ગઝલ …(ભાવેશ ભટ્ટ)

ગઝલ : ૧ (ભાવેશ ભટ્ટ)

 

દુઃખ નથી એનું કે વિરામ નથી,
કામ  કહેવાય  એવું કામ નથી.

 

એટલે  શોધતો  નથી હું મને,
મારી ઉપર કોઈ ઇનામ નથી.

 

તારે સંબંધ બાંધવો છે ? બોલ !
કોઈ  મારી અટક કે  નામ નથી.

 

એક   બાબતમાં   હુંય   ઈશ્વર    છું,
આમ છું પણ ખરો અને આમ નથી.

 

માળીના  હાથમાં  હતી  કાતર,
બાગમાં  તોય  દોડધામ  નથી.

 

 

ગઝલ :૨

તારા વિશે વિચારવું તો રોજનું  થયું,
ખુદનું ગળું દબાવવું તો રોજનું થયું.

 

ગભરાઈ જાવ છો તમે રજકણના ભારથી?
રણને   ખભે   ઉપાડવું  તો  રોજનું   થયું.

 

લાગી છે આગ ચોતરફ તારા અભાવની,
એનાથી  ઘર   બચાવવું તો રોજનું  થયું.

 

તારું કશુંક આપવું તેહવાર  જેવું  છે,
મારું બધું જ માંગવું તો રોજનું થયું.

 

* ભાવેશ ભટ્ટ *
કવીસંપર્ક: બી-6, ચીત્રકુટ એપાટર્મેન્ટસ-2, દેવાશીષ સ્કૂલની સામે, બોડકદેવ
અમદાવાદ-380 054 ઈ-મેઈલઃ [email protected]
મોબાઈલ 92274 50244