પોતાની રીતે જીવવું એ એક સાધના છે…

પોતાની રીતે જીવવું એ એક સાધના છે…

 

ઘણીવાર હું પોતે જ મને સમજી શકતો નથી. ક્યારેક તો હું પોતેય મારી સામે મોટા એક પ્રશ્નચિહ્ન જેવો લાગું છું. મારી બાબતમાં હું કશું જ જાણતો નથી કોઈ બીજાએ મારા વિશે જે ધારણાઓ કરી છે કે પરિસ્થિતિએ મારી જે ઓળખ ઊભી કરી છે તે શું મારો ખરો પરિચય બની શકે ? સાવ પ્રામાણિક રીતે કહેવું હોય તો મારે સ્વીકારવું જોઈએ કે બીજાઓ મારા વિશે જે માને છે તે પણ હું નથી. એ એમની ધારણા છે. મારા કરતાં એ એમનો પોતાનો પરિચય ગણી શકાય. કોઇ મને સારો માણસ માને છે. અને હું જાણું છું કે એમની એ માન્યતા પણ એકદમ સાચી નથી. કેમ કે મારી અંદર કેટલુંક એવું પણ છે જે એમના ઘ્યાનમાં આવ્યું ન હોય. જ્યાં સુધી એમની દ્રષ્ટિ જાય ત્યાં સુધી તો પ્રકાશ ફેલાયેલો લાગે પણ જ્યાં એમની નજર નથી પહોંચતી એવા અંધકારભર્યા ખૂણા અને ભંડકિયા પણ મારી અંદર મોજૂદ હોઇ શકે છે. કેટલાકને હું સારો લાગું છું, તે મારી પોતાની સારપના કારણે નહીં પણ એ પોતે જ સારા હોવાથી ‘દ્રષ્ટિ એવી સૃષ્ટિ’ મુજબ, મારામાં સારૂં જોવા માટે જાત સાથે પ્રતિબદ્ધ છે.કોઈ મારી ટીકા કરે કે નિંદાની નજરે જુએ તો એ એમની પોતાની સમસ્યા હોઈ શકે. એમની પાસે સારું જોવાની દ્રષ્ટિ જ ન હોય તો એ બિચારા કરે પણ શું ? કોઇ માણસ પૂરેપૂરો સારો કે સદંતર ખરાબ હોતો જ નથી. માણસની અંદર આ બંને બાબતનું સંમિશ્રણ હોય છે. કોઇનામાં સારપ વઘુ તો નઠારા ભાવોનું પ્રમાણ થોડુંક ઓછું હોઇ શકે છે. ક્યારેક તો સારપ ઉપર અને દુષ્ટતા નીચે દબાઇને રહેતી હોય છે. એકદમ ખરાબ અને દુષ્ટ લાગતા માણસોની અંદર પણ સારપ છૂપાઇને પડી હોય છે.ક્યારેક લાગે છે કે હું સ્વાર્થી છું. મને જે ગમે છે તે મેળવવા હું બીજાની લાગણીઓને નજર અંદાજ કરી રહ્યો છું. તો ક્યારેક એવું પણ લાગે કે બીજા સાથેના સંબંધોને સાચવવા, બીજાની ભાવનાઓને ઠેસ ન પહોંચે એ માટે સમજપૂર્વક કે માત્ર ભીરુતાના કારણે હું મને પોતાને જ અન્યાય કરી રહ્યો છું.મારી અંદર ઘણું બઘું એવું છે જે બીજાની નજરમાં આવ્યું નથી. એને મારું ‘અંગત’ કહું કે માનવસહજ નબળાઇ ગણીને આંખ આડા કાન કરી જીવનભર એને એક રહસ્યની જેમજ જાળવી રાખું?
ગાંધીજી બનવું સહેલું નથી. સત્યના પ્રયોગો લખવા હોય તો ઘણું બઘું બહાર લાવીને જાહેરમાં મૂકવું પડે. પણ એ રીતે જે અંદર છે તેને બહાર લાવીને સાર્વજનિક બનાવવાનો અર્થ શો ? દરેક માણસ પોતે કેવા છે તે તો અંદરથી જાણતા જ હોય છે. એમના પોતાના કામ, ક્રોધ, લોભ, મોહ બીજાની સામે પ્રગટ થઇ જાય તો બીજાને એનાથી લાભ થાય ખરો ? પોતાની સામે તો એ પ્રગટ છે જ. જો એ અંગત વાત સર્વજનિક બને તો વ્યકિતને પોતાને એનાથી લાભ થાય ખરો ?
 

સાચી વાત તો એ છેઃ કે સોએ સો ટકા કોઇ ક્યારેય પોતાને બહાર પ્રગટ કરી ન શકે. સત્યના ગમે તેટલા પ્રયોગો કરો પણ કેટલીક વાત પોતાની અંદર ધરબાયેલી અને ‘અંગત’ જ રહી જાય છે. કેમ કે પોતાની અંદર ચાલતા વિચારો, ભાવો, ગમા-અણગમા, ગુસ્સો, વિદ્રોહ, માન્યતા કશું જ પૂરેપૂરૂં પ્રગટ કરી શકાતું નથી. આવું પ્રગટ કરવા જાય તો માણસ સાવ ઉઘાડો પડી જાય. અને પ્રત્યેક માણસ અંદરથી ઉઘાડો હોવા છતાં બીજાની સામે ઢંકાયેલ રહેવામાં રસ દાખવે છે. બીજાને ખુલ્લા પડેલા જોવાની માણસની વૃત્તિ હોવા છતાં, ચારેકોર સૌ કોઇને ખુલ્લા પડેલા જોઇને એ ત્રાસી જાય અથવા તો પાગલ પણ બની જાય.

માણસ પોતાને જે ગમે છે કે પોતે જે કરવા ઇચ્છે છે તે ભાગ્યે જ કરી શકતો હોય છે. પોતાના માટે, પોતાને ગમે તેમ પોતાની રીતે જીવવું એ એક સાધના છે. માણસ મોટા ભાગનો સમય બીજાની સાથે અને બીજાના અનુસંધાનમાં જ વિતાવે છે, પોતાની સામે જતાંય ઘણીવાર, ઘણા માણસો ડરતા હોય છે. કેમ કે પોતાના વિશે બીજા જે કહે કે જાણે છે તેનાથી એ ટેવાઇ ગયો છે. પોતાનો એ પરિચય સાચો લાગે છે. કેમ કે અંદર તો બઘું અસ્ત- વ્યસ્ત અને ખુલ્લું છે. વસ્ત્રો પહેર્યા વિનાનો માણસ ભાગ્યે જ સુંદર લાગતો હોય છે. મહાવીર જેવી કોઇ વિરલ વ્યકિત જ નગ્ન હોવા છતાં સ્વસ્થ અને સુંદર લાગી શકે. બાકીના લોકો જો નિર્વસ્ત્ર બને તો બિહામણા જ લાગે ને !

માણસની આખી જિંદગી એક યા બીજા સાથેના એડજેસ્ટમેન્ટમાં જ વીતી જાય છે. એક માટીનો પિંડો લઈ કોઈ વિશેષ આકાર આપવા ઇચ્છતા હોઈએ અને કશુંક બીજું જ બનીને ઊભું રહે તો જે દુખ અને આશ્ચર્ય થાય એવું જ માણસ- માત્રને જીવનના અંતિમ વર્ષોમાં લાગતું હશે ને?

પોતે જે સ્વપ્ન લઇને ચાલેલા, જે મંજિલને નજર સમક્ષ રાખીને યાત્રા શરૂ કરેલી અથવા તો પોતે જેમ જીવવા માગતા હતા અને એ રીતે જીવવા જિંદગીભર જે પ્રયત્ન કરતા રહ્યા તેમાં સફળ થયા કે કેમ? એમ જો પૂછવામાં આવે તો મોટા ભાગના લોકો નિસાસો નાખીને નકારમાં જ માથું ઘુણાવતા જોવા મળશે. કેટલાક એવા પણ હશે જેની દિશા જ લગભગ બદલાઇ ગઇ હોય. જ્યાં જવા માગતા હતા તેનાથી વિપરીત દિશામાં અને સ્વપ્નેય જેની ચાહના ન કરી હોય એવી જગ્યા પર પહોંચી જતા હોય છે. આવા લોકો પોતાની નિષ્ફળતાના કારણે ક્યારેક હતાશ પણ થઇ જતા હોય છે.

નિશ્ચિત કોઇ ઘ્યેય લઇને ચાલનારા લોકો જો પ્રતિપળ સજાગ ન રહે અને પરિસ્થિતિ કે સમાજ સાથે કોઇ ને કોઇ સમાધાન કરતા રહે તો ક્યાંય પહોંચી શકતા નથી. એમના હિસ્સામાં પીડા અને હતાશા સિવાય કશું આવી શકતું નથી.

જીવનનું કોઇ ઘ્યેય નથી. તમામે તમામ દિશા આનંદ અને સુખથી ભરેલી છે, જો મનમાં ક્યાંય પહોંચવાની પીડા કે દોડ ન હોય. જ્યાં અને જેવા છીએ તે પણ શું સુખદ નથી? સુખ ક્યાંય બીજે અને આપણાથી દૂર છે, એવું માનવામાં જ દુખ અને વિષાદનાં મૂળિયાં પડેલાં છે. ઉખેડી નાખો એ મૂળિયાને અને હળવા ફૂલ થઇ આજે અને અત્યારે જ સુખી થવાની તક ઝડપી લો. સુખી થવા માટે કશુંક કરવાની નહીં પણ કશુંક સમજી લેવાની જરૂર છે.