ધરતીનો છેડો ઘર …

ધરતીનો છેડો ઘર …

એક અચ્છો ચિતારો (ચિત્રકાર) હતો. એકમેકથી ચઢિયાતાંઅનેક ચિત્રો દોરેલાં, પણ એનાથી એને સંતોષ ન થયો.
એક સર્વાંગસુંદર ચિત્ર દોરવા માટે એનો આત્મા તલસી રહ્યો હતો. એવા ચિત્રની કલ્પના માટે એણે એક સંતને પૂછ્યું: ‘દેવ ! જગતમાં સૌથી સુંદર શું હશે?’
સંતે કહ્યું: “શ્રધ્ધા.” શ્રધ્ધાની વાત સાંભળી ચિતારો વિચારમાં પડી ગયો.
‘આ શ્રધ્ધાને હું ચિત્રમાં કેવી રીતે ઉતારું?’ એ તો મૂંઝાઈ ગયો.
એનો એ જ પ્રશ્ન ત્યાંથી પસાર થતી નવયૌવનાને પૂછયો:
‘બહેન ! દુનિયામાં સૌથી સુંદર શું?’
આ નવયૌવનાએ હજી હમણાં જ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. એના હૈયામાં સ્નેહનો સાગર ઊછળી રહ્યો હતો. ‘હૈયે એવું હોઠે’ એ ન્યાયે એણે તરત જવાબ આપી દીધો: ‘એમાં પૂછો છો શું? જગતમાં સૌથી સુંદર પ્રેમ છે.’
‘શ્રધ્ધા….પ્રેમ…..’ ભાવનાની આ દુનિયાને હું ચિત્રમાં કેવી રીતે ઉતારું?’
ચિતારો તો ઊલટો વધુ મૂંઝાઈ ગયો. અકળાતો અને મૂંઝાતો તે આગળ ચાલ્યો.
સામેથી તેનો એક સૈનિક-મિત્ર આવતો હતો. ઘણાં વર્ષો સુધી લશ્કરી કામગીરી બજાવીને હજી હમણાં જ તે વતનમાં આવ્યો હતો. ચિતારાએ ખબરઅંતર પૂછ્યા પછી મનને મૂંઝવતો પ્રશ્ન પૂછ્યો : ‘ જગતમાં કઈ વસ્તુ અતિ સુંદર છે?’
‘શાંતિ.’ સૈનિક મિત્રે જવાબ વાળ્યો.
‘શાંતિ….?’ ચિતારો આશ્રયમાં ગરકાવ થઇ ગયો.
‘ત્યારે બીજું શું? યુધ્ધમાંથી તો કાળો કકળાટ જન્મે છે. અનેક ઘવાય છે, મરાય છે, કેટલાક ઘરબાર વિનાના થાય છે. આમાં મજા ક્યાં છે? શાંતિમાં જ જીવનની મજા છે.’ સૈનિક-મિત્રે સ્વઅનુભવ રજૂ કર્યો.
‘શ્રધ્ધા…પ્રેમ….શાંતિ.’ આ ત્રણેય જણાની વાત ચિતારાની મનોભૂમિમાં રમી રહી. કોઈની વાત ખોટી ન હતી. પણ આ ત્રણેય જણાની વાતનો એક સ્થળે સમન્વય થઇ જાય તો સોનામાં સુગંધ ભળી જાય.
વિચારોની દુનિયામાં અટવાતો અટવાતો ચિતારો છેક સાંજે ઘેર પહોંચ્યો. ક્ષિતિજમાં સૂર્ય નારાયણ આથમી રહ્યા હતા. શેરીઓમાં બાળકો કલ્લોલ કરતાં રમી રહ્યા હતાં. ખેતીના કામકાજથી પરવારીને ખેડૂતો ઘરને પંથે પડી રહ્યા હતા.
પ્યારા પ્રિયતમની વાત જોતી પત્નીઓ ઘરની બારસાખ પકડીને ઊભી હતી. દૂરદૂર થી પતિને આવતાં જોઈ માનુનીનું મુખ મલકાઈ રહ્યું હતું.
ચિતારો જ્યાં શેરીમાં પ્રવેશ્યો કે તરત જ પોતાનાં બાળકો ‘બાપુજી આવ્યા, બાપુજી આવ્યા’ કહેતાં અત્યંત શ્રધ્ધાથી વળગી પડ્યાં. આ જોઈને ચિતારાને થયું:
‘મારા બાળકો જ શું શ્રધ્ધાના પ્રતિકો નથી? તેઓ મારામાં કેવી અનન્ય શ્રધ્ધા ધરાવે છે ! શ્રધ્ધાનું આથી ચઢિયાતું ચિત્ર બીજે ક્યાં શોધવા જાઉં?’
અત્યંત શ્રધ્ધાથી ચિતારાએ બાળકોને ચૂમ્યાં અને એમને માથે હાથ ફેરવ્યો. પોતાનો  પ્રેમ પામીને નિર્દોષ બાળકો અડોશપડોશમાં રમવા ચાલ્યાં ગયાં. બાળકોથી છૂટીને જ્યાં ઘર તરફ નજર કરી તો પોતાની પ્રેમાળ પત્ની ઘરની બારસાખ પકડીને રાહ જોઈ રહી હતી.
ચિતારાના મનમાં બીજો પ્રશ્ન ઉદભવ્યો : ‘ ગૃહણીને જ ઘર કહ્યું છે ને ! પત્ની એ તો પ્રેમની વેલી. આ પ્રેમને છોડીને હું પ્રેમને ક્યાં ગોતવા જાઉં ?’
પત્નીએ આછેરા સ્મિતથી પતિનું સ્વાગત કર્યું. પત્નીના હાથનું મીઠું મીઠું પાણી પી, જરા આડે પડખે થયો ત્યારે તેણે પરમ શાંતિ અનુભવી. પથારીમાં પડ્યાં પડ્યાં ચિતારાને વિચાર આવ્યો: ‘અરે, હું યે કેવો ભૂલકણો છું? કેડમાં છોકરું હોવા છતાંય આખા ગામમાં ઢૂંઢવા માંડ્યું. દુનિયાની સૌથી ઉત્તમ વસ્તુ શોધવા માટે હું જ્યાં-ત્યાં આથડી રહ્યો છું, પણ સૌથી સુંદર વસ્તુ તો પોતાનું ઘર જ છે. ઘર એટલે શ્રધ્ધા, પ્રેમ, અને શાંતિનો ત્રિવેણી સંગમ. એટલા માટે જ તો અનુભવીઓએ ઘરને ‘ધરતીનો છેડો’ (એન્ડ ઓફ અર્થ) કહ્યો છે. માણસ આખી દુનિયામાં રખડશે, પણ ઘર જેવાં પ્રેમ અને શાંતિ એને ક્યાંય નહિ મળે. માટે જ લોકકવિએ ઘરને ‘સૌથી ગળ્યું’ કહ્યું છે. માટે હું મારા ઘરને જ દુનિયાની સૌથી સુંદર વસ્તુ તરીકે ચીતરીશ.’
ચિતારાએ પોતાની સમગ્ર કળા ઘરનું જીવંત ચિત્ર દોરવા પાછળ ખર્ચી નાખી.
આખરે એણે એક અનુપમ ચિત્રનું સર્જન કર્યું.
ઈંટ, ચૂનો અને માટીથી બાંધેલું મકાન એ સાચું ઘર નથી. જે ઘરના પાયામાં શ્રધ્ધા, પ્રેમ ને શાંતિ સભર ભર્યા હશે ત્યાં જ આનંદનું વાતાવરણ જામશે. માણસ મોટા મોટા મહેલો, ઈમારતો અને બંગલાઓ બાંધે છે પણ એના પાયામાં પૂરવા જેવી ત્રણ વસ્તુ તરફ તે બેદરકાર રહે છે. તે છે પ્રેમ, શ્રધ્ધા અને શાંતિ. આપણે પણ આ બધા માટે લાખ ઉધામા શા માટે કરીએ છીએ? શાંતિથી જીવન જીવવા માટે આપણે મથીએ છીએ અને ઊભી થાય છે અશાંતિ. એનું કારણ શું છે? મશીન રાગે રાગે ત્યારે જ ચાલે છે, જ્યારે એનું એકેએક ચક્કર વ્યવસ્થિત હોય. એકાદું ચક્કર પણ અવ્યવસ્થિત થઇ જાય તો આખું મશીન ખોટવાઈ જાય.
આવું જ આપણાં જીવન માટે હોય તો જરા તપાસ કરવી જોઈએ કે આપણા જીવનરૂપી રથને વ્યવસ્થિત ચલાવનારાં ચક્રો કેટલાં અવ્યવસ્થિત થઈ ગયા છે.
જમાનો બદલાતો જાય છે. આજે જ્યાં જુઓ ત્યાં ભપકો જ ભપકો. સાદાઈ કોઈને લગીરે ખપતી નથી. શહેરની રંગીન રોશનીથી અંજાઈને ગામડાંઓમાંથી હજારો કુટુંબો દિનપ્રતિદિન શહેરવાસી બને છે. પછી શહેરી સભ્યતા પ્રમાણે રહેવું પડે છે. ભલે સાંકડુંમાંકડું ઘર હોય, છતાં સોફાસેટ તો જોઈએ. રેડિયો વિના પણ કેમ ચાલે? મહિનામાં એકાદ-બે વખત સિનેમા – નાટક પણ જોવા જોઈએ.
આધુનિક યુગની વધતી જતી કહેવાતી જરૂરીયાતોને પહોંચી વળવા પુરુષને રાતદિવસ કાળી મજૂરી કરવી પડે છે. ગામડામાં તો કેળી જેવા કામમાં ઘરના બધાં જ સભ્યો કામમાં આવતાં, જ્યારે શહેરમાં તો ઘરના તમામ ખર્ચની જવાબદારી મુખ્ય માણસ પર આવી પડે છે. ગામડામાં બાજરીના રોટલા અને દાળથી ચાલે. ત્યારે શહેરમાં દાળ, ભાત, રોટલી, શાક, અથાણાં, પાપડ, રાયતાં વગેરે જોઈએ.
સોડ પ્રમાણે સારો થાય ત્યાં સુધી તો સારું, પણ આજે તો દેખાદેખીથી ગાડી ગબડે છે. જેવું ઘરખર્ચમાં. વિવાહ જેવું રૂડું ટાણું લોકો છૂટે હાથે ખર્ચા કરીને દિપાવે છે. પાસે પૈસા ન હોય તો દેવું કરીને સારું દેખાડે છે. પરિણામ એ આવે છે કે દંપતીને માથે કરજનો બોજો વધે છે. આ કરજનું વ્યાજ ચૂકવવામાં બધી કમાણી હોમાઈ જાય છે. દંપતી દોડે છે સુખ માટે ને ઊભાં થાય છે દુઃખ.
ખોટો ભપકો કરીને ઊભી કરેલી આર્થિક સંકડામણ ઘરની શાંતિને ગુંગળાવે છે.
આ અર્થયુગમાં સૌએ પૈસા પાછળ આંધળી દોટ મૂકી છે. સુખના મૂલની માવજત કરવાને બદલે સૌએ તેનાં ડાળાં-પાંખડાની માવજત કરવા માંડી છે.
સુખ પૈસામાં નથી, પણ સાચી સમજણમાં છે. પૈસામાં જ સુખ હોત તો મોટા મોટા શેઠિયાઓ પરમ સુખી હોત. પૈસો કદી સુખનું કારણ બન્યો નથી.