તમારા ચશ્મા કોઇને કામ લાગે?…

તમારા ચશ્મા કોઇને કામ લાગે?…

ધારો કે તમને કેટલાક દિવસોથી આંખોથી જોવામાં તકલીફ પડી રહી છે અને તેથી તમે કોઇ ચશ્મા વાળાની દુકાને જવાનું નક્કી કરો છો. ત્યાં જઇને તમે તમારી તકલીફનું વર્ણન કરો છો. તમારી તકલીફ થોડીક વાર સાંભળી પેલી વ્યક્તિ પોતાના ચશ્મા કાઢી તમારા હાથમાં મૂકી દે છે.
‘આ પહેરી લો’ તે કહે છે, ‘હું આ ચશ્મા છેલ્લા દસ વર્ષોથી પહેરું છું અને તેણે ખરેખર મને ખૂબ મદદ કરી છે. મારી પાસે ઘરે એક વધારાના ચશ્મા પડ્યા છે, હું તેનો ઉપયોગ કરીશ. તમે આ રાખી લો’.
તમે તેણે આપેલા ચશ્મા પહેરી લો છો, પણ તેનાથી તો તમારી તકલીફ ઉપરથી વધી જાય છે.
‘અરે, આ તો ભયંકર છે !’ તમે બોલી ઉઠો છો.
‘હવે તો મને કશુંજ દેખાતું નથી’
‘અરે શું તકલીફ થઇ?’ તે પૂછે છે, “એનાથી તો મને બરાબર દેખાય છે, જરાક વધારે પ્રયત્ન કરો ને!’
‘હું પ્રયત્ન કરું જ છું,’ તમે ફરીથી કહો છો, ‘પણ બધુંજ ધૂંધળુ દેખાય છે.’
“અરે! તમને શું સમસ્યા છે, હકારાત્મક રીતે વિચારો, અને પ્રયત્ન કરો ને!’
‘ભાઇ, મને કશુંજ દેખાતું નથી’
” લોકોને કશીજ ખબર પડતી નથી !’ તે બબડે છે, ” હું તમને આટલી મદદ કરવા માંગું છું અને તમે,? ” કહી તેના ચશ્મા તે પાછા લઇ લે છે.
આ ચશ્મા વાળા પાસે તમે ફરી મદદ માટે જાઓ તેવી કોઇ શક્યતાઓ ખરી? નહીં જ ને? તો ફરી કોઇને સલાહ આપતા પહેલા તેને બરાબર સાંભળશો, સમજશો. કોઇને પોતાના ચશ્મા પહેરવાની ઉતાવળ કરતા પહેલા એટલું યાદ રાખજો કે તેની દ્રષ્ટી આપના કરતા વધુ પ્રબળ કે નિર્બળ હોઇ શકે છે. અને એટલે એને ફક્ત પોતાના ચશ્મા જ પહેરવા દો, તેની જ નજરે દુનિયા જોવા દો.