વર્તન વાતો કરે…(પ્રેરક લેખ)

વર્તન વાતો કરે… (પ્રેરક લેખ) …

આપણું વર્તન આપણા ચારિત્ર્યનું દર્પણ છે. જેવું વર્તન તેવું સમ્માન. નાના પ્રસંગો પણ માણસની છાપ એવી સજ્જડ બેસાડી શકે છે જે લાંબી વાતો કરી શક્તી નથી. કળીયુગમાં રામ જેવા પુત્રની ઝંખના કરનાર માતા પિતાએ પ્રથમ દશરથ અને કૌશલ્યા બનવું પડે, ચેલૈયા જેવા પુત્રની ઝંખના કરનારે પ્રથમ શેઠ શગાળશા અને ચંગાવતી બનવું પડે.
પ્રથમ તો આપણા વિચારો ને એક નવું રૂપ આપીએ. સતયુગમાં બઘા સારા અને કળીયુગમાં બઘા નરસા આવું જો માનતા હોઈએ તો તેવા વિચારનો ત્યાગ કરી એક વાત વિચારીએ સતયુગમાં રામ હતા અને સાથે રાવણ પણ હતો‘, એટલે કે સારા અને નરસા બન્ને પ્રકારના માણસો અસ્તિત્વ ઘરાવતા હતા. પણ નરસા કરતા સારા માણસોનું પ્રમાણ વઘારે હતું. તે જ રીતે કળીયુગમાં સારા અને નરસા બન્ને પ્રકારના વ્યક્તિઓ જોવા મળે છે, પર્ંતું નરસા કરતા સારા માણસોનું પ્રમાણ ઓછું છે.
સારા અને નરસા માણસો વચ્ચેના ભેદની વ્યાખ્યા આપણે ભલી ભાંતી જાણીએ છીએ પરંતુ તે પ્રમાણે નું આચરણ કરતાં જાણે આપણું મન આપણો સાથ ન આપતું હોય તેવું લાગે છે. માણસમાં વ્યક્તિત્વની કેળવણી નું સિંચન નાનપણથી થાય છે. માતા પિતા ના સંસ્કારોનો અંશ જરૂરથી તેનામાં જોવા મળે છે.
ગર્ભમાં બાળક હોય અને ટી.વી. ચેનલોમાં સાસુ-વહુ ના ઝઘડા, મારામારી, લૂટ, હત્યા, બળત્કાર જેવા દ્રશ્યો જોનારી માતા જો પોતાને શિવાજી, મહારાણા પ્રતાપ કે વિવેકાનંદ સ્વામી જેવા બાળકોની ઝંખના કરે તો આ શક્ય છે ખરુ? તેનો જવાબ આપના વિચારો પર છોડુ છું. કારણકે, ઘણા મારી આ વાતથી સહમત ના પણ હોય, પર્ંતુ મને આ હકીકત હોય તેવું મને લાગે છે. આજે પશ્ચિમી સંસ્કૂતિનું આક્રમણ આપણા તરફ થઈ રહ્ય્ં છે ત્યારે પોતાના સંસ્કાર, ચારિત્ર્ય, સંયમ જેવા સદગુણો આપણા જીવનમાંથી ન ઉડે તે માટે ઘ્યાન દરવાજે રહેવું જરૂરી છે જેથી આપણી આજ, કાલનો પસ્તાવો ન બની જાય.
સ્વામી વિવેકાન્ંદનો એક પ્રસંગ આપણે ઘણી વાર સાંભળ્યો હશે, તેના અમેરિકાના પ્રવચન બાદ ત્યાંની એક મહિલા તેની પાસે આવી કહે આપ મારી સાથે લગ્ન કરો, હું તમારા જેવો પુત્ર ઈચ્છુ છું‘. ત્યારે સ્વામી વિવેકાનંદે ઉત્તર આપ્યો તે જો આપણે જીવનમાં ઉતારીએ તો સમાજમાં ઘણા ઝઘડા બંઘ થઈ જાય, તેમણે કહ્યું “તમે જો મારા જેવો પુત્ર ઈચ્છતા હોય તો મને જ તમારો પુત્ર માની લો ને”.. આ વાત બોલવી અને ખરા સમયે વર્તનમાં લાવવી એ બન્ને અલગ વાત છે.
રામાયણનો એક પ્રસંગ છે, રામ અને લક્ષ્મણ વચ્ચેનો વાર્તાલાપ..
રામે લક્ષ્મણને કહ્યું “આદર્શ વગરનું જીવન નકામું છે.”,
લક્ષ્મણ કહે આદર્શમાં જીવન વ્યર્થ બની જાય છે
રામ કહે “આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજા માટે આદર્શ બની જાય છે.”
વાત ખરેખર સાચી છે. પણ આપણને એવું લાગે છે કે પ્રામાણિકતા, મર્યાદા, સંયમ, વિવેક, સચ્ચાઈ વગેરેથી જીવવું ખુબ કઠીન છે. પર્ંતુ, તે રીતે જીવન જીવનાર પોતાની મસ્તીમાં જીવી શકે છે, અને તેના અંતરે અખંડ આનંદના ફુવારા ઉડતા હોય છે.
એક વખત એસ.ટી. બસમાં બનેલો પ્રસંગ યાદ આવે છે. પ્ંચાવન થી સાઈઠ વર્ષના વૃઘ્ઘ દાદા ની પાસે આવી કંડક્ટર કહે “ક્યાં જાવું છે?”
દાદા કહે “ભાવનગર.”
કંડકટર કહે “ત્રીસ રૂપિયા આપો”
વૃઘ્ઘ દાદા એ ત્રીસ રૂપિયા આપ્યા અને કહ્યું “ટિકિટ આપો”
કંડકટર કહે “ટિકિટ જોઈતી હોય તો ચોપન રૂપિયા થાય”
દાદા એ ચોપન રૂપિયા આપ્યા અને ટીકીટ લીઘી અને કંડકટરને કહ્યું “ભાઈ! એવું કામ શું કામ કરો છો કે જેથી તને રાત્રે ઊંઘ ના આવે?”
કંડકટર મૂક બની શરમીંદગી ભરેલી નજરે દાદાની સામે જોઈ રહ્યો.
અંતમાં  કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ છે કે દુર્ગુણોને માખણમાંથી વાળ કાઢે તેમ દુર કરી, ચારિત્ર્યવાન બનીએ અને પશ્ચિમી ભોગ વિલાસના ચક્કરમાં ના આવી ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ કરીએ.
જે વ્યક્તિની વાતો અને વર્તન અલગ-અલગ હોય તે જીવનમાં સફળ થતી નથી. સફળ થવા માટે વાત હોય તેવું જ વર્તન કરવું જોઇએ. વાતોની બારાત ઘણી મોટી હોય છે. પરંતુ તેનાથી જીવનનું કલ્યાણ થતું નથી. જે વ્યક્તિની વાત અને વર્તન અલગ હોય તે જીવનમાં સફળ થઇ શકતી નથી. સફળ થવા માટે વાતો હોય તેવું જ વર્તન હોવું જોઇએ.
(ઉપરોક્ત લેખ અમોએ  એક વર્ષથી પણ વધુ સમય પેહલાં અમારા બ્લોગની શરૂઆત કરેલ ત્યારે શ્રી અક્ષરનાદ.કોમ ની સાઈટ પરથી  મેળવેલ અને શ્રી જીજ્ઞેશભાઈએ અમોને અમારા બ્લોગ પોસ્ટ પર મૂકવા વિના સંકોચ રજા આપેલ. આજે ફરી અત્રે આપ્ સર્વે પાઠક વર્ગ માટે અત્રે મૂકવા નમ્ર કોશીશ કરેલ છે જે માટે અમે  ફરી એક વખત  શ્રી જીજ્ઞેશભાઈ, http://AksharNaad.com ના અત્રે આભારી છીએ.. ..)