ગઝલ …. (રચિયતા – અનિલ ચાવડા…)

ગઝલ ….  (રચિયતા અનિલ ચાવડા..)
( મૂળ કારેલા (તા. લખતર, જિ. સુરેન્દ્રનગર)  ના વતની અને હાલ અમદાવાદમાં ફિલ્મ કથા-પટકથાના સ્ક્રીપ્ટ રાઈટર, ફિલ્મીગીત, નાટક, ડોક્યુમેન્ટરી, અનુવાદ, સંપાદન, રેડિયો નાટક વિ. નું લેખન કાર્યમાં  કાર્યરત  શ્રી અનિલભાઈ ચાવડા  ખૂબ સારા સાહિત્યકાર  છે. તેઓએ એમ.એ., બી.એડ, જર્નાલીઝમનો અભ્યાસ કરેલ છે.  તેમના કાવ્યો-ગઝલ તેમજ રચનાઓ ગુજરાતના તમામ સાહીત્યક સામાયિકોમાં પ્રસિઘ્ઘ થઈ  છે, તેમને સાહિત્યમાં ખુબજ રસ છે. તેઓએ ગુજરાતના અનેક શહેર તેમજ દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં કાવ્યપાઠમાં હિસ્સો લીધો છે. દાદીમા ની પોટલી પર તેમની આ સુંદર રચના પ્રકાશિત કરવાની ફરી અમોને તક આપવા બદલ તેમના  અત્રે અમો  ખૂબ ખૂબ આભારી છીએ..  તેમનો  સંપર્ક  તેમના ઈ મેલ એડ્રેસ [email protected] પર કરી શકાય છે.)
ગઝલ ….  (૧)


શ્વેત  ચાદર ને  ફૂલોના  હારનો  ઉપહાર આપ્યો,
મૃત્યુ વેળાએ તમે જબરો વળી શણગાર આપ્યો!

 

સૌપ્રથમ તો આગિયાની આંખનો ચમકાર આપ્યો,
ને  પછીથી  સૂર્યની  સામે  થવા  પડકાર  આપ્યો.

 

આપતા તો આપી દીધા હાથ બે દમયંતીના પણ,
તો  પછીથી  કેમ માછીમારનો અવતાર આપ્યો ?

 

પાંદડુંયે  જો  હલાવ્યું   તો   ખબર  મેં   મોકલાવ્યા,
મૂળ સોતાં ઝાડ તેં કાપ્યાં, છતાં અણસાર આપ્યો ?

 

આ તો એનું એ જ ને ? આમાં અમારી મુક્તિનું શું ?
ઇંટમાંથી   બહાર  કાઢી  ભીંતનો  આકાર  આપ્યો.

 

-અનિલ ચાવડા

 

ગઝલ .. (૨)
– અનિલ ચાવડા..

એકદમ  ગંભીર  એવા હાલ પર  આવી ગયા,
ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.

 

કોઇ બિલ્લી જેમ ઉતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયા.

 

એમણે  એવું  કહ્યું  જીવન  નહીં  શતરંજ   છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

 

શું હશે? સાચ્ચું હશે? અફવા હશે કે શું  હશે?
સર્વ રસ્તા એક્દમ દીવાલ પર આવી ગયા.

 

– રચિયતા… અનિલ ચાવડા…