સાચા ધર્મને આચરણમાં ઉતારો ! …(વિવેકવાણી)

સાચા ધર્મને આચરણમાં ઉતારો ! …

ભારતમાં આપણે ગરીબો અને નીચલા થરના લોકો વિશે કેવા ખ્યાલ રાખીએ છીએ, તેનો વિચાર કરતાં મારા હૃદયમાં શી શી વેદના થતી હતી ! પોતાના વિકાસ માટે તેમને કોઈ તક, છૂટવાનો આરો કે ઉપર આવાવાનો રસ્તો મળતો નથી. ભારતમાં ગરીબો, નીચલા થરના લોકો તેમ જ પતિતોને મિત્રો કે મદદ મળતાં નથી; ગમે તેટલાં પ્રયત્નો કરે તો પણ તેઓ ઊંચે ચડી શકતા નથી. તેઓ દિનપ્રતિદિન નીચે ને ઊતરતા જાય છે; ક્રૂર સમાજે વરસાવેલા ફટકા તેમણે લાગે છે, પણ ક્યાંથી આવે છે તેની તેમને ખબર નથી. પોતે મનુષ્યો છે એ હકીકત પણ તેઓ ભૂલી ગયા છે ! આ બધાનું પરિણામ છે ગુલામી. છેલ્લાં થોડાં વર્ષોમાં વિચારશીલ લોકોએ આ વસ્તુસ્થિતિ જોઈ છે, પણ દુર્ભાગ્યે તેણે આ માટેની જવાબદારી હિંદુ ધર્મ ઉપર નાખી; અને તેમની દ્રષ્ટિએ તો પરિસ્થિતિ સુધારવાનો એક જ માર્ગ છે  જગતના આ ભવ્યમાં ભવ્ય  ધર્મનો નાશ કરવાનો ! મારા મિત્ર ! સાંભળ. પ્રભુની કૃપાથી એ રહસ્ય મને શોધી કાઢ્યું છે. આમાં દોષ ધર્મનો નથી. ઊલટું, તમારો ધર્મ તો તમને એમ શીખવે છે કે પ્રાણી માત્રમાં અનેકરૂપે રહેલું તમારું જ આત્મસ્વરૂપ છે; પરંતુ દોષ છે ધર્મને આચરણમાં ઉતરવાની અશક્તિનો, સહાનુભૂતિ અને પ્રેમના અભાવનો. ઈશ્વર ફરી એક વાર તમારી પાસે બુદ્ધરૂપે આવ્યા અને દયાનો અનુભવ કરતાં તથા દીન, દુઃખી તેમજ પતિતો પ્રત્યે સહાનુભૂતિ રાખતાં એમણે તમને શીખવ્યું; પણ તમે એણે દાદ દીધી નહી…. આ પ્રકારની પરિસ્થિતિનો અંત લાવવો જોઈએ; અને તે ધર્મનો નાશ કરીનેનાહી, પણ હિંદુ ધર્મના મહાન ઉપદેશોનું આચરણ કરીને, તથા તેના એક ભાગ તરીકે ન્યાયી રીતે વિકસેલા બૌદ્ધ ધર્મની અદભુત કરુણાને તેની સાથે જોડીને.
પવિત્રતાની  પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દ્રઢનિશ્ચયી બનેલા અને દીન, અધ:પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતાં સિંહના જેવી હિંમત રાખીને મુક્તિ, સહાય, સામાજિક ઉત્થાન અને સમાનતાનો બોધ આપતાં એક લાખ સ્ત્રીપુરુષોએ દેશના એક છેડાથી બીજાં છેડા સુધી ધૂમી વળવું જોઈએ ….
હિંદુ ધર્મ જેટલા ઉચ્ચ સ્વરે બીજાં કોઇપણ ધર્મે પૃથ્વી ઉપર મનુષ્યત્વના ગૌરવનો પ્રચાર કર્યો નથી; અને હિંદુ ધર્મની જેમ અન્ય કોઈ ધર્મે પૃથ્વી ઉપર ગરીબ અને નીચલા વર્ગો ઉપર જુલમ ગુજાર્યો નથી …નિરાશ ન થશો; ગીતામાં ભગવાને કહ્યું છે તે યાદ કરો. ‘કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહી.’ કટિબદ્ધ થાઓ, વત્સ ! આ કાર્યને માટે જ ઈશ્વરે મને જન્મ આપ્યો છે. હું આખી જિંદગી વિપત્તિ અને અત્યાચારોમાં ઘસડાયો છું; સ્વજનો અને સ્નેહીઓને લગભગ ભૂખમરાથી મારતાં મેં જોયાં છે; ઉપહાસ અને  અવિશ્વાસનો હું ભોગ બન્યો છું તથા જે માણસો મને હસી કાઢે અને તિરસ્કારે તેમના જ પ્રત્યે સહાનુભૂતિ  દાખવા માટે મારે ઘણું સહન કરવું પડ્યું છે. પણ વત્સ ! જેમ આ જગત વિપત્તિની શાળા છે, તેમ મહાત્માઓ અને પયગંબરો માટે એ દયા, ધૈર્ય, તેમજ મુખ્યત્વે  તો પગ પાસે વિશ્વના ચૂરેચૂરા થાય તો પણ પગ નહિ એવું મનોબળ કેળવવાની પણ શાળા છે.
…. કહેવાતા ધનિકોનો વિશ્વાસ કરશો નહિ: તેઓ જીવતા કરતાં મરેલા વધારે છે. મને વિશ્વાસ છે તમારા જેવા નમ્ર, ગરીબ છતાં નિમકહલાલ મનુષ્યોમાં, ઈશ્વરમાં શ્રદ્ધા રાખો; ચાલાકી કરશો નહી, એમાં કશું વળશે નહી. દુઃખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે – અર્થાત ઈશ્વર પ્રત્યે નજર કરો. એ સહાય ‘અચૂક આવી મળશે.’
-સ્વામી વિવેકાનંદ
(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા – સંચયન’ પૃ.૪૦૪-૦૫)
(રા.જ.૦૬/૦૩-૦૫)