ગૃહસ્થનું કર્તવ્ય … (પ્રેરક લેખ)

ગૃહસ્થનું કર્તવ્ય ..

સંસારમાં રેહવું અને ઈશ્વરની ઉપાસના કરવી, એ કામ સંસાર છોડીને મુક્ત ને સરળ જીવન ગાળવા કરતાં વધારે અઘરું છે. ભારતની ચાર આશ્રમની આ ભૂમિકાઓ પાછળના સમયમાં બે ભૂમિકામાં સમાઈ ગઈ છે; એક ગૃહસ્થ જીવનની અને બીજી સંન્યાસીની. ગૃહસ્થાશ્રમી લગ્ન કરે છે અને નાગરિક તરીકેનાં પોતાનાં કર્તવ્યો બજાવે છે; સંન્યાસીનું કર્તવ્ય પોતાની સર્વશક્તિનો વિનિયોગ ધર્મનો ઉપદેશ અને ઈશ્વરની ઉપાસના કરવામાં સમાયું છે.
મહાનિર્વાણતંત્રમાંથી થોડાએક ફકરાઓ હું તમારી સમક્ષ વાંચીશ. મહાનિર્વાણતંત્રમાં આ વિષયની કરેલી છે. આ ફકરાઓ પરથી તમને જણાશે કે, માણસે ગૃહસ્થ તરીકે રહેવું અને પોતાનાં કર્તવ્યો કરવાં એ કેટલું મુશ્કેલ કામ છે. ગૃહસ્થ ઈશ્વરનો ભક્ત હોવો જોઈએ; ઈશ્વર વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ તેના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. છતાં એણે સતત કાર્યશીલ રેહવું જોઈએ, પોતાનાં સર્વ કર્તવ્યો બજાવવાં જોઈએ, અને પોતાનાં કાર્યોનાં ફળ પરમાત્માને અપર્ણ કરવાં જોઈએ.
આ જગતમાં કાર્ય કરવું છતાં તેના ફળની ઈચ્છા ન રાખવી, અન્ય માણસને સહાય કરવી છતાં એ એને  માટે કૃતજ્ઞ રહે એવો વિચાર ન સેવવો, કોઈ સારું કાર્ય કરવું છતાં એ સાથે એ કાર્યથી કીર્તિ કે નામના મળે છે કે કેમ, અથવા કશું કાંઈ મળે છે કે કેમ, એ વિશે નજર સરખી ન રાખવી, એ ભારે કઠણ છે. અત્યંત નામર્દ માણસની પણ જગત જો પ્રશંસા કરે તો એ બહાદુર બને છે. પણ પોતાના સાથી માનવોની સહાયની કશી અપેક્ષા રાખ્યા વિના સતત રીતે શુભ કાર્ય કર્યે જવું, એ માણસનો ઊંચામાં ઊંચો માર્ગ છે, ત્યાગ છે. ગૃહસ્થનું કર્તવ્ય કમાવવાનું છે, પણ આ કમાણીમાં અસત્ય, છેતરપિંડી કે લૂંટ ન થાય, તેનું એણે ધ્યાન રાખવું. એણે પોતાનું જીવન દરિદ્રનારાયણની સેવામાં ગાળવાનું છે. અને માતાપિતાને ઈશ્વરના પ્રત્યક્ષ પ્રતિનિધિ માનીને દરેક ગૃહસ્થીએ સર્વ રીતે સદાય તેમને રાજી રાખવાં જોઈએ. માબાપના આનંદમાં ભગવાન રાજી રહે છે. માબાપને કદી કડવું વેણ ન કહેનાર પુત્ર કે પુત્રી, સૌથી વધારે સારાં સંતાન ગણાય.
માબાપની હાજરીમાં બાળકોએ મશ્કરી ન કરવી. અધીરા ન બનવું. ગુસ્સો ન કરવો. મન ઉપર કાબૂ રાખવો. નમ્ર બનવું. માબાપની આમાન્યા પાળવી. ગૃહસ્થે પોતાનાં વૃદ્ધ માબાપ, બાળકો, સ્ત્રી અને ગરીબને જમાડ્યા પહેલાં જમવું તે પાપ છે. ગૃહસ્થનું પોતાની પત્ની પ્રત્યેનું કર્તવ્ય પણ એવું જ છે. કોઈ પણ માણસે પોતાની પત્નીને ધમકાવવી ન જોઈએ. માતા સામના ગણી તેનું ગૌરવ જાળવવું જોઈએ. સંકટ સમયે પણ પત્ની પ્રત્યે રોષ ન કરવો જોઈએ.પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રીનો વિચાર સરખો કરવો એ ગૃહસ્થને માટે પાપરૂપ છે. પરસ્ત્રીનો માનસિક સ્પર્શ પણ માણસને ઘોર નર્કમાં લઇ જાય છે. સ્ત્રીઓની સામે અયોગ્ય ભાષા કદી ન વાપરવી. તેની પાસે પોતાની ખોટી બડાઈ ન હાંકવી.
ગૃહસ્થે પોતાની સ્ત્રીને દ્રવ્ય, વસ્ત્ર, પ્રેમ, શ્રદ્ધા અને અમૃત જેવા મીઠા શબ્દોથી સદા પ્રસન્ન રાખવી. જે ચારિત્ર્યવાન ગૃહસ્થ પત્નીનો પ્રેમ મેળવી શકે, તે ધર્મમાં સફળ થયો છે અને એનામાં સર્વ ગુણ સમાયેલા છે એમ સમજવું. પુત્ર ચાર વરસનો થાય ત્યાં સુધી તેનું લાલન-પાલન કરવું. સોળ વરસ સુધી તેને  ભણાવવો, એને વીસમે વરસે તેને કોઈ પણ કામધંધામાં લગાડવો. એ ઉંમરે પિતાએ તેને પોતાનાં સમાન ગણવો. પુત્રીને પણ પુત્ર સમાન ગણી ઉછેરવી; તેને ખૂબ સંભાળપૂર્વક ભણાવવી. અને પુત્રી લગ્ન કરે ત્યારે પિતાએ તેને ધન તથા ઘરેણાં આપવાં.
(‘સ્વા.વિવે.ગ્ર.સં.,પૃ.૧૦૫-૧૦૬/૪-૧૧ /૫-૬ )