મિક્સ વેજીટેબલ ભુરજી …

મિક્સ વેજીટેબલ ભુરજી … (Mix Vej. Bhurji) …

સામન્ય સંજોગમાં શિયાળામાં આપણે શરૂઆત થાય એટલે માર્કેટમાં નવા અને તાજા લીલાં શાકભાજી આપણને જોવા મળે છે. પરંતુ હવે તો સમય બદલાઈ ગયો છે, મોટાભાગના શાકભાજી આપણે બારેમાસ મેળવીએ છીએ. આજે આપણે  લીલાં વટાણા, ફ્લાવર (બંધ કોબી), કોબીચ (પતા કોબી), ગાજર, તેમજ અન્ય લીલાં શાકભાજીના ઉપયોગથી બનાવેલ મિક્સ્ડ વેજ. ભુરજી બનાવીશું. વેજ. ભુરજી તમને તેમજ તમારા પરિવારને બહુ જ પસંદ જરૂર આવશે.

સામગ્રી :

૪૦૦ ગ્રામ ફ્લાવર (૨-કપ) બારીક સમારી લેવું)

૨૦૦ ગ્રામ કોબીચ (૧-કપ) બારીક સમારી લેવી)

૧ કપ લીલાં વટાણા

૨ નંગ કેપ્સિકમ (સીમલા મિર્ચ)

૨૦૦ ગ્રામ પનીર (૧-કપ) બારીક છીણી લેવું)

૨-૩ નંગ ટામેટા (મીડીયમ આકારના )

૧-૨ નંગ લીલાં મરચા

૧ નંગ આદુનો ટુકડો ( ૧ઇન્ચ્ લંબાઈમાં )

૧૦૦ ગ્રામ દહીં (૧/૨ – કપ)

૪ ટે.સ્પૂન તેલ

૧/૨ નાની ચમચી જીરું

સાબુત / ખડા (ગરમ) મસાલા ..

૧૦ નંગ કાળા મરી

૪ નંગ કાળા મરી

૪ નંગ લવિંગ

૨ નંગ મોટી એલચી (ખોલી નાંખવી)

૧ નંગ નાનો ટુકડો તજ

૧/૨ નાની ચમચી હળદર

૧ નાની ચમચી ધાણા પાઉડર

૧/૪ નાની ચમચી મરચાનો પાઉડર (જો તમને પસંદ હોય તો)

૧-૧/૨ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૧૨-૧૫ નંગ કાજુ (૧ –કાજુ ના ૪-૫ ટુકડા થાય તેમ બધા સમારી લેવા)

૨૦-૨૫ નંગ કિસમિસ  ( ડાળખી કાપી અને સાફ કરી લેવી)

૧ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારી લેવી)

રીત :

ફ્લાવરને સાફ કરવું. (ફ્લાવરને સાફ કરવા એક વાસણમાં ગરમ પાણી (નવશેકું) લઇ તેમાં થોડું મીઠું અને હળદર નાંખી અને ઉંધુ ૪-૫ મિનિટ માટે ડૂબાડી દેવું,) જેને કારણે તેમાં રહેલ દવા અને જીવાત સાફ થઇ જશે.) પાણીમાંથી ફ્લાવર બહાર કાઢી અને તેને ચોખ્ખા પાણીથી ૨ વખત સાફ કરવું. અને ત્યારબાદ તેને બારીક સમારવું.

કોબિચને પણ સાફ કરી અને બારીક સમારી લેવી.

વટાણા સાફ ધોઈ અને સાફ કરી લેવા. સીમલા મિર્ચ પણ ધિ અને સાફ કરી અને બારીક સમારી લેવી.

ટામેટા, લીલાં મરચાં અને આદુ ને બારીક મિક્સરમાં પીસી લેવા. ટામેટામાં દહીં નાખીને ફરી એક વખત મિક્સરમાં ફેરવી લેવા જેથી ટામેટાના મસાલામાં દહીં બરોબર મિક્સ થઇ જાય.

 

આખા / સાબૂત ગરમ મસાલા ને કરકરા પીસી લેવા.

એક કડાઈમાં (૨)બે ટે.સ્પૂન તેલ ઉમેરવું અને ગરમ કરવું. ગરમ તેલમાં લીલાં વટાણા નાંખી અને તળી લેવા અને એક પ્લેટમાં અલગ બહાર કાઢી લેવા. બાકી વધેલા તેલમાં સમારેલી કોબી, સિમલા મિર્ચ ને ૨-૩ મિનિટ માટે તળી (ફ્રાઈ કરી) અને બહાર કાઢી લેવા.

કડાઈમાં બાકી વધેલ (૨) બે  ટે.સ્પૂન તેલ નાંખી અને તેલમાં જીરૂ નાંખી અને શેકવું, તે બ્રાઉન થાય એટલે ગરમ મસાલા (અધકચરા પીસેલા) તેમાં નાંખી અને આછા શેકવા. ત્યારબાદ, હળદર પાઉડર, ધાણાનો પાઉડર નાખવો. અને બાકીના પીસેલા મસાલા નાખવા ને ચમચાની મદદથી ધીરે ધીરે હલાવીને શેકવા, જ્યાં સુધી તેલ મસાલા શેકાઈને તેની ઉપર બહાર આવી ના જાય.

શેકેલા મસાલામાં સમારેલું ફ્લાવર નાખવું, અને એક વાસણ કડાઈ ઉપર ઢાંકી અને (૨) બે મિનિટ ધીમા તાપે પાકવા દેવું. ત્યારબાદ, ઢાંકણ ખોલી અને શાકમાં વટાણા, કોબીચ, સીમલા મિર્ચ, અને સમારેલું પનીર નાખવું.અને બધું મિક્સ કરવું. ત્યારબાદ, મીઠું, મરચું, કાજુ કિસમિસ. અને અડધી સમારેલી કોથમીર ન્બાખી અને શાકને પાંચ (૫) મિનિટ સુધી સારી રીતે પાણી સોકાઈ ના જાય ત્યાં સુધી ચમચાની મદદથી હલાવતાં રેહવું અને પાકવા દેવું.

બસ, ગરમા ગરમ સ્વાદિષ્ટ વેજ. ભુરજી તૈયાર છે. બાકી રહેલ કોથમીર તેની ઉપર છાંટી દેવી અને મિક્સ કરવી.

મિક્સ વેજ. ભુરજી એક કાચના વાસણમાં કાઢી અને રોટલી, પરોઠા કે ચોખા (ભાત) સાથે પીરસો અને ખાઓ.

મિક્સ વેજ ભુરજી બનાવવાની અન્ય એક રીત :

બધા શાક – ફ્લાવર, કોબીચ, વટાણા, સીમલા મિર્ચ નાના ટુકડામાં સમારી માઈક્રીવેવના વાસણમાં નાંખી અને વાસણ ઢાંકી ૩-૪ મિનિટ સુધી માઈક્રોવેવમાં રાખી અને પાકવા દેવું. ત્યારબાદ કડાઈમાં રહેલાં  શેકેલા મસાલામાં શાક, મીઠું, લાલ મરચાનો પાઉડર અને સમારેલી કોથમીર મિક્સ કરી અને શાકને ૩-૪ મિનિટ સુધી ચમચાની મદદથી હલાવતાં રેહવું અને પાકવા દેવું.

આ રીતે પણ મિક્સ વેજ. ભુરજી નું શાક સ્વાદિષ્ટ બને છે.

ભુરજીનું શાક તમારી પસંદગીની વધુ સારૂ બનાવા તમે લીલાં શાકભાજીમાં તમને પસંદ શાક હજુ ઉમેરી  શકો છો જેવાકા, બટેટા, ગાજર, વગેર. અને ઉપરોક્ત શાકમાંથી કોઈ પસંદ ના હોય તો તેની કમી પણ કરી શકો છો.

બ્લોગ લીંક: http://das.desais.net