મા ભૈ: – ડરો નહિ …

મા ભૈ:  –  ડરો નહિ …
‘મોટામાં મોટું પાપ પોતાની જાતને નિર્બળ માનવી એ છે. તમારાથી વિશેષ મહાન કોઈ પણ છે જ નહી. ‘ તમે બ્રહ્મછો તેવો સાક્ષાત્કાર કરો. કોઈ પણ વસ્તુને તમે જે આપો તેના કરતાં વધારે શક્તિ તેનામાં નથી. આપણે સૂર્યથી, તારોથી અને વિશ્વથી પર છીએ. મનુષ્યના ઈશ્વરત્વનો ઉપદેશકરો. અનિષ્ટને નકારો; કોઈ અનિષ્ટને ઉત્પન્ન ન કરો. ખડા થઈને બોલો કે હું અધિપતિ છું, સહુનો અધિપતિ છું. આપણે સાંકળ ઘડીએ છીએ , અને એકલા આપણે જ તેને તોડી શકીએ.
-સ્વામી વિવેકાનંદ

 

જીવનને સામર્થ્યવાન, સર્વશક્તિમાન, સર્વજ્ઞ બનવા માટે કોઈને જીવનના આદર્શ બનાવાવા જોઈએ … અને આદર્શ બનાવવો તો કોનો બનાવવો જોઈએ ? આ સવાલ દરેક ને થતા હોઈ છે અને થવો  પણ જોઈએ…!  હા, તો ચાલો  આજે આપણે જાણીએ કે સ્વામી વિવેકાનંદજી ના મતે…આદર્શ કોને બનાવી શકાય …?
અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો છે, જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો; તેમને જીવન કે મરણની પરવા ન હતી ! તેઓ પૂરે પૂરા  ઇન્દ્રિયનિગ્રહી અને અદ્ ભુત બુદ્ધિ ધરાવતા હતાં. અંગત સેવાના આ મહાન આદર્શ અનુસાર તમારે તમારું જીવન ઘડવું જોઈશે. તે દ્વારા બીજાં બધા આદર્શો ધીરે ધીરે જીવનમાં ઊતરી આવશે. સામો પ્રશ્ન કર્યાં સિવાય ગુરુની આજ્ઞાનું પાલન અને સંપૂર્ણ બ્રહ્મચર્યસેવન, એ સફળતાનું રહસ્ય છે. હનુમાન એક બાજુ એ જેમ સેવાના આદર્શના પ્રતિનિધિ છે,  તેમ બીજી બાજુએ આખી દુનિયા પર ધાક બેસાડી દે તેવી સિંહ સમાન હિંમતના પણ પ્રતિનિધિ છે. રામચંદ્રના  હિત અર્થે પોતાની જિંદગીનો ભોગ આપી  દેતાં તેમના મનમાં જરાય આંચકો લાગ્યો ન હતો. સેવા સિવાય બીજી બધી બાબતો તર્ક –વિશ્વના મહાન દેવો બ્રહ્મા અને શિવના પદની પ્રાપ્તિ પ્રત્યે પણ – તેઓ અત્યંત બેપરવા રહ્યા છે ! તેમના જીવનનું એકમાત્ર વ્રત છે રામની આજ્ઞાનું પાલન ! આવી ખરા હૃદયની ભક્તિ જોઈએ.
કેવળ મૃદંગ અને કરતાલ બજાવીને અને કીર્તનોની ધૂનમાં નાચી નાચીને સમસ્ત પ્રજા અધોગતિએ પહોંચી ગઈ છે…. હાલ તુરતને માટે વૃંદાવનના શ્રીકૃષ્ણને દૂર રાખી દો, અને સિંહનાદથી ગીતાનું જ્ઞાન ગરજી રહેલા શ્રીકૃષ્ણની ઉપાસના ચારે તરફ ફેલાવી દો…. બંસી બજાવવી અને એવું બધું કંઈ દેશનો ઉદ્ધાર કરવાનું નથી. અત્યારે આપણને સૌથી વધુ જરૂર એવા પરાક્રમી વીરના આદર્શની છે, કે જેની નસોમાં પગથી માથા સુધી રજોગુણનો અતિશય જોમદાયક પ્રભાવ હોય, જે સત્યને જાણવા માટે હિંમતપૂર્વક મરણને ભેટવા તૈયાર હોય, ત્યાગ જેનું બખ્તર હોય અને તલવાર જેનું જ્ઞાન હોય.
જીવનસંગ્રામમાં અત્યારે આપણે માટે બહાદુર યોદ્ધાની ભાવના આવશ્યક છે, નહી કે જગતને પ્રમોદ-ઉદ્યાન સમજીને પ્રેમકેલી કરતાં પ્રેમની ! … અત્યારે આપણે  પાંચ – છ સિંહોની જરૂર છે; પછી તો સેંકડો શિયાળયાં પણ ઉત્તમ કામ કરી શકશે… જય ગુરુદેવ ! જય આ જગદંબા ! ડરવું શા માટે ? તક, તેનો ઉપાય અને તેનો અમલ: બધું આપોઆપ મળી આવશે.
હું સારા કે નરસા પરિણામની પરવા નથી કરતો. તમે આટલું કાર્ય કરશો તો પણ હું ખુશી થઈશ. ધર્મગ્રંથો, શાસ્ત્રો, સિદ્ધાંતો, મતાગ્રહો, વાગ્યુદ્ધો: આ બધુ ઉંમર વધવાની સાથે મને ઝેર જેવું લાગે છે. ખાતરીપૂર્વક માનજો કે કામ કરશે તેને હું શિરોધાર્ય ગણીશ. નકામાં શાબ્દિક વાદવિવાદો અને ખોટી ધાંધલમાં આપણો સમય વીતી જાય છે. માનવતાની સેવાના કાર્યને એક પગલું પણ આગળ ધપાવ્યા સિવાય આવા વાદવિવાદો આપણી જીવનશક્તિને ક્ષીણ કરી નાખે છે: મા ભૈ: ‘ડરો નહિ !’ શાબાશ ! તમે ખરેખર વીર છો ! ..
અત્યારે આપણને આપણા દેશમાં જેની જરૂર છે તે એટલાં બધાં રોદણાં રોવાની નથી, પણ થોડાએક બળની જરૂર છે. હું જ વિશ્વની વ્યક્તિત્વરહિત સત્તા છું એવા જ્ઞાનપૂર્વક જ્યારે માણસ બધા વહેમોને ફગાવી દઈને પોતાના પગ પર ખડો રહે ત્યારે, વિચાર કરો કે, આ વ્યક્તિત્વરહિત ઈશ્વરમાં સામર્થ્યનો કેવડો મોટો ભંડાર ભર્યો  હશે ? મને ડરાવી શકે એવું શું છે ? હું પ્રકૃતિના નિયમોની સુધ્ધાં પરવા કરતો નથી; મૃત્યુ મારા માટે મશ્કરી સમાન છે. મનુષ્ય પોતાના અનંત, શાશ્વત, અમર આત્માના મહિમા ઉપર મુસ્તાક બને છે; કે જે આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી, વાયુ સૂકવી શકતો નથી, જે અજર અમર છે, અનાદી અને અનંત છે, જેની વિરાટ પાસે આ સૂર્યો, ચન્દ્રો અને બધાં સૂર્યમંડળોસાગરમાં બિંદુસમાન છે, જેના મહિમા પાસે આકાશ શૂન્યમાં લય પામી જાય છે અને કાળ અર્દશ્ય થઈને શૂન્યરૂપ થઇ જાય છે.
આ મહિમાવાન આત્મામાં આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. એમાંથી શક્તિ આવશે. જેવું તમે વિચારશો તેવા તમે સબળ બનશો. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો; જો તમે પોતાને સબળ માનશો તો તમે સબળ બનશો; જો તમે પોતાને અપવિત્ર માનશો તો તમે અપવિત્ર બનશો; જો તમે પોતાને પવિત્ર માનશો તો તમે પવિત્ર બનશો.  આ આપણને શીખવે છે કે આપણે આપની જાતને દુર્બળ નહિ પણ સામર્થ્યવાન, સર્વશક્તિમાન, સર્વજ્ઞ માનવાની છે.
–     સ્વામી વિવેકાનંદ
(રા.જ.૦૪/૦૩-૦૫)