દિવ્યકૃપા અને પ્રયત્ન … ભાગ-૧ …

દિવ્યકૃપા અને પ્રયત્ન … ભાગ-૧ ..

 

 

  • આપણને ભોજન આપે છે માટે ઈશ્વર દયાળુ છે એમ કહેવું બરાબર નથી. દરેક બાપની ફરજ છે કે પોતાના બાળકોનું ભરણપોષણ એ કરે. પણ આપણને વિમાર્ગે જતાં અને લાલચમાં લપટતાં રોકે એ એની સાચી કૃપા છે.

 

  • પ્ર. કેવા કૃત્ય વડે ઈશ્વરને પામી શકાય ?

 

ઉ. કર્મમાં કંઈ ફરક નથી. આ કર્મ ઈશ્વર પાસે લઇ જશે અને પેલું નહીં, એમ ન માનો.

 

બધાનો આધાર પ્રભુની કૃપા પર છે. એ પામવા માટે તમે જે કંઈ કર્મ કરો તે, નિષ્ઠાપૂર્વક અને એને માટેની વ્યાકૂળતાપૂર્વક કરો. એની કૃપા વડે, વાતાવરણ અનૂકુળ થશે અને, એની પ્રાપ્તિ માટે પરિસ્થિતિ પૂર્ણ થશે. તમારે સંસારત્યાગ કરવો હોય પણ તમારું કુટુંબ તમારા પર આધારિત હોય તો, કદાચ, તમે લગ્ન જ ન કરો અને સંસારના બંધનમાં જ ન પડો.

 

  • સૈકાઓનું અંધારું ઓરડામાં દીવો લાવતાં વેંત દૂર થઇ જાય છે. ઈશ્વરના એક દ્રષ્ટિપાત માત્રથી અસંખ્ય જન્મોનાં પાપ ભસ્મ થઇ જાય છે.

 

  • કેટલીક માછલીઓને અનેક કાંટા હોય છે પણ, બીજી કેટલીક માછલીઓને એક જ હોય છે. માછલી ખાનારાઓ, એક કે અનેક, જે હોય તેને કાઢી નાખે છે. એ જ રીતે કેટલાંક માણસોનાં ઘણાં પાપ હોય છે તો કેટલાંકના થોડાં. પણ, ઈશ્વરની કૃપાથી બધાં જ તરત ધોવાઈ જાઈ છે.

 

  • મલયાનિલ વાય ત્યારે, બધાં સત્વશીલ વૃક્ષો ચંદનનાં વૃક્ષો બને છે એમ કહેવાય છે. પણ પપૈયા, વાંસ, કેળ અને એવાં બીજાં ઓછાં સત્વશીલ વૃક્ષો એમ જ રહે છે. એ રીતે, જે પવિત્ર છેઅને દિવ્યતાથી ભરેલા છે તેમની ઉપર પ્રભુકૃપા વરસે છે પણ જે નકામાં અને સંસારી ચી તે બધા એવા વણપલટાયેલા જ રહે છે.

 

  • એક સંત માળા ફેરવતા અને મનમાં પ્રભુનામ લેતાં. એમને ઠાકુરે (શ્રીરામકૃષ્ણદેવ) કહ્યું : ‘તમે એક જ સ્થળે કેમ ચીટકી રહો છે ? આગળ ધપો.’ સંત ઉત્તર આપ્યો : ‘પ્રભુકૃપા વિના કશું બની શકતું નથી.’ ઠાકુર કહે, ‘એની કૃપાનો વાયુ તમારા શિરે સદા વાય છે. તમારી નાવનો શઢ ખોલી નાખો તો જ, જીવનસાગરમાં તમે ઝડપથી પ્રગતી સાધી શકશો.’

 

  • ઈશ્વરકૃપાનો વાયુ વધારે ને વધારે વાઈ રહ્યો છે. જીવન સમુદ્રના આળસુ નાવિકો એનો લાભ લેતાં નથી. પણ ચતુર અને શક્તિશાળી નાવિકો પોતાના મનના શઢને ખુલ્લાં રાખે છે કે જેથી અનુકૂળ વાયુ પકડી શકાય અને નિર્ધારિત મુકામે પહોંચી શકાય.

 

  • પ્ર. શું કશું અચાનક નથી થતું ?

 

ઉ. પૂર્ણતા પામતાં પહેલાં ખૂબ તૈયારી કરવી પડે છે એવો સાધારણ નિયમ છે. બાબુ દ્વારકાનાથ મીત્તર કંઈ એક જ દિવસમાં જ્જ બની બેઠા ન હતાં. અતિશય પરિશ્રમ અને, ઘણા વર્ષોની મહેનત પછી એ હાઈકોર્ટણા જજ તરીકે નિયુક્ત થયા હતાં. અતિશય પરિશ્રમ અને, ઘણા વર્ષોની મહેનત પછીએ એ હાઈકોર્ટના જ્જ તરીકે નિયુક્ત થયા હતાં. તકલીફ ઉઠાવવાને અને મહેનત કરવાને તૈયાર ન હોય તેવાં લોકો અસીલ વગરના વકીલ રહેવાના. પણ પ્રભુકૃપાથી કોઈકવાર મનુષ્યની ઉન્નતી ઝડપથી થાય છે; કાલીદાસના કિસ્સામાં એવું બન્યું હતું, એ જન્મ્યો હતો મૂર્ખ પણ, માતા સરસ્વતીની કૃપાથી એ ભારતવર્ષનો મહાનમાં મહાન કવિ બન્યો હતો.

 

(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ માંથી ૧૨૧-૧૨૨ રા.જ.૦૫/૦૩-૧૨૧-૨૨)