પ્રેમની અદભુત શક્તિ …

પ્રેમની અદભુત શક્તિ …

પ્રેમનું આકર્ષણ …
જ્યાં પ્રેમ  છે ત્યાં ભય રેહ્તો નથી. ભગવાન ઈશુ કહે છે: ‘સાચો પ્રેમ બધી જાતના ભયનો નાશ કરે છે.’ પવિત્ર અને નિ:સ્વાર્થ પ્રેમ એક દિવ્ય શક્તિ છે. સેન્ટ પોલ કહે છે : ‘વિશ્વાસ, અશા અને પ્રેમ આ ત્રણ સદગુણોમાં પ્રેમ જ સર્વશ્રેષ્ઠ છે.’
પ્રેમ આપણને પ્રેરણા આપે છે અને કાર્ય કરવાની મોટી ક્ષમતા પણ આપે છે. માનવની પ્રગતિ માટે આ બંનેની આવશ્યકતા છે. પ્રેમ જીવન સ્વાસ્થ્ય, પ્રસન્નતા અને શાંતિ આપે છે. કોઈ પણ વ્યક્તિ ને નરક જેવી અંધકારમય ઊંડી ગુફામાંથી બહાર કાઢવાની શક્તિ પ્રેમમાં જ છે.પ્રેમ કોઈ પણ વ્યક્તિના જીવનમાં આમૂલ સુધારો અને પરિવર્તન લાવી શકે છે. એને લીધે તે વ્યક્તિ દરેક ક્ષેત્રમાં ઉન્નતિ  કરી શકે છે. પ્રેમ ન હોય તો લોકો વિશાદગ્રસ્ત, દુર્બળ ને દુઃખી-દુઃખી થઇ જાય છે.
વિશેષજ્ઞો  કહે છે કે જે બાળકો પોતાની શિશુ અવસ્થામાં માતાપિતાના શુદ્ધ પ્રેમનું આસ્વાદન કરી શકતાં નથી, તેઓ પછીથી દુષ્ટ, ભ્રષ્ટ અને ક્રૂર બની જાય છે.
એક વિશેષજ્ઞ કહે છે: ‘બાળકોને જો બાળપણથી જ ભયના વાતાવરણમાં રાખવામાં આવે તો એવી પરિસ્થિતિમાં એમનાં હૃદયમાં પોતાની મેળે જ હિંસા, બુરાઈ, ક્રુરતા, નિષ્ઠુરતા જેવા અવગુણો વિકસવા લાગે છે. એમને ભય અને આંતકમાં રાખવા એટલે એમને અપરાધી બનાવવાનો નિશ્ચિત ઉપાય.’
બાળકો પ્રત્યે છલવિહીન પ્રેમ દર્શાવવાનો અર્થ એવો નથી કે એમને પોતાની મરજી મુજબ બધું કરવા દેવું. એટલે જ નિ:શંક રીતે બાળકોના પાલનપોષણ દરમિયાન એમની સુધારણાની પ્રક્રિયાના એક અંગરૂપે અનુશાસન જરૂરી છે. સારાં કાર્યોની પ્રશંશા તથા પુરસ્કાર દ્વારા એમના ઉત્સાહમાં વૃદ્ધિ કરવી એ બાળકો સાથે વ્યવહાર કરવાનો એક સાર્વત્રિક માન્યતાપ્રાપ્ત ઉપાય છે. ભૂલ કરતાં એમને દંડ મળે એ આવશ્યક છે એમાં શંકા નથી. પણ દંડ  અને ઠપકો એમના હિત માટે છે અને જો એ મળેલી સજા કે ઠપકો એમની ભૂલને અનુરૂપ હોય તો સામાન્યતયા તેઓ એને માઠું કે ખરાબ નહિ ગણે. ગમે તે હોય પણ બાળકને થયેલી સજા કે આપેલ ઠપકો એના કોઈ દુષ્કર્મ માટે છે, એનું જ્ઞાન બાળકને થવું જોઈએ. જે વખતે ઠપકો કે સજા બાળકના હિતમાં હોય ત્યારે એમને  લાડપ્યાર કરવાં સારાં ન ગણાય.
સમર્પણમાં જ જીત છે …
એક ભણેલ ગણેલ દંપતી છે. પતિપત્ની બંને એક જ કોલેજમાં ભણાવે છે. બંનેની વચ્ચે સારા પ્રમાણમાં વિચાર ભેદ હતો. એમાં તર્કવિતર્ક થાય ત્યારે કંઈકને કંઈક મુસીબત ઊભી થાય. થોડા સમય પછી પતિની બદલી થઇ અને તેઓ એક નવા શહેરમાં રેહવા લાગ્યા. થોડા દિવસ તો બધું શાંતિપૂર્વક ચાલ્યું. વળી પાછો એક દિવસ બંને વચ્ચે ઝઘડો થયો. પતિ પોતાના ક્રોધ ઉપર કાબૂ ન રાખી શક્યો અને આવેશમાં ને આવેશમાં પત્નીના ગાલ પર લાફો ચોળી દીધો. પત્નીથી આ બધું સહન ન થયું એટલે એ જ રાતે પોતાની મા સાથે રહેવા ચાલી ગઈ,
થોડાક દિવસો પછી પોતાના પતિને ટાઈફોઈડ થયો છે એવું કોઈક દ્વારા સાંભળ્યું. તે પોતાનું કર્તવ્ય ચોક્કસપણે નિશ્ચિત કરી ન શકી એટલે તે એક સંન્યાસી  (શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ) પાસે ગઈ. એમણે એ સ્ત્રીને કહ્યું : ‘તમે એક સાઈકલને નજર સમક્ષ રાખો. જો એ સાઈકલના એક પૈડાને એક દિશામાં અને બીજાને ઊલટી દિશામાં ચાલવા દઈએ તો એ સાઈકલ ચાલશે નહિ. સ્ત્રી અને પુરુષના સ્વભાવમાં થોડુંઘણું અંતર તો હોવાનું જ. સંસાર ચલાવવા માટે આ અંતર પણ આવશ્યક છે. જો પુરુષ પાસે શૌર્ય અને ઉદારતા હોય તો સ્ત્રી ધૈર્ય અને સહનશીલતાની પ્રતિમૂર્તિ છે. વસ્તુત: ભગવાને બનાવેલો આ સંસાર એક રંગભૂમિ છે. એ રંગભૂમિમાં દરેક વ્યક્તિએ પોતાની શક્તિ-મતિ પ્રમાણે સર્વોત્તમ રીતે પોતાની ભૂમિકા ભજવવી જોઈએ, એવી એક અપેક્ષા રહે છે. નાનું કે ગૌણ પાત્ર મળે તો એને પણ યોગ્ય રીતે ભજવવું જોઈએ. જેમ મોટું પાત્ર ભજવીએ અને પુરસ્કાર કે સફળતા મળે ત્યારે એનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ નાની ભૂમિકા ભજવવા માટેનું ખરું. બાળકોને જન્મ આપવો અને માતા બનવાનું સન્માન પ્રાપ્ત કરવું એ નારીનો વિશેષ અધિકાર છે. એ અધિકાર તમારા પતિને ક્યારેક પ્રાપ્ત ન થઇ શકે. એટલે પોતાનાં અધિકારનો દાવો કરવાનો વિચાર છોડી દો. એક બીજાને પ્રેમ અને સ્નેહ દેવામાં જ સુખ છે.’
આ સાંભળીને પેલી સ્ત્રીએ પૂછયું : ‘તો મહારાજ હવે હું શું કરું ?’ મહારાજે કહ્યું : ‘હવે પછીની ટ્રેઈનમાં નીકળીને પતિ પાસે ચાલ્યાં જાઓ. એની એવી સેવા કરો કે જાણે તમારી બંનેની વચ્ચે અત્યાર સુધી કંઈ  બન્યું જ નથી. દરરોજ સવારે એને પ્રણામ કરજો. તમે કૃતાર્થ બની જશો.’ આ પ્રમાણે તે સ્ત્રી પોતાના પતિ પાસે ચાલી ગઈ અને સેવા કરવા લાગી. થોડા દિવસોમાં જ પતિનો તાવ ઊતરી ગયો. એક દિવસ સવારે ઊઠીને પતિએ જોયું કે પત્ની પ્રણામ કરી રહી છે ત્યારે આત્મગ્લાનિથી પૂર્ણ બનીને એ બોલી ઊઠ્યો: ‘ઈશ્વરની કૃપાથી મારી તબિયત સુધરી રહી છે. પરંતુ હું મારા પોતાના આચરણ માટે ખૂબ દુઃખી છું. તમે મારી ભૂલ પર નજર રાખ્યા વગર મારી પાસે આવી ગયાં. ખરેખર તમને કોઈ મહાત્માએ જ આવો આદેશ આપ્યો હશે. હું પણ આજે પ્રતિજ્ઞા કરું છું કે બીજીવાર એવી ભૂલો નહિ કરું.’ પછી પતિપત્ની વચ્ચે સુમેળ થઇ ગયો. થોડાક દિવસો પછી એમને ત્યાં પુત્ર અવતર્યો. પુત્રને લઈને એ બંને શ્રી મહારાજ પાસે ગયાં અને એમનાં જીવનમાં શાંતિ અને સુખાકારી બક્ષવા માટે આભારની લાગણી પણ વ્યક્ત કરી.
રહસ્ય શું છે ? …
સમાજશાસ્ત્રના એક પ્રાધ્યાપકે પોતાના વિદ્યાર્થીઓને ગરીબ વસ્તીમાં રહેનાર યુવકોનું અધ્યન કરવા નિર્દેશ કર્યો. આ ઘટના અમેરિકાના બાલ્ટીમોર વિસ્તારમાંની હતી. વિદ્યાર્થીઓ એ સ્થળે જઈને ૨૦૦ યુવાનોને રૂબરૂ મળ્યા. એમનાં વિશે કેટલીયે સૂચનાઓ અને માહિતી એકઠી કરી. આ વસ્તીનું વાતાવરણ ભયંકર હતું. અહીં રહીને યુવકોને સદગુણો શીખવાની તક મળે તેમ ન હતી. એ વસ્તીનું અધ્યન કરનાર વ્યક્તિઓએ એવી ભવિષ્યવાણી ભાખી કે અહીંના ઓછામાં ઓછા ૯૦%  યુવકો ભવિષ્યમાં અપરાધી કે ગુનેગાર બની જશે.
૨૫ વર્ષ પછી આ જ અધ્યાપકે એ જ વિસ્તારમાં એક બીજી અધ્યન ટુકડી મોકલી. એમનાં જુના વિદ્યાર્થીઓએ ભાખેલી ભવિષ્યવાણી કેટલા અંશે સાચી પડી એ તેઓ જાણવા માગતા હતા. ૨૫ વર્ષ પહેલા જે વિદ્યાર્થીની ટુકડીએ જે ૨૦૦ યુવાનોનું અધ્યન કર્યું હતું, એમાંથી ૧૬૦ વ્યક્તિને આ નવી ટુકડી મળી. વિદ્યાર્થીઓને એ જાણી આશ્ચર્ય થયું કે પહેલાં ભાખેલી ભવિષ્યવાણી ખોટી સાબિત થઇ. આ ૨૦૦ વિદ્યાર્થીઓમાંથી લગભગ બધા સભ્ય માણસ બની ગયા હતા. હવે આ રૂપાંતરણનું રહસ્ય શું છે?
રૂપાંતરણની ગુરુચાવી …
આ નવું અધ્યન દળ પહેલાંના દળની ભવિષ્યવાણીને અસત્ય નીવડવાનું કારણ જાણવા ઉત્સુક બન્યું.આ ટુકડીના વિદ્યાર્થીઓને ખ્યાલ આવ્યો કે આ ઝૂંપડીપટ્ટી વિસ્તારમાં રહેલ આ બધા વિદ્યાર્થીઓ ત્યાં આવેલ વિદ્યાલયની કુમારી શીલા રૌરકે નામની એક અધ્યાપિકાના પ્રભાવ હેઠળ આવ્યા. એ વખતે શીલા નિવૃત થઇ ચૂક્યાં હતાં. એમને શોધવા એ પણ મુશ્કેલ કાર્ય હતું. પરંતુ થોડા પ્રયાસો કર્યાં પછી આ અધ્યયન દળ એમને શોધવામાં સફળ થયું. ટુકડીના બધા સભ્યોએ એમને પૂછ્યું કે આવા નિરાશાજનક વાતાવરણમાં તેઓ બાળકોને કેવી રીતે પ્રેરણા અપાઈ શક્યાં અને એમને પ્રગતિના પથે આગળ ધપાવીને દેશના સાચા ને સારા નાગરિક બનાવવામાં એમણે કેવી પ્રણાલી કે યુક્તિ યોજી? આ સાંભળીને શીલા રૌરકે કહ્યું : ‘મેં કાંઈ યોજનાબદ્ધ રીતે કામ કર્યું હોય એવું મને લાગતું નથી. હું તો કેવળ એટલું જ જાણું છું કે ત્યાં હું એક અધ્યાપિકા રૂપે જ્યાં સુધી કામ કરતી રહી ત્યાં સુધી મેં પ્રત્યેક વિધાર્થી સાથે પ્રેમ અને આદરવાળો વ્યવહાર રાખ્યો હતો.’
આપણે સૌ વિચારમાં પડી જઈશું કે આ જવાબ તો સાવ સાધારણ છે. પણ એનો અર્થ એ થયો કે આપણે સૌ પ્રેમના સાચા સ્વરૂપને બરોબર સમજ્યા નથી. આપણે તો પ્રેમને એક સાવ ઉપરછલ્લી અને સસ્તી આવેગભરી ભાવુકતા જેવો સમજી લીધો છે. પ્રેમ તો સાચાં માનવનું રૂપાંતરણ શરૂ કરી શકે છે. કેવળ પ્રેમ  મેળવનારા લોકો જ એની સાચી મહત્તાને સમજી શકે છે અને એવા લોકો જ બીજાને પ્રેમ આપી શકે છે. પ્રેમ પોતાના પ્રેમપાત્રની આત્મ્છબિને સબળ  બનાવીને એના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી શકે છે. શુદ્ધ પ્રેમનું આસ્વાદન કરનાર ઉન્નત થઈને એક સંપૂર્ણ વ્યક્તિત્વમાં પરણિત બની જાય છે. તેઓ પોતાની વિશિષ્ટતાને જાળવી રાખીને એક ઉત્તમ ચરિત્રવાળો માનવ બની જાય છે.
માતા –પિતા તથા પરિવારના વડીલોનો વ્યવહાર પ્રેમ અને સમજદારીપૂર્વકનો  હોવો જોઈએ. આ રીતે ઘરના વડીલો એક દાખલો બેસાડે છે અને એને જોઈને નાનાં બાળકો એને અપનાવવાનો  પ્રયાસ કર છે. બાળકો તો ઊર્જા અને પ્રતિભાનો ભંડાર છે. મોટાના સંપર્કથી મળેલ વિશુદ્ધ પ્રેમ અને નૈતિક પ્રેરણા બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિને સાચી દિશા તરફ વાળવામાં ઉપયોગી નીવડે છે.
વિશુદ્ધ પ્રેમ પ્રાપ્ત કરનાર જ બીજાને પ્રેમ આપી શકે છે. નવું જન્મેલું બાળક વાતો કરી શકતું ન હતું, એટલે ‘આ તો કંઈ બોલતું નથી તો મારે શા માટે એની સાથે બોલવું’ એમ કોઈ માતા વિચારે છે ? મા તો એ  નવજાત શિશુ સાથે પ્રેમપૂર્વક વાતો કરતી રહે છે. તે બાળક પર પોતાના પ્રેમનો વરસાદ વરસાવે છે. બાળક પણ આનંદ અને કીલકારી દ્વારા એનો પ્રત્યુત્તર આપે છે. હસવાની અને ખડખડાટ હસવાની આ પ્રેમની ભાષા છે. માના આ પ્રેમપૂર્વકના આચરણને લીધે જ બાળક બોલવાની કળા શીખી લે છે, જાણી લે છે. એટલે જ સાચુ કહ્યું છે: ‘માના ખોળામાં જ બાળક બોલતાં શીખી જાય છે.’
બાળક બોલીને પોતાનો પ્રેમ પ્રગટ કરી શકતું નથી. આમ છતાં પણ શિશુના રૂપે આપણને પણ પ્રેમ તો મળતો રહે છે. પણ જ્ઞાનપૂર્વક આપણે એને પાછો વાળવા-બીજાને આપવા સક્ષમ નથી. ઘરમાં માતા પિતા તથા વડીલો તેમજ શાળાના અધ્યાપકો અને સહઅધ્યાયીઓ દ્વારા મળતા પ્રેમથી જ આપણો વિકાસ થાય છે. નિ:સ્વાર્થ તથા વિશુદ્ધ પ્રેમ જ આપણા ચારિત્ર્યની વિશેષતાની ઓળખાણ કરાવે છે, આપણા ગુણોને દેખાડે છે અને ભૂલોને માફ કરે છે, આપણને સન્માર્ગ તરફ પ્રેરે છે અને આપણી ભલમનસાઈઓને અધોરેખિત કરે છે. સાથે ને સાથે આપણી  વિશેષતાઓને જાળવી રાખીને આપણા વ્યક્તિત્વના વિકાસમાં સહાયરૂપ બને છે. આ નિ:સ્વાર્થ પ્રેમ આપણને કોણ આપી શકે ?
એરિક ફ્રોમ કહે છે : ‘માણસોને એવો વિશ્વાસ છે કે પ્રેમ કરવો ઘણો સરળ છે. આમ જોઈએ તો આપણે સૌ પ્રેમ કરવાની જન્મજાત ક્ષમતા ધરાવીએ છીએ. છતાં પણ કેવળ ગણ્યાગાંઠયા લોકો જ વાસ્તવમાં પ્રેમ કરવાની કળા કેળવી શકે છે.’
કોઈ યુવક એમ વિચારી શકે કે જે યુવતી સાથે એમનાં લગ્ન થવાના છે તે એણે ચાહે છે. એનું કારણ એ છે કે યુવતી બુદ્ધિમાન અને સુંદર છે પણ એને સાચો પ્રેમ ના કહી શકાય. એ તો કેવળ પ્રશંસા કે પસંદગી જ પ્રગટ કરે છે. પ્રેમની દ્રઢતા અને સ્થિરતા પ્રીયપાત્રના ગુણ પર આધારિત નથી હોતી. વ્યક્તિની પોતાની ક્ષમતા પ્રમાણે જ પ્રેમ સુદ્રઢ અને સ્થિર થાય છે. કેટલાક લોકોની ધારણા એવી હોય છે કે પ્રેમ કરવાનો ગુણ જન્મજાત નથી હોતો.  વિલિયમ સી મેનિંજર કહે છે: ‘માતાપિતા જ બાળકને પ્રેમ કરવાની કળા શીખવે એ વધારે સારું થશે.’

(રા.જ.૪/૧૧/૯-૧૧/)