ટેકમાં અડગ રહો …

ટેકમાં અડગ રહો …


એક વખત એક બ્રાહ્મણ કે જેનું નામ રામશંકર હતું અને જે યજમાન-વૃત્તિનો ધંધો કરતા હતા અને જેને થોડાઘણા પણ ધર્મના સંસ્કારો હતા અને જે ત્રિકાળ સંધ્યા અને પાઠપૂજા કરવાનું બનતા સુધી ચૂકતા નહિ, તે પોતાના યજમાનના લગ્નપ્રસંગે આમંત્રણથી એક ગામ જતા હતા. એક ખભે ખડિયો, બીજે ખભે લોટો ને દોરી અને હાથમાં લાકડી લઈ ચાલતા હતા. રસ્તામાં એક વડલાનું મોટું ઝાડ આવ્યું, પાસે કૂવો હતો અને બીજાં થોડાં ઝાડ પણ હતાં તે અતિ રમણિય સ્થળ જોઈ રામશંકરે નાહવાધોવાનો અને સંધ્યા કરવાનો વિચાર કર્યો. કપડાં ઉતારી ઝાડની બખોલમાં મૂક્યાં. કૂવા પાસે ડોલ હતી તે લઈ પાણી સીંચી સ્નાન કર્યું, કપડાં બદલી લઈને સંધ્યા કરવા બેઠા અને પાઠપૂજા કરવા માંડી.
એટલામાં એક ભરવાડ સીમમાંથી પાણી પીવા કૂવાકાંઠે આવ્યો. મહારાજને નાક પકડતાં અને કાંઈ ભણતા અને ગણગણતા જોઈને થોડે દૂર ઊભો રહ્યો અને બધું જોયા કર્યું કે આ મહારાજ આ શું કરે છે. પોતાના નિત્યકર્મથી પરવારી રામશંકર ઊભા થયા એટલે પેલો ભરવાડ તેના પગમાં પડ્યો અને કહ્યું :

મહારાજ, આ તમે શું કરતા હતા અને આમ કરવાથી બાપા લાભ શું થાય ?’

ભાઈ, હું તો ભગવાનને યાદ કરતો હતો અને આમ કરવાથી કોક દિવસ ભગવાનનાં દર્શન થાય.? આ સાંભળી ભોળા ભરવાડે કહ્યું : મહારાજ, મને તો કાંઈક એવું બતાવો કે મને પણ ભગવાનના દર્શન થાય. જો એમ થાય તો બેડો પાર.

ભાઈ, એ કામ બહુ જ અઘરું છે અને જુગના જુગ જાય ત્યારે માંડમાંડ ભગવાન પ્રસન્ન થાય.

બાપા, ઘણા ભગતોની વાત સાંભળી છે કે ભગવાને ભક્તોને દરશન દીધાં અને કહે છે કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે તો બાપ, મને કાંઈક તો મારગ બતાવો, રસ્તો બતાવો. એટલે હું એ રસ્તે રસ્તે હાલ્યો જઈશ.ભરવાડે કહ્યું.

ભાઈ જો, તારે નાહીને લક્ષ્મીવર‘….. ‘લક્ષ્મીવર‘….. એમ માળા ફેરવવી અને બરાબર જો માળા ફેરવીશ તો ભગવાન આપોઆપ આવીને જરૂર દરશન દેવાના.

ભરવાડ કહે : હું હવે તમે કહ્યું એમ જ કરવાનો, પણ તમે અહીંથી ક્યાં જાઓ છો?’ જો દૂર જવું હોય તો અહીં રોકાઈ જાવ, મારે ઝૂંપડે બાપા, આવો અને ચોખ્ખી રસોઈ બનાવો.‘ ‘ભાઈ,’ મહારાજ કહે, ‘હું તો અહીંથી એક ગાઉ દૂર મથાવડા છે ત્યાં જાઉં છું અને કાનાના દીકરા ચોંદાના લગ્ન છે તે બે-ત્રણ દિવસ રોકાઈ જઈશ, વળી આગળથી તેને ખબર આપ્યા છે તે સીધુંસામાન બધું તૈયાર રાખ્યું હશે, માટે હવે તો ત્યાં જઈને રસોઈ બનાવી જમીશું.
મહારાજ એને રસ્તે ગયા અને આ ભરવાડે તો પોતાની પછેડી ધોઈ, સૂકવી અને પછી પોતે નાહીધોઈ ને પેલી પછેડી પહેરી લીધી અને દોરડું હતું તેને થોડી ગાંઠો બાંધી લક્ષ્મીવર‘, ‘લક્ષ્મીવરએમ માળા જપવા બેસી ગયો. બપોરે તેની બાયડી ભાત લઈને આવી અને બધે ગોતતી ગોતતી કૂવાકાંઠે આવી તો ભરવાડ માળા જપતો હતો. બાઈએ કહ્યું કે ભાત ખાઈ લો.ભરવાડે મૂંગામૂંગા નિશાની કરી કે હવે હું અહીંથી ઊઠવાનો જ નથી. ભગવાનનાં દરશન થાય પછી વાત.બાઈએ ઘણું સમજાવ્યું પણ તે તો એક ટળીને બીજો થયો નહિ; ત્યારે બાઈએ જતાંજતાં કહ્યું કે, ‘તમને વળી આ લપ કોણે વળગાડી?’ આવી લપમાં તે તમને કોણે વાળ્યા ? મારો રોયો એવો તે કોણ મળ્યો કે તમને આવી લપમાં પાડ્યા ?’
આ સાંભળી પેલો ભરવાડ ગુસ્સે થઈ ગયો. અને કહ્યું કે, ‘તું હવે ભલી થઈને જા, મારો કેડો મૂક, તું તારે રસ્તે.એટલે પેલી ભરવાડણે વાત મૂકી દીધી પણ જતાંજતાં બોલી કે, ‘તમારી લપ પૂરી થાય ત્યારે ઘેર આવજો, હવે તમારી લપમાં હું નહિ પડું.
બાઈ તો ગઈ પણ ભરવાડ પેલી માળાનું નામ લક્ષ્મીવર‘, ‘લક્ષ્મીવર‘… ભૂલી ગયો અને બાઈ બહુ લપ જેમ બોલતી હતી તે યાદ રહી ગયું, એટલે લક્ષ્મીવર‘, ‘લક્ષ્મીવર‘. ને બદલે… લપસીંદર‘, ‘લપસીંદરએમ માળા ફેરવવા લાગ્યો. ખાધાપીધા વિના, નાહીને આવી રીતે ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ લપસીંદરની માળા ફેરવ્યા જ કરી અને જતાઆવતા વટેમાર્ગુઓ આ જોઈ અને સાંભળીને હસતા, મશ્કરી કરતા ચાલ્યા જાય અને આવે; પણ ભરવાડે તો પોતાની ટેક જાળવી. ત્રીજી રાત્રિના બરાબર ત્રણ વાગે લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું કે :

પ્રભુ, તમારા હજાર નામ તો છે, પણ એક તમારા નવા ભગતે એક હજાર ને એકમું નામ પાડ્યું છે, હવે તો તેને દરશન દઈને બિચારાને દુ:ખમાંથી મુક્ત કરો.

ચાલો તમે સાથે, અને નવા ભગતની મજા જોઈએ.ભગવાન બોલ્યા. ભગવાન અને લક્ષ્મીજી કૂવાકાંઠે આવ્યાં. અને લક્ષ્મીજી પોતે પેલા ભરવાડ પાસે આવી કહેવા લાગ્યાં : હે ભાઈ, તું જરા આંખ ઉઘાડી જો તો ખરો, જો પણે દૂર કોણ બેઠું છે?’ અને કહે કે તે કોણ છે ?’ ભરવાડે આંખો ઉઘાડી અને એક માણસ દૂર બેઠેલ છે તે જોયું, પણ એ સામાન્ય માણસ છે અને આ બાઈ મને મફતની કનડે છે અને ભજનમાં ભંગ પાડે છે એમ સમજી ખિજાઈને તે બોલ્યો : હવે તું તારે રસ્તે જા ને ! ભલી થઈને મને ભજન કરવા દે ને, એ કોણ છે, કોણ છે તે લે કહું છું, એ છે તારો સાંઢ, હવે કાંઈ છે ?’ આ સાંભળીને લક્ષ્મીજી ભગવાન પાસે આવ્યાં અને કહ્યું કે આ તમારો ભગત તો જબરો લાગે છે.ભગવાન કહે તે ક્યાં ખોટું બોલ્યો છે ? એણે તો ખરી વાત તમને કહી દીધી. ચાલો હવે હું આવું અને તેને મનાવું.
પછી ભગવાન પોતે આવ્યા અને ભરવાડને કહ્યું : ભાઈ, તારે જેનાં દરશન કરવાનાં હતાં તે હું છું; માટે દરશન કરી રાજી થા.

ભરવાડે કહ્યું : બાપા, તમે જ ભગવાન એની મને ખાતરી કેમ થાય? તમે ખોટું કેમ બોલતા ન હો? ‘જો સાચા હો તો અહીં ઘડી ઊભા રહો અને હું મારા ગુરુને તેડી લાવું‘…

ભક્તાધીન ભગવાન કહે : ભાઈ, ભલે એમ કર.એટલે ભરવાડે ભગવાનને કહ્યું : આ ઝાડ પાસે આવો..એટલે ભગવાન ઝાડ પાસે આવ્યા એટલે ભરવાડે ઝાડફરતું દોરડું વીંટીને ભગવાનને બાંધી દીધા અને કહ્યું કે, ‘જુઓ, હું અબઘડી આવું છું.એમ કહી દોટ મૂકીને પેલા ગોર મહારાજને શોધી એમને બધી વાત કરી. પણ મહારાજને ગળે તે વાત કેમેય કરીને ઉતરે નહિ. છતાં ભૂત જેવા ભરવાડની ધાકથી અને ડાંગની બીકથી તે ભરવાડ જોડે ચાલ્યા. ત્યાં પહોંચીને ભરવાડે દૂરથી બતાવ્યું કે, ‘જુઓ, પેલા ઝાડની સાથે બાંધેલા એ ભગવાન છે કે નહિ ?’ મહારાજની આંખે તો ઝાડ દેખાય, બીજું દેખાય જ નહિ એટલે તેણે કહ્યું : ભાઈ, ભગવાન ક્યાં છે ? આ તો ઝાડનું થડ છે, મને નાહકનો શું કામ બાપ હેરાન કરે છે ‘?આ અમારા વાળ કાળા મટી ધોળા થયા અને માળા ફેરવતાંફેરવતાં પારા ઘસાઈ ગયા, તો ય ભગવાન મળ્યા નથી, અને તે તને ત્રણ દિવસમાં મળી જાય
ભરવાડે કહ્યું : મહારાજ, જરા આંખ ચોળીને જુઓને, આ ઝાડ સાથે માણસ છે તે નથી ભાળતા ?’ મહારાજે કહ્યું : ભાઈ, હું તો કાંઈ ભાળતો નથી ત્યાં શું કહું ?’ આથી ભરવાડે ડાંગ ઉપાડી અને ભગવાને કહ્યું : તું સાચો ભગવાન હો તો આને દરશન દે, નહિ તો આ ડાંગભેગું માથું ઉડાડી દઈશ..ભગવાન હસ્યા અને મહારાજને દર્શન દીધાં. મહારાજ ભગવાનને પગે લાગ્યા અને પોતાની જિંદગી સાર્થક થઈ એમ માન્યું. ભરવાડને કહ્યું કે : આ સાચે જ ભગવાન છેતેને પગે લાગપણ ભરવાડને પેલી પંક્તિ યાદ આવી :
ગુરુ ગોવિંદ દોનું ખડા, કિસકું લાગું પાય ?
બલિહારી વો ગુરુકી, જીને ગોવિંદ દિયો બતાય
પહેલાં મહારાજને પગે લાગ્યો અને પછી ભગવાનને અને લક્ષ્મીજીને પગે લાગ્યો. ભગવાન અને લક્ષ્મીજી અંતર્ધાન થયાં, મહારાજ પોતાને કામે ગયા અને ભરવાડ ભક્તિ કરી આનંદ કરવા લાગ્યો. આવી રીતે વૈરાગ્ય અને લીધેલ ટેકથી ભરવાડ જેવા ભૂત ગણાય છતાં તે ભગવાનનાં દર્શન કરી શક્યો અને ભગવાન માત્ર ભાવના જ ભૂખ્યા છે એ વાત પણ સાબિત કરી દેખાડી. ભગવાને ગીતામાં કહ્યું જ છે ને કે :
पत्रं पुष्पं फ़लं तोयं यो मे भक्त्या प्रयच्छति ।
तदहं भक्त्यपह्तमश्नामि प्रयतात्मन: ।।
સાભારઃ ‘સંતોની વાતો’ ગોપાળજી ઓધવજી ઠક્કર..