વિવેકવાણી …

વિવેકવાણી  …


જો કોઈ માણસ સતત અશુભ કર્મ કર્યા જ કરે છે તો તેનું
અંત:કરણ ખરાબ સંસ્કારોથી મલિન થઇ જાય છે.

-સ્વામી વિવેકાનંદ


 સ્વામી વિવેકાનંદ (વિવેકવાણી) …
 ચમત્કારોની ઘેલછા અને વહેમીપણું એ હંમેશાં મુડદાલપણાનાં ચિહ્ નો છે; આ બધી અધ:પતન અને મોતની નિશાનીઓ છે. એટલા માટે એમનાથી સાવચેત રહો; સમર્થ બનો અને તમાર્તા પોતાના પગ પર ખાડા રહો… લ્યાનત છે માનવજાતને કે શક્તિશાળી મનુષ્યો આવા વહેમોમાં પોતાનો સમય બગાડે છે, દુનિયાના સડેલામાં સડેલા વહેમોના ખુલાસા આપવા સારું રૂપકો ઉપજાવી કાઢવામાં પોતાના સમયનો વ્યર્થ વ્યય કરે છે. બહાદુર બનો; દરેક બાબતને એવી રીતે સમજાવવાનો પ્રયાસ ન કરો. ખક્રી હકીકત એ છે કે આપણામાં કેટલાય વહેમો પડ્યાં છે, આપણા સમાજના દેહ ઉપર ઘણા કાળા ડાઘા અને ઘણાં ચાંદાં પડી ગયાં છે; એ બધાંને નસ્તર મૂકીને, કાપી કાઢીને આપણે નાશ કરવાનો છે.
 “જો શરીર અને મનમાં તાકાત ન હોય તો આત્માનો સાક્ષાત્કાર કરી શકાય નહિ. પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીરને સુદ્રઢ બનાવવું જોઈએ; ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સૂક્ષ્મભાગ જ છે. તમારા મન અને શબ્દોમાં તમારી ઘણી શક્તિનો સંગ્રહ કરવો જોઈએ. ‘હું ક્ષુદ્ર છું, હું ક્ષુદ્ર છું’ તેવાં વિચારો વારંવાર કરવાથી માનવી પોતાને નીચો પાડે છે, અને હિન્ બનાવે છે,”
 આ જગત માત્ર એક સ્વપ્ન છે; કેવળ ત્યારે જ તમને તમારા આત્માનાય આત્મામાં અનુભવ થશે કે તમે તો માત્ર પાઠ ભજવનાર નટ છો, અને જગત એક રંગભૂમિ છે; કેવળ ત્યારે જ અનાસક્તિનો વિચાર મનમાં જ વજ્ર જેવો દ્રઢ થશે; ત્યારે જ પછી ભોગની આ બધી તૃષ્ણાઓ, જીવનને અને જગતને વળગી રહેવાની આ વૃત્તિ સદાને માટે અદશ્ય થઇ જશે; ત્યારે મનને દીવા જેવું દેખાશે કે આ બધાંય તમારે માટે કેટલી બધી વાર અસ્તિત્વમાં હતાં, કેટલા કરોડો વખત તારે માતાપિતા, પુત્રપુત્રી, પતિપત્ની, સગાસબંધી, સંપતિ અને સત્તા હતાં. એ બધાં આવ્યાં અને ગયાં. કેટલી બધી વાર તમે બોજના ઊંચામાં ઊંચા શિખર પર ચડ્યા હતા, અને કેટલી બધી વાર તમે નિરાશાની ખાઈને તળિયે ઝિંકાયા હતા ! જ્યારે પૂર્વસ્મૃતિ આ બધું તમારી સામે ભ્રુકુટિ ચડાવશે ત્યારે પણ તમે મુખ મલકાવશો. કેવળ ત્યારે જ ઉન્નત મસ્તકે કહેશો કે ‘અરે મૃત્યુ ! હું તારી પણ પરવા કરતો નથી; તું મને શું બીવડાવવાનું હતું ?’ આ સ્થિતિ દરેકદરેકને માટે આવશે.
જિંદગીમાં એક મહાન આદર્શને સ્વીકારવો અને પછી આખું જીવન એણે માટે સમર્પણ કરવું એ એક મહાન વસ્તુ છે. નહીતેર, હેતુ વિનાના ક્ષુદ્ર માનવજીવનની કિંમત શી છે ? એક મહાન આદર્શની ખાત્ર એને સમર્પણ કરી દેવી, એ એક જ જિંદગીનું ખરું મૂલ્ય છે.
 મારા મિત્રો ! મારી યોજના એવી છે કે આપણાં શાસ્ત્રોનાં સત્યોનો ભારતમાં તથા ભારતની બહાર પ્રચાર કરવા સારું નવયુવક ઉપદેશકોને તૈયાર કરવા માટે ભારતમાં સંસ્થાઓની સ્થાપના કરવી. આપણે ખરી જરૂર છે માણસોની, અનેક માણસોની. બીજું બધું પછી થઇ રહેશે; સહુ પ્રથમ બળવાન, ચેતનવંતા, અને અંતરમાં ઊંડી શ્રદ્ધાવાળા નવયુવકોની આવશ્યકતા છે. એકસો એવા નવલોહિયા યુવકે મળે તો દુનિયામાં ક્રાંતિ આવી જાય !
(વિ.ગ્ર.ભા.૪,પૃ.૨૨૦,૫૭,૧૦૫)
 આપણો મૂળમંત્ર હશે સ્વીકાર, સ્વાગત, અને નહી કે બહિષ્કાર. કેવળ પરમત સહિષ્ણુતા નહિ; કારણ કે કહેવાતી સહિષ્ણુતા તો ઘણી વાર નીન્દારૂપ હોય છે; હું તેમાં માનતો નથી. હું તો સ્વાગતમાં, સ્વીકારમાં માનું છું શા માટે બીજાં ધર્મને ચલાવી લેવા જોઈએ ? હું માનું છું કે તમે ખોટા છો પણ હું તમને માત્ર ચલાવીલઉં છું એનું નામ સહિષ્ણુતા. તમે કે હું બીજાને રહેવા દઈએ છીએ, ચલાવી લઈએ છીએ, તેવો ખ્યાલ રાખવો એ જ શું પાપ નથી ? ભૂતકાળના બધા ધર્મો જે હું સ્વીકારું છું અને એ બધાની સાચી ઉપાસના કરું છું; તેઓ ઈશ્વરની પૂજા ભલે ગમે તે રૂપે કરતા હોય, તે દરેકની સાથે હું ઈશ્વરની પૂજા કરું છું… આ બધું હું કરીશ એટલું જ નહિ, પરંતુ ભવિષ્યમાં પણ જે બધા આવશે તેમને માટે પણ હું મારું હૃદય ખુલ્લું રાખીશ. શું ઈશ્વરનો ગ્રંથ પૂરો થયો છે ? કે તેની અભિવ્યક્તિ હજી સતત ચાલુ છે ? દુનિયાની આ બધી આધ્યાત્મિક અભિવ્યક્તિઓ એક અપૂર્વ ગ્રંથ છે. બાઈબલ, વેદ, કુરાન અને બીજાં બધા ધર્મગ્રંથો માત્ર તેનાં થોડાંએક પાનાં છે; બીજાં અસંખ્ય પાનાં હજી ઊઘાડવાનાં બાકી છે. હું મારું હૃદય તે બધાંને માટે ઉઘાડું રાખીશ.
 સત્યને જાણો અને ક્ષણમાત્રમાં મુક્ત થાઓ; તે જ ક્ષણે બધું અંધારુ અર્દશ્ય થઈ જશે. જ્યારે માણસે પોતાને જગતના અનંત આત્મા સાથે એકરૂપ થયેલો જોયો હોય, જ્યારે કોઈ જાતનું જુદાપણું રહ્યું ન હોય, જ્યારે તમામ પુરુષો અને સ્ત્રીઓ, બધા દેવો અને દેવતાઓ, બધાં પશુઓ અને વનસ્પતિઓ અને આખું વિશ્વ એ એકતામાં મળીને એકરસ થઇ ગયું હોય, ત્યારે તમામ પ્રકારના ભય અર્દશ્ય થઇ જાય છે. હું મને પોતાને અઘાત કરી શકુ ? હું મને પોતાને મારી શકું ? હું મને પોતાને ઇજા કરી શકું? બીવું કોનાથી ? તમને તમારી પોતાની બીક લાગે ? જ્યારે સર્વ શોક નિવૃત થાય પછી મને કોણ શોકાતુર બનાવી શકે ? હું જ વિશ્વનું એકમાત્ર અસ્તિત્વ છું. ત્યાર પછી બધી ઈર્ષ્યાઓ અર્દશ્ય થઇ જશે; ઈર્ષ્યા કોની કરવી ? મારી પોતાની ? ત્યારે પછી સઘળી ખરાબ ભાવનાઓ અર્દશ્ય થઇ જશે. કોની સામે હું ખરાબ ભાવના ધરાવી શકું ? મારી પોતાની સામે ? વિશ્વમાં મારા સિવાય બીજું કોઈ જ છે જ નહિ. વેદાન્તી કહે છે કે જ્ઞાનનો આ એક જ માર્ગ છે. આ ભેદને મારી નાખો, અનેક છે એવા આ વહેમને નિર્મૂળ કરી નાખો.
– સ્વામી વિવેકાનંદ