ચિંતામુક્ત બનો …(ભાગ -૧) (દુ:ખ અને મૃત્યુ)

ચિંતામુક્ત બનો …(ભાગ -૧) (દુ:ખ અને મૃત્યુ)

 

અંગ્રેજી સાહિત્યના સુખ્યાત વિવેચક ડૉ. સેમ્યુઅલ જોન્સનની જીવનકથા લખનાર બોસવેલનું એક વખત એક મિત્રે અપમાન કર્યું. આ ઘટનાથી બોસવેલ ઉદ્વિગ્ન બન્યા અને ડૉ. જોનસને એ વિશે ફરીઆદ કરી. એના પ્રત્યુત્તરમાં ડૉ. જોનસને કહ્યું: ‘ભાઈ, એક વરસ પછી આ અપમાનનું મહત્વ કંઈ નહિ રહે. એનો તું જરા વિચાર કરી લે.’ બોસવેલે આ સલાહ પર વિચાર્યું અને તેનો ગુઢાર્થ તે સમજી ગયા. પછીથી બોસવેલે આમ લખ્યું : ‘મેં ઘણી વખત આ સલાહનું અનુસરણ કર્યું છે અને એણે મારા મનને શાંત કર્યું છે.’
સ્વામી વિવેકાનંદ પરિવ્રાજક અવસ્થામાં હતા ત્યારે એક વખત રેલ્વેના એક ડબ્બામાં બે અંગ્રેજો સાથે બેઠા હતા. એમનો પોષાક જોઈને એ લોકોએ ધારી લીધું કે તે અભણ ભિખારી લાગે છે અને અંગ્રેજીમાં તેની મશ્કરી કરવા માંડ્યા. બીજે જ સ્ટેશને એમને સ્ટેશન માસ્તર સાથે શુદ્ધ અંગ્રેજીમાં વાત કરતાં સાંભળી એ બંને આશ્ચર્ય ગરકાવ થઇ ગયા. બેય અંગ્રેજો શરમાઈ ગયા. તેમણે પૂછયું : ‘અમારી આ મશ્કરીનો વિરોધ તમે કેમ ના કર્યો?’ હાસ્ય સાથે સ્વામી વિવેકાનંદે પ્રત્યુત્તર આપતાં કહ્યું : ‘મિત્રો, આ કંઈ પેહલી વાર જ મેં મૂર્ખાઓને જોયા એવું નથી.’ જ્યારે પેલા મૂર્ખ અંગ્રેજોએ સ્વામીજીને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ તેઓ શાંત રહ્યા, એ જાણવું આપણા માટે મહત્વનું છે.
કરડો નહિ પણ ફૂંફાડો તો મારવો
એક બાળકના હાથમાંથી એનું રમકડું લઇ લેવાનો પ્રયાસ કરી જુઓ. તે પોતાની નારાજગી વ્યક્ત કરવાનો જ. ક્રોધ અને નારાજગી આપણા સ્વભાવ સાથે બંધાઈ ગઈ છે. ક્રોધ એક સહજ પ્રતિક્રિયા છે. જ્યારે કોઈ પણ વસ્તુ કે ઘટના આપણી નાખુશી કે અસંતોષના ભાવને ઉશ્કેરે છે ત્યારે આપણે ગુસ્સે થઇ જઈએ છીએ. આ સંસારમાં બધુંયે આપણી ઈચ્છા મુજબ ના થઇ શકે. એટલે જ પોતાની ઈચ્છાઓનું નિયમન તથા અહ્કારને ઘટાડવો એ જ બુદ્ધિમત્તા છે. એનાથી જ આપણને પોતાના ક્રોધને અંકુશમાં લાવવામાં સહાય મળે છે. કેટલાક લોકોમાં આ ક્રોધ એક આદતનું રૂપ ધારણ કરી લે છે. આવા લોકો-કાગડો ક્રાઉ ક્રાઉ કરે, પોતાની વસ્તુ શોધી ના મળે, થોડો ઘોંઘાટ થાય, ચામાં ખાંડ ઓછી હોય-આવી દરેક નજીવી બાબતમાં ઊકળી ઊઠે છે. આવા લોકો ‘ક્રોધમાં વાઘ બની જાય છે’ એવી પોતાની વિશેની ગર્વની વાતો સાંભળીને ફૂલાઈ જાય છે. ક્રોધ આપણાં શારીરિક અને માનસિક સંતુલનને બગાડી નાંખે છે. ક્રોધ આપણને આજુબાજુના લોકોની સાથે શત્રુતાનો માર્ગ બતાવે છે. આપણું સ્વભાવગત ચિડીયાપણું બીજાના મનમાં આપણા પ્રત્યે ધૃણાનું મૂળ કારણ બની જાય છે. લોકો આપણી ગેરહાજરીમાં આપણી આપણી મશ્કરી કરતા હોય છે. લોકો આપણે બીજાને માટે કષ્ટ અને અગવડતાનું કારણ બની જઈએ છીએ.
ક્રોધ વિશે ૧૩મી સદીના દક્ષિણ ભારતના મહાન સુધારક બસવેશ્વરે કહેલા આ શબ્દો યાદ રાખવા જેવા છે: ‘ જેમ ઘરમાં લાગેલી આગ પહેલાં ઘરને જ બાળીને ખાક કરી નાંખે છે. એવી જ રીતે ક્રોધનો અગ્નિ સૌ પ્રથમ ક્રોધીને જ બાળી નાખે છે અને ત્યાર પછી બીજાં લોકોને હાનીકારક નીવડે છે.’
તો શું આપણે સંપૂર્ણ રીતે ક્રોધ વિહોણા બની શકીએ? એક વખત એક ભક્તે ભગવાન શ્રીરામકૃષ્ણને પૂછ્યું: ‘ઠાકુર, જો દુષ્ટ લોકો આપણને હાની કરવા તત્પર બની જાય તો પણ આપણે કોઈ પ્રતિક્રિયા કર્યાં વિના નિષ્ક્રિય બની રેહવું જોઈએ?’ શ્રીરામકૃષ્ણદેવે કહ્યું: ‘સંસારમાં રહેતી વખતે દુષ્ટ લોકોનો સામનો કરવા થોડીઘણી કઠોરતા આવશ્યક છે. આમ છતાં પણ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે બદલો લેવાના ભાવથી કંઈ ન કરવું જોઈએ.’ ક્રોધ વિના આ સંસારમાં રેહવું કઠણ છે. સમાજમાં દુષ્ટ લોકો પણ છે, એમની સાથે કેવો વ્યવહાર કરવો? શ્રીરામકૃષ્ણે સલાહ આપી કે દુષ્ટ પ્રત્યે થોડો ક્રોધ બતાવો આવશ્યક છે. પરંતુ એમની ધૃણા કરવી નુકશાનકારક છે. એ વાતને સમજાવવા માટે તેમણે આ બોધકથા કહી:
ભરવાડોના કેટલાક છોકરા એક ચરિયાણમાં પોતાની ગયો ચરાવતા હતા. ત્યાં એક ઝેરી સાપ રેહ્તો હતો. સાપના ડરથી બધા લોકો સાવધ રેહતા. એક દિવસ એક બ્રહ્મચારી એ રસ્તે થી પસાર થયા. બધા છોકરા એમની પાસે ગયા અને કહ્યું: ‘મહારાજ, એ રસ્તે ન જતા. ત્યાં એક ભયંકર ઝેરી સાપ રહે છે.’ બ્રહ્મચારીએ કહ્યું: ‘બેટા, મને એનો ભય નથી. હું સાપનો મંત્ર જાણું છું.’ આમ કહીને એ ચરિયાણમાં જ્યાં સાપ રેહતો હતો એ તરફ આગળ વધ્યા. બ્રહ્મચારીને જોઈને પેલા સાપે ફેણ ચડાવી અને ઝડપથી એમની પાસે આવવા લાગ્યો. સાપ જેવો પાસે આવ્યો કે એણે મંત્રોચારણ શરૂ કર્યું. સાપ સાપોલિયાની જેમ એનાં ચરણોમાં લોટવા લાગ્યો. બ્રહ્મચારીએ કહ્યું: ‘બેટા, તું લોકોને કરડીને આટલું બધું દુ :ખ શા માટે આપે છે? લે, હું તને એક મંત્ર આપું છું. એનો જપ કરીશ તો ઈશ્વરમાં મન લાગશે. તને ઈશ્વરભક્તિને કારણે દર્શન થશે અને પછી આ હિંસાવૃત્તિ રેહશે નહિ.’ આમ કહીને એ બ્રહ્મચારીએ સાપને મંત્ર આપ્યો. મંત્ર મેળવીને સાપે ગુરુજીને પ્રણામ કર્યાં અને પૂછયું: ‘પ્રભુ, હવે હું કઈ સાધના શરૂ કરું?’ ગુરુએ કહ્યું: ‘ આ મંત્રનો જપ કર અને હિંસા છોડી દે.’ ચાલતી વખતે બ્રહ્મચારીએ ત્યાં પાછા આવવાનું વચન પણ આપ્યું.
આ રીતે થોડાક દિવસો વીતી ગયા. ભરવાડના છોકરાઓએ જોયું કે સાપ હવે કરડતો નથી. એને ઢેફા મારીએ તોયે ગુસ્સે થતો નથી. એક સાપોલીયા જેવો બની ગયો છે. એક દિવસ ઢોર ચારનારા છોકરાઓ એની પાસે ગયા અને એની પૂંછડી પકડીને ચારે બાજુ ફેરવ્યો અને પછી ફેંકી દીધો જમીન પર. એના મોઢામાંથી લોહી વેહવા માંડ્યું, હલીચલી શકવાનું બંધ થયું અને તે બેહોશ જેવો પડી ગયો. ભરવાડનાં છોકરાઓને લાગ્યું કે હવે એ સાપ મરી ગયો છે. એટલે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.
ઠીક ઠીક રાત વીતી પછી સાપ ભાનમાં આવ્યો. ધીમે ધીમે પોતાના દરમાં ચાલ્યો ગયો. ખૂબ ઘાયલ થાયો હતો. હવે એનામાં હાલવાનીયે શક્તિ ન હતી. ઘણા દિવસો પછી એની પીડા ઓછી થઇ અને એ ભોજનની શોધમાં બહાર નીકળ્યો. કોઈને મારતો તો ન હતો, ઉપરાંત ઘાસ કે ફળફૂલ ખાઈને જ ચલાવી લેતો.
લગભગ એક વર્ષ પછી પેલા બ્રહ્મચારી પાછા આવ્યા. આવતાં વેંત જ સાપને શોધવા લાગ્યા. ભરવાડના છોકરાઓએ કહ્યું: ‘એ તો મરી ગયો.’ બ્રહ્મચારીને વિશ્વાસ ન બેઠો. તેઓ જાણતા હતા કે જે મંત્ર એણે આપીને ગયા હતા એણે સિદ્ધકર્યાં વિના સાપનો દેહ છૂટી ન શકે. અહીંતહીં ખોળતાં પોતે આપેલા નામથી મોટે અવાજે બોલાવવા લાગ્યા. ગુરુદેવનો અવાજ સાંભળીને ભોંણમાંથી સાપ બહાર આવ્યો. ભક્તિભાવ સાથે બ્રહ્મચારીને પ્રણામ કર્યાં. બ્રહ્મચારીએ પૂછયું : ‘વત્સ, આ શું થયું, કેવી રીતે થયું?’ સાપે કહ્યું: ‘જી મહારાજ, સારું છે.’ વળી બ્રહ્મચારીએ પૂછ્યું: ‘તું એટલો બધો દુબળોપાતળો કેમ થઈ ગયો?’ સાપે કહ્યું: ‘મહારાજ, જ્યારથી તમે આદેશ આપી ગયા ત્યારથી હું હિંસા નથી કરતો. ફળફૂલ, ઘાસપાંદડાં ખાઈને પેટ ભરી લઉં છું. કદાચ એટલે જ દુબળો લાગુ છું.’ સત્વગુણ વધી જવાથી તે કોઈના પર ક્રોધ પણ ન કરીએ શકતો. એટલે પેલા ભરવાડના છોકરાઓએ એને માર્યો એ વાત ભૂલી ગયો.
બ્રહ્મચારીએ કહ્યું: ‘ભાઈ, ખાલી ન ખાવાથી કોઈની આવી દશા ન થાય. કંઈક બીજું કારણ હશે ખરું. તું જરા વિચારીને કહે.’ સાપને હવે ભરવાડના છોકરાએ મારેલા મારની વાત યાદ આવી. તેણે કહ્યું: ‘વારુ મહારાજ, હવે યાદ આવે છે. એક દિવસ પેલા ભરવાડના છોકરાએ મને ઊંચકી ઊંચકીને માર્યો અને પૂંછડી ઝાલીને આમતેમ ફેંક્યો. એ અજ્ઞાનીઓને મારા મનની અવસ્થાનો ખ્યાલ ન હતો. મેં હિંસા કરવાનું છોડી દીધું છે, એ વાતની એણે ક્યાં ખબર હતીએ !’ આ સંભાળીને બ્રહ્મચારીએ કહ્યું: ‘રામ, રામ ! તું આટલો બધો મૂરખ છે ! તું તારું રક્ષણ કરવાનું યે નથી જાણતો? મેં તને કરડવાની કે ડંશ મારવાની ના પાડી હતી. ફૂંફાડો મારવાની તને ક્યારેય ના પાડી હતી? ફૂફાંડો મારીને એમને ભય શા માટે ન દેખાડ્યો?’
આ રીતે જરૂર જણાય ત્યારે દુષ્ટો તરફ ફૂંફાડો તો મારવો જોઈએ, થોડો ભય દેખાડવો જોઈએ. એટલે તેઓ આપણું અનિષ્ટ ન કરી બેસે. સાથે ને સાથે એમનું અનિષ્ટ આપણે ન કરવું જોઈએ.
યમરાજ પાસે દયા નથી
૧૫ વર્ષનો એક સુંદર અને બુદ્ધિમાન છોકરો હતો. કુસંગથી સર્વથા દૂર રહેનારો હતો. ભણવામાં પણ ક્યારેય પાછળ ન રહેતો. તે પોતાનાં માતાપિતાનો એકનો એક અને પરમ આજ્ઞાંકિત પુત્ર હતો. એના સદગુણોને લીધે એના મિત્રો પણ એમને સન્માનની દ્રષ્ટિએ જોતા. એક દિવસ તે પોતાના મિત્રો સાથે ક્યાંક બહાર ગયો. પ્રવાસ દરમિયાન ટુકડીના નેતાને એકાએક ખ્યાલ આવ્યો કે એ છોકરો ક્યાંય દેખાતો નથી. એની તર-તપાસ શરૂ થઇ. કોઈકને વળી યાદ આવ્યું કે એ નદીમાં નાહવા ગયો હતો અને ત્યાંથી પાછો ફર્યો નથી. ઘણી તરતપાસ કર્યાં પછી એ છોકરાનો મૃતદેહ જ મળ્યો. એમનાં માતાપિતાને ખબર પહોંચાડી. પિતા પર તો જાણે આભ જ ફાટી પડ્યું. પુત્રને યાદ કરતાં તેઓ દુ:ખ અને વિષાદમાં ડૂબી ગયા. માતા જરા શાંત જણાતાં હતાં. તેઓ મૂક ભાવે દુ:ખને સ્વીકારી રહ્યાં છે, એવું લાગ્યું. પોતાના પુત્રને પ્રવાસ પર લઇ જવા માટે લોકોનો એમણે દોષ કે વાંક કાઢ્યો નહિ. એના માટે એમણે કોઈનેય દોષીન ગણ્યા. તેઓ પોતાનાં પતિને પણ સાંત્વના આપવાં લાગ્યાં. આત્મસંયમ સાથે એમણે બધા સગાવાહલાંને ફોન કર્યો, પોલીસને જાણ કરી, પોતાના પતિના કાર્યાલયમાં પણ ખબર પહોંચાડી દીધા અને એમણે પુત્રના મૃતદેહને શ્મશાનમાં લઇ જવાની વ્યવસ્થા પણ કરી. જ્યારે મૃતદેહ ચિતા પર રાખવા જતાં હતાં ત્યારે તેઓ દુ:ખ ન સેહવાતાં વિલાપ કરવાં લાગ્યાં.
એક બીજો યુવાન એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો. એ હંમેશાં વ્યંગવિનોદ સાથે લોકોનું મનોરંજન કરતો રેહ્તો. એમની આવી નાદાન હરકોતોથી કંટાળીને માએ ઠપકો આપતાં પૂછ્યું : ‘ભાઈ, તું આટલું બધું હસે છે શા માટે? તને થયું છે શું’ પુત્રે હસતાં હસતાં કહ્યું : ‘હું કાલે જ મરી જાઉં અને યમરાજ જો મને પૂછે કે તેં પૃથ્વી પર શું કર્યું તો ઓછામાં ઓછું હું એટલું તો કહી શકીશ કે મેં બધા લોકોને હસાવ્યા છે, એ વાતની જરા કલ્પના કરો.’ પછીના દિવસે ઘણી વિચિત્ર રીતે શહેરમાં સાઈકલ ચલાવતાં એક ઝડપથી આવતા ટ્રક સાથે સાઈકલ અથડાઈ અને એ કચડાઈને મરી ગયો. યમરાજના દૂત કોઈના પ્રત્યે દયાભાવ રાખતા નથી. જાણે કે કષ્ટ આપવું એ જ એમની રમત છે.
શ્રીનાયર ત્રિવેન્દ્રમ વિશ્વવિદ્યાલયમાં મલયાલમ ભાષાના પ્રાધ્યાપક હતા. તેઓ સંસ્કૃત પણ સારા જાણકાર હતા. એમણે ઈશ્વરમાં શ્રધ્ધા-વિશ્વાસ ન હતાં. વિવાહ પછી કેટલાંય વર્ષો બાદ એમને પુત્રરત્નની પ્રાપ્તિ થઇ. એમનો એ પુત્ર છ વર્ષની ઉમરમાં જ માંડો પડ્યો. અંતિમ શ્વાસ લેતાં પેહલાં એણે પોતાના પિતાને નજીક બોલાવા માટે માને કહ્યું. પિતા નજીક આવ્યા એટલે બાળકે જરા મોટા અવાજે એક પ્રાર્થનાપાઠ કર્યો. ત્યાર પછી તરત જ એ બાળક કાળનો કોળિયો બની ગયો. શ્રીનાયર તો સ્તબ્ધ થઇ ગયા. એમનાં હૃદયને એક મોટો આંચકો લાગ્યો. આ ઘટના એમના જીવનમાં પરિવર્તનકારી સાબિત થઇ. મૃત્યુએ એને બોધપાઠ આપી દીધો, તેઓ ઈશ્વરમાં શ્રધ્ધા – વિશ્વાસ રાખવા લાગ્યા.
મૃત્યુ કોઈ ચેતવણી વિના પંજો મારે છે. એ વિશેષ પળે મનુષ્ય પોતાની જાતને સાવ અસહાય અનુભવે છે. પળના એક ચમકારામાં જ જીવનની બધી આશાઓ ધરાશાયી થઈ જાય છે. એટલે જ તો વ્રજ જેવા હૃદયવાળા પણ મૃત્યુથી કાંપી ઊઠે છે. આજે જીવતી વ્યક્તિ કાલે બળીને ખાક થઇ જાય છે. એનાથી અત્યંત સાહસિક હૃદય પણ તૂટી જાય છે. પ્રિયજન પણ આ મૃતદેહને એવી રીતે ત્યજી દે છે, જાણે એ લાકડાનો કે પથ્થરનો ન હોય !
(તો પછી આ મૃત્યુ છે શું? શું મૃત્યુ એ એક ભયંકર ઘટના નથી? આ પ્રશ્નના ઉત્તરમાં ઋષિઓ શું કહે છે….? જે હવે પછીની પોસ્ટ (ચિંતામુક્ત બનો… ભાગ -૨ )માં જાણવા કોશિશ કરીશું …)
(સાભાર:સ્વામી જગદાત્માનંદ- શ્રી રામકૃષ્ણ મિશન અને મઠ ના લેખ પરથી અત્રે પ્રસ્તુત)