મીઠી બુંદી … (મીઠાઈ)

મીઠી બુંદી …

બુંદી બનાવવા માટે તેનો ઝારો હોવો જરૂરી છે. ઝારામાં કાણાં  જેટલા નાના કે મોટા હોય, તેટલી બુંદી નાની કે મોટી થશે. બુંદી બનાવવા માટે સામાન્ય વપરાશમાં આવતો ચણાનો લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે.

જો બુંદીને મીઠી બનાવા માટે ચાસણીમાં  ન નાંખીએ તો આ બૂંદીનો ઉપયોગ રાયતું બનાવવામાં પણ થાય છે. તેમજ –સેવ-મમરા અને ગાંઠિયા મિક્સ કરી ફરસાણ (ચવાણું) તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. પાણી પૂરીના પાણીમાં થોડી ઉપર શણગાર તરીકે છાંટી શકાય અને સાથે સાથે એક અલગ સ્વાદ પણ માણી શકાય છે. સૌથી જીણી બુંદી પાડવાથી મોતીચૂરના લાડવા કે જીણી બુંદીના લાડવા પણ બનાવી શકાય છે.. આજે આપણે ફકત મીઠી બુંદી બનાવીશું….

સામગ્રી :

૨૦૦ ગ્રામ ચણાનો લોટ (૨-કપ)

૬૦૦ ગ્રામ ખાંડ (૩-કપ)

૭-૮ નંગ નાની એલચી (એલચી ફોલીને દાણાનો ભૂકો કરી લેવો)

શુદ્ધ ઘી અથવા રિફાઈન્ડ તેલ બુંદી તળવા માટે ..

રીત :

ચણાના લોટને ચારણીથી ચાળી અને એક વાસણમાં કાઢી લેવો. બુંદી માટેનું મિશ્રણ બનાવવા લોટમાં ૧/૨ –કપ પાણી નાંખી અને મિશ્રણ ઘટ બનાવવું. ત્યારબાદ, થોડું – થોડું પાણી ઉમેરીને તેને પાતળું કરવું. આ મિશ્રણ એટલું ઘટ હોવું જોઈએ કે તેને જ્યારે ઝારા પર રાખીએ ત્યારે એક – એક બુંદમાં નેચે કાણાંમાંથી પડે.

લોટના મિશ્રણમાં ગાંઠા રહેવા ન જોઈએ તે ધ્યાનમાં રહે. મિશ્રણને પાંચ મિનિટ સુધી / તે એકરસ થઇ જાય ત્યાં સુધી એકદમ ફેંટીને મિક્સ કરવું. તૈયાર થઇ ગયા બાદ, મિશ્રણને ૧૦-૧૫ મિનિટ સુધી ઢાંકીને રાખવું. ચણાના લોટનું મિશ્રણ બુંદી બનાવવા માટે તૈયાર છે.

બુંદી તૈયાર થાય ત્યાં સુધીમાં બુંદી માટેની ચાસણી તૈયાર કરી લેવી. ખાંડને એક વાસણમાં નાંખી અને ખાંડથી અડધું પાણી એટલે કે ૧-૧/૨ કપ પાણી ચાસણી બનાવવા લેવું અને ખાંડમાં નાંખી અને વાસણ ગરમ કરવા મૂકવું. પાણીમાં ઉફાળો આવે કે તરત જ ૧ ટે.સ્પૂન દૂધ તેમાં નાખવું. જેથી ખાંડમાં રહેલ મેલ ફીણ સ્વરૂપે ઉપર તરી આવશે. જેન ફીણને ઝારા / ચમચાની મદદ વડે બહાર કાઢી લેવા. ફીણ કાઢી લીધા બાદ, ચાસણી એકદમ ચોખ્ખી દેખાશે.

ચાસણીને ચેક કરવા ચમચાની મદદથી એક બુંદ પ્લેટમાં નાંખી અને આંગડી  અને અંગૂઠાની વચ્ચે ચિપકાવીને જોવું. તે બન્ને વચ્ચે  (આંગડી અને અંગૂઠા) સામાન્ય ચિપક્વી જોઈએ.  બસ, ચાસણી બની ગઈ છે. ચાસણીને તમે ગાળી પણ શકો છો. તૈયાર થયેલ ચાસણીમાં એલચીનો ભૂકો પણ નાંખી દેવો.

જો બધી જ ચાસણી એલચીવાળી કરવી ના હોય તો, એલચીનો ભૂકો બુંદી ઊતરે ત્યારબાદ ચાસ્નીમાથી પલાળીને બહાર કાઢો ત્યારે પણ ઉપર છાંટી શકાય. સાથે સાથે કાજુના ટુકડા –કિસમિસ અને પસંદ હોય તો શણગારમાં ગુલાબની (દેશી ગુલાબની) પાંદડી પણ છાંટી શકાય છે.

ભારે તળિયાવાળી મોટી પહોળી કડાઈમાં શુદ્ધ ઘી અથવા રિફાઈન્ડ તેલ નાંખી અને ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થયું કે નહિ તે ચેક કરવા, મિશ્રણમાંથી એક-બે બુંદ કડાઈમાં નાંખવી. જો તરત શેકાયને ઉપર આવી જાય તો સમજવું કે ઘી તળવા માટે તૈયાર છે. જો તેમ ના થાય અને બુંદ અંદર નીચે પડી રહે તો ઘીને ગરમ થવા દેવું.

બુંદીના ઝારાને કડાઈથી થોડો ઉપર રાખી રાખી તેની ઉપર ૨-૩ ચમચા મિશ્રણના રેડવા/નાંખવા. મિશ્રણ ઝારામાંથી ધીરે ધીરે કડાઈમાં પડશે અને અંદર તળાઈને બુંદી તૈયાર થઇ ઉપર આવી જશે. ઝારામાંથી મિશ્રણ ને પાડવા ઝારા ઉપર ચમચો કે કશુક અથડાવવું અથવા ઝારાને કડાઈ સાથે ટકરાવીને  પણ બુંદીનું  મિશ્રણ કડાઈમાં પાડી શકાય છે. (જો આસાનીથી મિશ્રણ ના પડતું હોય ત્યારે)

બુંદી ઘીમાં પૂરી તળાઈ જાય ત્યાં સુધી તેમાં રાખવી. તળાઈ જતા તેનો થોડો કલર બદલશે અને તે કરકરી થઇ જાય કે તરત ઝારાની મદદથી તેને બહાર કાઢી લેવિઅને ઘી નીતરવા દેવું. અને તળાઈ ગયેલ બધીજ બુંદીને ચાસણીમાં નાંખી અને દૂબાડાવી.

આમ, ધીરે ધીરે બધીજ બુંદીને તાળી અને ચાસણીમાં દુબાડાવી. ચાસણીમાં બરોબર ડૂબે તે માટે બીજાં ચમચાની મદદથી ઉપર નીચે કરવી. થોડીજ વારમાં બુંદી ચાસણી પી લેવાથી નરમ થઇ જશે. ચમચાની મદદથી તેને ચાસણીમાં ઉપર-નીચે કરતાં રહેવું. અને પછે બહાર એક પ્લેટમાં કાઢી લેવી. બુંદી ઠંડી પડતાં નરમ –દાણાદાર મીઠી બુંદી તૈયાર થઇ જશે. જે વાસણમાં અલગથી રાખવી.

મીઠી બુંદી પીરસતા પહેલા, તેની ઉપર એલચી નો ભૂકો, કાજુના ટુકડા અને કિસમિસ મિક્સ કરવા અને ઉપર પસંદ હોય તો ગુલાબની પાંદડી છાંટી અને પીરસવી અને ખાવાના  ઉપયોગમાં લઇ શકાય.

સ્વાદિષ્ટ મીઠી બુંદી તૈયાર છે. સ્વાદિષ્ટ મીઠી બુંદી ગરમા ગરમ તરત ખાઈ શકાય છે. અને ઠંડી પડી ગયા બાદ, હવા ચૂસ્ત વાસણમાં ભરી લેવાથી  ૧૫ દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.

બ્લોગ લીંક: http://das.desais.net