જ્ઞાનનું સાચું ધ્યેય …

જ્ઞાનનું સાચું ધ્યેય …

 

ધર્મગ્રંથો માત્ર ઈશ્વરનો રાહ ચીંધે છે. એક વાર રસ્તો જાણ્યા પછી, પોથાંઓનું શું કામ? પછી ઈશ્વર સાથે એકાંત સેવન કરી, આત્માનો વિકાસ સાધવો રહ્યો. ગામડે રહેતા કોઈ કુટુંબી તરફથી એક માણસને પત્ર મળ્યો, ‘મને આટલું આટલું મોકલજો.’ બજારમાં જતી વખતે ફરી પત્રમાં જોઈ મગાવેલી વસ્તુઓની ચોક્સાઈ કરવા માગતો હતો પણ એ પત્ર હાથ આવતો ન હતો. ખૂબ તલાશને અંતે, પત્ર જડતાં એ ખુશ થયો. એ ફરી વાંચી ગયો : ‘પાંચ શેર મીઠાઈ લાવજો, સો નારંગી અને કાપડના આઠ તાકા લાવજો’ આ જાણ્યા પછી પત્ર કચરામાં ફેંકી દઇ એ ખરીદવા નીકળ્યો.
તો આવા પત્રની જરૂર ક્યાં સુધી? એને વિગતવાર જાણીએ નહીં ત્યાં સુધી. વિગતો જાણ્યા પછી, મગાવેલી ચીજો લાવવાનું બીજું પગલું ભરવાનું. એ જ રીતે, ધર્મગ્રંથો ઈશ્વરને પામવાના માર્ગની, સાધનની, વાત કરે છે. એ માર્ગ જાણી લીધા પછી, ધ્યેયે પહોંચવા આગળ વધવાનું છે. સાક્ષાત્કાર ધ્યેય છે.
જેના દ્વારા ઈશ્વર જ્ઞાન થાય તે પરાવિદ્યા, શાસ્ત્રો, તત્વજ્ઞાન, તર્ક, વ્યાકરણ, બધું જ, મનને ગૂંચવે છે ને મન પર ભારણ કરે છે. ગ્રંથો કેટલીક વાર ગ્રંથીઓ બને છે. ઉચ્ચ જ્ઞાન ભણી લઇ જાય તો જ તે ઉપયોગી છે.
પોથીઓ પઢયા સિવાય ઈશ્વરજ્ઞાન પ્રાપ્ત ન થાય એમ ઘણા માને છે. પણ વાચન કરતાં શ્રવણ ચડિયાતું છે અને એથીયે ચડિયાતું છે જોવું કે અનુભવવું. માત્ર પોથી વાચન કરતાં, ગુરુમુખેથી સાંભળેલા સત્ય, મન ઉપર વધારે ગાઢ અસર કરે છે પણ નજરે જોવાની અસર એથી ય વધારે ગાઢ છે. વારાણસી વિશે વાંચવા કરતાં, ત્યાં જઈ આવેલા પાસેથી વારાણસી વિશે સાંભળવું વધારે ફાયદાકારક છે અને એથીયે વધારે ચડિયાતું છે જાતે જઈ પોતાની આંખે વારાણસી જોવું તે.
કેવળ બે પ્રકારના માણસોને આત્મજ્ઞાન થાય : પુસ્તકિયા જ્ઞાનનો ભાર જેમણે જરાય નથી કચડતો તે, અર્થાત્, જેમનું મન ઉછીના વિચારોથી ઉભરાતું નથી તે અને, બધાં શાસ્ત્રો, ધર્મગ્રંથો વાંચ્યા પછી જેઓ એ તારણ પર આવ્યા છે કે, ‘અમે કંઈ જ જાણતા નથી.’
લોકો ભ્રમ અને વહેમોની વાતો કરે છે ને પોતાના પુસ્તકજ્ઞાનનો ઘમંડ કરે છે; પણ નિષ્ઠાવાન ભક્તને સહાય કરવા કૃપાવાન ઈશ્વર સદા હાજર હોય છે, એ થોડો સમય ખોટે માર્ગે ગયો હોય તોય ભલે. એને શેની જરૂર છે તે પ્રભુ જાણે છે અને અંતે, એના હૃદયની વાંછના પૂરી કરે છે.
બે મિત્રો એક આંબાવાડીમાં ગયા. દુન્યવી ડાહપણવાળો હતો તે કેટલા આંબા છે ને દરેક ઝાડ પર કેટલી કેરી છે તે ગણવા લાગ્યો. અને આખા આંબાવાડીયાની કિંમત આંકવા લાગ્યો. એનો સાથી આંબાવાડીના માલિક પાસે ગયો. એની સાથે દોસ્તી કેળવી અને પછી, એ માલિકની ઈચ્છા મુજબ એક ઝાડ પર ચડી, કેરી ઉતારી, ખાવા લાગ્યો. બેમાં કોણ વધારે ડાહ્યો ? કેરી ખાઓ; એથી ભૂખ ભાંગશે. ઝાડ કેટલાં ને પાંદડાં કેટલાં એ ગણતરીનું શું કામ છે? બુદ્ધિનો ઘમંડ કરનાર સૃષ્ટિની કારણમિમાંસામાં  વ્યસ્ત થઇ જાય છે, જ્ઞાનથી નમ્ર માણસ સષ્ટા સાથે મિત્રતા કેળવે છે અને પ્રભુએ આપેલ પરમાનંદને ભોગવે છે.
જે ખરે જ જ્ઞાનની દેવી છે તે મારી મા જગદંબા તરફથી જ્યોતનું એક કિરણ જેને સાંપડે તેનામાં સૌથી મોટા પંડિતને પણ જમીન પર ઘસડાતા અળસિયા જેવો બનાવી દે છે.
ગીતા શબ્દ જલ્દી જલ્દી વારંવાર બોલો – ગીતા, ગીતા … ‘ગીતા’ એ ‘તાગી’ જેમ બોલાશે. તાગી-ત્યાગી-એટલે ઈશ્વરને માટે સંસારનો ત્યાગ કરનાર. આમ ગીતા એક શબ્દમાં જ શીખવે છે : ‘સંસાર બદ્ધ લોકો, ત્યાગ કરો ! બધું તજી દો અને, ઈશ્વરમાં મન લગાડો.
(-‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ માંથી સભાર)
(૧૨/૦૧/૧૩/૩૬૪)