બટેટાની વેફર …

બટેટાની વેફર …

.

બટેટાની  વેફર એક વખત ખાવાનું ચાલુ કરીએ એટલે તે રોકવાનું મન થતું નથી.  જેમ આપણે આપણી ઉપર કંટ્રોલ કરવાની કોશીશ કરીએ તેમ તે થોડી વધુ ખાવાની ઈચ્છા થતી હોય છે. આજે માર્કેટમાં અનેક પ્રકારના સ્વાદની બટેટાની વેફર આપણને જોવા અને માણવા મળશે. વેફરને ક્રિપ્સ કે ચિપ્સના નામે પણ ઓળખવામાં આવે છે.

બટેટાની વેફર બે રીતે બનાવી શકાય છે.

૧.    બટેટાની વેફરની સૂકવણી કરીને જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે આપણે તેને તળીને ઉપયોગમાં લેતા હોય છે. જેમાં આપણે બટેટા બાફી ક્રિપ્સ–વેફર કરી અને તેની સૂક્વાની કરતાં હોય છે.

૨.    બીજી રીત, બટેટાને બાફતા નથી, અને બટેટાની વેફર પાડી અને સીધી તળી અને ખાવાના ઉપયોગમાં લઈએ છીએ.

આજે આપણે બટેટાને બાફતા નથી, વગર બાફેલ બટેટાની વેફર બનાવીશું.

સામગ્રી :

૪-૫ નંગ બટેટા (મોટા એક સરખા લેવા)

તેલ તળવા માટે

ફટાકડી – એક ચણાના દાણા જેટલી

૧/૩ નાની ચમચી મીઠું

કાળા મરી  (ભૂકો જો તમને પસંદ હોય તો)

લાલ મરચાનો ભૂકો (જો પસંદ હોય તો)

રીત :

બટેટાની વેફર બનાવવા માટે બટેટા લાંબા અથવા ગોળ મોટા એક સરખા આકારના અને લીસી સપાટીવાળા પસંદ કરવા (બટેટાને પાણીથી એકદમ ધોઈ સાફ કરવા) અને તેની છાલ ઉતારી લેવી. બટેટામાં ક્યાંય વચ્ચે કાપ/તિરાડ ન હોય તેનો ખ્યાલ રાખવો.બટેટાની સપાટી પણ એકધારી લીસી સપાટ હોવી જરૂરી.

છાલ ઉતારેલ બટેટાની વેફર પાડવા તેની ખમણી / સંચાનો કે ફૂડ પ્રોસેસરનો ઉપયોગ કરવો અને તેની પતરી પાડવી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી અને તેની પતરી પાડવી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી વેફર માટે બટેટાની પતરી પાડી શકાય છે. પરંતુ ધ્યાન રહે કે બટેટાની પતરી એક સરખી અને પાતળી  જાડાઈમાં રહે. આમ વેફર બનાવવા માટે બટેટાને ખૂબજ પાતળી વેફર /પતરી /ક્રિપ્સ  પાડવાની હોય છે.

કોઈ એક વાસણમાં ૧-લીટર પાણી લેવું અથવા પતરી ડૂબી જાય તેટલું પાણી લેવું. પાણીમાં ફટકડી ભેળવી/મિક્સ કરી દેવી. ફટકડી પાણીમાં મિક્સ કરવાથી બટેટાની પતરીનો કલર વધુ ઉઘડશે. બહુજ સરસ દેખાશે.

જો ફટકડી ઘરમાં ન હોય તો ૧-ટે.સ્પૂન સિરકો પાણીમાં નાંખવો.

બટેટાની પતરીને કાપી અને ફટકડીવાળા પાણીમાં ૧/૨ – કલાક સુધી પલાળી રાખવી.

બટેટાની વેફર/ પતરીને ફટકડીવાળા પાણીમાંથી બહાર કાઢી અને ચોખ્ખા પાણીથી એકવાર ધોઈ નાંખવી અને તેને એક સુતરાઉ (કોટનના) ચોખ્ખા કપડા ઉપર પાથરવી દેવી અને બીજા કપડાની મદદથી સૂકવવી / કોરી કરવી. પાણીનો ભાગ પતરી પરથી દૂર કરી દેવો.

એક કડાઈમાં તેલ લઇ અને ગેસ પર ગરમ કરવાં મૂકવું. તેલ ગરમ થયા બાદ, તેમાં એટલી જ પતરી નાંખવી કે આસાનીથી તળી શખાય.  ધ્યાન રહે કે તેલ એકદમ ગરમ ન હોવું જોઈએ. તેનાથી વેફર તેલ પીતી અને ઢીલી થઇ જશે. અને કલર બ્રાઉન થઇ જશે અને કરકરી થશે નહિ. વેફરને ધીમે અને મધ્યમ તાપ દ્વારા તળવાની છે. એક વખતની વેફરને તળતાં લગભગ ૫-૭ મિનિટનો સમય લાગશે.

વેફર જ્યારે તમને લાગે કે કરકરી તૈયાર થયેલ દેખાય છે. ત્યારે ઝારાની મદદથી બહાર કાઢી અને અલગથી પ્લેટ પર રાખવી. આમ ધીરે ધીરે બધી જ વેફરને તળી લેવી.

વેફર તળી  લીધા બાદ, તેની ઉપર મીઠું ને તમને પસંદ હોય તો કાળી મરીનો ભૂકો કે લાલ મરચાનો ભૂકો છાંટવો અને ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે. વધારાની વેફરને એક હવા ચુસ્ત વાસણ / ડબ્બામાં ભરી દેવી. અને ૩૦ દિવસ સુધી ઉપયોગમાં લઇ શકશો.

સુજાવ :

૧.    વેફર તળી લીધા બાદ, સાવ ઠંડી પડી જાય પછી જ કોઈ વાસણમાં ભરીને પેક કરવી. ત્યાં સુધી ખુલ્લી હવામાં ઠંડી પાડવા માટે રહેવા દેવી.

બ્લોગ લીંક: http://das.desais.net