બટેટાની ભાખરવડી … (બટેટાના પાત્રા) …

બટેટાની ભાખરવડી …  (બટેટાના પાત્રા) …

 

ગુજરાતમાં બે પ્રકારની ભાખરવડી બનાવવામાં આવે છે.  એક આપણે અહીં ‘દાદીમા ની રસોઈ ‘ ના બ્લોગ પોસ્ટમાં જ આગળ જોઈ ગયા શરૂઆતમાં, મસાલા ભરીને બનાવવામાં આવતી ભાખરવડી અને બીજી રીત છે બટેટા માં મસાલો મિક્સ કરી અને બનાવવા માં આવતી ભાખરવડી.

મસાલો ભરીને બનાવવામાં આવતી ભાખરવડી ૩૦ દિવસ સુધી ઘરમાં ઉપયોગમાં લઇ શકાય છે, પણ બટેટાના મસાલાથી બનાવેલ ભાખરવડી સામાન્ય રીતે જોઈએ તો તરત જ તે દિવસે ઉપયોગમાં લઇ લેવી અથાવા બીજા દિવસ સુધી જ ઉપયોગમાં લઇ શકાય છે. બટેટાના મસાલા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ભાખરવડીનું ઉપરનું પળ ક્રિસ્પી –કૂરકુરુ બનાવવું.

બટેટાના મસાલા ની ભાખરવડી માટે લોટ બાંધવા માટેની સામગ્રી …

સામગ્રી :

૧૫૦ ગ્રામ મેંદો (૧-૧/૨ – કપ)

૫૦   ગ્રામ ચણાનો લોટ  (૧/૨ – કપ)

૫૦   ગ્રામ તેલ  (૧/૪ –કપ)

૧/૨ નાની ચમચી મીઠું  (સ્વદાનુસાર)

ભાખરવડી મા ભરવાનું પૂરણ / મિશ્રણ બનાવવા માટે ….

૨૫૦ ગ્રામ બટેટા (૩-૪ નંગ મધ્ય સાઈઝના / આકારના , બાફેલા)

૧ ટે. સ્પૂન તેલ

૧ પીંચ (ચપટીક) હિંગ

૧/૨ નાની ચમચી જીરૂ

૧/૨ નાની ચમચી રાઈ

૧ ટે.સ્પૂન સફેદ તલ

૧/૪ નાની ચમચી હળદર પાઉડર

૧ નાની ચમચી ધાણા પાઉડર

૧/૪ નાની ચમચી લાલ મરચું

૧/૨ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૧ ટે.સ્પૂન લીલી કોથમીર

રીત :

સૌ પહેલા બટેટાની ભાખરવડી બનાવવા માટે લોટ ગુંથી લેવો જરૂરી હોય..

મેંદા તેમજ ચણા ના લોટને  વાસણ મા ચારણીથી ચાળી અને અલગ રાખવો.

૨-૩ ટે.સ્પૂન મેંદાના લોટને અલગ કાઢી રાખવો. અને ત્યારબાદ, બાકી રહેલાં લોટમાં મીઠું, તેલ નાંખી અને સારી રીતે મિક્સ કરવું. ચણા નો લોટ પણ મિક્સ કરી દેવો.

ત્યારબાદ, થોડું થોડું પાણી ઉમેરતા જવું અને કઠણ પુરી જેવો લોટ ને ગૂંથવો, લોટ ગૂંથાઈ જાઈ એટલે કપડા વડે ૨૦ મિનિટ માટે ઢાંકી દેવો અને સેટ કરવો. લોટ સેટ થઇ ગયા બાદ, બટેટાના માવાનું મિશ્રણ આપણે તૈયાર કરી લઈએ.

બટેટાની ભાખરવડી  સ્ટફિંગ માટે નું મિશ્રણ /પૂરણ …

બાફેલા બટેટાની છાલ ઉતારી અને તેને બારીક સમારી લેવા. ત્યાર બાદ, કડાઈમાં તેલ નાંખી અને ગરમ કરવું. ગરમ તેલમાં જીરૂ અને હિંગ નાંખવી, જીરૂ આછું શેકાઈ જાય કે તૂરત જ રાઈ નાંખવી, ટે શેકાઈ જાય એટલે તલ નાંખવા, તલ ને આચા બ્રાઉન શેકવા. તલ શેકાઈ જાય બાદ, હળદર પાઉડર, ધાણાનો પાઉડર નાંખી અને સાવ સામન્ય શેકાઈ એટલે બટેટા સમારેલા તે  નાંખવા. ત્યારબાદ, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને મીઠું નાખવું.

મસાલાની સાથે બટેટાને પણ સાંતળવા અને ખૂબજ સારી રીતે મેશ કરી અને મિક્સ કરવા. બસ પૂરણ તૈયાર છે. પૂરણમાં લીલી કોથમીર બારીક સમારેલી તે પણ  નાંખી અને મિક્સ કરવી.

બટેટાની ભાખરવડી બનાવો …

અગાઉ લોટને ગુંથી તૈયાર રાખેલ છે તેના ત્રણ (૩) ભાગ કરવા. ત્યાર બાદ, એક ભાગને લઈને તેને ફરી મસળી ચપટો કરી અને લુઆ / ગોળા/ ગોયણા  પાડવા, ને ત્યાર બાદ, પાટલી ઉપર એક લુઆ ને રાખી અને અને પાતલી રોટલી ની જેમ  ૮-૧૦ ઈંચ – વ્યાસ -ગોળાઈમાં વણવું.  અને જે લોટ વણાઈ જાય તેની ઉપર ૩-૪ ટે.સ્પૂન બટેટાનું પૂરણ મૂકી અને તેને પૂરા લોટ ઉપર આછું એકસરખું પાથરી દેવું.

એક સરખું પથરાઈ જાઈ ત્યાર બાદ,  તરફની કિનારીથી ઉપાડીને તેને ગોળ રોલ  વિંટવો. અને છેલ્લે એક તરફની કીનાર ને હાથની મદદ વડે દબાવીને ચિપકાવી દેવી.  (મેંદાની લઇ બનવી ને ટે લગાડી અને પણ ચિપકાવી શકાય).

રોલ બની ગયા બાદ, તેને ૧/૨ ઈંચ કે પોણા ઈંચ ની લંબાઈ મા કાપવા, આમ બધા જ લોટના ટૂકડા કપાઈ ગયા બાદ, તેની કિનારી ચેક કરી લેવી અને ખુલી જાય તેમ લાગે તો મેંદાની મદદથી પહેલા ચિપકાવી જેથી તેલમાં તળતી સમયે તેમાંથી છૂટીને માવો તેલમાં અલગ ના થઇ જાય.

બસ, આજ રીતે બધી જ ભાખરવડી તૈયાર કરી લેવી. ભાખરવડી તળવા માટે તૈયાર છે.

ભાખરવડી ને તળવા માટે એક કડાઈમાં તેલ લેવું અને ગરમ કરવાં મૂકવું. તેલ ગરમ થાય એટલે આચા, મધ્યમ ધીમા તાપથી તેને તેલમાં તળવા નાંખવી, કડાઈની સાઈઝ પ્રમાણે ૮-૧૦ નંગ એક સાથે નાંખી શકાય.  ખાસ ધ્યાન  રહે કે તેને ચારે બાજુ થી આછી બ્રાઉન તળવા ની છે. બ્રાઉન ચારે બાજુથી તળાઈ ગયા બાદ, ભાર કાઢી એક  પ્લેટમાં પેપર નેપકીન  રાખી અને તેની ઉપર રાખવી. ધીરે ધીરે આમ બધી જ ભાખરવડી તળી લેવી.

સ્વાદિષ્ટ અને કૂરકૂરા સ્વાદમાં ભાખરવડી તૈયારે છે. ભાખરવડી ને લીલી કોથમીર મરચાની ચટણી, મીઠી ચટણી, ટામેટા કેચપ સાથે ગરમા –ગરમ પીરસવી અને ખાવી.

બ્લોગ લીંક: http://das.desais.net

વેદ એટલે સનાતન સત્યનો સમૂહ …

વેદ એટલે સનાતન સત્યનો સમૂહ …

જગતના ઘણાખરા મહાન ધર્મો અમૂક પુસ્તકોને માને છે; તેઓ માને છે કે એ પુસ્તકો ઈશ્વરની વાણી છે અગર કોઈ દિવ્ય પુરુષોની વાણી છે, અને એ તેમના ધર્મના આધારરૂપ છે. હવે આવાં બધાં પુસ્તકોમાં પશ્ચિમના આધુનિક વિદ્વાનોના મત પ્રમાણે હિંદુઓના વેદો પ્રાચીનમાં પ્રાચીન છે. એટલા માટે વેદો વિશે થોડીક સમજૂતી જરૂર છે …
વેદોનો અર્થ છે જ્ઞાન (વિદ્ એટલે જાણવું) … વેદ એટલે સનાતન સત્યોનો સમૂહ … સત્ય બે પ્રકારનું છે: (૧) માણસની પાંચ સામાન્ય ઇન્દ્રિયો તથા તે ઉપર આધારિત તર્ક વડે જાણી શકાય તે અને (૨) યોગની સૂક્ષ્મ અતીન્દ્રિય શક્તિ વડે જાણી શકાય તે ….
પહેલી રીતે મેળવેલા જ્ઞાનને વિજ્ઞાન કહે છે; બીજા પ્રકારે મેળવેલા જ્ઞાનને ‘વેદ’ કહે છે… આર્ય પ્રજાએ શોધેલ સત્યોના સમગ્ર વૈદિક સંગ્રહની બાબતમાં એ પણ સમજી લેવાનું છે કે જે વિભાગો માત્ર સાંસારિક બાબતોનો જ ઉલ્લેખ કરતા નથી, જે પરંપરા કે ઈતિહાસની કેવળ નોંધ જ લેતાં નથી કે જે કર્તવ્યનાં માત્ર વિધાનો જ આપતાં નથી, તે જ ખરાં અર્થમાં વેદો છે …. જો કે સત્યનું અતિન્દ્રિય દર્શન કંઈક પ્રમાણમાં આપણાં પુરાણો અને ઈતિહાસોમાં તથા બીજી પ્રજાઓના ધર્મગ્રંથો જોવા મળે છે; છતાં આર્ય પ્રજામાં વેદોના નામે ઓળખાતા ચતુર્વિધ ધર્મગ્રંથો આધ્યાત્મિક સત્યોની સંપૂર્ણમાં સંપૂર્ણ અને અવિકૃતમાં અવિકૃત સંગ્રહ હોવાને લીધે  બીજાં બધાં શાસ્ત્રોમાં સર્વોચ્ચ સ્થાને અને પૃથ્વી પરની સર્વ પ્રજાઓના માનને પત્ર છે, તથા તેમનાં બધાં વિવિધ શાસ્ત્રોનો ખુલાસો પૂરો પાડે છે. હકીકતમાં વેદો દુનિયાના પ્રાચીનમાં પ્રાચીન ધર્મગ્રંથો છે. તે ક્યા સમયે લખાયા અગર કોણે લખ્યા  તે વિશે કોઈ કશું જાણતું નથી.
વેદોના ઘણા ગ્રંથો છે. કોઈ એક વ્યક્તિએ તે બધા વાંચ્યા હશે કે કેમ તે વિશે મને શંકા છે. જે સંસ્કૃતમાં વેદો લખાયા હતાં તે એ વેદો પછીનાં હજાર વર્ષો પછી લખાયેલાં પુસ્તકોની સંસ્કૃત ભાષા નથી, જે કવિઓ અને બીજા વિદ્વાનોએ લખેલા સંસ્કૃત ગ્રંથોના અનુવાદો તમે વાંચો છો.
વેદોનું સંસ્કૃત ખૂબજ સરળ, એની સંરચનામાં પ્રાચીન હતું, અને કદાચ સંસ્કૃત બોલાતી ભાષા હતી. આર્યોની સંસ્કૃત બોલાતી ભાષા હતી. આર્યોની સંસ્કૃત બોલતી શાખા સૌ પ્રથમ સભ્ય બની હતી અને, પુસ્તક લેખનમાં અને સાહિત્ય સર્જનમાં એ પડેલી હતી. હજારો વર્ષો એ પ્રમાણે ચાલ્યું. કેટલાં હજાર વર્ષો તેમણે લખ્યું તે કોઈ જાણતું નથી. ઈ.સ. પૂર્વે ૩૦૦૦ કે ૮૦૦૦ એવાં અનુમાનો છે. પણ આ કાળગણના ચોક્કસ નથી…
હજારો વર્ષોથી બોલાતી અને લખાતી હોઈને, સ્વભાવિક રીતે જ, સંસ્કૃતમાં ખૂબ પરિવર્તન થયેલ છે, ગ્રીક અને રોમન જેવી બીજી આર્યભાષાઓમાં સંસ્કૃતના કરતાં સાહિત્ય મોડેરું જન્મ્યું તે ફલિતાર્થ  છે. એટલું જ નહિ  પણ, બીજી એક વિશિષ્ટતા એ છે કે, જગતમાં અસ્તિત્વ ધરાવતા ગ્રંથોમાંના સૌથી પ્રાચીન સંસ્કૃતમાં છે, જેમને વેદો કહેવાય છે.
બેબીલોનીયન અને ઇજિપ્શિયન સાહિત્યોમાં ખૂબ પ્રાચીન ખંડકો છે પણ, એમણે સાહિત્ય કે ગ્રંથો કહી શકાય તેમ નથી પણ, ટૂંકી નોંધો છે, નાનો પત્ર છે કે થોડાંક શબ્દો જેવું છે, પણ પૂર્ણ રૂપમાં, સંસ્કૃત સાહિત્ય તરિકે વેદો સૌથી પ્રાચીન છે.
-સ્વામી વિવેકાનંદ (વિવેક વાણી)
(રા.જ.૦૧/૦૩-૫)