પુસ્તકિયા જ્ઞાનનું વાંઝિયાપણું …

પુસ્તકિયા જ્ઞાનનું વાંઝિયાપણું …

એક દિવસ એક ભક્ત(કેશવચંદ્ર સેન) શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા અને એમણે શ્રીરામકૃષ્ણને પૂછ્યું : ‘ધાર્મિક ગ્રંથોનો ભંડાર આખો વાંચી કાઢ્યો હોવા છતાં, આધ્યાત્મિક જીવનમાં અગત્યની બધી બાબતોથી જ્ઞાનીઓ આટલા અજાણ કેમ જોવા મળે છે?’
શ્રીરામકૃષ્ણે ઉત્ત્તર વાળ્યો, ‘સમડી અને ગીધ હવામાં ખૂબ ઊંચે ઊડે પણ, બધો વખત એમની દ્રષ્ટિ ઉકરડાના ઢગ પર પડેલાં જાનવરોનાં શબ પર મંડાયેલી રહે છે; એજ રીતે, ધાર્મિક બાબતોના એમનાં જ્ઞાન છતાં, આ કહેવાતા જ્ઞાનીઓનાં મન, સંસારી પદાર્થોને વળગેલાં રહે છે ને તેથી, તે લોકો સાચું જ્ઞાન પામી શકતા નથી.’
મન હૃદયને વિશુદ્ધ કરે તે જ સાચું જ્ઞાન. બીજું બધું અજ્ઞાન.
કેવળ પોથીજ્ઞાનથી શું વળે ? પંડિતો ઘણા શાસ્ત્રગ્રંથો અને શ્લોકો જાણતા હોય પણ, એના પોપટપાઠથી શું વળે ? શાસ્ત્રોમાં મૂર્ત થયેલાં સત્યોનો સાક્ષાત્કાર પોતાના જીવનમાં કરવો જોઈએ. આપણે સંસારને વળગેલા છીએ ત્યાં સુધી, કામિની-કાંચનનું આકર્ષણ છે ત્યાં સુધી, માત્ર વાચન જ્ઞાન કે મોક્ષ આપી શકે નહીં.
આપના કહેવાતા પંડિતો વાટો મોટી કરે છે. એ બ્રહ્મ, ઈશ્વર, નિર્ગુણ બ્રહ્મ, જ્ઞાનયોગ, ફિલસૂફી અને તત્વદર્શન અને એવી બીજી અનેક બાબતો વિશે તેઓ વાતો ન કરે છે. પણ પોતે જે કહેતા હોય છે તેનો સાક્ષાત્કાર કર્યો હોય એવા બહુ થોડા હોય છે. બીજા સૌ લુખ્ખા ને સુકા છે અને નકામા છે.
સરગમ … ‘સા, રે, ગ, મ, પ, ધ, નિ,’ મોંએથી બોલવું સહેલું છે પણ, એક વાજિંત્ર ઉપર તે સ્વર કાઢવા કઠણ છે. એમ જ ધર્મ વિશે વાત કરવી સરળ છે, એનું આચરણ કઠિન છે.
પોપટ આખો દિવસ ‘રાધાકૃષ્ણ’ રટ્યા કરે છે પણ, જેવો બિલાડીથી પકડાયો કે ‘કેં, કેં ’ કરવા લાગે છે ને પોતાનો મૂળ સ્વભાવ પ્રગટ કરી ડે છે. સંસારી લોકો ઘણી વાર ‘હરિ-હરિ’ બોલતા હોય છે અને સંસારી લાભની આશાએ ધર્મ-દયાનાં કામ કરે છે પરંતુ દુર્ભાગ્ય, વિપત્તિ, ગરીબાઈ અને મૃત્યુના પંજામાં ફસાય છે ત્યારે ઈશ્વરને અને આવાં બધાં કાર્યને ભૂલી જાય છે.
ધર્મગ્રંથો વાંચીને પ્રભુપ્રેમ પ્રાપ્ત કરી શકાય ? પંચાંગમાં લખ્યું હોય છે કે અમુક દિવસે આટલો વરસાદ વરસશે પણ પંચાંગને નીચોવો તો એક ટીપુંયે પડવાનું નથી ! એ જ રીતે, ધર્મગ્રંથોમાં ઘણાં સુવાક્યો લખેલાં હોય છે પણ, એના માત્ર વાચનથી ધાર્મિક બનાતું નથી. આવા ગ્રંથોમાં પ્રબોધેલા ગુણો પ્રમાણે આચરણ કરવાથી ઈશ્વરને પામી શકાય.
ઈશ્વરના દરબારમાં તર્ક, બુદ્ધિ અને વિદ્વત્તાનું કશું ઉપજતું નથી. ત્યાં મૂંગા બોલે છે, આંધળા ભાળે છે અને બહેરા સાંભળે છે.
શાસ્ત્રો વાંચી ઈશ્વર વિશે સમજાવવા નીકળવું એ નકશો જોઈને વારાણસી વર્ણવવા સમાન છે.
હજાર વાર ‘ભાંગ, ભાંગ’ બોલવાથી કંઈ ભાગનો નશો ચડતો નથી. થોડીક ભાંગ પેદા કરો, એણે ઘૂંટો, એકરસ કરો, પછી પીઓ ત્યારે એ ચડે. ‘પ્રભુ, પ્રભુ !’ એમ મોટેથી બોલ્યે શું વળે ? નિયમિત ભક્તિસાધના કરો અને તમે પ્રભુને પામશો.
વિદ્યા કે ધનનો ગર્વ હોય તેને ઈશ્વરજ્ઞાન થતું નથી. આવા માણસને તમે કહો. ‘અમુક જગ્યાએ એક સંત છે, એના દર્શને આવવું છે ?’ પણ એ ભાઈ તો બહાના જ કાઢવાના. એવા લોકો પાસે જવા માટે પોતે ઘણો મહાન છે એમ કહી એ નહીં જાય. આવો ગર્વ અજ્ઞાનનું ફળ છે.
(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ માંથી સાભાર)(૦૮/૦૧)