈ કથા સંભળાવી ? )
ક્રમશ:

(૧) સંસ્કારિક અખંડતાનું સંરક્ષણ …(૨) બે માળી …

 

નૂતનવર્ષાભિનંદન
New year comments greetings, happy new year animated scraps

(૧) સંસ્કારિક અખંડતાનું સંરક્ષણ …

sanskarik
(૧) સંસ્કારિક અખંડતાનું સંરક્ષણ …
આપણો વિકાસ આપણા સ્વભાવને અનુરૂપ જ થવો જોઈએ. વિદેશી સમાજે, અખત્યાર કરેલી કાર્યનીતિનું અનુકરણ કરવાનો મિથ્યા પ્રયત્ન સાવ એળે જ જવાનો છે. ઈશ્વરનો પાડ માણો કે બીજાં રાષ્ટ્રોનાં બીબામાં આપણને બળજબરીથી ઢાળવાનું હંમેશાં અશક્ય જ રહ્યું છે. હું બીજી જાતિઓની સંસ્થાઓને તિરસ્કારતો નથી; એ સંસ્થાઓ તેમને માટે હિતકર છે, આપણે માટે નથી. આજની પાશ્ચાત્ય જીવનપ્રણાલી પાછળ ભિન્ન પ્રકારનાં વિજ્ઞાનો, સંસ્થાઓ, અને રૂઢિઓ રહેલાં છે. આપણી પાછળ પણ આપણી રૂઢીઓ અને હજારો વર્ષોનાં કર્મો છે. એટલે આપણું પણ એક આગાવું લક્ષણ છે, અનોખો ચીલો છે. આપણે તો તેને જ અનુસરવાનું છે અને એ આપણે કરવું જ પડશે.
આપણે યુંરોપવાસીઓ બની શકવાના નથી ને તેથી પશ્ચિમનું અનુકરણ કરવું નકામું છે. યુરોપવાસીઓનું અનુકરણ કરવું શક્ય હોય એમ માણો તો પણ એ અનુકરણથી તમારામાં રહેલું જીવંત તત્વ તો ચાલ્યું જ જશે, તમે જાળવત જ બની રહેશો. સમયના પ્રારંભમાં દૂરસુદૂર જેનું મૂળ છે એવું નિર્ઝર માનવ ઇતિહાસના લાખો યુગોને આપ્લાવિત કરતું વહેતું આવે છે, તમે તેના પર કાબૂ મેળવી તેને પાછું તેના મૂળ તરફ હિમાલયની ખીણમાં વહાવી દેવા ધારો છો ? એ શક્ય હોય તો પણ આચારવિચારમાં સંપૂર્ણ તથા યુરોપીય થઇ જવાનું તમારાથી બની શકવાનું નથી. થોડીક જ સદીઓથી પ્રાપ્ત થયેલી જે કાંઈ સંસ્કૃતિ પશ્ચિમમાં છે તેને ફગાવી દેવાનું જો યુરોપવાસીઓ માટે અશક્ય છે એમ તેમને લાગતું હોય તો કેટલીય ઉજ્જવલ શતાબ્દીઓથી પ્રાપ્ત થયેલી સંસ્કારિતાને ફગાવી દેવાનું શું તમારાથી બની શકશે ? તેમ થઇ શકે એમ નથી. તેથી ભારતવર્ષને યુરોપીય બનાવવાનો પ્રયત્ન અશક્ય અને મૂર્ખાઈભાર્યો છે.


ભારતમાં આપણા માર્ગ આડે બે મોટામાં મોટા અંતરાયો છે – પુરાણમતવાદનો ભસ્માસુર અને આધુનિક યુરોપીય સંસ્કૃતિનો નરકાસુર.  આ બેમાંથી જો કોઈને પસંદ કરવાનો હોય તો હું પુરાણમતવાદને પસંદ કરું, આધુનિક યુરોપીય સભ્યતા નહિ.  કારણ કે, પુરાણમતવાદી રૂઢીચુસ્ત માણસ કદાચ અજ્ઞ હશે, રીતભાતમાં બહુ સભ્ય કદાચ ન પણ હોય, પરંતુ એ મનુષ્ય તો હશે જ.  એનામાં શ્રધ્ધા હશે, શક્તિ હશે, એ પોતે પગભર રહી શકતો  હશે; જ્યારે યુરોપીય સભ્યતાનું અનુકરણ કરનારને તો મેરુદંડ જેવું કશું જ નહિ હોય.  ફાવે ત્યાંથી ગમે તેમ ભેગા કરેલા વિસંવાદી વિચારોના શંભુમેળા જેવો જ એ હશે – અને એ વિચારો પણ આત્મસાત કરેલા, પચાવેલા નહિ હોય.  તે પોતે પગભર થઇ શકતો નથી; એનું મન પણ અસ્થિર સ્થિતિમાં જ હોય છે. એનાં કાર્યની પ્રેરકશક્તિ – ધ્યેય ક્યા છે ?  પાશ્ચાત્ય લોકો વડીલની અદાથી ‘વાહવાહ’ કહીને પીઠ થાબડે એટલે થયું.  એ જ એમનાં કાર્યોનું પ્રોત્સાહક ને પ્રેરક બળ.  આપણી કેટલીક રૂઢિઓને અનિષ્ટ શા માટે ગણવામાં આવે છે ?  કારણ એટલું જ કે, યુરોપવાસીઓને મન એ ખરાબ છે.  હું એ સ્વીકારી લેવા તૈયાર નથી.  તમે આપ કર્મી બની જીવતાં અને મારતાં શીખો.  જગતમાં જો કોઈ પાપ હોય તો તે નિર્બળતા જ છે.  સર્વ પ્રકારની નિર્બળતા દૂર કરો, કરણ કે એ જ પાપ છે. એમાં જ આપણું મૃત્યુ છે.  આ અર્ધદગ્ધ લોકોનું વ્યક્તિત્વ હજુ ચોક્કસ સ્વરૂપ ધારણ કરી શક્યું નથી.  આપણે એને કયે માને ઓળખીશું ?  પુરુષ, સ્ત્રી કે જાનવર ?  આપણા પુરાણમતવાદી ઘરડેરાઓ પોતે જે માનતા તેમાં અડગ હતાં ને માણસ તો હતાં જ ….
(રા.જ. ૪-૦૮/૫ -‘આપણા હાથમાં ભારતનું ભાવિ’ પૃ.૮૩-૮૫)
(૨) બે માળી …
એક ધનવાન માણસ હતો.  તેના બગીચામાં બે માળી કામ કરતાં હતા.  આમાંનો એક માળી ખૂબ આળસુ હતો.  તે બિલકુલ કામ કરતો નહીં.  માત્ર જ્યારે માલિક બગીચામાં આવે ત્યારે ઊભો થઇ હાથ જોડીને કહેતો : ‘મારા માલિકનું મુખ કેટલું સુંદર છે!’ અને એમ કહીને તેની સમક્ષ એ નાચવા લાગતો.  બીજો માળી ઝાઝું બોલતો નહી પરંતુ સખત મહેનત કરતો અને તમામ પ્રકારનાં ફળ ને શાકભાજી ઉગાડતો તથા બધો માલ પોતાને માથે ઊંચકી ખૂબ દૂર રહેતા પોતાના માલિકને પહોંચાડતો.  આ બે માળીઓમાંથી ક્યોમાલી તેના માલિકને વધારે પ્રિય હશે ?
ભગવાન એ માલિક છે અને આ જગત તેનો બગીચો છે.  બે પ્રકારના માળી અહીં હોય છે: એક આળસુ અને કપટી માળી છે જે કંઈ કામ કરતો નથી, પરંતુ કેવળ ભગવાનનાં સુંદર નેત્રો, નાક અને બીજા અંગોના વર્ણન કાર્ય કરે છે; જ્યારે બીજો માળી દીનદુખિયાં અને દુર્બળ સંતાનો, સર્વજીવજંતુઓ, અરે, તેમની આખી સૃષ્ટિની સંભાળ લે છે.
ભગવાનનો આ બેમાંથી વધારે વ્હાલો કોણ હશે?  અવશ્ય, તે જ કે જે ભગવાનનાં સંતાનોની સેવા કરે છે.  જે પિતાની સેવા કરવા માગે છે તેણે સૌથી પ્રથમ તેનાં સંતાનોની સેવા કરવી જોઈએ, તેણે સૌથી પ્રથમ આ જગતમાં બધાં પ્રાણીઓની સેવા કરવી જોઈએ.  શાસ્ત્રમાં કહ્યું છે કે, ઈશ્વરના ભક્તોની જે સેવા કરે છે એ તેના શ્રેષ્ઠ સેવકો-ભક્તો છે.
(રા.જ. ૧૧-૦૮/૩૯૦/૭૨)

 

ધર્મ એટલે અનુભૂતિ ….

.
ધર્મ એટલે અનુભૂતિ…

dharm means anubhuti

ભક્તિ બે પ્રકારમાં વહેંચાયેલી છે…
એક પ્રકારને વૈધી કહે છે; એટલે કે અનુષ્ઠાનવાળી; બીજા પ્રકારને કહે છે મુખ્યા કે પરા ભક્તિ.ઉપાસનાના હલકામાં હલકા પ્રકારથી માંડીને જીવનના ઉચ્ચતમ સ્વરૂપને ભક્તિ શબ્દ આવરી લે છે. દુનિયાના કોઈ પણ દેશમાં કે કોઈ પણ ધર્મમાં ઉપાસનાના જે બધા પ્રકારો તમે જુઓ છો, તેનું નિયામક બળ છે પ્રેમ. તેમાં કેટલુંક એવું છે કે જે માત્ર વિધિઓ છે, તેમ કેટલુંક એવું પણ છે કે જે વિધિ નથી; છતાં તે પ્રેમ પણ નથી, પરંતુ  એથી ઉતરતી કોટિની સ્થિતિ છે. છતાંય આ બધી વિધિઓ આવશ્યક છે.
ભક્તિનું બાહ્ય સ્વરૂપ જીવને ઊંચે ચઢાવવા માટે તદન જરૂરી છે. માણસ કૂદકો મારીને પોતે એકદમ ઉચ્ચ કોટિએ ચઢી બેસવાની ભારે મોટી ભૂલ તે કરી બેસે છે; જો બાળક એમ માને કે એક દાહ્ડામાં પોતે મોટો થઇ જશે તો તે ભૂલ કરે છે. અને મને આશા છે કે તમે હંમેશાં ખ્યાલમાં રાખશો કે ધર્મ કોઈ ગ્રંથોમાં, બૌધિક સંમતિમાં કે તર્કમાં સમાયેલો નથી.
તર્ક, સિધાંતો, દસ્તાવેજો, મતવાદો, ગ્રંથો, ધાર્મિક ક્રિયાઓ, એ બધાં ધર્મના સહાયક છે; ધર્મ પોતે તો અનુભૂતિમાં છે. આ દિવાલના અસ્તિત્વનું પ્રમાણ એ છે કે આપણે તે જોઈએ છીએ.; તમે વર્ષો સુધી તેના અસ્તિત્વ કે નાસ્તિત્વ વિશે દલીલો કર્યા કરો, તો પણ તમે કોઈ નિર્ણય ઉપર નહી આવી શકો; પરંતુ તમે તેને પ્રત્યક્ષ જુઓ એટલે બસ. પછી દુનિયાના બધાય માણસો જો તમને કહે કે તેની હસ્તી નથી, તો પણ તમે તે નહી માનો, કારણ કે તમે જાણો છો કે દુનિયાના સઘળા મતવાદો કે દસ્તાવેજો કરતાં તમારી આંખોનું પ્રમાણ વધુ સબળ છે.
ધાર્મિક થવાં માટે પ્રથમ તો પુસ્તકો તમારે એક બાજુએ મૂકવા પડશે. એકી સાથે એક વસ્તુ કરો.
પાશ્ચત્ય દેશોમાં આધુનિક યુગમાં મગજમાં આ બાબતોનો ખીચડો કરવાની એક વૃતિ આવી ગઈ છે; બધી જાતના પચ્યા વગરના વિચારો મગજમાં તોફાન મચાવે છે, અને બધું અવ્યવસ્થિત કરી નાખે છે; એમને સ્થિર બનીને કોઈ ચોક્કસ સ્વરૂપ લેવાની તક સરખીય મળતી નથી. વળી કેટલાકને ઉત્તેજના જોઈએ છે. એવા લોકોને તેમ પ્રેતો અને ઉત્તર ધ્રુવથી કે કોઈના દૂરના પ્રદેશથી આવતાં માણસો વિશે કહો તો તેઓ ખુશ થશે; પણ પૂરા ચોવીસ કલાક નહીં થયા હોય ત્યાં વળી કોઈ બીજી ઉત્તેજનાભરી વાત માટે તેઓ તૈયાર હોય છે. કોઈ લોકો આને ધર્મ કહે છે.
આ ધર્મનો માર્ગ નથી પણ ગાંડાના દવાખાનામાં જવાનો માર્ગ છે. તમારે ધ્યાનમાં રાખવું કે ધર્મ એ કાંઈ વાતો, પુસ્તકો કે વાદોમાં સમાયેલો નથી, ધર્મ અનુભૂતિમાં રહેલો છે; ધર્મ એટલે શિખવું નહી પણ થવું.
હું તમને ઈશ્વર ભક્ત ત્યારે જ કહીશ કે જ્યારે તમે ઈશ્વરી સતાની અનુભૂતિ કરી શક્યા હશો. ધર્મની આ અનુભૂતિ એ એક લાંબી પ્રક્રિયા છે. જ્યારે માણસો કોઈ ઉન્નત અને અદભુત વસ્તુ વિશે સાંભળે છે, ત્યારે તેમને એકદમ થઇ જાય છે કે બધાને પોતે પ્રાપ્ત કરી શકશે; પણ તેઓ ઘડીભર પણ વિચાર કરવા રોકાતા નથી કે એ બધું પ્રાપ્ત કરવા સારું તેમણે પુરુષાર્થ કરવો પડશે. ઉચ્ચ વસ્તુની પ્રાપ્તિ માટે આપણે સહુએ ધીમે ધીમે પ્રગતિ કરવી જોઈએ. તેથી ધર્મનો પ્રથમ પ્રકાર વૈધીભક્તિ એટલે, કે નિમ્ન પ્રકારની ભક્તિ છે.
(સ્વા.વિ. ગ્ર.સં-પૃ.૨૦૩-૦૪)
પૂરક માહિતી …
કાર્લ માકર્સની મૂડીવાદ અંગેની આગાહી ભલે સાચી પડી હોય. માકર્સના મત પ્રમાણે મૂડીવાદની ભારોભાર નિષ્ફળતા અને તેણે ઊભા કરેલાં કપટોનો ભોગ આજે આપણે બન્યા છીએ પણ રાષ્ટ્રવાદ અને ધર્મની બાબતમાં માકર્સ ખોટા પડ્યા છે. તેમણે ભાખેલું કે ‘ધર્મ નાશ પામશે’ પરંતુ ધર્મ નાશ પામ્યો નથી. ઊલટાનું રશિયામાં ધર્મ ફાલ્યો છે. પશ્ચિમમાં ભલે ધર્મ નાશ પામ્યો હોય પણ એરિક હોબ્સબાન નામના મહાન વિચારક કહે છે કે કાર્લ માકર્સે ગ્લોબલાઈઝેશનનો પ્રભાવ કલ્પ્યો નહોતો. માત્ર નાણાકીય કટોકટી આવી. આજે ભારતમાં કેમ ૨૦૦૭-૨૦૧૦ની નાણાકીય કટોકટી અમેરિકાને સતાવી ગઈ પણ ભારતને સતાવી નથી? આ કટોકટીને ભારતની ધાર્મિકતાએ જ તમારી જાણ વગર બળહીન બનાવી છે.
સ્વામી રાજર્ષિ મુનિએ ધર્મ અને સંસ્કૃતિ વિશે બહુ જ સરસ વાત કરી છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો આધાર ધર્મ છે અને તે ‘સનાતન’ ધર્મ છે. આજે અવૉચીન સમયમાં (આધુનિક) એ ધર્મને હિન્દુ ધર્મ કહે છે તે સર્વથા યોગ્ય નથી. નવી સૃષ્ટિનાં સર્જન સાથે આ સનાતન ધર્મ નવા રૂપે પ્રચલિત થાય છે. નારદ મુનિના કહેવા પ્રમાણે-‘ભારતીય ધર્મ ન કેવળ સનાતન છે પરંતુ ઈશ્વરીય છે. આ ધર્મ તમામેતમામ મનુષ્ય માટે છે. કોઈ દેશ કે કોઈ ખાસ જાતિ માટે જ સીમિત ન હોઈ શકે.  

ભારતમાં સમાજવ્યવસ્થા, વ્યક્તિગત જીવનશૈલી હંમેશાં ધાર્મિક, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો પર આધારિત હતી-છે. રાજર્ષિ મુનિની વાતને આજનો મુંબઈ કે દિલ્હી જેવા શહેરનો સમાજ સાચો પાડે છે. તમે અખબારોમાં હિંસા, સેક્સાચાર કે બીજા બળાત્કારના સમાચાર કે છુટાછેડાના સમાચારો વાંચો છો તે તો હિન્દુસ્તાનના સવા અબજની વસતિવાળા ઈસ્લામ, જૈન કે હિન્દુ સમાજને માત્ર અડધા ટકાથી એક ટકો વસતિને લાગુ પડે છે.

૯૯.૫ ટકા સમાજ હજી સિદ્ધાંતો પાળે છે. નૈતિકતા જાળવે છે. શ્રીકૃષ્ણે ખાતરી આપી છે કે જ્યારે પણ ધર્મનો હ્રાસ થતો હશે ત્યારે પુન: અવતાર લઈશ. તેથી જ જૈન કુટુંબમાં જન્મેલા અને જૈન સંસ્કાર પામેલા આચાર્ય રજનીશ સૌથી વધુ કૃષ્ણપ્રેમી હતી. તેમના જૈન ધર્મના સંસ્કાર થકી તે ગ્લોબલાઈઝડ થઈ શક્યા.

જે કાનૂન છે તે કાંઈ ધર્મ મંજૂર નથી. ધર્મનો કાનૂન જુદો છે. પ્રો. આર્નોલ્ડ ટોયન્બી ૧૨૨ વર્ષ પહેલાં જન્મેલા મહાન સાંસ્કૃતિક-ઈતિહાસકાર હતા. કાર્લ માકર્સના વિચારોનું હિંમતપૂર્વક ખંડન કરીને કહેલું ‘હિસ્ટ્રી ઈઝ ગીવન શેપ બાય સ્પિરિચ્યુઅલ એન્ડ નોટ ઈકોનોમિક ફોર્સીઝ. ધર્મ અને આધ્યાત્મિકતા જ ઈતિહાસને ઘડે છે. માત્ર આર્થિક થિયરી પ્રમાણે જીવતી સંસ્કૃતિઓ નાશ પામશે. ડૉ.. રાધાકૃષ્ણજીએ પ્રો. ટોયન્બીને ટાંકીને કહેલું તેનું હિન્દી આવું છે ‘સહિષ્ણુ ભારતીય ધર્મભાવના હી એક માત્ર રાહ હૈ જિસ પર ચલકર સભી ધર્મો કે લોગ મોક્ષ પા સકતે હૈ.’

(સાભાર : કાંતિ ભટ્ટ -સંકલન દિવ્યભાસ્કર)

ઉંદરનો વેપારી ….(બોધ કથા)…

ઉંદરનો વેપારી ….(બોધ કથા)…

mouse trader

ઘણાં સમય પહેલાંની વાત છે.
પાટલીપુત્રમાં એક યુવાન નોકરી શોધવા માટે આમ-તેમ ભટકી રહ્યો હતો. સંજોગવસાત એક વખત એને રસ્તામાં રાજ્યનો ખજાનચી મળી ગયો, જે પોતાના મિત્ર સાથે ત્યાંથી પસાર થઇ રહ્યો હતો.
ખજાનચી અને એનો મિત્ર વાતો  કરી રહ્યા હતા: ‘મિત્ર ! મહારાજ તારા ઉપર ખૂબ પ્રસન્ન રહે છે. અને જ્યારથી તેં વહીવટ સંભાળ્યો છે ત્યારથી રાજ્યની તિજોરી ધનથી ભરેલી રહે છે. છેવટે તારી સફળતાનું રહસ્ય શું છે?’
ખજાનચીએ કહ્યું : ‘મારી સમજદારી, મારું અનુભવજ્ઞાન અને મારી મહેનતનું ફળ છે.’
મિત્ર ખજાનચીના શબ્દો સમજી શક્યો નહીં. એટલે ખજાનચીએ પોતાના મિત્રને સમજાવતાં કહ્યું : ‘જો હું તને સીધી રીતે સમજાવું. તું આ સામે પડેલો મરેલો ઉંદર જોઈ રહ્યો છે ?’
મિત્રએ કહ્યું : ‘હા.’
ખજાનચીએ કહ્યું : ‘ જો કોઈ માણસ બુદ્ધિ લડાવે તો એ મરેલા ઉંદરનો વેપાર કરીને પણ પૈસા કમાઈ શકે છે.’
‘કોણ ! આ મરેલા ઉંદરના? તું કેવી વાત કરે છે?’ મરેલા ઉંદરના તો વળી કાંઈ પૈસા ઉપજતા હશે? પેલા મિત્રએ રાજ્યના ખજાનચીની મશ્કરી ઉડાવી.
બેકાર યુવાન એમની પાછળ-પાછળ ચાલી રહ્યો હતો. એણે બંને મિત્રોની તમામ વાતો સાંભળી હતી. એ વિચારવા લાગ્યો: ‘જો રાજ્યના ખજાનચીએ આવું કહ્યું તો જરૂર એમાં ભેદ હશે, એ વાત સાચી હશે, નહીંતર એ આવું ખોટું બોલે નહીં.’
આમ વિચારી એ યુવાને રસ્તામાં પડેલો મરેલો ઉંદર ઉપાડી લીધો અને આગળ વધવા લાગ્યો.
સામેથી એક વેપારી હાથમાં બિલાડી લઈને આવી રહ્યો હતો. એકાએક બીલાડે એના હાથમાંથી છટકી ગઈ. વેપારીએ તીની પાછળ દોડવા લાગ્યો : ‘અરે, ઊભી રહે, ક્યા ભાગી જાય છે?’ પછી એની નજર યુવાનના હાથમાં રહેલાં ઉંદર પર પડી. એટલે તે સમજી ગયો કે બિલાડી કેમ ભાગી રહી છે?’
એ વેપારી યુવાન પાસે આવ્યો અને કહ્યું: ‘તારી પાસે રહેલો મને વેચીશ? હું એના પૈસા આપીશ.’
યુવકે તરત જ એક પૈસો લઈને મરેલો ઉંદર વેચી નાંખ્યો. અને એક પૈસો લઇ આગળ વળ્યો. રસ્તામાં એ વિચારવા લાગ્યો: ‘ આ એક પૈસાનું શું કરું ?’ એકાએક એને રાજ્યના ખજાનચીના શબ્દો યાદ આવ્યા.’ સૂઝ-બુઝ્થી કામ લેવું જોઈએ.’
થોડેક દૂર ગયા પછી એ યુવાને એક પૈસાનો ગોળ ખરીદ્યો. પછી એક માટલામાં પાણી ભરીને ગામના પાદરે પહોંચી ગયો. એક મોટા ઘેઘુર વૃક્ષ નીચે બેસી ગયો અને જંગલમાંથી લાકડાં તેમજ ફૂલો લઈને અવારનવાર લોકો જે આ રસ્તેથી પસાર થતા હતા, એમની વાટ જોવા લાગ્યો.
બપોરનો સમય થયો ત્યારે જંગલમાં ફૂલો-લાકડાં વીણવાં ગયેલા લોકો પોતાનું કામ પૂરું કરી પોતાના ગામમાં પાછા આવવા નીકળ્યા. જ્યારે એ લોકો યુવાન પાસેથી પસાર થયા ત્યારે યુવાને કહ્યું: ‘ભાઈઓ ! તાપ અને મહેનતના કારણે થાકી ગયા હશો. ગોળ ખાઈને પાણી પીઓ અને થાક દૂર કરો.’
ઘરડા લોકો તેમજ થાકેલા યુવાન લોકો ગોળ ખાઈને પાણી પી લીધા પછી કેહવા લાગ્યા : ‘ભાઈ ! તારું ભલું કરે.’
દરેક માણસે ગોળ ખાઈને પાણી પીધું અને બદલામાં યુવાનને થોડાંક ફૂલો આપી દિધા અને કહ્યું : ‘ભાઈ ! આવતી કાલે પણ અમારા માટે આવી પાણીની વ્યવસ્થા કરજે.’
યુવાને કહ્યું : ‘ જરૂર ! જરૂર !’
યુવાન પોતાને ગોળ અને પાણીના બદલામાં મળેલા ફૂલો લઈને મંદિરે ગયો. ત્યાં ફૂલો વેચી નાંખ્યા. એના પૈસા ગણ્યા તો આઠ પૈસા થયા.
એ યુવાનની એ પહેલી કમાણી હતી. એ પૈસામાંથી તેણે એક મોટું માટલું અને થોડો વધુ ગોળ ખરીદ્યો. બીજાં દિવસે માટલામાં પાણી ભરી, એ ફરી ગઈકાલવાળી જગ્યાએ જઈને બેસી ગયો.
એ સમયે ખેતરમાં અનેક લોકો ઘાસ કાપી રહ્યા હતા. યુવાને બુમ પાડી કહ્યું : ‘ ભાઈઓ ! કોઈને તરસ લાગી હોય તો આવો મારી પાસે. ભૂખ લાગી હોય તો ગોળ ખાઓ, પાણી પીઓ અને તરસ છિપાવો.’
એક માણસે કહ્યું : ‘ભાઈ ! તરસ કોને નથી લાગતી?’ પછી તો વારા-ફરતી બધાએ પાણી પીધું, ગોળ ખાધો અને યુવાને કહ્યું : ‘ભાઈ ! તેં અમારી તરસ છિપાવી છે, અમારી આંતરડી ઠારી છે. અમારા લાયક તારું કોઈ પણ કામ હોય તો અમને કહેજે.’ એમ કહી તેમણે કાપેલા ઘાસમાંથી થોડું ઘાસ તેણે બદલામાં આપ્યું. આ રીતે તેણે ફૂલો અને ઘાસ વેચીને પૈસા જમા કરવા માંડ્યા.
આમ ને આમ એક મહિનો પસાર થઇ ગયો. એક સાંજે યુવાન પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો, એ વખતે ભારે તોફાન આવ્યું. થોડીવાર પછી તોફાન રોકાઈ ગયું. પણ એના કારણે વૃક્ષો ઉપરથી પાંદડાં અને સૂકી ડાળખીઓ તૂટીને ચારેય તરફ વિખરાયેલી પડી હતી.
યુવાન વિચારવા લાગ્યો : ‘જો મરેલા ઉંદર વડે પૈસા કમાઈ શકાય છે તો સૂકાં પાંદડાં ને સૂકી ડાળો વેચી પૈસા કેમ કમાઈ ન શકાય?’
બીજા દિવસે એ રાજાના મહેલના વિશાળ બગીચાની પાસેથી નીકળ્યો ત્યારે તેણે બગીચાની દેખરેખ રાખતાં માળીને મૂંઝવણમાં જોયો. તે માળી પાસે પહોંચ્યો.
યુવાને કહ્યું : ‘કાકા ! તમે કાંઈ મૂંઝવણમાં લાગો છો?’
માળીએ કહ્યું : ‘બેટા ! તું જોઈ રહ્યો છે ને? આ બગીચામાં ચારેય તરફ પાંદડાં અને સૂકી લાકડીઓ વેરાયેલી પડી છે. મહારાજ હવે ગમે ત્યારે બગીચામાં આવે તેમ છે, અને મને ચિંતા એ વાતની છે કે ત્યાં સુધી હું બધું મેદાન શી રીતે સાફ કરી શકીશ? બગીચાની આ હાલત જોઈ રાજા મારા પર ગુસ્સે થશે તો ? મને એ જ ચિંતા થાય છે.’
યુવાને કહ્યું : ‘જો તમે મને આ સૂકી ડાળીઓ આપી દેશો તો હું તમને જરૂર કાંઇક મદદ કરીશ.’
માળીએ કહ્યું : ‘સારું બેટા ! તું લઇ જજે, પણ મને ઝટ મદદ કર.’
યુવાન તરત જ બગીચાની ભાર આવ્યો અને થોડેક દૂર રમતા બાળકોને કહ્યું : ‘બાળકો તમારે ગોળ ખાવો હોય તો મારા કામમાં મદદ કરો.’ ગોલની લાલચે બધાં બાળકો દોડી આવ્યાં. પછી બધાં બાળકોને પોતાની સાથે બગીચામાં લઇ ગયો.
બાળકોએ ભેગા થઇ બગીચામાં વેરાયેલી સૂકી લાકડીઓ ભેગી કરી લીધી. એટલે બગીચો ઝટ સાફ થઇ ગયો. યુવાને બાળકોને ગોળ ખવડાવ્યો.
યુવાન સૂકી લાકડા ભેગી કરીને બહાર ઊભો હતો. એ વિચારવા લાગ્યો: ‘હવે આ લાકડીઓનું શું કરવું?’ પરંતુ બરાબર એ જ વખતે એને સામેથી એક કુંભાર ગાડી લઈને આવતો દેખાયો. કુંભારે યુવક પાસે લાકડીઓ જોઈ પૂછ્યું: ‘યુવાન ! આ સૂકાં લાકડાં મને વેચીશ?’
કુંભારે કહ્યું એટલે યુવાને પોતાની પાસે રહેલી તમામ સૂકી લાકડીઓ કુંભારને ૧૬ પૈસામાં વેચી નાંખી અને લાકડીઓ એની ગાડીમાં નાંખીને પોતે પણ એની ગાડીમાં બેસીને બજારમાં પહોંચી ગયો.
‘બજારમાં જઈને એને ખબર પડી કે એક ઘોડાનો મોટો વેપારી પોતાના પાંચસો ઘોડા વેચવા માટે આવતીકાલે બજારમાં આવવાનો છે.’
યુવાન વિચારવા લાગ્યું : ‘જો પાંચસો ઘોડા માટે ઘાસ લાવીને વેચવામાં આવે તો ઘણી કમાણી થાય.’
એ બીજા દિવસે વહેલી સવારે ઘાસ કાપનારા મજૂરો પાસે ગયો, એમને પાણી પીવડાવ્યું અને બદલામાં દરેક માણસ પાસેથી એક-એક ઘાસનો પૂળો લીધો અને બધાંને આભાર માણ્યો. એની પાસે લગભગ પાંચસો ઘાસના પૂળા હતા. એ બધા પૂળા લઈને એ બજારમાં પહોંચી ગયો.
ઘોડાના વેપારી પણ પોતાના ઘોડા લઈને બજારમાં પહોંચી ગયો. પણ થોડા સમય પછી આટલા બધા ઘોડા માટે ઘાસની વ્યવસ્થા ન થઇ ત્યારે એ યુવાન પાસે પહોંચ્યો અને કહ્યું : ‘યુવાન !તું મને ઘાસ વેચીશ?’
યુવાને કહ્યું : ‘હા … હા… જરૂર વેચીશ. મારી પાસે પાંચસો ઘાસના પૂળા છે.’
ઘોડાના વેપારીએ તરત જ પાંચસો પૂળા ખરીદી લીધા અને એક હજાર તાંબાના સિક્કા યુવાનને આપી દીધા. હવે યુવાન પાસે ઘણાં પૈસા ભેગા થઇ ગયા હતા.
હવે યુવાનને ખબર પડી કે એક મોટું માલ ભરેલું વહાણ આવવાનું છે. એટલે નવા કપડા ખરીદ્યા. એક રથ ભાડે લીધો. પછી તૈયાર થઈને પોતાના બે મિત્રો સાથે ભવ્ય રથમાં બેસી એક મોટા વેપારી જેવી વેશભૂષામાં નદી કિનારે આવી પહોંચ્યો.
થોડીવાર પછી એક મોટું વહાણ ત્યાં આવ્યું. એમાં રહેલાં વેપારીઓ બહાર આવ્યા ત્યારે એ યુવાને એમનું ભવ્ય સ્વાગત કર્યું. અને વહાણમાં રહેલો બધો માલ ખરીદવાની તૈયારી બતાવી.
વહાણના વેપારીઓ પણ એ યુવાનને કોઈ મોટો વેપારી સમજી એની સાથે માલનો સોદો કરવા તૈયાર થયા. અને ત્યારે યુવાને એમણે નમ્રતાપૂર્વક કહ્યું : ‘સજનનો ! આપે નાણાં માટે થોડી વાટ જોવી પડશે. કારણ કે મને આવડી મોટી રકમ ભેગી કરવામાં થોડો સમય લાગશે. ત્યાં સુધી મારું આ ધન તમારી પાસે રાખો.’
વેપારીઓ ઉપર યુવાનની વાતોનો સારો પ્રભાવ પડ્યો. એમણે થોડા સમયની મહેતલ આપી દીધી. હવે યુવાને એ જગ્યાએ જ પોતાનો પડાવ નાંખ્યો.
થોડીવાર પછી જુદાં જુદાં ગામોના અનેક વેપારીઓ એ માલ ખરીદવા આવવા લાગ્યા, પરંતુ વહાણના વેપારીઓએ પોતાનો માલ એ યુવાનને વેચી દેવામાં આવ્યો છે, એમ કહ્યું. આ સાંભળી બધા દંગ થઇ ગયા અને અંદરો-અંદર એ યુવાન પાસેથી માલ ખરીદવાનું નક્કી કરવા લાગ્યા.
છેવટે એ યુવાન પાસે બધા ભેગા થઈને ગયા અને કહ્યું : ‘અમે આ વહાણમાં રહેલો બધો માલ ખરીદવા માંગીએ છીએ. જેના બદલે અમે એક લાખ સુવર્ણમુદ્રાઓ તને આપીશું.’
યુવાન તરત જ ખુશીપૂર્વક પોતાનો માલ વેચવા તૈયાર થઇ ગયો. એક લાખ સુવર્ણમુદ્રા લઇ તેણે જહાજમાંથી ખરીદેલા સામાનના પૈસા ચૂકવી દીધા અને વધેલા પૈસા પોતે લઈને ગામ તરફ ચાલવા માંડ્યો.
હવે એ યુવાન પાસે સારી એવી રકમ ભેગી થઇ ગઈ હતી. આખા રસ્તે એ રાજાના ખજાનચી વિશે અને એની શિક્ષા વિશે વિચારતો રહ્યો. એ બધો એનો જ પ્રતાપ હતો.
સાંજ પડતાં એ રાજાના ખજાનચીના ઘરે પહોંચી ગયો અને થોડી રકમ એને ભેટ તરીકે આપતાં કહ્યું: ‘શ્રીમાન ! આપ્ મારા ગુરુ છો. અને આપે આપેલી શિખામણના લીધે આજે હું બે પાંદડે થયો છું, તો મારા તરફથી આ ગુરૂદક્ષિણાની તુચ્છા ભેટ આપ સ્વીકારો.’
રાજ્યના ખજાનચીએ નવાઈપૂર્વક પૂછ્યું : ‘ગુરૂદક્ષિણા?કઈ વાતની? મેં તને કઈ શિક્ષા આપી? મેં તો તને ક્યારેય જોયો પણ નથી.’
‘શ્રીમાન ! હું આપે આપેલી શિક્ષાને કારણે જ ખૂબ ધન કમાઈ શક્યો છું.’ પછી પોતે એમની સાંભળેલી વાતો અને મરેલા ઉંદરના વેહપારથી માંડી છેક છેલ્લે સુધીની વાત વિગતવાર કરી.
રાજાનો ખજાનચી એની મહેનત, લગન અને ધીરજ તેમજ બુદ્ધિ જોઈને ઘણો જ ખુશ થયો અને તેની ઘણી પ્રસંશા કરી અને પોતાની પુત્રીના લગ્ન એ યુવાન સાથે કર્યાં અને પોતાની તમામ સંપતિ એને આપી દીધી.
બોધ : મહેનત અને લગનથી જીવનમાં સફળતા મેળવી શકાય છે.

મનમંદિરનો ઘંટારવ -સંસ્કૃતનો પ્રભાવ….

મનમંદિરનો ઘંટારવ -સંસ્કૃતનો પ્રભાવ  …
bell
અમેરિકન યોગીની આ વાત છે. તેમની પર ભારતીય વેદ-વેદાંતનો એટલો પ્રભાવ પડ્યો કે તમણે લખ્યું છે કે ‘હે ભારતીયો, તમારી પાસે વેદોના રૂપમાં મોટો ખજાનો પડેલો છે. આખી માનવજાતને સંસ્કારિત કરી શકે એવી એ પૂંજી છે. તેને સમજો.’
જો કે આપણા સંત – મહંતો, યોગીઓ, સ્વામીજી અને સાધુઓ આ જ વાત કરી રહ્યા છે. પરંતુ જે રીતે અમેરિકન યોગીને એ જ્ઞાન લાધ્યું એ વાત જાણવા જેવી છે. એ અંગે વાંચતા મારા મન મંદિરની ઘંટડી રણકી ઊઠી હતી અને આજે એનો ઘંટારવ આ લેખ લખવા પ્રેરી રહ્યો છે.
ડેવિડ ૧૪ વર્ષના હતા ત્યારથી તેમણે ચર્ચમાં જવાનું છોડી દીધું. કુદરતના બલો, ખાસ કરીને ઉત્તુંગ શિખરો તેમણે આકર્ષાતા. ત્યાં પહોંચી જઈ નિસર્ગના ખોળામાં આળોટતા તેમના મનને શાંતિ મળતી અને ચિત્તશુદ્ધિ તરફ દોરી જતી. નિસર્ગના ઊંડા રહસ્યો જાણવાની શોધ તેમને માનસશાસ્ત્ર અને મેટાફિઝિક્સનો અભ્યાસ કર્યો. યુરોપભરના ફિલોસફરના પુસ્તકો વાંચી કાઢયા પણ મનને શાંતિ ન મળી. છવટે એક સમજાયું – માનવની ચેતના, માનવનો અંતરાત્મા એ જ સત્ય છે અને તેને પામવાનો માર્ગ ધ્યાન, તપસ્યા, ચિંતન અને મનન ! કોલેજ છોડીને ધ્યાન અને યોગા તરફ લક્ષ્ય કેન્દ્રીત કર્યું, રહસ્યમય અધ્યાત્મવાદને આવરી લેતા વિષયોનું વાંચન ચાલુ હતું. શ્રી અરવિંદોના ‘લાઈફ ડીવાઈન’ માં ઋગ્વેદની ઋચાઓનો ઉલ્લેખ વાંચ્યો અને તેથી એ પુસ્તકો વાંચવાનું મન થયું.
વેદો અને ઉપનિષદ, જે મૂળ સંસ્કૃતમાં હતા તે મંગાવ્યા. તેનો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ તે બહુ કઠિન હતો. કારણ કે એક તો સંસ્કૃત એક પારકી ભાષા અને તેના જૂના/આદ્યલિપિના શબ્દો ! પણ ચમત્કાર થયો. તેમના ગત જન્મના સંસ્કારને લીધે હશે, કદાચિત પણ આખું વાંચન અને મનન સહજ રીતે સાધ્ય થયું. જાણે કોઈ મહાનદીની ઈરીગેશન કેનાલ ખુલી થઇ ગઈ છે અને નદીનું પાણી ઝડપથી એમાં ઘસી રહ્યું છે, એવો અનુભવ થાયો. તેમના અંતરમનના દ્વાર ખૂલી ગયા હતા તેથી એ શક્ય બન્યું, એવું તેમને લાગ્યું.
આ અલૌકિક અનુભવનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું છે કે ‘હિન્દુધર્મની, તેના વેદ અને ઉપનિષદોની એ ખાસિયત છે કે તેમણે પાડેલ છબિ / સંસ્કાર જન્મજન્માંતર સુધી મનમાં અંકિત રહે છે. અને કદાચ હું બ્રહ્મલીન થઈશ ત્યાં સુધી રહેશે !
ખરેખર પૂરી માનવજાતને સંસ્કારિત કરી શકે તેવી આ પૂંજી છે. માનવજાતના સુખી ભવિષ્યની ચાવી વેદોમાં રહેલી છે.’
આપણી સંસ્કૃત ભાષા અને અણમોલ ભારતીય સંસ્કૃતિએ એક પરદેશી પર – અમેરિકન પર જે પ્રભાવ પાડ્યો તે ખરેખર અભિમાન લેવા જેવી વાત છે.’
આ એક સત્ય હકીકત છે. મિ.ડેવિડ ફોલે આજે સેન્ટા ફે. અમેરિકામાં, આશ્રમ ચલાવી રહ્યા છે અને તેમણે વામદેવ શાસ્ત્રીનું નામ ધારણ કરી અનેક પુસ્તકો લખ્યાં છે. તે અમેરિકન આજે ભારતીય પ્રજામાં બહુ લોકપ્રિય બન્યા છે. આવી પ્રભાવપૂર્ણ છે આપણી સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ.

દાલ પકવાન … (સિંધી દાલ પકવાન)

દાલ પકવાન … (સિંધી દાલ પકવાન) …

દાળ પકવાન ની દાળ, ચણાની દાળ થી બનાવવામાં આવે છે અને પકવાન મેંદાના લોટથી મેંદાની ફરસી પૂરી ની જેવા હોઈ છે.  દાળ પકવાન રજાના દિવસોમાં કોઈપણ સમયે સવારના નાસ્તામાં બનાવીએ તો સૌને પસંદ આવશે.

દાળ પકવાન સિંધી પરિવારમાં ખાસ બનતું વ્યંજન (ડીશ)છે.  દાળ પકવાન બનાવવામાં ખૂબજ સરળ છે અને તે બનાવવા માટે બહુ સમય પણ લાગતો નથી.

સામગ્રી :  (પકવાન બનાવવા માટે )

૨૦૦ ગ્રામ મેંદો (૨-કપ)

૫૦ ગ્રામ તેલ (૧/૪ – કપ)

૩/૪ નાની ચમચી મીઠું સ્વાદઅનુસાર

૧/૪ નાની ચમચી જીરૂ અથવા અજમો

તેલ – આવશ્યક (જરૂરી) તળવા માટે

 

સામગ્રી :  દાળ બનાવવા માટે ની …

૨૦૦ ગ્રામ ચણાની દાળ (૧ –કપ)

૨-૪ ટે.સ્પૂન તેલ અથવા ઘી

૨-૩ નંગ મધ્યમ કદ (આકારના) ટામેટા

૧-૨ નંગ લીલાં મરચા

૧ નંગ આદુ (૧ ઈંચ નો ટુકડો)

૨ પીંચ (ચપટીક) હિંગ

૧/૨ નાની ચમચી જીરૂ

૧/૨ નાની ચમચી હળદર

૧-૧/૨ નાની ચમચી ધાણા પાઉડર

૧/૪ નાની ચમચી લાળ મરચાનો પાઉડર

૧ નાની ચમચી મીઠું –સ્વાદાનુસાર

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૧ ટે. સ્પૂન લીલી કોથમીર

 

રીત : (દાળ બનાવવાની)

ચણાની દાળ સાફ કરી અને ધોઈ ને ૨ – કલાક માટે પાણીમાં પલાળી ને રાખવી.

કુકરમાં પલાળેલી દાળ – ૧-૧/૨ કપ પાણી, ૧/૨ ચમચી મેથીં, અને અડધી ચમચી હળદર નાંખી અને કુકર બંધ કરી દેવું.  અને ગ્સ પર ગરમ કરવા મુકવું.  એક સિટી વાગી ગયા બાદ, ૩-૪ મિનિટ સુધી દાળને પાકવા દેવી, ગેસ નો તાપ બંધ કરી દેવો. કુકર ઠંડું થાય અને ખુલ્લે ત્યાં સુધીમાં મસાલા બનાવી લઈએ.

ટામેટાને ધોઈ અને મોટા ટુકડામાં સમારી લેવા.  આદુ અને લીલાં મરચાને (ડાળખી કાપી ને અલગ કરી દેવી) ધોઈ લેવા. ટામેટા, લીલાં મરચા અને ૧/૨ આદુનો ટુકડો મિક્સરમાં પીસી લેવો અને બાકીના ૧.૨ ટુકડાને જીણો સમારી લેવો.

એક કડાઈમાં ઘી નાંખી અને ગરમ કરવું અને હિંગ અને જીરૂ નાંખી અને શેકવું (તતડાવવું). ત્યારબાદ, હળદર પાઉડર, ધાણા પાઉડર, ટામેટા, મરચા અને આદુની બનાવેલી પેસ્ટ અને બારીક સમારેલ આદુ નાખવું, અને આ મસાલા ને ત્યાં સુધી પાકવા દેવું કે ટે દાણાદાર થીજ્શે અને તેમાંથી ઘી/ તેલ છૂટીને ઉપર આવીને તરવા લાગશે.

કુકરને ખોલી અને આ શેકેલા મસાલામાં દાળ મિક્સ કરી આપવી, અને જરૂરત લાગે તો પાણી ઉનેમ્રવું અને લાળ મરચાનો પાઉડર નાંખી અને દાળને ૨ મિનિટ માટે ઢાંકી, અને ધીમા તાપે તેણે પાકવા દેવી.  ઊફાળો આવે એટલે ચેક કરી લેવું કે બધી જ દાળ એકરસ પાકી ગઈ છે ને.  ત્યારબાદ, ગેસ નો તાપ બંધ  કરી દેવો.  ગરમ મસાલો અને લીલી કોથમીર નાંખી અને મિક્સ કરી દેવી.  બસ દાળ તૈયાર થઇ ગઈ છે. હવે, પકવાન તૈયાર કરીએ.

પકવાન બનાવીએ :

મેંદાને એક વાસણમાં ચારણીથી ચાળી લેવો.  ત્યારબાદ, મેંદામાં તેલ, જીરૂ અને મીઠું નાંખી અને હાથની મદદ વડે સારી રીતે મિક્સ કરવું અને પાણીની મદદથી પૂરીના લોટથી થોડો સખ્ત – કઠણ લોટને ગૂંથવો  (બાંધવો) (લોટ વધુ કઠણ કે નરમ ન હોવો જોઈએ તેનો ખ્યાલ રહે) ગૂંથેલા લોટ ને ૧/૨ કલાક માટે ઢાંકીને રાખવો.

 

લોટના  નાના નાના લોઆ બનાવી અને એક લોઆ ને લઈને પાટલી ઉપર વેલાનની મદદથી ૬-૭ ઈંચની ગોલાઈ મા પોરી ની જેમ વણવું, અને ચપ્પુની મદદથી ૮ – ૧૦ જગ્યાએ થોડું પ્રેસ કરવું (કાપા પાડવા) જેથી તે ફૂલે નહિ અને કરકરી /ક્રિસ્પી બને.

ત્યારબાદ, કડાઈમાં તેલ નાંખી ગરમ કરવું અને પકવાનની (પૂરી) તેલમાં મધ્યમ તાપથી તળવી અને ઓઆચો બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવું. આમ ધીરે ધીરે કરીને બધાજ પકવાન તળી લેવા. અને તળાઈ ગયેલા પક્વાનને એક ડીશ ઉપર કિચન પેપર નેપકીન પાથરી  અને ગોઠવવા. બસ, પકવાન તૈયાર થઇ ગયા.

ગરમા ગરમ દાળ અને આ કરકરા પીરસો અને તમે પણ ખાઓ.

દાળને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે દાળમાં ચાટ મસાલો, લીલી કોથમીર નાંખી અને પકવાનની સાથે પીરસવી.

સુજાવ : કાંદા, લસણ ની ચટણી જો પસંદ હોય તો દાળમાં તે પણ અલગથી ઉમેરી શકાય છે. આ ઉપરાંત, આમલીનું પાણી (ચટણી પતલી) ) પણ નાંખી અને દાળ પકવવાની લેહ્જત લઇ શકાઈ છે.

બ્લોગ લીંક: htpp://das.desais.net