મા …(રચના)

મા …

મા …
સર્જન તારુ, તારી કૃતિમાં, તારે પ્રસવ પીડાની પુણ્ય ગતિમાં
પાલવમાં ઢાંકીને જેણે જીવન તુ પીવડાવતી
જાગીને રાત્રે પછી હાલરડાં સંભળાવતી
પકડીને નાના હાથને ન જાણે કેટલા તુ સપના સેવતી,
કદી રાજકુમારી જેવી વહુ લાવવાના
તો કદી રાજકુમાર શોઘવાની વાત
મારુ ઉઠવુ-બેસવુ, ખાવુ-પીવુ,
એક પૂજા છે તારે માટે
જેમાં તુ પોતે યા હોમ થઈ જાય છે ખુશી ખુશી
મારી ખુશીયો તારે માટે ઉત્સવ છે અને
મારા દુ:ખ દુનિયાની સૌથી મોટી ઘટના.
મારી દરેક જિજ્ઞાસાને તુ ક્ષણમાં દૂર કરતી
તુ આશ્ચર્યમાં નાખતી હંમેશા મને
દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા શીખવાડતી
આટલુ સાહસ, આટલી હિમંત માઁ તારામાં જ કેમ આવે છે ?
હા, સાચે જ તુ સૃષ્ટિમાં ઈશ્વરનુ વરદાન છે
આપીને મને આ વરદાન ઈશ્વર પોતે પણ બોલ્યા હતા
બેટા, તુ મારા કરતા વધુ ભાગ્યવાન છે કારણકે તારી પાસે માઁ છે.
મધર્સ ડે નિમિત્તે આવેલ  મેલ …સર્વે પાઠક મિત્રોના લાભાર્થે અહીં  સાભાર પ્રસ્તુત કરેલ છે. …
રચીયતાના નામથી અજાણ હોય,  નામનો  અહીં ઉલ્લેખ કરેલ નથી જો કોઈ મિત્રને  તેની  જાણ હોય તો જરૂરથી અમોને જણાવશો જેથી રચના સાથે અહીં મૂકી શકીએ   . . .

નારી મહિમા …

નારી મહિમા …
ભારતીય સંસ્કૃતિમાં  ફકત એક દિવસ જ  ‘મા’ માટે ફાળવેલ નથી, માનવ જીવન ની શરૂઆત થાય અને તે તેના જીવનને પૂર્ણ કરે ત્યાં સુધી તેના જીવનમાં ‘મા ની અગત્યતા સંપૂર્ણપણે સંકળાયેલી છે, હા, એ વાત જુદી છે કે પશ્ચિમી સંકૃતીમાં ‘મા’ – ‘પિતા’ વગેરે માટે તેઓની વિચારશ્રેણી અને રહેણી – કહેણી ને ધ્યાનમાં રાખી અને વર્ષમાં એક દિવસ ફાળવવો તેમ તેઓએ નક્કી કરેલ છે. પરંતુ આજ આપણે તે વિશે વાત કરવા નથી માંગતા.
નારીમાં રહેલ દિવ્યમાતૃત્વનું સન્માન : ભારતની તાતી આવશ્યકતા છે કે નહિ તે વિશે આજે વાત કરીશું …

 

નારીમાં રહેલ દિવ્યમાતૃત્વનું સન્માન : ભારતની તાતી આવશ્યકતા …
નારીનાં અવમાનના, અસ્વીકાર અને તેના પરના અત્યાચારો, નહિ જન્મેલી સ્ત્રીઓ પરના ભૃણહત્યા દ્વારા થતા અત્યાચારો એ ભારતની એક અલ્પકાલીન ઘટના છે. તે લાંબો સમય ટકી શકે નહિ. આપણે સૌએ આનુવંશિકતાથી, સાંસ્કૃતિક રીતે અને પરંપરાગત રીતે સર્વ સ્ત્રીઓમાં રહેલાં માતૃત્વને સન્માન આપવાની કેળવણી મેળવી છે. સીતારામ, ઉમાશંકર જેવા પરંપરાગત શબ્દો બતાવે છે કે આપણે પુરુષો કરતાં સ્ત્રીઓને અસાધારણ અને વિશિષ્ટ મહત્વ આપીએ છીએ. આપણી માતૃભૂમિ માટે આપણે ‘વંદેમાતરમ્’ એમ ઉચ્ચારીએ છીએ અને નહિ કે ‘વંદેપિતરમ્.’
વૈદિકકાળથી માંડીને મનુના યુગ સુધી ગાર્ગી, મૈત્રેયી કે દેવિસૂક્તનાં રચિયતા યુંવાકુમારી સંત વાક્દેવી જેવી સ્ત્રીઓને સન્માન આપવામાં આવતું હતું અને તત્કાલીન યુગના શ્રેષ્ઠ પુરુષો સમોવડી ગણવામાં આવતી હતી. ભગવાન મનુએ કહ્યું છે :
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા: |
યત્ર એતાસ્તુ ન પૂજ્યન્તે તત્ર સર્વા અફલા ક્રિયા : ||
-જ્યાં સ્ત્રીઓને સન્માનવામાં આવે છે ત્યાં દેવોનો વાસ રહે છે અને જ્યાં એમનું સન્માન થતું નથી ત્યાં બધી ક્રિયાઓ અફળ જાય છે.
જ્યારે શ્રીરામકૃષ્ણ પરમહંસે  પોતાનાં પત્ની શ્રીશારદાદેવીની દીવ્યમાતા કાલીના રૂપે ષોડશીપૂજા કરી, તેમણે માનવસમાજના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્થાપ્યાં અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન વીર સંન્યાસીઓના આધ્યાત્મિક ગુરુમાતા તેમને  બનાવ્યાં ત્યારે સ્ત્રી પ્રત્યેના સર્વોચ્ચ સન્માનની આ ભાવનાની પરાકાષ્ઠા આપણને જોવા મળી.
જગતનાં ધર્મોના ઇતિહાસમાં આવું કદીયે બન્યું નથી. આવું કાર્ય ન તો ઈસુએ કર્યું કે ન કૃષ્ણે કે રામે. જ્યારે સમાજમાં સ્ત્રીઓ સર્વોચ્ચ આધ્યાત્મિકતાનો ઉપદેશ આપતી થાય એ મહાન કાર્યમા સ્વામી વિવેકાનંદ એક નવયુગના ઉદયનાં એંધાણ જુએ છે. વળી સ્વામી વિવેકાનંદે ભવિષ્યવાણી ભાખી કે નાદાનિયતને છોડીને ગ્રીક લોકોનો સૌંદર્ય માટેનો પ્રેમ, ક્રૂરતાને છોડીને રોમન લોકોની શાસકીય અને કાયદાકીય પૂર્ણતા તેમજ અવ્યવહાર્યતાવિહોણી હિંદુઓની આધ્યાત્મિક પૂર્ણતાના સુભગ સમન્વય સાથે, આવતા યુગની નારીઓ માનવજાતની એક નવી પેઢી વિશ્વ સમક્ષ ધરશે.
બી.બી.સી. ના વિશ્વમત દ્વારા આપણા નેતા શ્રીમતી ઇન્દિરા ગાંધીને ગઈ સહ્સ્ત્રાબ્દીના  મહા મહિલા તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં. ડૉ. કિરણ બેદીના જેલ સુધારણાના ક્રાંતિકારી કાર્યક્રમોએ એને માત્ર મેગસેસ એવોર્ડ જ નથી અપાવ્યો, પરંતુ અમેરિકાના પ્રમુખની પ્રશંસાને પાત્ર તેઓ બન્યાં છે. વિદેશની ધરતી પર પણ ભારતીય સ્ત્રીઓ પોતાનો પ્રભાવ પાડી રહી છે. અમેરિકાની પ્રીમિયર સાયન્સ ઇન્સ્ટીટયૂટ નિસ્ટના અધ્યક્ષ સ્થાને ડૉ. આરતી પ્રભાકર રહ્યાં છે. બે સ્ત્રી વૈજ્ઞાનિકો ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના અધ્યક્ષપડે પણ રહી ચૂક્યાં છે. આપણા દેશના આધ્યાત્મિક સ્ત્રી નેતાઓ ભારતમાં અને પશ્ચિમના જગતમાં ઘણો ઘેરો પ્રભાવ પાડે છે.
આજે આપણા નારી જગતને જરૂર છે – સંપૂર્ણ સ્વતંત્રતાની –આર્થિક, વિદ્યાકીય, સામાજિક અને એ બધાથી પણ વધુ આધ્યાત્મિક સ્વતંત્રતાની અને તે પણ પુરુષપ્રધાન સમાજ અને પુરુષ પરના જૂના આધારમાંથી સ્વાતંત્ર્યની. સ્ત્રી સ્વાતંત્ર્યનાં આ ચાર વિશિષ્ઠ લક્ષણો સ્વામી વિવેકાનંદનાં શિષ્યા ભગિની નિવેદિતામાં (સિસ્ટર નિવેદિતા)બરાબર જોવા મળે છે, એમના જીવનમાં બૌદ્ધિક તાકાત, પશ્ચિમની કાર્યશીલતા અને હિંદુ આધ્યાત્મિક જીવનનું ઊંડાણ આપણને જોવા મળે છે. ભારતનાં ઘણા પ્રદેશોમાં છબીપૂજા અને મૂર્તિપૂજા દ્વારા ‘દેવિજાગરણ’નું અનુષ્ઠાન કરવામાં આવે છે. અને છતાંય નારીને પોતાના તાબામાં –કબજામાં લેવાના પ્રયાસો ચાલુ છે. સ્વામી વિવેકાનંદે નારી શક્તિ અને નારી મહિમા વિશે ભાખેલી વાણી પ્રમાણે ભારતનાં ઘરેઘરમાં સ્ત્રીઓને પૂરતું સન્માન અને આવશ્યક સહાય આપીને તેમનો સંપૂર્ણ વિકાસ કરવા માટે દેવીજાગરણનું કાર્ય કરવું એ આજના ભારતની તાતી આવશ્યકતા છે.
આ કાર્ય માટે આપણે પ્રાથમિક શિક્ષણના પ્રારંભથી માંડીને ઉચ્ચશિક્ષણના ઉચ્ચતમ સત્ર સુધી આ વિચારોને આપણા વિદ્યાકીય અભ્યાસક્રમમાં સમાવી દેવો જોઈએ.
આજના આપણા કહેવાતા બિનસાંપ્રદાયિક શિક્ષણે આપણામાંના ઘણાને ઉપયોગિતાવાદના જંગલીપણા નીચે ઊતારી દીધા છે અને ઘણી રીતનાં સ્ત્રીઓનાં શોષણ ઊભાં કર્યાં છે. આજે સ્ત્રી પ્રત્યેના દ્રષ્ટિકોણમાં પૂર્ણપણે ક્રાંતિકારી પરિવર્તન લાવનારા શિક્ષણની જરૂર છે. સમાજે આ જાણી લેવું પડશે કે એક માત્ર આવતીકાલની નારી જ સામાજિક, બૌદ્ધિક, આર્થિક કલ્યાણ  દ્વારા કુટુંબનું, સમાજનું અને રાષ્ટ્રનું મહત્તમ કલ્યાણ લાવી શકશે. સાચી કેળવણી અને આધ્યાત્મિક સંસ્કૃતિના માધ્યમ દ્વારા દરેક સ્ત્રીમાં દિવ્ય માતૃત્વ જગાડીને સૌનું સાર્વત્રિક કલ્યાણ કરશે. સ્ત્રીઓના જન્મ પહેલાં કે પછીનાં બધાં અત્યાચારો અને શોષણ માત્ર કાયદા કે સરકારના પરિપત્રોથી અટકાવી શકાશે નહિ. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદે પ્રબોધેલા સંદેશ પ્રમાણે અનંત શક્તિદાયિની દીવ્યમાતા અને દિવ્યજ્ઞાનદાયિની માતાના જેવી સન્માન ભાવના દરેક સ્ત્રીમાં દાખવવાની આજે આવશયકતા છે. એટલું જ નહિ પણ સ્ત્રીઓને આવતીકાલના સમાજને ઘડનારી અને ભવ્યોન્ન્ત  બનાવવી એ આજના યુગની તાતી આવશ્યકતા છે.
(યુનિસેફના ફોરમ ફોર ચિલ્ડ્રન, આઈ.એમ.એ. , ઈન્ડીયન ફોરમ ફોર વિમેન્સ દ્વારા ચિન્મય મિશન હોલ. ન્યુ દિલ્હીમાં યોજાયેલ પુત્રીઓના જન્મ લેવાના અધિકારનું  ભૃણહત્યા દ્વારા થતાં નિષ્ઠુર હનનને રોકવા માટે જનજાગરણ વિષયક ચર્ચાસભામાં આપેલ પ્રવચનનો અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.)૦૯/૦૧ )