કેરીની બરફી …

કેરીની બરફી …

 

ગરમીની સીજન એટલે ફળોના રાજા કેરીની સીજન .. કેરીની સીજનમાં જો કેરીની બરફી ખાવા મળે તો કેવી મજા આવે. તાજી પાકેલી કેરીના પલ્પમાંથી અથવા પ્રિઝર્વ કરેલ કેરીના પલ્પના ટીનમાંથી આ બરફી બનાવી શકાય છે. તેનો સ્વાદ તમને અને તમારા પરિવારને ખૂબજ પસંદ આવશે.

સામગ્રી :

૨ કપ કેરીનો પલ્પ

૧૫૦ ગ્રામ ખાંડ (૩/૪ – કપ )

૧૦૦ ગ્રામ ચણાનો લોટ (૧-કપ)

૭૫ ગ્રામ દેશી ઘી (૧/૩ – કપ)

૧૫ નંગ કાજુ (નાના કટકામાં સમારી લેવા)

૧૦-૧૨ નંગ પીસ્તા (કાતરીની જેમ સમારી લેવા)

૫ નંગ નાની એલચી (ફોલીને દાણાનો ભૂકો કરી લેવો)

રીત :

મોટી- ૨-નંગ કેરી લઇ અને તેમાંથી ૨ – કપ કેરીનો પલ્પ (રસ) તૈયાર કરવો.

કાજુને નાના ટુકડામાં સમારી લેવું.

એલચીને ફોલી ને દાણાનો ભૂકો કરી લેવો.

એક કડાઈમાં ઘી નાંખી અને ગરમ કરવું, ઘી ગરમ થઈને પીગળે એટલે તૂરત જ ચણાનો લોટ તેમાં નાખવો અને લોટને બ્રાઉન કલર થાય ત્યાં સુધી ધીમા કે મધ્યમ તાપે ક્ડાઈમાં ચોંટી ન જાય તેમ સારી રીતે શેકવો. લોટ શકાઈ જ્શે એટલે તેમાં સુગંધ છૂટશે. શેકાઈ ગયા બાદ લોટને એક કાચના વાસણમાં કાઢીને અલગથી સાઈડમાં રાખવો.

કેરીનો પલ્પ અને ખાંડ ને ભેગા કરી અને કડાઈમાં નાંખવા અને તેને પાકવા દેવા. ધીરે ધીરે ચમચાની મદદથી હલાવતાં રેહવું. ખાંડ ઓગળીને મિક્સ થઇ ગયા બાદ, કેરીના પલ્પને ઘટ થવા દેવો.

કેરીનો પલ્પ ઘટ થઇ ગયા બાદ, શેકેલો ચણાનો લોટ જે અલગ રાખેલ તેને  આ ખાંડ અને કેરીના પલ્પના  મિશ્રણમાં મિક્સ કરી અને ચમચાની મદદથી ધીરે ધીરે હલાવતા રેહવું અને પાકવા દેવું. જ્યારે મિશ્રણ ઘટ થઈને શીરા જેવું એકરસ થઇ જાય અને કડાઈમાં ચિપક્વાનું બંધ કરી દે ત્યારે આ મિશ્રણ લચકા જેવું થઇ જશે. ત્યારબાદ, થોડા કાજુના કટકાને અલગ કરીને બાકીના કાજુ અને એલચીનો ભૂકો તે મિશ્રણમાં નાંખી અને અને હલાવી અને મિક્સ કરવો. અને મિશ્રણ લચકા જેવું ઘટ થઇ જાય ત્યાં સુધી હલાવતા રેહવું અને પાકવા દેવું.

એક થાળી /વાસણમાં તેની સપાટીમાં પેહલેથી ઘી લગાડી અને ચિકણી કરી રાખવી, મિશ્રણને ત્યારબાદ તે થાળીમાં નાંખી અને અને એક સરખું ફેલાવી ને પાથરી દેવું. મિશ્રણ પાથરી દીધા બાદ, તેની ઉપર કાજુ જે અલગ રાખેલ તે અને પિસ્તાને છાંટીને  દાબીને ચિપકાવી દેવા.

 

મિશ્રણને ૨-કલાક ઠંડું પડવા દેવું. ઠંડું થઇ ગયા બાદ, મિશ્રણ જામી જશે. જામી ગયા બાદ તે તમને પસંદ પડે તે સેપ/આકારમાં બરફી  કાપવી.

સ્વાદિષ્ટ કેરીની બરફી બસ તૈયાર છે. તાજે-તાજી બરફી તમે અત્યારે ખાઓ અને વધારાની બરફી એક એર ટાઈટ વાસણમાં રાખી દેવી. અને ૧૦ દિવસ સુધી ફ્રીજમાં રાખી અને જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઇ શકાય છે.

કેરીની બરફી માવા, કન્ડેન્સ્ડ મિલ્ક અથવા દૂધના પાઉડર સાથે બનાવાની રીત…

(૨) માવાના ઉપયોગ કરીને .. રીત :

૧-કપ માવાને શેકી લેવો. કેરીનો પલ્પ અને ખાંડનું મિશ્રણ શેકાઈ ને ઘટ થઇ ગયા બાદ, માવો તેમાં મિક્સ કરી દેવો. અને મિશ્રણને થાળીમાં જામી શકાય તેટલુ ઘટ (લચકા ટાઈપ) થઇ જાય તેમ પાકવા દેવું. માવાનો ઉપયોગ કરીએ ત્યારે ઘી ઉપયોગમાં લેવું જરૂરી નથી.

બાકીની બધી જ સામગ્રીની માત્રા આગળ આપેલ છે તેમ એક સરખી જ લેવાની છે.

(૩) મિલ્ક પાઉડરના ઉપયોગ સાથે … રીત :

કેરીનો પલ્પ અને ખાંડનું મિશ્રણ થોડું ઘટ થઇ જાય એટલે, તાપ બંધ કરી દેવો. અને ચમચાની મદદથી હલાવતા રહી અને તેમાં ૧ – કપ મિલ્ક પાઉડર નાખવો અને એકદમ સારી રીતે મિક્સ થઇ જાય તેમ હલાવતાં રહી અને મિક્સ કરવું અને મિશ્રણ લચકો /ઘટ થઇ જાય ત્યાં સુધી પાકવા દેવું.

દૂધના પાઉડરનો ઉપયોગ કરીએ  ત્યારે પણ બરફી બનાવવા માટે ઘીનો ઉપયોગ કરવો જરૂરી નથી.

બાકીની સામગ્રીની માત્રા એક સરખી જ રહે છે.

 

(૪)  કન્ડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ સાથે … રીત :

કન્ડેન્સ્ડ મીલ્ક્નો ઉપયોગ કરવામાં આવે ત્યારે બરફી બનાવવા માટે ખાંડ કે ઘીનો ઉપયોગ કરવામાં આવતો નથી.

કેરીનો પલ્પ પાકી અને ઘટ થાય કે તૂરત જ  કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી અને મિશ્રણને હલાવતાં જઈ મિક્સ કરી અને પાકવા દેવું અને  લચકા જેવું મિશ્રણ થાય એટલે એક વાસણમાં પાથરી અને ઉપર કાજુ અને પિસ્તા પાથરી અને ચિપકાવવા.  ઠંડું થયા બાદ, તે તમને પસંદ હોય તે શેપમાં કાપવી અને ખાવી.

સુજાવ :

(૧)  ચણાના લોટને જ્યારે શેકવામાં આવે ત્યારે તાપ મીડીયમ અથવા ધીમા તાપે શેકવો અને સતત હલાવતાં રેહવું. તે કડાઈમાં ચિપકી ના જાય તેનો ખ્યાલ રહે.

(૨)  બરફી બનાવી ત્યારે  મિશ્રણને ઘટ બનાવતી સમયે, તાપ થોડો તેજ વધુ રાખવો અને મિશ્રણને કડાઈમાં નીચે સુધી (તળિયા સુધી) લઇ જઈ અને સતત હલાવતાં રેહવું. જેથી મિશ્રણ કડાઈમાં ક્યાંય ચિપકી ન જતા બરફી બનાવી શકાય તેટલું ઘટ /એ થઇ જાય. અને બરફી જમાવી શકાય.

બ્લોગ લીંક: http://das.desais.net