સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો…(ભાગ-૨)

સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો…(ભાગ-૨)

માનવીઓના બે વર્ગો છે – ‘માનુષ’ અને ‘મનહોશ’ ઈશ્વર માટે વ્યાકુળ તે ‘મનહોશ છે અને જે કામિનીકાંચન પાછળ છે તે સામાન્ય માનવીઓ ‘માનુષ’ છે અને તેઓ નામના જ માણસ છે.
અનેક માણસો એક મહોરું પહેરી શકે છે તેમ અનેક પ્રકારનાં  પ્રાણીઓએ માનવદેહ ધારણ કર્યો છે. કેટલાક ફાડી ખાનારાં વરુ છે, બીજાં વિકરાળ રીંછ છે અને બીજાં કેટલાક લુચ્ચાં શિયાળ છે કે ઝેરી સાપ છે, ભલે બધાં દેખાતાં હોય એક સરખાં.
ચાળણીમાંથી બારીક દાણા ચળાઈ જાય છે અને જાડા ઉપર સચવાઈ રહે છે તેમ, દુષ્ટાત્માઓ સત્ વસ્તુ તજી અસતને સંઘરી રાખે છે. ઉપણવાનું સૂપડું અને મહાત્માઓનું એથી ઊલટું છે.
કેટલાક લોકો જીવનમાં એવી રીતે ગોઠવાયેલા હોય છે કે, તેમને સંસારમાં આકર્ષે એવું સ્વભાવિક રીતે કશું હોતું નથી છતાં, તેઓ પોતાને માટે કશીક આસક્તિ ઊભી કરશે અને એના વડે બંધનમાં પડશે. મુક્ત થવું તેમને ગમતું નથી. તેમ તેઓ ઇચ્છતા પણ નથી. જેને કુટુંબની કે કુટુંબીઓની જવાબદારી નથી તે, બિલાડી, વાંદરું કે પંખી પાળે છે. એને પંપાળે છે અને આમ, ‘દૂધની તરસ છાસ વડે છિપાવે છે.’ માણસજાત માટે માયાએ આવી જાળ પાથરી છે.
તાજો જન્મેલો વાછડો બહુ મસ્ત હોય છે. એ દોડા દોડ કરે છે. માત્ર ધાવવા માટે શાંત રહે છે. પણ જેવી એના ગળામાં, ઘૂંસરી પડે છે કે તરત જ એનામાં ઝંખના જાગે છે, અને સુખી રહેવાને બદલે, નિરાશાભર્યો, દુઃખી ચહેરો ધારણ કરે છે તથા કૃશ થતો જાય છે. એ જ રીતે, કોઈ છોકરાને દુનિયાદારી સાથે નિસબત નથી હોતી ત્યાં સુધી, એ આનંદપ્રમોદ કરે છે. પણ જેવો એ સંસારમાં બંધાયો, લગ્નની બેડીમાં પડ્યો અને કુટુંબનો બોજો એને માથે આવી પડ્યો કે, એની બધી મજા મારે જાય છે. એના મુખ પર નિરાશામાં અને ચિંતાનાં વાદળ છવાય છે; પછી સ્વસ્થતાની સુરખી ઊડી જાય છે અને કપાળમાં ઊંડી કરચલીઓ પાડવા લાગે છે. આખી જિંદગી છોકરો રહી શકે તેને ધન્ય છે; એ સવારની ખુશનુમા હવા જેવો મુક્ત, નવ વિકસિત પુષ્પ જેવો તાજગીભર્યો અને ઝાકળના બિંદુ જેવો પવિત્ર હોય છે.
  • નાનું બાળક લગ્ન જીવનનું સુખ સમજી શકતું નથી તેમ, સંસારી મનુષ્ય બ્રહ્માનંદને જરીય સમજી શકતો નથી.

 

  • જીવનની આફતોથી સતત પીડાતો હોવા છતાં, સંસારી જન ‘કામિની કાંચન’ ના મોહથી છટકી શકતો નથી અને પોતાનું મન પ્રભુ તરફ વાળી શકતો નથી.

 

  • સંસારી જીવથી ધર્મની ગંધ પણ સહન થઈ શક્તિ નથી. સ્તોત્ર, ભજન કે ભગવાનનું નામ સાંભળવું એને ગમતું નથી એટલું જ નહીં પણ, બીજાઓને પણ એ બધું સાંભળતાં તે રોકે છે. સ્તુતિને, સત્સંગને અનેસાધુપુરુષોને જે ધિક્કારે છે તે પૂરો સંસારી છે.

 

  • કોઈ કોઈ વાર અહીં ભક્તોની સાથે સંસારીઓને આવતા હું જોઉં છું. એમને ધર્મ સબંધી વાતચીત પસંદ નથી હોતી. એટલે, બીજાં લોકો ઈશ્વર અને આધ્યાત્મ સંબંધી વાતચીત પસંદ નથી હોતી. એટલે, બીજા લોકો ઈશ્વર અને આધ્યાત્મ સબંધી લાંબી વાર્તા માંડે ત્યારે, આવા લોકો અધીરા થઈ જાય છે. એ સ્થિર બેસી પણ શકતા નથી અને પોતાના મિત્રોના કાનમાં ઘુસપુસ કરતાં કહે છે, ‘હવે ક્યારે જવું છે? હજુતો કેટલો રોકાવાનો છે?’ કોઈક વાર તેમના મિત્રો તેમને કહે છે : ‘તો તમ તમારે વાતો કરો. અમે તો જઈને નાવમાં બેસશું.’

 

  • (  ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ માંથી સાભાર)