(૧) પવિત્રતા, શ્રદ્ધા અને કાર્યનિષ્ઠા એ જ ધર્મ …(૨)સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો ..(૧)

(૧) પવિત્રતા, શ્રદ્ધા અને કાર્યનિષ્ઠા એ જ ધર્મ …

હું તમને ફરીથી યાદ આપું કે ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન |’ – ‘કેવળ કર્મમાં જ તમારો અધિકાર છે, ફળમાં નહી.’ ખડકની જેમ અડગ ઊભા રહો. સત્યનો હંમેશાં જય થાય છે. આપણાં કાર્યોનું પરિણામ જોવા કદાચ આપણે જીવતા ન રહીએ. પરંતુ આપણે જીવતાજાગતા અત્યારે બેઠા છીએ એ હકીકત જેટલી નિશ્ચિત છે, તેટલું જ નિશ્ચિત એ છે કે મોડું યા વહેલું એનું પરિણામ આવશે જ. અત્યારે ભારતવર્ષને જરૂર છે રાષ્ટ્રની નસોમાં એક નવશક્તિનો સંચાર કરે એવી, વીજળી જેવી નવીન ચેતનાની. આ કાર્ય હંમેશાં મંદ ગતિએ ચાલ્યું હતું અને હંમેશાં એમ જ ચાલવાનું. કાર્ય કરીને સંતુષ્ટ રહો; અને સૌથી અગત્યનું એ કે આદર્શ પ્રત્યે નિષ્ઠા રાખો. રગેરગમાં પવિત્ર, મક્કમ અને અંતરથી સાચા બનો, તો બધું બરાબર થઇ રહેશે. જો ભારતવર્ષમાં એવા સો માણસોને તૈયાર કરીને એમણે હું કાર્યપ્રવૃત કરી શકું તો આ સંસારમાં મારું કાર્ય પૂરું થયું ગણાશે અને હું પૂરા સંતોષથી મરીશ, પરમેશ્વર સર્વજ્ઞ છે. અજ્ઞાની લોકો ભલે વ્યર્થ બકવાસ કરે. આપણે કોઈની સહાય માગતા પણ નથી અને એવી સહાય પ્રાપ્ત થાય તો તેનો અસ્વીકાર પણ કરતાં નથી; આપણે તો મહાન પરમેશ્વરના સેવકો છીએ. ક્ષુદ્ર મનુષ્યોના ક્ષુદ્ર પ્રયત્નો પ્રત્યે આપણે લક્ષ આપવું જોઈએ નહિ. આગળ ધપો ! ચારિત્ર્યનું ઘડતર યુગોના પુરુષાર્થ પછી થાય છે. હતાશ થશો નહી. સત્યનો એક શબ્દપણ કદી વ્યર્થ જતો નથી; સત્ય કદાચ યુગો સુધી કચરા નીચે દટાયેલું રહે, પરંતુ વહેલું કે મોડું એ અવશ્ય પ્રકાશમાં આવશે. સત્ય નાશરહિત છે, સદગુણ નાશરહિત છે, પવિત્રતા નાશરહિત છે. મને સાચો માણસો આપો, વટલેલાંના ટોળાંની મને જરૂર નથી. બેટા ! દ્રઢ બનો. કોઈની સહાય તરફ મિટ માંડશો નહિ. માણસોની સઘળી સહાય કરતાં શું પરમેશ્વર અનંતગણો મહાન નથી ? પવિત્ર બનો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, હંમેશાં ઈશ્વર ઉપર જ આધાર રાખો; આમ કરશો તો સાચા પંથે ચાલી શકશો; તો પછી તમારી સામે કોઈનું કશું ચાલશે નહિ …

-સ્વામી વિવેકાનંદ …

(૨) સંસારી  બુદ્ધિવાળાનાં લક્ષણો ..(૧)

 

 • કબૂતરના ગળામાં દાણા ભર્યા હોય છે તેમ, સંસારી માણસના દિલમાં ખૂબ વાસના અને આસકિત ભરી હોય છે એમ, તેમની સાથે વાત કરનારને સ્પષ્ટ દેખાય છે.
 • પાપીનું હૃદય વાંકડિયાં વાળ જેવું છે. ગમે તેટલું મથો તોયે એ સીધો નહીં થવાનો. એ જ રીતે દુષ્ટ મનુષ્યનું હૃદય કદી સરળતાથી ઋજુ અને પવિત્ર કરી શકતું નથી.
 • સાધુની તુંબડી ચાર ધામ ફરી આવે છતાં એ કડવી જ રહે. સંસારીનો સ્વભાવ પણ તેવો જ.
 • કાચી માટીના અનેક ઘાટ કુંભાર આપી શકે. પણ નિંભાડે ચડી પાકી થઇ ગયેલી માટીનું કંઈ જ ન થાય. એ જ રીતે, સંસારી તૃષ્ણાઓના અગ્નિમાં જે હૃદય શેકાયું છે તે ને કોઈ ઉચ્ચ વિચાર અસર ન કરી શકે અને એણે કોઈ નવો ઘાટ આપી ન શકાય.
 • પાણી પત્થરને પલાળી શકતું નથી. તે રીતે બદ્ધ જીવ પર ધાર્મિક ઉપદેશની કશી અસર થતી નથી.
 • પત્થરમાં ખીલી ઠોકી શકતી નથી પણ પોચી માટીમાં એ ખોસી શકાય છે તે રીતે, સાધુનો ઉપદેશ સંસારીના હૃદયમાં પ્રવેશી શકતો નથી પણ, શ્રધાળુના હૃદયમાં ઊંડો ઊતરે છે.
 • પોચી માટી પર તરત છાપ પડે છે, કઠણ માટી કે પાણા પર પડતી નથી તેમ, ઈશ્વરીય જ્ઞાનની અસર ભક્તનું હૃદય ઝીલે છે, બદ્ધ આત્માનું નહીં.
 • પૂલ નીચે પાણીનો પ્રવાહ એક બાજુથી આવી બીજી તરફ વહી જાય છે તેમ, સંસારીઓને કરેલો ધર્મબધ એક કાનેથી પેસી બીજેથી નીકળી જાય છે.
 • સંસારયુક્ત મનુષ્યનું લક્ષણ કયું? નોળિયો પાલ્નારની હાંડલીમાંના નોળિયા જેવો એ છે. નોળિયો પાળનારો નોળિયાના દર જેવું હાંડલું એક ભીંતે ટીંગાડી રાખે છે. નોળિયાને ગળે એક દોરી બાંધી એ દોરીનો બીજો છેડો કોઈ વજન સાથે બાંધે છે. હાંડલીમાંથી નીકળી નોળિયો નીચે ઊતરી આમ તેમભટકે છે પણ ગભરાય ત્યારે પાછો હાંડલીમાં ઘૂસી જાય છે. કમનસીબે એ ત્યાં લાંબો સમય રહી શકતો નથી કારણ, પેલું વજન એણે નીચે ખેંચે છે. એ જ રીતે, જીવનની યાતનાઓની અસર હેઠળ સંસારી જન જગતથી ઉપર ઊઠી ભગવાનનું શરણ લે છે પણ, એનાં બધાં આકર્ષણો સાથેનો સંસારનો મોટો બોજ એણે નીચે ખેંચી લાવે છે.
 • ડાંગરનાં ખેતરોમાં રાખેલી વાંસની જાળના સાંધણમાંથી પસાર થતા ચળકતા પાણીને જોઈ, નાની માછલીઓ ઉમંગભેરએ જાળામાં પેસે છે. પણ એક વાર પેઠા પછી બહાર નીકળી શકતી નથી. એ જ રીતે, મૂર્ખ લોકો સંસારની જાળથી આકર્ષાઈ તેમાં ફસાય છે; પણ, એમાંથી છટકવા કરતાં ફસાવું સહેલું છે; અને એ લોક પેલી નાની માછલીઓની જેમ કાયમના કેડી બની જાય છે.
 • (- ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ પુસ્તકમાંથી)