ભરવાં (સ્ટફ્ડ) પનીર કોફતા …

ભરવાં (સ્ટફ્ડ) પનીર કોફતા …

સ્ટફ્ડ પનીર કોફતા સાંજે જમતા પહેલાં સ્ટાર્ટઅપ તરીકે પણ ખાઈ શકાય છે અને ગ્રેવી બનાવી શાક તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે.

પનીર કોફ્તામાં ભરવા માટેનું મિશ્રણમાં,  બાફેલા બટેટાની જગ્યાએ બાફેલી પાલક, છીણેલું ફ્લાવર, નાના-નાના ટૂકડાઓમાં સમારેલ બીન્સ, છીણેલું કોબી વગેરે જે પસંદ હોય તે શાકભાજી પૂરણ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. ઉપરોક્ત મિશ્રણ આપણે પનીરમાં ભરીએ છીએ, જો તેમ પસંદ ના હોય તો બટેટાના માવામાં પનીરનું મિશ્રણ ભરી શકાય. જે પોટેટો સ્ટફ્ડ (પનીર) કોફતા બની જશે. પરંતુ આજે આપણે સ્ટફ્ડ પનીર કોફતા બનાવીશું.

કોફતા બનાવવા માટે સામગ્રી :

સામગ્રી :

૩૦૦ ગ્રામ પનીર

૩ ટે.સ્પૂન આરારૂટ

૪ નંગ બાફેલા બટેટા

મીઠું સ્વાદ અનુસાર

૧/૪ નાની ચમચી (થોડી ઓછી લેવી) હળદર

૨ નંગ લીલાં મરચા

૧ ટુકડો આદુ (૧ ઈંચ લંબાઈનો) (છીણી લેવું)

૧/૨ નાની ચમચી ધાણા પાઉડર

૧/૪ નાની ચમચી (થોડો ઓછો) આમચૂર પાઉડર

તેલ કોફતા તળવા માટે

 

ગ્રેવી બનાવવા માટે સામગ્રી :

 ૪-૫ નંગ મધ્ય કદના ટામેટા

૨-૩ નંગ લીલા મરચા

૧ નંગ આદુનો ટુકડો (૧-ઈંચ)

૨ ટે.સ્પૂન તેલ

૧/૪ નાની ચમચી જીરૂ

૧ ચપટીક (પીંચ) હિંગ

૧/૪ નાની ચમચી હળદર

૧ નાની ચમચી ધાણા પાઉડર

૨૦૦ ગ્રામ ક્રીમ (૧-કપ)

૨ પીંચ (ચપટીક) લાલ મરચાનો પાઉડર

૩/૪ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૧/૪ નાની ચાંચે ગરમ મસાલો

૨ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારેલી)

 

સ્ટફ્ડ પનીર કોફતા બનાવવા …

 

રીત :

પનીરમાં આરારૂટ અને ૧/૨ નાની ચમચી મીઠું નાખવું અને ખૂબજ સારી રીતે મસળવું અને પનીરને નરમ-મુલાયમ લોટ જેવું તૈયાર કરવું.

બટેટાની છાલ ઉતારી અને તેને મેસ / છુંદો કરવા. મીઠું, હળદર પાઉડર, લીલી મરચું, આદુ, લીલી કોથમીર અને આમચૂર પાઉડર નાંખી મિક્સ કરી, ખૂબજ બારીક લોટની જેમ ગૂંથીને પનીરમાં ભરવાનું મિશ્રણ તૈયાર કરી લેવું.

પનીરના મિશ્રણના ૧૨-૧૪ એકસરખા ગોળા બનાવી લેવા. બટેટાના મિશ્રણના પણ એટલા જ ગોળા બનાવી લેવા.

પનીરના ગોળાને હાથમાં લઇ અને તેને બીજા હાથની મદદ વડે દાબીને ચપટો / પૂરી જેવો આકાર આપવો અને તેની ઉપર બટેટાના મસાલાવાળો ગોળો મૂકવો અને ત્યારબાદ, પનીરને ઉપર ચારેબાજુથી કવર કરી લેવું, કોઈ ભાગ ખૂલ્લો ના રહે તેમ અને ગોળ આકારમાં ગોળો તૈયાર કરવો. (કોઈને કોફતા લંબગોળ પસંદ હોય તો તે આકાર પણ આપી શકાય) બસ, આજ રીતે ધીરે ધીરે બધા પનીરના ગોળામાં બટેટાનું મિશ્રણ ભરી અને (કોફતા) ગોળા તૈયાર કરી લેવા અને એક પ્લેટમાં અલગથી રાખવા. તૈયાર થયેલ ગોળાને સેટ કરવા ૨૦ મિનિટ સુધી ફ્રીઝમાં રાખવા, ( જો પનીરને બદલે બટેટાનું પડ બનાવ્યું હોય, તો તેને સેટ કરવાની જરૂર નથી.)

કોફતા તળવા માટે એક કડાઈમાં તેલ નાંખી ગરમ કરવું. તેલ ગરમ થઇ ગયા બાદ, એક સાથે ૪-૫ કોફતા ગરમ તેલમાં નાંખવા. અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવા. અને ત્યારબાદ, એક પ્લેટમાં કિચન પેપર પાથરી અને તેની ઉપર અલગ રાખવા. આજ રીતે બધા કોફતા તળી લેવા.

(પનીર કોફતા તૈયાર  છે આ કોફતાનો તમે સ્ટાર્ટઅપ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.)

ગ્રેવી બનાવવા …

રીત :

ટામેટાને ધોવા અને મોટા ટુકડામાં સમારવા. લીલાં મરચાની ડાળખી તોડી, ધોઈ લેવા. આદુને છોલીને ધોઈ લેવું અને નાના ટુકડામાં સમારવું. બધી જ વસ્તુ મિક્સરમાં નાંખી બારીક મસાલામાં પીસી લેવી.

એક કડાઈમાં તેલ નાંખી અને ગરમ કરવું. ગરમ તેલમાં જીરૂ અને હિંગ નાંખવી. જીરૂ થોડું બ્રાઉન કલરનું થાય કે તરત, હળદર પાઉડર અને ધાણાનો પાઉડર નાખવો. મસાલો થોડો શેકવો અને શેકાઈ ગયા બાદ, ટામેટાનો પીસેલો મસાલો અને લાલ મરચાનો પાઉડર નાંખવો. અને ૨-૩ મિનિટ સુધી અથવા ટામેટા પાકી જાય ત્યાં સુધી સાંતળવું. હવે ક્રીમ નાંખી મસાલો ત્યાં સુધી સાંતળવો કે મસાલા ઉપર તેલ તરીને અલગ ઉપર /બહાર  દેખાવા લાગે.

શેકેલા/સાંતળેલા મસાલામાં ૨-કપ પાણી અથવા ગ્રેવી તમે જેટલી પાતળી કે ઘટ રાખવા માંગતા હોય, તે અનુસાર (/ મુજબ) પાણી, મીઠું અને ગરમ મસાલા ઉમેરવા (નાંખવા). ગ્રેવીમાં ઉફાળો આવે ત્યારબાદ, ૨-મિનિટ સુધી પાકવા દેવી. બસ, ગ્રેવી બની ગઈ છે. ગ્રેવીમાં કોફતા નાંખી અને ઢાંકી દેવી.

સ્ટફ્ડ પનીર કોફ્તાનું શાક તૈયાર છે. શાકને કાચના એક વાસણમાં કાઢી અને લીલી કોથમીર ઉપર છાંટી અને ગાર્નશિંગ (શણગારવું) કરવું.

સ્ટફ્ડ પનીર કોફ્તાનું શાક રોટલી, નાન,પરોઠા અને ભાત (ચોખા) સાથે પીરસવું અને ઉપયોગમાં લેવું.

સ્ટફ્ડ પનીર કોફતા અલગ અલગ ગ્રેવીમાં પણ બનાવી શકાય છે. જેમકે ફક્ત કાજુ – ખસખસની ગ્રેવી, ટામેટાની ગ્રેવી, દહીંની ગ્રેવી, માખણ-મલાઈની ગ્રેવી, ખાલી કાજુની કે ખાલી ખસખસની ગ્રેવી વગેરે….

 

સ્ટાર્ટઅપમાં કોફતા આપવા હોય તો લીલી ચટણી સાથે પીરસી શકો છો.

 

સુજાવ :

૧.    પનીર કોફતા બનાવતી સમયે, પનીરમાં આરારૂટ નાંખી ખૂબજ મસળી પનીરને મુલાયમ બનાવવું.

૨.    આરારૂટ ઓછું પડવાથી કોફતા તળતી સમયે તેલમાં તૂટી કે ફાટી જાય છે.

૩.    કોફતા તળતી સમયે તેલ બરોબર ગરમ હોવું જરૂરી છે. ધીમા તાપે કોફતાને તળવા નહી. ઓછા ગરમ તેલમાં કોફતા ફાટી જશે.

૪.    ગ્રેવીમાં કોફતા નાખ્યા બાદ, ગ્રેવી ગરમ કરવી નહી. ગરમ કરવાથી  કોફતા વધુ નરમ થઇ અને તૂટી જશે.

બ્લોગ લીંક: http://das.desais.net