ચર્મરોગો – અને હોમીઓપેથી … (૭)

ચર્મરોગો –  અને હોમીઓપેથી  … (૭)…એવા  રોગ કે  જેમાં ક્યારે મટશે નો કોઈ જવાબ નથી – પણ હોમીઓપેથીમાં મટશે એવો જવાબ જરૂર છે :
-ડો. પાર્થ માંકડM.D. (HOM)
(સ્વાસ્થ્યની વાત મનમાં આવે એટલે તરત જ આપણા મનમાં ડર મિશ્રિત ચિંતા ડોકાય,  ને થોડા attention (વિચારણામાં)માં પણ આવી જઈએ. મોટેભાગે આપણે બધા જ પૈસા, સંબંધો અને સ્વાથ્ય આ ત્રણેય માટે હંમેશ અસુરક્ષિતતા ની લાગણી ને સતત સાથે લઇ ને ચાલીએ છીએ. આવા સંજોગોમાં સ્વસ્થ જીવન જીવવા માટે ની જરૂરી બાબતો જાણવીને એનું જરૂરિયાત મુજબ નું application આ બને બાબતો કદાચ આપણને નીરોગી રાખવામાં બહુ અગત્ય નો role play- (ભૂમિકા ભજવી) કરી શકે. ડૉ.પાર્થ માંકડ દ્વારા અહી અપાતા લેખ એ સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ એમાં હોમીઓપેથી ના role ની, (ભૂમિકાની) જાગૃતિ ના  હેતુ થી શરુ કરાયેલું ખિસકોલી કાર્ય છે…. ડૉ.પાર્થ માંકડ દ્વારા ‘દાદીમા ની પોટલી’ -http://das.desais.net – બ્લોગ પર નિયમિત રીતે  પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના આભારી  છીએ. તેમના અન્ય લેખ વાંચવા અને સાથે સાથે અન્ય સામગ્રીઓ  માણવા આપ સર્વે બ્લોગર મિત્રો તેમજ ફેશબુક પર ના મિત્રો  આપના મંતવ્યો – પ્રતિભાવ  બ્લોગ પોસ્ટ મૂકી આભારી કરશો.)ચામડી ના દર્દો – આ વિષય કોઈ પણ ડોક્ટર માટે આમ જોવા જઈએ તો સૌથી સહેલો ને આમ જોવા જઈએ તો સહુથી અઘરો કહી શકાય. અઘરો એટલા માટે કે ચામડીનું કોઈ પણ દર્દ મોટેભાગે ખુબ હઠીલું હોય છે. શિવાય કે એ માત્ર ને માત્ર કોઈ બાહ્ય ઇન્ફેકશન ને કારણે થયેલું હોય. એ શેનાથી થયું એ સમજાવવું પણ મુશ્કેલ અને એ ક્યારે મટશે એ કહેવું  એથી વધુ મુશ્કેલ. હજી જાણે એ ઓછું હોય એમ એ ફરી પાછું તો નહિ થાય ને એ કહેવું તો જાણે અશક્ય. કારણ કે મોટા ભાગના ચામડીના દર્દો પછી એ ખરજવું હોય, દાદર હોય કે સોરીઆસીસ  હોય એક ય બીજા રસ્તે ફરી પાછો ઉથલો મારતા જ હોય છે.
આવું શા માટે ?… કારણ એટલું જ કે મોટેભાગે આપણે ચામડીના દર્દને બહારથી ઠીક કરવા નો પ્રયત્ન કરતા હોઈએ છીએ . એના મૂળને શોધીને એના  કારણને અંદરથી દુર કરવાને બદલે, મોટેભાગે આપણે બહારથી એ દેખાતું કેટલું બંધ થયું એના પર જ આપણું ફોકસ રાખતા હોઈએ છીએ.

એક વાત ખુબ જ સરળ છે કે કોઈ પણ ખરજવું કે ચામડી નો રોગ કઈ બહારથી આવીને તો ચામડી પર લાગી નથી ગયો, એ પેદા થયો છે અંદરથી…તો એની દવા પણ અંદરથી જ કરવી પડે જેના પરિણામ સ્વરૂપ બહારથી એના ચિન્હો દેખાવાના બંધ થાય. આ વાત ઉપર હું ભાર ખાસ એટલે આપું છું કે, એક ક્લાસિકલ હોમિઓપેથિક પ્રેક્ટીસ કરતા હોવાના કારણે હું મોટેભાગે કોઈ પ્રકારના બહારથી લગાડવાના ક્રીમ વગેરે આપતો નથી, ત્યારે મોટેભાગે દર્દી ને એ સવાલ રહેતો  હોય છે કે ક્રીમ કે એવું ચોપડવાનું કઈ જ નહિ ? પણ એનો જવાબ એ જ છે પ્રિય વાચકો કે, ….
ક્રીમ વગેરે લગાડવાથી જે કઈ પણ ચામડી પરનું ચિન્હ હશે એ તો જતું રહેશે, પણ અંદરથી રોગ દુર થયો કે નહિ એનો અંદાજ કઈ રીતે આવશે?

યાદ  રહે ,રોગ નો ઉપચાર કરવો  એટલે સૌ પ્રથમ અંદરથી એ રોગનું મૂળ કે જડ દુર થવી ને પછી એની બહાર દેખાતું ચિન્હ આપોઆપ દુર થવું, નહિ કે બહારનું ચિન્હ દુર થવું ને રોગનું મૂળ યથાવત રહેવું.
આ વાત માત્ર ચામડીના રોગમાં જ નહિ પણ પ્રત્યેક રોગમાં પણ એટલી જ લાગુ પડે છે.
ઘરમાં મચ્છરનો ઉપદ્રવ બંધ કરવો હોય તો મચ્છર માર્યા કરવા એનો ઉપાય નથી, એના ઉપદ્રવ પાછળ જવાબદાર બહાર ભરાયેલું ગંદકીનું ખાબોચિયું દુર કરવું પડે.
આપણે આગળ ઉપર ના લેખોમાં એક પછી એક બધા જ ચર્મરોગો વિષે અલગ અલગ વાત કરીશું પણ આ વાત એવી લાગી જે એ પહેલા કહેવી ખુબ જરૂરી હતી એમ લાગ્યું.

આ પ્રકારની ઘણી બધી ચર્મરોગની વાતો ને વર્ણનના  સ્વરૂપમાં લખીશ તો પાછુ ખુબ લાંબુ થશે પણ મુદ્દાસર કહી દઉં:

૧.] ચામડીના મોટાભાગના રોગ ખુબ જ હઠીલા હોય છે આથી એની સારવાર સતત બદલ્યા કરી ને સમય ગણ્યા કરશો તો ક્યારેય ફાયદો નહિ થાય.
૨.] મોટેભાગે એક સરખી એક ડોક્ટર પાસે લાંબો સમય, ધીરજ પૂર્વક દવા ચાલુ રાખવી.  જો કોઈ જ ફાયદો ના થાય તો જ ડોક્ટર બદલવા અને બદલ્યા પછી એમને પણ પુરતો સમય આપવો.
૩.] દવા લેવામાં ખુબ નિયમિતતા રાખવી.
૪.] ચામડીનો રોગ એટલે કઈ ગંદુ અથવા છુપાવા જેવું, અથવા કૈક ખોટું કાર્યની સજા ( ખાસ કરી ને કોઢ માટે ) – આવી તમામ માન્યતાઓ સદંતર ખોટી છે એટલે આવી ગ્રંથીઓથી દુર રહેવું. જે રીતે કોઈ ને ડાયાબીટીસ કે બ્લડ પ્રેશર હોઈ શકે કોઈ ને ખરજવું કે કોઢ કે સફેદ દાગ હોઈ શકે . – રોગ એટલે રોગ એમાં કઈ સારું ખોટું કે સાચું ખોટું હોઈ શકે જ નહિ.
૫.] ચામડીના દર્દો ને બહારના ક્રીમ વગેરે લગાવવાથી દબાવી  શકાશે, મટાડી નહિ જ શકાય; એટલે એવા બધામાં પડવા  ને બદલે હોમીઓપેથી કે આયુર્વેદ જેવી જડમૂળમાંથી રોગ દુર કરતી પેથીઓનો ઉપયોગ કરી શકાય. આપણને  જાણીને નવીન  લાગશે કે અમારા કેટલાક  dermatologist – ચર્મ રોગ નિષ્ણાંત મિત્રો પણ હોમીઓપેથીક દવાઓ વાપરે છે એમના કલીનીકે, ને એ સ્વાભાવિક છે કારણ કે આ પ્રશ્ન પેથીનો નથી પણ દર્દી પર કયું ઔષધ વધુ સારું અને કાયમી કામ કરે છે એનો છે.
૬.] હોમીઓપેથી પેહેલા દર્દને બહાર કાઢશે એટલે બધું ચામડી પર બહાર આવશે તો? એવો ડર જો મનમાં હોય તો એને બિલકુલ દુર કરવો, હા, હોમીઓપેથીમાં ક્યારેક જરૂર કરતા દવાનો  પાવર વધુ   અપાઈ  જાય તો,  એને  માત્ર જ પ્રથમ ૨ – ૩ દિવસ જ દર્દ થોડું વધ્યું હોય એવું લાગે, પછી તરત સારું થવા લાગે. આથી ચામડીનો જુનો રોગ બહાર આવશે કે રોગ વધી જશે એવો ડર જરા પણ રાખવો નહિ.
ટૂંકમાં ધીરજ રાખીને ચામડીના રોગની મૂળમાંથી દવા કરાય તો તે જરૂર મટી શકે છે.  હા, સમય ૩ મહિના થી ૬ મહિના કે તેથી વધુ  ૧ વર્ષ થી ૫ વર્ષ સુધી નો હોઈ શકે. પેથી કોઈ પણ હોય આ વૈદક શાસ્ત્રની મર્યાદા છે, એ મનમાં સ્પષ્ટ કરી ને જ ચાલવું.
હોમીઓપેથીમાં એક તો આડઅસર નથી એટલે દવા લાંબો સમય લઈએ તો પણ વાંધો નહિ અને બીજું એ મૂળમાંથી રોગ ઓળખીને અપાય છે એટલે અકસીર ઈલાજ તરીકે પણ કામ કરે છે એથી ચામડીના દર્દ માટે તો ખાસ હોમીઓપેથના પગથીયા વિના સંકોચ ચડવા. આ વખતે દવાના નામ લખતો નથી કારણ કે આવનારા લેખોમાં જે તે દર્દ ની સાથે એના નામ આપવા વધુ હિતાવહ છે.
પ્લેસીબો :
” દર્દ દબાવવું અને દર્દ દુર કરવું એ બંનેમાં બહારથી એકસરખો જ ફેરફાર છે – દર્દના ચિન્હનું અનુભવાવું કે દેખાવું દુર થવું – પણ ફેરફાર  શરીરની અંદર છે.  એકમાં રોગ ફરી બેઠો થઇને દેખાવાની તૈયારી કરવા પુરતો શાંત રહે છે, ને બીજામાં એ રોગ શરીરમાંથી જ વિદાય લે છે. “
– ડૉ.પાર્થ માંકડ …
“આપ  આપના પ્રતિભાવો તેમજ આપને સતાવતા કે મનમાં ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછી શકો છો. ડો.પાર્થ માંકડ… આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે.  જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા  પ્રશ્ન કે રોગ બાબતે secrecy / અંગતતા રાખવાનો  પ્રશ્ન નડતો હોય તો તેમણે [email protected] ઉપર  અથવા તો [email protected] પર તેમની પૂરી વિગત પ્રશ્ન  સાથે જણાવવી. જેનો જવાબ તેમને  તેમના email ID પર મોકલી આપીશું. ” –