મૂલ્યલક્ષી બોધકથાઓ …

મૂલ્યલક્ષી બોધકથાઓ …
શ્રીરામકૃષ્ણદેવની ઉપદેશકથાઓ અને બોધકથાઓ …


ધર્મ અને તત્વજ્ઞાનના ગૂઢતત્વો જ્યારે દૈનંદિન ગૃહજીવનના દ્રષ્ટાંતો દ્વારા રજૂ થાય છે ત્યારે એ ઘણા પ્રભાવક બની જાય છે. આવી ઉપમાઓ અને શબ્દચિત્રો દ્વારા જ્યારે અવાં સનાતન સત્યો રજૂ થાય છે ત્યારે તે સરળતાથી સમજી શકાય છે. એટલા માટે ઈસુ કે મહમ્મદ, બુદ્ધ કે મહાવીર, શંકરાચાર્ય કે રામકૃષ્ણ જેવા સંતાનો ઉપદેશો અને જીવનસંદેશમાં આ બોધકથાઓ ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.
આ છે આપણી દુનિયા !
એક દિવસ શ્રી રામકૃષ્ણદેવના સેવક હૃદય એક વાછડો લાવ્યા. મેં જોયું કે એમણે બગીચામાં એણે લાંબા દોરડાથી બાંધી દીધો હતો, જેથી આજુબાજુ ચરી શકે. મેં તેને પૂછ્યું: ‘હૃદય, તું દરરોજ ત્યાં આ વાછરડાને શા માટે બાંધે છે ?’ હૃદયે કહ્યું: ‘મામા, હું આ વાછરડાને આપણા ગામ મોકલવાનો છું. જ્યારે એ મોટો થશે ત્યારે એને  હું સાંતીએ જોડીશ.’ મેં જેવા આ શબ્દો સાંભળ્યા ત્યારે હું આશ્ચર્ય સાથે વિચારવા લાગ્યો : ‘આ માયાનો ખેલ કેવો ગહન છે ! કામારપુકુર અને શિહોર કોલકાતાથી કેટલાં દૂર ! આ બિચારો વાછડો ત્યાં સુધી ચાલીને જશે. પછી એ મોટો થશે અને પછી એને સાંતીએ જોડશે. આ છે આપણી દુનિયા ! આ છે માયા !’
આપણે બધા આ માયાની દુનિયામાં કેવા ફસાયા તૈયાર થઈએ છીએ અને ફસાઈ જીએ છીએ એ ગહનવાત સરળ અને સહજ શબ્દોમાં ઉદાહરણ દ્વારા શ્રી રામકૃષ્ણદેવે આપણને અહીં સમજાવી છે.
આ દુનિયાના જંગલમાં
એક વખત એક માનસ જંગલમાંથી પસાર થતો હતો ત્યારે ત્રણ લૂંટારા એના પર ખાબક્યા અને તેની પાસે હતું એ બધું લૂંટી લીધું. એક લૂંટારો બોલ્યો : ‘આ માણસને જીવતો શ માટે રાખવો જોઈએ ?’ એમ કહીને એને મારી નાખવા માટે તેણે તલવાર ઉપાડી અને ખેંચી ત્યારે બીજો લૂંટારો વચ્ચે પડ્યો અને કહ્યું : ‘અરે ભાઈ, રહેવા દે. એણે મારીને આપણને શું ફાયદો છે ? એના હાથ પગ બાંધી દો અને એને અહીં છોડી દો.’ લૂંટારૂઓએ તો એના હાથ પગ બાંધી દીધા અને ચાલ્યા ગયા. થોડીવાર પછી ત્રીજો લૂંટારો પાછો આવ્યો અને અને પેલા ભાઈને કહ્યું : ‘અરે, હું દિલગીર છું. તને ઇજા થઇ છે. હું તને  તારા બંધનમાંથી મુક્ત કરું છું.’  માણસને મુક્ત કરીને ચોરે કહ્યું : ‘હવે મારી સાથે ચાલ. હું તને જાહેર માર્ગ સુધી લઇ જઈશ.’ ઘણા સમય પછી તેઓ જાહેર માર્ગ પર આવ્યા, એ વખતે પેલા ભાઈએ લૂંટારાને કહ્યું : ‘ભાઈ, તમે મારા પ્રત્યે ઘણી માયા દાખવી છે. તમે  મારી સાથે મારા ઘેર આવો. લૂંટારાએ જવાબ આપ્યો : ‘અરે, ના ! હું ત્યાં આવી શકું નહિ. પોલીસને એની ખબર પડી જશે.’
આ દુનિયા પોતે જ એક જંગલ છે અને આ જંગલમાં ભટકતા ત્રણ લૂંટારા એટલે સત્વ, રજસ્ અને તમસ્. આ એ જ લૂંટારા છે કે જેઓ માણસનું સત્ય છે, રજસ્ એને સાંસારિક બંધનોમાં બાંધી દે છે. પણ સત્વ તેને રજસ્ અને તમસ્ ના પંજામાંથી છોડાવે છે. સત્વના આરક્ષણ હેઠળ માણસ તમસ્ જન્ય ક્રોધ, કામવાસના, અને બીજાં દુષ્ટત્તવોની અસરથી બચી જાય છે. સત્વ માણસને સર્વોત્કૃષ્ટ અને અંતિમ સત્યનું જ્ઞાન આપી શકતો નથી. પરંતુ તે ઈશ્વરના અસીમ અને સર્વોચ્ચ ઘર સુધી જવાના પથ સુધી દોરી જાય છે. સન્માર્ગે સ્થિર કર્યાં પછી સત્વ મનુષ્યને કહે છે: ‘ત્યાં આગળ જો.ત્યાં જ તારું ઘર છે.’ સત્તવ પણ બ્રહ્મજ્ઞાનથી ઘણો દૂર છે.
(૦૨/૦૫-૩૫)

બંધન અને મુક્તિ …

બંધન અને મુક્તિ …

બંધન અને મુક્તિ આ બન્નેના કર્તા તે (ઈશ્વર) જ છે. હવે આ વાત પર વિચાર કરવાથી આપણા મનમાં એવો પ્રશ્ન ઊભો થાય છે કે તેમણે વળી દોષયુક્ત સૃષ્ટિ કેમ રચી? બંધનવાળી સૃષ્ટિ તેઓ ન પણ કરી શકતા હતાં. આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીરામકૃષ્ણદેવ  કહે છે : આવું થવાથી ડોસીમાની રમત ચાલી શકે નહિ. તેની રમત ચાલતી રહે એટલા માટે સારાની સાથે ખરાબને પણ રાખવા પડશે. કહે છે : જો બધાં ડોસીમાને અડીને બેસી જાય તો રમત કેવી રીતે ચાલે ? પણ હા, જો કોઈ રમતાં રમતાં થાકી જાય તો તે ડોસીમાં પોતે જ પોતાનો હાથ તેના પર ધરી દે છે. અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે તેઓ તો રમત રમે છે. પણ આપણો તો જીવ  નીકળી જાય છે. ઈસપની કથાઓમાં દેડકાઓએ છોકરાઓને કહ્યું હતું : ‘ભાઈ, તમારે માટે તો આ રમત છે પણ અમારો તો  અહીં જીવ નીકળી જાય છે.’ કદાચ તમને એ યાદ હશે. આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીરામકૃષ્ણદેવ  ‘કથામૃત’માં અનેક સ્થાને કહી ચૂક્યા છે કે તમે લોકો જે ‘અમે લોકો મરી જઈએ  છીએ’  કહો છો તે ‘અમે લોકો’ કોણ છે? ઈશ્વર સિવાય શું બીજું કંઈ અહીં છે ખરું  ? જો તેઓ પોતે જ ક્યારેક આંખો ખોલીને ચક્કર મારતા રહે તો તેથી શું બીજા પર અત્યાચાર થયો એમ ગણાય ખરું ? શ્રી ઠાકુર કહે છે : ‘હે રામ, તમે પોતાની દુર્દશા સ્વયં કરી છે.’ જ્યાં જ્યાં તેઓ બંધનમાં રહે છે ત્યાં  તે સ્વયં કષ્ટ પણ ભોગવે છે.
અહીં એ પ્રશ્ન થાય છે કે આ રીતે પોતાને માટે કષ્ટને સામેથી બોલવવાનું કાર્ય તો મૂર્ખ પણ કરતો નથી. એનો ઉત્તર એ છે કે તો શું તેમનામાં મૂર્ખની  બુદ્ધિ પણ નથી ! તેઓ એ બુદ્ધિનો પ્રયોગ કરતા નાથી. એમની જે બુદ્ધિ છે તે આપણી બુદ્ધિ માટે અગોચર છે. ન સમજી શકવાનું કારણ કહે છે – આ એમની  લીલા છે તથા આ લીલા સાથે નાનાં નાનાં છોકરા-છોકરીઓની રમતની તુલના કરતાં કહે છે : ‘લોકવટ તુ લીલાં કૈવલ્યમ્’ જેવી રીતે નાનાં નાનાં છોકરા-છોકરીઓ રમવા માટે ઘરઘોલકાં બનાવે છે, એમને તોડેફોડે છે અને વળી ફરીથી બનાવે છે; બરાબર આ જ રીતે તેઓ જગતના સૃષ્ટિ-સ્થિતિ-લય કર છે. અસલ વાત તો આ છે કે એમના સિવાય બીજો કોઈ નથી. ‘એકૈવાહં જગત્યત્ર દ્વિતીયા કાં મમાપરા’ – આ જગતમાં હું એકલી છું; અને મારા સિવાય બીજું છે કોણ? અત્: એમનાં સિવાય જ્યારે બીજું કોઈ નથી  ત્યારે કોઈને તેઓ બાંધી રાખે છે અને કોઈને મુક્ત કરે છે – એવું તો નથી બનતું.
મુક્તિનો ઉપાય …
હવે જો બંધન આપણને પસંદ ન હોય તો એનો પણ ઉપાય છે જો આપણે હૃદયથી આર્ત  બનીને પ્રાર્થના કરીએ તો તેઓ આપણને બંધનમાંથી મુક્ત કરી દે  છે. પરંતુ એમણે આવી વિવિધતાની રચના શા  માટે કરી છે ? એ પ્રશ્નની કોઈ ત્યાં ગુંજાઈશ નથી. શા માટે આ રચના કરી છે, એ તો આપણે  જાણતા નથી આપણે તો એટલું જ વિચારી શકીએ  કે આ સૃષ્ટિમાં તમારો ખેલ જેવો હોય તેવો ભલે રહ્યો પણ, હે મા ! તમે અમને મુક્તિ આપો. આવું થવાથી એવું બની શકે છે કે તેઓ મુક્તિ આપવામાં સંકોચ નહિ કરે; પરંતુ તેમણે આવી સૃષ્ટિ શા માટે રચી છે એવો પ્રશ્ન એમને  કરી શકતો નથી. આ એમની મોજ છે. એટલા માટે એમણે ‘ઈચ્છામયી’, ‘મોજી’ કહેવામાં આવ્યાં છે. એમની જેવી ઈચ્છા હશે તેવું જ તેઓ કરશે, આપણા સિદ્ધાંતો માટે તેઓ  અટકશે નહિ. જો આપણને આ બંધન અસહ્ય લાગતાં હોય તો તેનાથી મુક્તિ મેળવવાનો ઉપાય શોધવો પડશે. એ ઉપાય વિશે પણ એમણે જ વ્યવસ્થા કરી રાખી છે. પણ શું આપણે એ ઉપાયને અપનાવવા ઈચ્છીએ છીએ ખરાં ! અહીં કહેવામાં આવ્યું છે કે આ સંસારની સૃષ્ટિ કર્યાં પછી  તેઓ કહે છે : ‘જાઓ, બેટા. હવે જઈને રમો.’ જો આપણને ખેલ પસંદ હોય તો વાંધો શો છે ? ફરીથી રમો !  જ્યારે રમકડું વધારે સારું ન લાગે ત્યારે બાળક કહે છે: ‘મા પાસે જઇશ.’ ત્યારે બીજું કોઈ રમકડું તેને પકડી રાખી શકતું નથી. અહીં પ્રશ્ન એ છે કે આ ખેલ અને આ બધાં  રમકડાં આપણા માટે અસહ્ય થઇ ગયાં છે? અને જો થઇ ગયાં હોય તો તેની પણ વ્યવસ્થા છે અને આ વ્યવસ્થા એમણે જ કરી રાખી છે. કહે છે: ‘પરાગ્ચિ ખાનિ વ્યતૃણત્ સ્વયંભૂસ્માત્ પરાડપશ્યતિ નાન્તરાત્મન્’ – ભગવાને બધી ઈન્દ્રિયોને બહિર્મુખ બનાવીને રચી છે. એટલા માટે આ ઇન્દ્રિયો કેવળ બહારની વસ્તુઓને જ જુએ છે અને તેમનો અનુભવ કરે છે; અંતરાત્માને જોતી નથી, એના તરફ એની નજર પણ નથી. પરંતુ આ લોકમાં કોઈ વિરલ વ્યક્તિ જ ‘આવૃત્તચક્ષુ’ હોય છે જે બહારની બાજુએથી આંખો ફેરવીને અંતરાત્માને જુએ છે. અત: આ બંને જ છે. એકબાજુ માએ જેમ મનને કહી દીધું છે : ‘જા, તું વિષયભોગ કર.’ તો એવી જ રીતે બીજી બાજુએ તેઓ તેને માટે સહાયનો હાથ લંબાવે છે કે જે મા માટે વ્યાકુળ બની જાય છે. પ્રશ્ન આ છે કે આવી વ્યાકુળતા આપણામાં છે ખરી ? શું આપણે ફરીથી એમના ખોળામાં પાછા ફરવા ઇચ્છીએ છીએ ખરાં ? અનેકવાર આપણે વિચારી છીએ કે આપણે એ બધું કેવી રીતે ઈચ્છીશું ? એમણે શું આપણને એ અમૃતનો સ્વાદ ચખાડ્યો છે ખરો ? એ સ્વાદથી આપણને વંચિત રાખ્યા છે એટલા માટે તો આપણે વિષયો પ્રત્યેનું આકર્ષણ અનુભવીએ છીએ. આ વાત જાણે કે એક જ વસ્તુને ફેરવી ફેરવીને કહેવા જેવું છે. વિષયપ્રત્યે આટલું આકર્ષણ છે એટલે જ તો તેમના પ્રેમનો સ્વાદ આપણને સાંપડતો નથી. આપણે વિચારીએ છીએ કે આપણે તો કાંઈ કરવાનું નથી, જે કાંઈ કરવાનું છે તે તો જ કરી આપે. દેવીસૂક્તમાં આવે છે: ‘યં કામયે તં તમુગ્ર કૃણોમિ તં બ્રહાણં તં ઋષિં તં સુમેધામ્ – હું જેને ચાહું છું તેને મહાન બનાવું છું. વળી જેને ચાહું છું તેને અધોગામી બનાવી દઉં છું. શાસ્ત્ર કહે છે : ‘તમેવ સાધુ કર્મ કારયતિ યમ્ ઊર્ધ્વ નિનીષતિ’ – જેને ઈશ્વર ઊંચે લાવવા ઈચ્છે છે તેના દ્વારા તેઓ શુભ કર્મો કરાવે છે;  અને ‘તમેવ  અસાધુ કર્મ કારયતિ યમ્ અધો નિનીષતિ’  જેને અધોગામી બનાવવા ઈચ્છે છે તેમની પાસે અશુભકર્મ કરાવે છે. હવે જો શુભ અને અશુભ એ બે પ્રકારના કર્મ  તેઓ જ કરાવે છે તો એમાં આપણો શો દોષ ? કોઈ દોષ નથી સિવાય કે એક વાત, અને તે એ કે આપણે એમ ણ ધારી કે ‘હું કરું છું.’
બંધનનું કારણ કર્તૃત્વબોધ …
ઈશ્વરને દૂર રાખીને આ જે પોતાને કર્તૃત્વબોધ છે, એ જ વિપત્તિનું મૂળ છે. જો આપણે એ વાતને સદા યાદ રાખી શકી કે આ બધું તેઓ જ કરે છે, તો તો  કોઈપણ જાતની ચિંતા ન હતી, અને તો આપણે જીવન્મુક્ત બની જાત, પરંતુ  જે કાંઈ પણ સારું છે તેમાં તો આપણે આપણું કર્તૃત્વ જોઈએ છીએ અને જે કંઈ ખરાબ છે એને માટે આપણે કહીએ કે ‘તેઓ જ કરાવે છે’ , તો તો આ મન સાથે કપટ કરવા જેવું છે. જાણે કે આ વાત પેલા બ્રાહ્મણ દ્વારા કહેવાયેલી ગોહત્યા સમાન છે. જો કે આ વાર્તા આપ સૌ અનેકવાર સાંભળી ચૂક્યા હશો છતાં પણ ફરી એકવાર કહું છું. એક બ્રાહ્મણે સુંદર બગીચો બનાવ્યો. એ બાગમાં એક દિવસ ગાય ઘૂસીને  સુંદર મજાનાં ફૂલોના છોડને ચરી ગઈ. આ જોઈને બ્રાહ્મણ તો ક્રોધની આગથી લાલપીળો થઇ ગયો અને તેણે ગાયને એટલી બધી મારી કે બિચારી મરી ગઈ.  હવે ગોહત્યાનું પાપ બ્રાહ્મણ પર આવ્યું. આ જોઈને તેણે કહ્યું ‘ઊભા રહો, આ પાપ મેં નથી કર્યું. હાથનો દેવ ઇન્દ્ર છે એટલે ગોહત્યા ઇન્દ્રે જ કરી છે, હાથ તો એક યંત્રમાત્ર છે.’ એટલે ગોહાત્યાનું પાપ તો ઇંદ્ર પાસે ગયું. ઇન્દ્રે  બધું સાંભળીને એ પાપને થોડીવાર રાહ જોવા કહ્યું અને પછી તેઓ સ્વયં એક વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં બગીચામાં ગયાં. બગીચામાં જઈને તેઓ બાગના માલિકની ખૂબ પ્રશંસા કરવાં લાગ્યા. આ સાંભળીને બ્રાહ્મણ તો ખુશ ખુશ. તે છૂપાવેશમાં આવેલા ઇન્દ્રને બગીચામાં બધે ફેરવીને બધું બતાવા લાગ્યો. અને એ પણ બતાવવા લાગ્યો કે કેવી રીતે એણે પોતે આ આખો બગીચો ઊભો કર્યો છે. તેનું બધું શ્રેય તે પોતે લેવા લાગ્યો. ફરતાં ફરતાં તેઓ અકસ્માતે પેલી મૃતગાય પાસે પહોંચ્યા.  આશ્ચર્ય સાથે છૂપાવેશે આવેલા ઇન્દ્રે પૂછ્યું : ‘અરે ! આ ગોત્યા કોણે કરી છે?’ ત્યારે બ્રાહ્મણ નિરુત્તર રહ્યો. અત્યાર સુધી તો  ‘મેં કર્યું છે, મેં કર્યું છે’ એમ તે કેહ્તો હતો, એટલે હવે’ આ ઇન્દ્રે કર્યું છે’ એમ કેમ કહી શકે ! એટલા માટે તે ચૂપ જ રહ્યો. ત્યારે ઇન્દ્રે પોતાનું મૂળરૂપ ધારણ  કરીને કહ્યું : ‘અરે પાખંડી ! જેટલાં સારાં કામ છે, તે બધાંનો કરનારો તું અને આ ગોહત્યા કરવાવાળો ઇંદ્ર ?’
આપણી અવસ્થા પણ લગભગ આવી જ છે. જો આપણે પૂર્ણરીતે કર્તૃત્વહીન બનીએ તો શુભ અને અશુભ કોઈપણ પ્રકારનાં કર્મફળને માટે આપણે ઉત્તરદાયી બનશું નહી. પરંતુ જયારે આપણામાં આપણા કર્તાપણાનો, ભોક્તૃત્વનો બોધ થાય છે ત્યારે સારા અને માઠા બંને પ્રકારનાં ફળ પણ આપણે ભોગવવાં પડે છે. અત: આ બધી જવાબદારી આપણે પૂર્ણરીતે આપણા પર લઈએ કે પછી એ બધું એમનાં (ઈશ્વરના) હાથમાં સોંપી દઈએ. આ સિવાય કોઈ વચલો રસ્તો નથી. બધી જગ્યાએ આપણે કરતાં બની રહીને અને જ્યાં અસુવિધા ઊભી થાય ત્યાં એમ કહીએ કે ભગવાન કરે છે – આ ન ચાલી શકે. આપણે કેટલીય વાર સાંભળીએ છીએ ‘ થોડું ભગવાન નું નામ જોઈએ; પરંતુ  આ પણ જો તેઓ કરાવશે તો થશે.’ પરંતુ ખાતી વખતે કોઈ એમ નથી કહેતું કે તેઓ ખવડાવશે તો ખાઈશ ! અને એટલે જ આપણી  ચેષ્ટા એમની એમ રહે છે. ખાતી વખતે તો આપણે પ્રાણપણે ચેષ્ટા કરીએ છીએ અને ભગવાનનું નામ સ્મરણ કરતી વખતે કહીએ છીએ કે  ‘તેઓ કરાવશે તો થશે.’ આજ આપણી  આળસ છે; આપણા મન સાથેની કુટિલતા છે. આ કુટિલતા છોડીને જો આપણે સંપૂર્ણપણે એમના પર નિર્ભર રહી શકીએ તો આપણા વિશ્વાસમાં ક્યારેય અશ્રદ્ધા ઊભી નહીં થાય. તેઓ જ બધી જાતનાં અમંગલથી આપણી રક્ષા કરશે. પરંતુ એ પહેલાં નહિ. અને જો આપણને રમત અરુચિકર ન લાગતી હોઈ તો રમત ભલે ચાલતી રહે. તેઓ જોશે. અને માત્ર જોશે જ નહિ પરંતુ એકાદ-બે પતંગ કપાઈ જાય તો આનંદથી તાળીઓ પણ પાડશે. આવું ક્યારેક કહેશે નહિ કે ‘અરે, અહીં તો મારી રમત જ બંધ થઈ ગઈ.’
સંસાર અને ઈશ્વર …
એટલા માટે કહે છે : તે લીલામયી છે, આ સંસાર એમની લીલા છે. તેઓ ઈચ્છામયી છે. આનંદમયી એવાં તેઓ લાખોમાંથી કોઈ એકને મુક્તિ આપે છે. પ્રશ્ન ઊભો થાય છે કે તેઓ તો બધાંને મુક્તિ આપી શકે છે, તો પછી કેમ નથી આપતાં ? એમનાં ઉત્તરમાં શ્રીરામકૃષ્ણદેવ  કહે છે : ‘એમની એ ઈચ્છા છે કે રમત ચાલતી રહે.’ વળી જ્યારે રમત બંધ થશે ત્યારે તે પણ તેમના કરવાથી જ થશે ને ? ‘પ્રસાદ બોલે મન દિયેછો મનેરે આઁખિ ઠારિ’ – રામપ્રસાદ કહે છે કે, તમે મન તો આપ્યું છે પણ મનને ઈશારો કરી દીધો છે. મનને તેમણે આ ઈશારો કરીને સંસાર કરવાં માટે કહી દીધું છે. મન તો એ જ કરે છે, તેમની માયામાં ભૂલો પડીને મનુષ્ય સંસારને લઈને પડ્યો છે.
એના પછી આવે છે એક માર્મિક પ્રશ્ન – ‘મહારાજ બધું છોડ્યા વિના શું ઈશ્વરને પ્રાપ્ત ન કરી શકાય ?’ સર્વ્ત્યાગી શ્રી રામકૃષ્ણદેવ ને જોઈને મનુષ્યના મનમાં આ પ્રશ્ન વિશેષરૂપે ઊઠે છે. સર્વત્યાગીના સાંનિધ્યમાં આવીને મનુષ્યનું પોતાનું દૈન્ય પ્રગટ થાય છે. એટલા માટે એ પ્રશ્ન ઊભો થાય છે કે બધું ન છોડવાથી શું ઈશ્વર આપણી પક્કડની બહાર રહેશે ? મનમાં વિચાર ઊઠે છે કે આ સર્વત્યાગ આપણા માટે સંભવ બનશે નહી.  એટલે ઈશ્વરની પ્રાપ્તિ કરવી એ પણ આપણા માટે સંભવ બનશે નહિ. એટલે ઈશ્વરની પ્રાપ્તિ એ પણ આપણા માટે સંભવ થાવનું નથી. શ્રીરામકૃષદેવ  હસતાં હસતાં  (હસતાં હસતાં એટલા માટે કે તેઓ આપણી દોડને જાણી જાય છે.) કહે છે : ‘ના, જી. ભલા તમારે બધાંને ત્યાગ શા માટે કરવો પડે ? તમે તો રસમાં ડૂબેલા જ ઠીક છો. દાણાદાર અને પ્રવાહી પણ.’ ગોળની ભીલીઓ હોય છે, કોઈ કોઈ ભીલીમાં ગોળ દાણાદાર હોય છે તો વળી થોડો ગોળ પ્રવાહી જેવો ઢીલો પણ હોય છે. આ પ્રકારની સ્થિતિ છે. વળી નકશા (ચોપાટ) ની રમતની વાત કહે છે: આ રમતમાં જે લોકો વધારે કપાવે તેમની સોગઠીથી વધારે રમત ચાલતે નથી. એટલા માટે શ્રીરામકૃષ્ણદેવ  કહે છે: ’હું વધારે  કપાવીને બળી ગયો છું’ વળી તેઓ કહે છે : ‘સાચું જ કહું છું. તમે લોકો સંસાર કરો છો એમાં દોષ નથી.’ છતાં પણ શ્રીરામકૃષ્ણદેવ જેવા સર્વત્યાગીને જોઈને મનમાં એવું થાય છે કે આવું થાય તો સારું, પરંતુ મને એ નથી સમજતું કે આવી અવસ્થા બધાને માટે નથી. આ વાત શ્રીઠાકુર-રામકૃષ્ણદેવ  સમજે છે એટલે તેઓ કહે છે: ‘તમે લોકો સંસાર કરો છો એમાં દોષ નથી. ‘પરંતુ ઈશ્વરમાં મન મન રાખવું પડશે, આ બાબતમાં શ્રીઠાકુર કોઈ બાંધછોડ કરતાં નથી. હું તો સંસારમાં મારી પોતાની ઈચ્છાઅનુસાર ચાલીશ અને આ ઈશ્વરનું દાયિત્વ છે કે તેઓ મને અહીંથી ઉપાડીને મને પોતાનાં પાડપદ્મોમાં લઇ જશે-આ થઇ શકતું નથી. એટલા માટે કહે છે : ‘પણ હા, ઈશ્વરમાં મન લગાડવું પડશે, નહિ તો ચાલશે નહિ.’ એટલે સંસાર કરવામાં દોષ નથી, દોષ છે સંસાર પ્રત્યે  આસક્તિ રાખવામાં, ભગવાનને ભૂલીને સંસારમાં ડૂબ્યા રહેવામાં
-સ્વામી ભૂતેશાનંદ
(૦૯/૨૧-૨૧૪-૨૧૬)