ગીત અને ગઝલ (અનીલ ચાવડા)

દીકરીની વિદાય … ગીત : ૧

-અનિલ ચાવડા …

( મૂળ કારેલા (તા. લખતર, જિ. સુરેન્દ્રનગર)  ના વતની અને હાલ અમદાવાદમાં ફિલ્મ કથા-પટકથાના સ્ક્રીપ્ટ રાઈટર, ફિલ્મીગીત, નાટક, ડોક્યુમેન્ટરી, અનુવાદ, સંપાદન, રેડિયો નાટક વિ. નું લેખન કાર્યમાં  કાર્યરત  શ્રી અનિલભાઈ ચાવડા  ખૂબ સારા સાહિત્યકાર  છે. તેઓએ એમ.એ., બી.એડ, જર્નાલીઝમનો અભ્યાસ કરેલ છે.  તેમના કાવ્યો-ગઝલ તેમજ રચનાઓ ગુજરાતના તમામ સાહીત્યક સામાયિકોમાં પ્રસિઘ્ઘ થઈ  છે, તેમને સાહિત્યમાં ખુબજ રસ છે. તેઓએ ગુજરાતના અનેક શહેર તેમજ દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં કાવ્યપાઠમાં હિસ્સો લીધો છે. દાદીમા ની પોટલી પર તેમની આ સુંદર રચના પ્રકાશિત કરવાની ફરી અમોને તક આપવા બદલ તેમના  અત્રે અમો  ખૂબ ખૂબ આભારી છીએ..  તેમનો  સંપર્ક  તેમના ઈ મેલ એડ્રેસ [email protected] પર કરી શકાય છે.)ગીત : ૧
દીકરીની વિદાય ..
આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હુંફાળું
મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
દીકરી જાતા એમ લાગતું
ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું
ગમે એટલું સીવો
જેની પગલી પડતાં સઘળે થઇ જાતું રજવાડું
મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
રંગોળીમાં પડશે નહીં રે
પહેલા જેવી ભાત
દૂર દૂર રે ચાલી જાશે
ઘરની આ મિરાંત
આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

 

ગઝલ : ૧


કોઈ અડ્યું તો કમાલ થઇ ગઈ,
ભીતર ધાંધલ ધમાલ થઈ ગઈ.

 

કોઈ  આંખ જો  ભીની  થઇ તો,
કોઈ આંગળી રૂમાલ થઇ ગઈ.

 

પંખીએ   બે    ટહુકા   વેર્યા,
હવા બધી ગુલાલ થઇ ગઈ.

 

શુભ      સંદેશા      ડાળે     ડાળે,
ઋતુઓ સઘળી ટપાલ થઇ ગઈ.

 

વાત કરી જ્યાં ઝાકળની ત્યાં,
સૂરજ સાથે બબાલ થઇ ગઈ.

 

રચિતા : અનીલ ચાવડા …