સ્વપન …

સ્વપ્ન …

 

(નિખિલ નારાયણભાઈ ત્રિવેદી,વડનગરા નાગર બ્રાહ્મણ છે અને પેટલાદ ખાતે પ્રાથમિક શિક્ષણ લીધા પછી વડોદરા ખાતે સ્થાપત્યનો અભ્યાસ પુરો કર્યો. ચારેક વર્ષ અમદાવાદ ખાતે Architect to Governmentમાં કામ કર્યા બાદ અમેરિકા આવીને મોટા ભાગે ખાનગી ઓફિસોમાં કામ કર્યું. સાથે સાથે Gujarati Samaj, Federation of Indian Associations, A.I.A., India Festival Committee, Vishva Hindu Parishad, Adhyatmik Vikas Kendra, Ram-katha Samiti,I.S.K.Con વિગેરે સંસ્થાઓમાં સેવા આપી. પાંચેક વર્ષ પહેલાં Early Retirement લઈને  स्वधर्मे निधनम श्रेयो ધ્યાનમાં રાખીને સ્થાનિક મંદિરમાં પુજારી તરીકે જીવન-સમય પસાર કરી રહ્યા છે. બાળપણમાં ભણેલા  કેઃ साहित्य संगीत कला विहिनः सक्षाद पशुः पुच्छ विशाण हिनः એટલે સાહિત્યના ક્ષેત્રમાં કાંઈક લખવાનો પ્રયત્ન, સંગીતના ક્ષેત્રમાં ગાવાનો પ્રયત્ન, કલાના ક્ષેત્રમાં કાંઈક ચિત્રકારી કરવાનો પ્રયત્ન મોડો મોડો પણ મોકો તેમને  સંપડ્યો છે. ‘દાદીમા ની પોટલી’ પર તેઓએ મોકલેલ  લેખ   ” સ્વપ્ન ”  માણવાની જે તક આપેલ છે તે બદલ તેઓનો અંતર પૂર્વક અત્રે આભાર માનું છું. અને ભવિષ્યમાં પણ તેઓની કલમે લખેલ  સાહિત્ય,   સ્વર – સંગીત અને કલાને પણ બ્લોગ પર વધુ  ને વધુ  આપણે માણીશું. આપના અમૂલ્ય પતિભાવ પોસ્ટ પર મૂકી અને તેમની કલાને યોગ્ય બિરદાવશો જે તેમના માટે પ્રેરક અને માર્ગદર્શક બની રેહશે.)
સંભાળ્યું છે કે આત્મા અમર છે. શરીર નાશવંત છે.
એક તરફ આ દશ્ય જગત પોતાના અન્વયપણાથી પ્રત્યક્ષ બાશે છે અને બીજી તરફ આત્માની દિવ્યતા પોતાના વ્યતિરેકી ગુણથી પરોક્ષ જ રહે છે. સિક્કાની બે બાજુની જેમ તે એક બીજાના પૂરક છે; સાથે પણ છે અને અલગ પણ છે. પામર જીવો માટે આ એક મોટી સમસ્યા છે ! તત્વવેત્તાઓએ ‘બ્રહ્મ સત્ય અને જગત મીત્યા’ કહીને એ સમસ્યાને વિસ્તૃત કરી છે. જગતની નશ્વરતાને જ ધ્યાનમાં રાખીને તેમણે ખૂબ ઉતાવળથી હાથ ધોઈ નાખ્યા હોય એવું મને લાગેછે. માર્ગ ભૂલેલા વટેમાર્ગુની જેમ હું આજે જગતનો નથી રહ્યો અને દૈવી દિવ્યતા તો કેટલીયે દૂર પડી હશે?
આંખ ખૂલતાંની સાથે જ આ રૂપાળું જગત દ્રષ્ટિએ પડે છે. સંગીતના મધુરા સૂર સાંભળતાંવેંત એ હૃદયમાં કોરાઈ જાય છે. સ્પર્શે સુંવાળું અને મીઠું વળી અતિ સુગંધિત એવા અવિનાશી દિવ્યતાથી અંજાઈ જવાની જરૂર ખરી? સાચું કહું? કાયમી ન રહેનાર અને માત્ર અલ્પ સમય માટે ટકી રેહનાર આ જગતના અસ્તિત્વને નકારી કાઢવાનું મારી ક્ષુદ્ર બુદ્ધિ માટે, મારા ભાંગેલા મન માટે, મારા મોહિત હૃદય માટે શક્ય નથી. વળી દેવોને વરનારી દિવ્યતા આ મૃત્યુલોકના માનવીમાં પણ જોવા નથી મળતી એવું થોડું છે? જીવનના સ્વીકારમાં જ આ દ્રશ્ય જગતનો સ્વીકાર સમાયેલો છે. ક્ષુધા અને તૃષાના (તૃષ્ણા ?) આવેગની વ્યવસ્થાનો નિયમ તેને કાયમી તૃપ્ત કરવા માટે ક્યારેય યોજાયો નથી. એ તો જ્યારે જ્યારે ભૂખ તરસ વરતાય ત્યારે ત્યારે જ ખોરાક-પાણીની વ્યવસ્થા થાય અને તેમાં જ સાચો સંતોષ પ્રાપ્ત થાય. આવા આવેગને કાયમ માટે મિટાવી દેવામાં શું મજા છે?
કાયમી તૃપ્તિ શોધનારાઓએ તેને ‘લાકડાના લાડુ’ ની ઉપમા આપી છે ને હજુ પણ તેઓ અતૃપ્ત જ રહ્યા છે. આ કયા ન તો જગતનો રસ લઇ શકે ન તો આત્મા જગતની દિવ્યતાનો.
એક સવાર બ્રાહ્મમૂહરતેં મને સ્વપનું આવ્યું. એક મોટો નાગ મારી છાતી પર ચડી બેઠો અને એની મોટી ફેણ માંડીને ફૂંફાડા મારતો મારા તરફ જોઈ રહ્યો હતો. હૃદયના ધબકારાની ગતી ઘણી વધી ગઈ, પણ જરા જેટલો હાલીશ તો જરૂર ડસશે એ બીકે સ્વપ્નમાં જ શ્વાસ રૂંધીને પડ્યો રહ્યો. ભયનો માર્યો પરસેવે રેબઝેબ થઇ ગયો.
આખરે હું જાગી ગયો. ન કોઈ નાગ હતો, ન કોઈ ભય હતો. પણ પરસેવા અને ધબકારા હાજર હતા. આ દુ:સ્વપ્નની સ્મૃતિ મારા માનસપટ પર કાયમને માટે અંકિત થઈ ગઈ. હા ! એ સ્વપ્નું  હતું.  સ્વપ્નાં ઓછા સાચાં હોય  છે?  છતાં એણે હસી નાંખવા જેટલી તાકાત મારામાં નથી. ભલે એ કાયમી અનુભવ ન હોય, છતાં એ ક્ષણિક અનુભવ અતિ વિશેષ બની ગયો છે.
જગતની વ્યાખ્યાથી હું હવે બહુ દૂર ન હતો. જગત ભલે શાશ્વત નથી પણ એની ક્ષણિક નિત્યતા મીટ માંડીને મને જોઈ રહી છે. ભરડો લઈને મને વળગી રહી છે. સૂતેલો જાણીને મને જગાડી રહી છે. પોતાનો માની  મને પજવી રહી છે. હે આત્મીય દિવ્યતા ! તને દૂરથી સલામ. આ માયાવી મૃગજળમાં મને એક ડૂબકી મારી લેવા દે !

સાભાર : શ્રી નીખીલભાઈ નારાયણભાઈ ત્રિવેદી (યુ.એસ.એ) …