દેવર્ષિ નારદ અને માયા … (બોધકથા)

દેવર્ષિ નારદ અને માયા … (બોધકથા)

 

દેવર્ષિ નારદ નામના પ્રભુના ભકત, શાસ્ત્રોના જાણકાર મહાન ઋષિ હતા. વાચતા-વાચતાં ‘માયા’ એ શબ્દ આવ્યો અને એનો અર્થ સમજાતો નહોતો. આ માયા એટલે શું? – એ સમજવા પાને પાનું જોઈ નાખ્યું. પણ બધું નકામું. છવટે ચોપડી ધડ દઈને બંધ કરી. ‘મને માયાનો અર્થ નથી સમજાતો અને ન સમજાય ત્યાં સુધી મન ભમ્યે રાખશે.’ આમ મનમાં વિચારીને કેટકેટલાં થોથાં ઉથલાવ્યાં, શાસ્ત્રોકારોને મળ્યા પણ એમના ઉત્તરથી નારદને સંતોષ કે શાંતિ ન મળ્યાં. ‘હવે શું કરવું?’ ‘મને કોણ સમજાવે ?’ એમ વિચારતાં હરખથી તરત જ ઊભા થઇ ગયા અને બોલે ઊઠ્યા : ‘વારુ, મારા ગુરુ ભગવાન શ્રીકૃષ્ણ પાસે જાઉં, તેમને તો ‘માયા’ નો અર્થ ચોક્કસ ખબર જ હશે જ.’ અને નારદ તો ઉપડ્યા દ્વારકા કૃષ્ણને મળવા.
શ્રીભગવાને નારદજીનું ભાવભીનું સ્વાગત કર્યું. નારદજીને ભેટ્યા અને કહ્યું : ‘વત્સ, મારે ત્યાં પધાર્યા એ મારું અહોભાગ્ય ! પણ આપનું મન કોઈ અશાંતિ અનુભવતું હોય તેમ લાગે છે. કંઈ મૂંઝવણમાં પડ્યા છો ?’
ભગવાન શ્રી કૃષ્ણને ચરણે માથું નમાવીને નારદજી બોલ્યા : ‘ મારા પ્રભુ, આપ તો જાણો છો કે મનમાં શાંતિ નથી. મારે એક સવાલનો ઉકેલ જોઈએ છે.’
‘નારદજી, તમારે વળી શી સમસ્યા ?’
બે હાથ જોડીને નારદજી બોલ્યા, ‘માયાનો અર્થ મને સમજાતો નથી. આપ કૃપા કરીને ‘માયા’ એટલે શું – એ મને સમજાવો, અને મને બતાવો કે એ શું છે, પ્રભુ !’
કૃષ્ણ ખડખડાટ હસ્યા અને કહ્યું : ‘ આમાં મૂંઝાઈ શું ગયા, નારદજી ? વારુ, માયા શું છે તે સમજાઈ જશે, પણ બેશક, અત્યારે તો નહીં. તમે થાક્યા પાક્યા આવ્યા છો. અહીં રહો; થોડા દિવસ આરામ લો. પછી વાત.’
આ સાંભળીને નારદજી બોલ્યા : ‘આપના સહવાસમાં રહેવું એ મારું પરમ સદભાગ્ય છે, પ્રભુ !’
આમ દિવસો પસાર થયા, પણ જવાબ ન મળ્યો. નારદજીનું મન બન્યું અધીર, પણ કૃષ્ણને યાદેય કેમ અપાવવું એ મૂંઝવણ.
એક દિવસે કૃષ્ણે નારદજીને દૂર યાત્રાએ આવવા કહ્યું. બંને સવારે ઊપડ્યા. કેટલાક માઈલ ચાલ્યા પછી કૃષ્ણે કહ્યું : ‘નારદજી, મને બહુ તરસ લાગી છે; થોડું પાણી લાવી આપશો ?’
‘હમણાં લાવી આપું’ – કહીને નારદજી તો ઉપડ્યા. થોડે દૂર એક ગામમાં એક ઘરનું બારણું ખખડાવ્યું. બારણું ખુલતાંની સાથે એક નમણી સુંદર નારી સામે આવીને ઊભી રહી. ‘અરે, કેવું દિવ્ય રૂપ – સૌન્દર્ય !’ મનોમન બોલ્યાં, અને એકીટશે જોઈ રહ્યા. યુવતી તો શરમથી લાલચોળ થઇ ગઈ. નયન નીચાં ઢાળીને મધુર અવાજે બોલી : ‘આપ અંદર આવો, મહારાજ. આપની હું શી સેવા કરું, કહો?’
રૂપવતીની મોહિનીથી અંજાઈને નારદજી અંદર ગયા, બેઠા, પણ એક શબ્દેય બોલી ન શક્યા. નારદજી પોતે અહીં શા માટે આવ્યા હતા. ત્યાં કૃષ્ણ રાહ જોતા બેઠા હશે, આ બધું જ ભૂલી ગયા. બસ એક જ વિચારમાં ડૂબી ગયા.
‘ કેવી નાજુક સુંદર સ્ત્રી ! મારી પત્ની બની જાય તો કેવું સારું ! આ સૌંદર્યવતી સિવાય મારા જીવનનો ય શો અર્થ ?’
સુંદરી તો બહાર ગઈ અને પિતાને ઘરમાં મોકલ્યા.
ધોળા વાળ વાળા વૃધ્ધે નારદજીનું સ્વાગત કરતાં કહ્યું : ‘આ ગરીબની ઝૂંપડીમાં પધારો મહારાજ. આપના જેવા અતિથિથી મારું આંગણું પાવન થયું. તમને ઠીક પડે ત્યાં સુધી અહીં રહો.’ નારદજીને આવા આતિથ્યની તો કલ્પનાયે નહોતી અને યજમાનના શાબદોથી તેઓ ખુશખુશાલ તહી ગયા.
નારદજીને પેલી યુવતી સાથે વાત કરવાની ઘણી તક મળી ગઈ. દરરોજ મળતાં, વાતચીત કરતાં. આમ કરતાં બંને પડ્યાં પ્રમમાં. એક દિવસ નારદજીએ કહ્યું : ‘તમે મારી સહધર્મિણી બનશો?’
યુવતી તો શરમાઈ ગઈ. નજર ઢાળીને પગના અંગૂઠાથી જમીન ખોતરતાં બોલી : ‘મહારાજ, મારા પિતા સહમત હોય તો હું આપની ધર્માંગિની બનવા તૈયાર છું.’
‘ હું હમણાં જ જઈને વાત કરું છું. ’ આમ કહીને તેઓ યુવતીના પિતા સાથે વાત કરવા અંદર ગયા. પોતાના હૈયાની વાત હોઠે આવી ગઈ, પણ વૃદ્ધને મળતાં જ જીભના લોચા વળવા લાગ્યા. શરમાંતા શરમાંતા  નારદજી બોલ્યા : ‘મારે .. એક વાત .. કરવી છે.’
હસતાં હસતાં વૃદ્ધે કહ્યું : ‘ભલે, પહેલાં તમે શાંતિથી બેસો.’
નારદજી તો બેઠા. હાથ મસાલાવા લાગ્યા. માથું ખંજવાળતાં માંડ માંડ બોલ્યા : ‘વારુ, હું આપને …વિ..નં …તી કરું છું. આપ હા પાડશો ? …. આપની પુત્રીનો હાથ હું માગું છું.’
વૃદ્ધ જોરથી હસ્યા અને કહ્યું : ‘અરે બેટા, તારી વાત તો હું સમજ્યો. જો મારી દીકરી સમ્મત હોય તો મારા આશીર્વાદ તમારી સાથે જ રહેશે.’
નારદજી બોલી ઊઠ્યા : ‘આપનો આભાર, મહારાજ.’
વૃદ્ધે કહ્યું : ‘પણ બેટા, મારી એક વિનંતી છે.’
નારદજી બોલ્યાં : ‘બોલો, શી વિનંતી છે?’
વૃદ્ધે કહ્યું : ‘મારી ઈચ્છા છે કે લગ્ન પછી તમે અહીં મારી સાથે રહો.’
નારદજીએ તો તરત જ રાજીખુશીથી વૃદ્ધના સૂચનને સ્વીકાર્યું.
એક શુભદિને નારદનાં લગ્ન પેલી યુવતી સાથે થયાં. નારદજી તો ખુશખુશાલ.
મા બાર વર્ષ વીતી ગયાં. તેમના સસરાનું અવસાન થયું. નારદજીને એનો બધો વાર્સોય મળ્યો. નારદજી મનોમન ‘હું સુખી છું, ’ તેમ માણવા લાગ્યા.
એક રાત્રે એક ગર્જનાથી ઓચિંતા જ નારદજીની ઊંઘ ઊડી ગઈ. ‘અરે, આ તો વરસાદના કડાકા ભડાકા’  – આમ કહીને બારીની બહાર નજર કરીને બોલ્યા : ‘ભલે મેઘ ગાજે, કડાકા થાય, વરસાદેય ભલે વરસતો. પણ બંદાને તો આ ઘરમાં આનંદ આનંદ છે. મારી વહાલી પત્ની અને સુંદર મજાનાં બાળકો સાથે હું તો છું સલામત.’
અને આમ કરતાં ઊંઘ આવી ગઈ. પણ એનું સુખ ક્ષણભંરનું રહ્યું. પૂર ચઢી આવ્યું. નદીઓમાં ઘોડાપૂર આવ્યાં. ગામમાં પાણી ભરાયાં, ઘરો પડ્યાં. સ્ત્રી – પુરુષો, પ્રાણીઓ ઘસમસતા પૂરના સપાટે ચડ્યાં. તે માંડ્યાં તણાવા. કેટલાંય ડૂબી ગયાં. બધું પૂરપ્રલયમાં તણાઈ ગયું. નારદજી બાળકોની ચીસાચીસ સાંભળીને જાગી ગયા. પથારીમાંથી ભાર નીકળીને બારણું ખોલ્યું. જાગીને જોયું તો ભયજનક દૃશ્યથી ચહેરો ઝાંખી ઝપટ થઇ ગયો : ‘ હે પ્રભુ, મારા કુટુંબને, મારા ઘરને બચાવો, ભગવાન, બચાવો.’ પરંતુ નારદજીનો આ પોકાર, ઘરમાં ઘૂસી આવતાં પૂરનાં પાણીના અવાજમાં ડૂબી ગયો.
નારદજીને અંતે એ ઘર છોડીને ભાગવું પડ્યું. એક હાથે પત્નીને પકડી, બીજાં હાથે બે બાળકોને ઝાલ્યાં. ત્રીજું ખભે લીધું ; નારદજી પૂરના પાણીમાંથી બચવા ભરપૂર પ્રયાસ કરવા લાગ્યા. કમનસીબે પાણી જ્યાં ઘુમરિયું ખાતું હતું તેવાં ભયાનક સ્થળે તેઓ આવે પહોંચ્યા. પાણીનો પ્રવાહ પ્રલય જેવો બન્યો. તેના ખભેથી બાળક પડી ગયું અને તણાઈ ગયું. નારદજી નિસાસા સાથે હતાશ બનીને ચીસ પાડી ઊઠ્યા. પેલા બાળકને બચાવવા જતાં બીજાં બેની પકડેય ઢીલી પડી ગઈ અને એય પાણીમાં ગાયબ. બિચારા બાપડા બનીને ગુસ્સાભર્યા શબ્દોની પ્રાર્થનાની ઝડી વરસી ગઈ નારદજીના મુખેથી. નારદે ગુસ્સાથી ધ્રુજતાં ધ્રુજતાં પણ પ્રાર્થનાઓ કરી.આક્રંદભરી કાકલૂદીઓ એળે ગઈ. પતિ-પત્ની એકબીજાંને વળગીને પાણીના લોઢામાંથી બચવા મથતાં રહ્યાં.
છેવટે લાચારીથી પાણીનાં ઊછળતાં પૂર, લોઢામાં નારદજી પત્નીને પણ તણાતી જોઈ રહ્યા. પણ, અરે, ભગવાન, પોતાની પત્નીને બધી શક્તિ એકઠી કરીને પકડી રાખી હતી તે ય આ ક્રૂર પાણીના પ્રહવામાં અંતે તણાવા લાગી અને પાણીના પ્રવાહે નારદજીને કિનારે ફેંકી દીધા. અને ડૂસકાં સાથે નદી કિનારે નારદજી કરુણ વિલાપ કરવા લાગ્યા.
આક્રન્દ કરતાં બોલી ઊઠ્યા : ‘ હે ભગવાન, મેં શું કર્યું કે મને આવી સજા કરી ?’ હવે આ કાયાનો ય શો ખપ ?’ નારદજી રડતાં રડતાં બબડ્યા : ‘નિષ્ઠુર વિધાતા, હે પ્રભુ, હવે મને લઇ લે, મારી નાખ મને એટલે પત્યું.’
ઓચિંતાના તેની પાછળથી મૃદુ શબ્દો તેના કાને પડ્યા : ‘બેટા.પાણી કયાં છે ? તું અર્ધો કલાકથી મારા માટે પાણી લેવા ગયો હતો ને?’
‘અર્ધો જ કલાક ! ’ નારદજી તો દંગ થઈને ઊભા રહ્યા.
‘આમ કોણ કહે છે ?’ એમ કહીને બૂમ પાડી ઊઠ્યા : ‘હે પ્રભુ, આપ આમ કહો છો?’ બાર બાર વર્ષ વીતી ગયાં, આ બધો વિનાશ થઇ ગયો અને તમે કહો છો કે માત્ર અર્ધો જ કલાક !’
કૃષ્ણે સ્મિત સાથે કહ્યું : ‘બેટા, નારદ, ‘માયા’ એટલે શું ? એ તારે જાણવું હતું ને ? વત્સ આ છે ‘ માયા. ’
સાર /બોધ: માયા એવી મહાન શક્તિ છે કે માનવને જીવનનો મર્મ અને ઉદ્દેશ્ય ભૂલાવી દે છે. માનવીએ માયાથી બચવું જોઈએ અને હરપળે તેનાથી સચેત રહીને ચાલવું જોઈએ.