ઈશ્વર ક્યાં છે ?… (પ્રેરક લેખ )

ઈશ્વર ક્યાં છે ?… (પ્રેરક લેખ )

એક વખત એક જિજ્ઞાસુ ભક્તે એક જ્ઞાનીને પૂછ્યું: ‘મહાશય, ભગવાનનું રૂપ કેવું છે ? તેઓ ક્યાં રહે છે અને આપણે એને ક્યાં જોઈ શકીએ ?’
જ્ઞાની પુરુષે કહ્યું: ‘ઈશ્વર સર્વત્ર રહેલો છે. દરેકે દરેક પદાર્થમાં રહેલો છે. તે આનંદમય, સર્વજ્ઞ અને શાશ્વત છે; તે તારો આત્મા છે.’
એ સાંભળીને ભક્તે પૂછ્યું: ‘જો ઈશ્વર આવો હોય તો હું એને કેમ જોઈ શકતો નથી ? અને એની પ્રત્યક્ષ અનુભૂતિ કેમ કરી શકતો નથી ?’
જ્ઞાનીએ ઉત્તરમાં કહ્યું: ‘ઈશ્વર સર્વમાં રહેલો છે. તે તમારામાં અને તમારાં મનમાં પણ રહેલો છે. પણ તમારૂ મન એની સાથે લાગેલું નથી. તમારૂ મન તો પ્રપંચમાં ફસાયેલું છે.’
આ રીતે જ્ઞાની પુરુષે વિવિધ રૂપે ઉપસ્થિતિની વાત જિજ્ઞાસુનાં ગળે ઉતારવાનો પ્રયત્ન કર્યો, પણ એ ભાઈ તો એને કંઈ સમજી ન શક્યા અને એને ઈશ્વરનો સાક્ષાત્કાર ના થયો.
પછી જ્ઞાની પુરુષે ભક્તને કહ્યું: ‘ભાઈ, તું હરિદ્વાર જા. ત્યાં ગંગા નદીમાં એક વિચિત્ર રંગની માછલી હોય છે અને માણસની જેમ વાત કરે છે. એ માછલી તને સાચો જવાબ આપશે.’
પછી જિજ્ઞાસુ ભાઈ જ્ઞાની પુરુષનાં ચરણોનો સ્પર્શ કરીને તેમને પ્રણામ કર્યા અને નીકળી પડ્યાં હરિદ્વારની યાત્રાએ. ગંગાના કિનારે એ તો પેલી વિચિત્ર માછલીના આગમનની રાહ જોતો હતો. જે જે માછલી એની પાસે આવતી એને પૂછતો: ‘ઈશ્વર ક્યાં છે અને હું મારી સગી આંખે કેમ જોઈ શકું ?’
થોડીવાર પછી એ વિચિત્ર માછલી આવી અને એણે જિજ્ઞાસુ ભક્તને પૂછ્યું: ‘તું ક્યાંથી આવે છે ?’ ભક્તે કહ્યું કે એક જ્ઞાનીએ મને ઈશ્વર ક્યાં છે અને હું નજરે કેમ જોઈ શકું એ વિષે પૂછવા તમારી પાસે મોકલ્યો છે.
માછલી બોલી: ‘ભાઈ. હું છેલ્લા સાત દિવસથી તરસી છું. તું જ મને કહે મને પાણી ક્યાંથી મળશે ?’
માછલીના આ શબ્દો સાંભળીને પેલો ભક્ત તો ખડખડાટ હસ્યો અને કહ્યું: ‘અરે મુરખ, તું પાણી ની સપાટી પર છો. તારી ઉપર, નીચે બધી બાજુએ પાણી અને પાણી જ છે,’
જ્યારે ભક્તે હસતા હસતા આ વાત કરી ત્યારે માછલીએ ગંભીરતાથી કહ્યું: ‘અરે ભાઈ, તુંયે કેવો મુરખ છો. જે ઈશ્વર તું શોધે છે, તે તારી ઉપર, નીચે, સર્વત્ર રહેલો છે અને તારામાં જ એ રહે છે.’
ભક્તને આ ઉત્તરથી થોડોક સંતોષ તો થાયો. પણ પૂછ્યું: ‘તો પછી હું એ આનંદમયી ઈશ્વરને કેમ જોઈ શકતો નથી ? શા માટે આટલો બધો દુ:ખી છું ?’
માછલીએ જવાબ આપ્યો: ‘મારો પણ એવો જ પ્રશ્ન છે. જ્યારે પાણી મારી આજુબાજુ સર્વત્ર રહેલું છે, તો પછી હું શા માટે તરસી છું ? શા માટે મારી તરસ છીપતી નથી ?’
માછલીની દેહ રચના વિષે ભક્તને ખ્યાલ હતો. જ્યાં સુધી પોતાનું મોઢું ઊંચે રાખીને નદીમાં સહેલ્તિ રહે ત્યાં સુધી પાણી એનાં મોઢામાં આવી ન શકે. પોતાની તરસને છીપાવવા માટે તો એણે પોતાનું મોઢું પાણીમાં ડૂબાડવું પડે. જો માછલીનાં દેહની રચના/વ્યવસ્થા આવી ન હોત તો બધુંય પાણી માછલીના મોઢામાં સરળતાથી ઘૂસી જાત અને પાણીના મારાથી માછલી મરી જાત.
એટલે ભક્તે કહ્યું: ‘તારું મોઢું પાછળ ફેરવ અને તારી તરસને છીપાવ.’ આ સાંભળીને માછલીએ ભક્તને કહ્યું: ‘જેમ મારે મારી તરસ છીપાવવા/સંતોષવા મારા મોઢાને પાછળ ફેરવવું પડે છે તેમ તારે ભગવાનના દર્શન કરવા માટે તારા અંતરાત્માને જોવો પડે. ઈશ્વરનાં દર્શન કરવા, તારી ઈચ્છાઓ ત્યજવી પડે. એટલેકે આવાં પ્રપંચ પદાર્થોમાંથી તારે તારું મન પાછું ખેંચીને આનંદમય ઈશ્વર તરફ વળવું પડે. તો જ તારા દુ:ખશોકનો અંત આવે.’…