અહંકાર …

અહંકાર …

અહંકાર જીતવો કઠણ …
બીજા બધાનાં અભિમાન ધીમે ધીમે ઓસરે પણ, સાધુનું સાધુપણાનું અભિમાન એમ ઓસરે નહીં.
જે વાટકામાં લસણ વાટ્યું હોય તેણે અનેકવાર ઉટકો તોય ગંધ જાય નહીં. અહંકાર અજ્ઞાનનું એવું વલણ છે કે એ કદી સંપૂર્ણપણે નાશ પામતું નથી, ભલે તમે ગમે તેટલું મથો.
પિત્તથી પીડાતો માણસ જાણે છે કે એને માટે ખટાશ નુકશાનકારક છે પણ, સંગનું જોર એટલું છે કે, ખાટા પદાર્થો જોતાં એના મોંમાં પાણી આવે છે. એટલે, ‘ હું –પણા’ ના ભાવને વશ કરવા માણસ ગમે તેટલો યત્ન કરે છતાં, મનુષ્ય કાર્યરત થાય છે કે તરત જ ‘કાચો અહં’ માથું ઉંચકે છે.
બહુ થોડા માણસો સમાધિ પ્રાપ્ત કરી શકે છે અને અહંને –અંદર રહેલાં ‘હું’ ના ભાવને – છોડી શકે છે. સાધારણ રીતે એ જતો નથી. તમે કોટિ વિચાર કરો પણ, આવતી કાલે એ ફરી ફૂટી નીકળશે.
નામ અને કીર્તિને ઝંખતા લોકો મોહમાં છે. એ બધા ભૂલી જાય છે કે, બધું વિશ્વનિયંતા નક્કી કરે છે. બધું કેવળ ઈશ્વરાધીન જ છે. જ્ઞાની, હંમેશા કહે છે, ‘એ તું છો, પ્રભુ એ તું છો,’ પણ અજ્ઞાની અને મોહાંધ ‘હું, હું’ કરે છે.
‘પાકો અહં’ અને ‘કાચો અહં’
‘અહં’ બે પ્રકારના છે, એક ‘પાકો’ ને બીજો ‘કાચો.’ ‘કંઈ જ મારું નથી, હું જે કંઈ જોઉં છું, અનુભવું છું કે સાંભળું છું તે કંઈ, અરે, આ દેહ પણ, મારો નથી, હું નિત્ય મુક્ત છું, જ્ઞાનસ્વરૂપ છું.’ આવા વિચાર ‘પાકા અહં’ માંથી ઊઠે છે. ‘આ મારું ઘર છે, આ મારું સંતાન છે, આ મારા પત્ની છે, આ મારું શરીર છે’ – આ પ્રકારના વિચારો ‘કાચો અહં’ પ્રગટ કરે છે.
‘હું ઈશ્વરનો સાદ છું’, એમ્ કહે તે સાચો ભક્તનો ‘અહં’ છે. એ વિદ્યાનો અહં છે ને ‘પાકો’ અહં કહેવાય છે.
‘દુષ્ટ અહં’ કેવો છે ? જે ‘હું’ કહે છે, ‘શું, એ મને ઓળખાતા નથી ? મારી પાસે આટલો પૈસો છે ! મારા જેવો પૌસાદાર બીજો કોણ છે? મારાથી ચડિયાતું થવાની કોની દેન છે?’
માણસને સંસારી બનાવે, કામ અને કાંચનથી  બાધ્ય છે તે અહં દુષ્ટ છે. જીવ અને બ્રહ્મની વચ્ચે આ ‘હું’ ભેદ કરે છે. પાણીની સપાટી ઉપર લાકડી રાખવામાં આવે તો બે ભાગ કર્યાં છે એમ દેખાય. એ લાકડી આ અહં છે. એણે ઉપાડી લો અને પાણી પાછું એકરૂપ થઈ જાય.
અહંકારને કેમ વશ કરવો …
આપણે ‘હું’ નો વિચાર કરીશું તો, ઊંડા ઊતરતાં જણાશે કે, અહંકાર નિર્દેશનો એ કેવળ એક શબ્દ છે. પણ એને ખંખેરવો ખૂબ કઠણ છે. એટલે આપણે કેહવું જોઈએ, ‘રે, દુષ્ટ અહં ! તું કોઈ રીતે પણ જવાનો નથી તો, ઈશ્વરનો દાસ થઇ ને રહે.’ ‘હું ઈશ્વરનો દાસ’ એમ માનનાર ‘અહં’ તે ‘પાકો અહં’.
શંકરાચાર્યનો એક શિષ્ય હતો. ઘણા લાંબા વખતથી એ ગુરુની સેવા કરતો હોવા છતાં, ગુરુ એને કંઈ ઉપદેશ દેતા ન હતા. એક વાર શંકરાચાર્ય એકલા બેઠા હતા ત્યારે, પાછળથી કોઈના આવવાનાં પગલાં એમણે સંભળાયાં એટલે એમણે પૂછ્યું, ‘કોણ છે ?’ શિષ્યે કહ્યું, ‘હું છું.’ એટલે આચાર્ય બોલ્યા, ‘આ ‘હું’ તેને આટલો વહાલો હોય તો, એને અનંત સુધી વિસ્તાર ને કાં, એનો સદંતર ત્યાગ કર.’
આ હું-પણાને તમે તાજી શકો એમ નથી એમ તમને લાગે તો, એને દાસ અહંકાર તરીકે રાખો. ‘હું ઈશ્વરનો દાસ છું, હું એનો ભક્ત છું.’ આ ચિંતનમાં કેંદ્રિત અહંથી બહુ ડરવાનું નથી. મીઠાઈ ખાવાથી અમ્લતા પેદા થાય પણ સાકર એમાં અપવાદ છે. દાસ અહંકાર, ભક્તનો અહંકાર, બાળકનો અહંકાર-આ દરેક પાણીની સપાટી ઉપર લાકડીથી દોરેલી લીટી જેવો છે; એ લાંબુ ટકતો નથી.
બીજી મીઠાઈની જેમ ગાંગડા સાકરની કોઈ ખરાબ અસર નથી હોતી તેમ, પોતાને ઈશ્વરનો દાસ કે ભક્ત માનનાર ‘પાકા’ અહંની, ‘કાચા’ અહંની માફક, કોઈ ખરાબ અસર થતી નથી. ઉલટ પક્ષે, એ ઈશ્વર ભણી લઇ જાય છે અને, માણસે ભક્તિયોગને પંથે કરેલી પ્રગતિ સૂચવે છે.
‘દાસ-અહં’ વાળી વ્યક્તિની લાગણીઓ અને આવેગોનું સ્વરૂપ કેવું હોય છે ? એનો ભાવ પાકો અને સંનિષ્ઠ હોય તો, એની અગાઉની લાગણીઓ અને આવેગોનું માત્ર દેખાવનું રૂપ રહે છે. ‘દાસ-અહં’ કે ‘ભક્ત-અહં’ રહે તોય, ઈશ્વરનો સાક્ષાત્કાર કરનાર કોઈનું બૂરું કરી શકતો નથી. વ્યક્તિત્વનો ડંખ એનામાંથી દૂર થઇ જાય છે. પારસમણિના સ્પર્શે લોઢાની તલવાર સોનાની થઇ જાય છે. પહેલાંનો આકાર એ જાળવી રાખે છે પણ કોઈને ઇજા નથી પહોંચાડતી.
તમારે ગર્વ કરવો હોય તો, તમે ઈશ્વરનાં દાસ છો, ભક્ત છો અને ગર્વ કરો. મોટાં માણસોનો સ્વભાવ બાળક જેવો હોય છે. ઈશ્વર પાસે તેઓ હંમેશાં બાળક જ હોય છે; એટલે તેઓ ગર્વથી મુક્ત હોય છે. એમની બધી શક્તિ ઈશ્વરી છે, તેમની પોતાની નથી. એ ઈશ્વરી છે ને ઈશ્વર પાસેથી આવે છે.
ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે એવો વિશ્વાસ જેને છે તે, જાતને ઈશ્વરના હાથનું સાધન જ સમજે છે. પછી એ આ જીવનમાં બધાં બંધનથી મુક્ત છે. ‘હે પ્રભુ, તું તારું કાર્ય કરે છે’ પણ માણસ કહે છે, ‘હું કરું છું.’
‘હું જાણું છું,’ કે ‘હું નથી જાણતો.’ એમ જ્યાં સુધી માણસ કહે ત્યાં સુધી, વ્યક્તિત્વનો બોધ રહે છે, મારી ભવતારિણી મા કહે છે, ‘તારામાંના સંપૂર્ણ અહંને મેં ભૂંસી નાખ્યો છે એટલે તો તું નિર્વિકલ્પ સમાધિ પામી શકે છે.’ ત્યાં સુધી મારી સામે અને મારામાં ‘હું-પણું’ છે.
પોતાની નિમ્ન પ્રકૃતિની સાથે ખૂબ સંઘર્ષના વ્યાપાર પછી અને આત્મજ્ઞાન ભણી લઇ જતી તીવ્ર આધ્યાત્મિક સાધના પછી મનુષ્યને સમાધિ દશાને પામવી બહુ કઠિન છે. અહંકારનું જોર ઘણું છે. એટલે તો આપણે ફરી ફરી આ સંસારમાં જન્મ લઈએ છીએ.
ઈશ્વર દર્શનની કૃપા નથી થઇ, પોતાનામાં રહેલી હલકી ધાતુ પારસને સ્પર્શે સોનું નથી બની ત્યાં સુધી, કર્તાપણાનો ભ્રમ રહેવાનો. આ ભ્રમ દૂર ન થાય ત્યાં સુધી, ‘આ સાચું ને પેલું નઠારું કામ મેં કર્યું છે,’ એ ભેદબુદ્ધિ રહેવાની. માયા એટલે જ ભેદબુદ્ધિ અને, એને આધારે તો સંસાર ચાલે છે. માણસને સત્પથે લઇ જાય તે, દિવ્યશક્તિના સત્વગુણથી સભર, વિદ્યામાયાનું શરણ લેનાર ઈશ્વરને પામે છે. આ દેહધારી સ્વરૂપમાં પણ જે ઈશ્વરને જ સાચો કર્તા અને પોતે જાતે કશું કરવા શક્તિમાન નથી એમ જાણે છે તે જ ખરો મુક્ત છે.
(૦૫/૦૧/૪૪) (૦૪/૦૧/૦૪)
સિદ્ધ પુરુષનો અહંકાર …
શું અહં-ભાવ કદી પૂરો નાશ નહીં પામે ? સમય થતાં કમળની પાંખડીઓ ખરી પડે છે પણ એમનો ડાઘ રહી જાય છે. ઈશ્વર સાક્ષાત્કાર કરનારનો અહં એ રીતે સંપૂર્ણપણે નાશ પામે છે પણ અગાઉના અસ્તિત્વની નિશાનીઓ રહી જાય છે; પણ એની કશી વિપરિત અસર થતી નથી.
જેણે ઈશ્વરદર્શન કર્યું છે તે સાચો જ્ઞાની. એ બાળક જેવો બની જાય છે. અલબત્ત, બાળકને પણ પોતાનું વ્યક્તિત્વ હોય છે, પોતાની અલગ અસ્મિતા હોય છે પણ, એ વ્યક્તિત્વ આભાસી છે, સત્ય નથી. બાળકનું હું પણું મોટા માણસના હુંપણા – જેવું નથી હોતું.
કેટલાક મહાત્માઓ સમાધિને સાતમે શિખરે પહોંચી ઈશ્વરભાવમાં લીન થયા હોય છે તેઓ, માણસજાતના કલ્યાણ માટે આધ્યાત્મિક ઊંચાઈએથી નીચે આવે છે. તેઓ વિદ્યાનો અહં રાખે છે જે ઊર્ધ્વતર અહં છે. પણ એ અહં કેવળ આભાસી છે. એ પાણી ઉપર દોરેલી લિટી જેવો છે.
સીંદરી બળે પણ વળ ન મૂકે; પણ પછી એ બાંધવાના કામમાં ન આવે. એ જ રીતે જ્ઞાનાગ્નિથી બળી ગયેલા અહંનું છે.
એક માણસને સ્વપ્ન આવ્યું કે કોઈક પોતાને મારી નાખવા આવી રહ્યું છે. ડરથી એ ચીસ સાથે જાગી જાય છે અને જુએ છે તો ઓરડો તો અંદરથી સાંકળ મારેલો છે અને, ઓરડામાં બીજું કોઈ નથી. છતાં, થોડી મિનિટ સુધી એનું હૃદય જોરથી ધબકે છે. એ જ રીતે આ અભિમાન કે ‘હું-પણું’ ચાલી ગયા પછી એનું થોડું જોર રહે છે.
સમાધી પામ્યા પછી પણ કેટલાક દાસનો કે ભક્તનો અહં રાખે છે. બીજાંઓના બોધ દેવા માટે શંકરાચાર્યે વિદ્યાનો અહં રાખ્યો હતો.
હનુમાનને ઈશ્વરનાં સાકાર અને નિરાકાર બંને સ્વરૂપોના દર્શન પ્રાપ્ત થયાં હતાં. પણ એમણે દાસ-અહંકાર રાખ્યો હતો. નારદ, સનક, સનંદન અને સનત્કુમારનું પણ એવું જ હતું.
એક ભક્ત: નારદ અને બીજા સૌ માત્ર ભક્તો હતા કે જ્ઞાનીઓ પણ હતા.
ઠાકુર: નારદ અને આ સૌએ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. છતાં એ સૌ ઝરણાની પેઠે ભગવાનનાં ગુણગાન ગાતા અને વાતો કરતા કરતા, આ બતાવે છે કે એમણે પણ જ્ઞાનનો અહં રાખ્યો હતો; પરબ્રહ્મમાં પૂરા લીન ન થતાં થોડું વ્યક્તિત્વ રાખ્યું હતું જેથી બીજાંઓને ધર્મનાં તારક સત્યો શીખવી શકાય.
એક વાર જરા ગમ્મતમાં શ્રીરામકૃષ્ણે પોતાના એક શિષ્યને પૂછ્યું, ‘તમે મારામાં જરાય અભિમાન જુઓ છો ? મારામાં જરાય અભિમાન છે ?’
શિષ્ય: હા મહાશય, થોડુંક છે પણ એ થોડુંક નીચેના હેતુઓ માટે રાખ્યું છે, એક, દેહ ટકાવવા માટે; બે, ઈશ્વરની ભક્તિ કરવા માટે, ત્રણ., ભક્તોમાં ભળવા માટે; ચાર, બીજાંઓને બોધ આપવા માટે. સાથોસાથ એ પણ કહેવું જોઈએ કે, ખૂબ પ્રાર્થના કર્યાં પછી આપે એ રાખ્યું છે. આપની સ્વભાવિક પ્રકૃતિ સમાધિની છે એમ હું માનું છું. એટલે કહું છું કે આપ્ જે અભિમાન ધારણ કરી રહ્યા છો તે આપની પ્રાર્થનાનું પરિણામ છે.
ઠાકુર: બરાબર, પણ મેં નથી રાખ્યું, મારી જગદંબાએ રાખ્યું છે. પ્રાર્થનાનો સ્વીકાર જગદંબા પર આધારિત છે.
(૦૬/૦૧/૧૩/૮૪)
(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી સાભાર)