બૌદ્ધધર્મ અને ગીતાનો મત …

બૌદ્ધધર્મ અને ગીતાનો મત …

બૌદ્ધધર્મની મુખ્ય વાત છે : ‘ચતુરાર્યસત્ય’ અર્થાત્ ચાર આર્ય સત્ય. એમાં પ્રથમ છે : સર્વં ક્ષણિકં ક્ષણિકં દુઃખમ્’ – બધું ક્ષણિક અને દુઃખમય છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે: ‘અનિત્યમ્ અસુખમ્ લોકમ્ ઈમમ્ પ્રાપ્ય ભજ્સ્વ મામ્’ – આ અનિત્ય અને સુખરહિત જગતને પામીને મને ભજો. હવે એ બંને મેળવી જુઓ – બુદ્ધ કહે છે : ‘ક્ષણિકમ્’ અને શ્રીકૃષ્ણ કહે છે : ‘અનિત્યમ્’ – બુદ્ધ કહે છે : ‘સર્વં દુઃખમ્’ અને શ્રીકૃષ કહે છે : ‘અસુખમ્’ – એમની વાતોમાં ક્યાંય ભેદ નથી. આ સંસાર અનિત્ય છે અને આ અનિત્ય સંસાર દુઃખમય છે.
હવે આ દુઃખથી મુક્ત થવાનો ઉપાય શું છે ? ‘ઉપાય અવશ્ય છે.’ બુદ્ધ પણ કહે છે કે આ દુઃખની નિવૃત્તિનો ઉપાય છે અને એ નિવૃત્તિનો ઉપાય માણસના હાથમાં જ છે. હવે જો કોઈ આ ઉપાય ન ગ્રહણ કરે તો એણે તે પોતે જ જવાબદાર છે. અહીં ‘સંસારી જીવ’ નો અર્થ કે જેણે વિવાહદિ કરી લીધા હોય. પરંતુ ‘સંસરતિ ઇતિ સંસારી’ અર્થાત્ જે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાતો રહે છે તે સંસારી છે. જે લોકો આ ચક્રમાંથી છૂટવા કોઈ પણ પ્રકારની ચેષ્ટા નથી કરતા તે સંસારી જીવ છે. આવા સંસારી જીવો માટે પણ ઉપાય છે. અને ઉપાય છે : સાધુસંગ, ઈશ્વરચિંતન, મનન અને પ્રાર્થના. સૌથી પહેલાં જોઈએ સાધુસંગ, અર્થાત્ જે સંસારની જાળમાં ફસાયેલો ન હોય એવા એક વ્યક્તિનો સાથ. બુદ્ધના જીવનમાં વૈરાગ્યનો ઉદય બરાબર આવી રીતે થયો હતો. સિધ્ધાર્થ રોગ, શોક, જરા, મૃત્યુને જોઈને જ્યારે વિચારતા હતાં કે આવું છે તો પછી આ જગતમાં સુખ કયાં. ત્યારે એમની દ્રષ્ટિ એક સંન્યાસી પર, એક આનંદમય પુરુષ પર પડી. આ આનંદના સ્ત્રોતને શોધતાં શોધતાં બુદ્ધ આ દુઃખમાંથી નિવૃત્તિનો ઉપાય શોધી લે છે; ‘ચતુરાર્યસત્ય’ નો આવિષ્કાર કરે છે એટલે સાધુસંગની જરૂર છે. જે સાધુ હોય તેમનામાં આનંદનો અતૂટ પ્રવાહ વહેતો રહે છે. એટલે એમનાં સંસ્પર્શમાં પણ જે લોકો આવે છે એમના જીવનમાં પણ એ ભાવનું થોડુંઘણું સંક્રમણ જાય છે.
બુદ્ધે રોગશોકની વાત ક્યારેય સાંભળી ન હોય એવા અજ્ઞાની નહોતા; પરંતુ જ્યારે એમણે પોતાની નજરે આ બધું જોયું ત્યારે એની પ્રતિક્રિયા કંઈક બીજી જ થઇ. બરાબર એવી રીતે આપણે માનીએ છીએ. આ જીવન અનિત્ય છે, દુઃખમય છે, પરંતુ વચ્ચે વચ્ચે સાધુસંગ કરતા રહેવાથી આપણને એ બોદ્ધજ્ઞાન મળે છે કે જે પરંપરાગત જીવન આપણે વિતાવી રહ્યા છીએ એની બહાર પણ એક આનંદમય જગત છે. એની શોધ કરવી એ આપની સાચી કામના છે, એટલે વચ્ચે વચ્ચે સાધુસંગની જરૂર છે. ‘વચ્ચે વચ્ચે’ એટલા માટે કહ્યું છે કારણ કે આપણા જીવનમાં સંસારના સંસ્કારોએ એવા ઊંડા મૂળીયાં જમાવી દીધાં છે કે એકાદવારના  સાધુસંગથી એ મૂળીયાં ઉખેડવાં સંભવ નથી. આવું કરતી વખતે મનની ભીતર એક ચેતના ઉદ્દભવશે, નવજાગરણ થશે. ત્યારે આપણે સમજી શકીશું કે જાગતા હોવા છતાં પણ આપણે કેટલીક ભયાનક નિંદ્રામાં પડ્યા છીએ ! અને ત્યારે એક નવા આનંદમય જગતને આંખે આંખો ખોલીને જોવાની આપણી ભીતર એક આકાંક્ષા, તીવ્ર વ્યાકુળતા જાગશે.
(૦૪/૦૧)

 

શ્રીબુદ્ધની વાણી …

 

ભગવાન બુદ્ધ વિશે સ્વામી વિવેકાનંદના ઉદ્ ગારો …
‘કર્મયોગના ઉપદેશોને અમલમાં મૂકનાર એક મહાપુરુષ વિશે બે શબ્દો કહી લઉં. જેમણે આ કર્મયોગને સંપૂર્ણ અમલમાં મૂક્યો હોય એવા એ એક જ પુરુષ હતા. બુદ્ધ સિવાયના જગતનાં અન્ય સૌ પયગંબરો નિ:સ્વાર્થ કાર્ય કરવા માટે બાહ્ય હેતુથી પ્રેરાયા હતા….. પરંતુ કોઈ પણ હેતુ વગર કર્મ કરનાર બુદ્ધ આદર્શ કર્મયોગી છે. માનવજાતનો ઇતિહાસ તેમને સર્વ માનવોમાં હૃદય અને બુદ્ધિના અપૂર્વ સંયોગવાળા, આત્મશક્તિના સર્વોત્તમ વિકાસભર્યા શ્રેષ્ઠ પુરુષ તરીકે આલેખે છે: જગતે કદી ન જોયા હોય એવા એ મહાન પુરુષ હતા ….’

 

 

ચાર આર્ય સત્ય …

દુઃખ છે.
દુઃખનું કારણ છે.
દુઃખનું નિવારણ છે.
દુઃખના નિવારણનો માર્ગ છે.

પંચશીલ …

હિંસા ન કરવાના આદેશને પાળો.
ચોરી ન કરવાના આદેશનું પાલન કરો.
વ્યભિચાર ન કરવાનો આદેશ સ્વીકારો.
અસત્ય ન બોલવાનો આદેશ સ્વીકારો.
મધપાન ન કરવાના આદેશનું પાલન કરો.

અષ્ટાંગ માર્ગ …

સમ્યક્ દ્રષ્ટિ (અંધશ્રધ્ધા ભ્રમણાવિહીન-આર્યસત્યોનું જ્ઞાન)
સમ્યક્ સંકલ્પ (ઉચ્ચ અને ઉદાત્ત મેઘાયુક્ત – સંકલ્પ)
સમ્યક્ વચન (નમ્ર, નિખાલસ, સત્યનિષ્ઠ) સમ્યક્ કર્મ (શાંતિયુક્ત –નિષ્ઠા, પવિત્રપૂર્ણ)
સમ્યક્ જીવન શૈલી (પ્રાણીમાત્ર પ્રતિ આઘાત, કે હાનિ ન કરે તેવી જીવનશૈલી)
સમ્યક્ પ્રયત્ન (આત્મશિક્ષણ તથા આત્મસંયમ માટે)
સમ્યક્ મનોવૃત્તિ (સક્રિય સાવધાન મન)
સમ્યક્ એકાગ્રતા (જીવનના સત્ય વિશે ચિત્તની એકાગ્રતા)

બુદ્ધના ઉપદેશ …

હત્યા ન કરો
ચોરી ન કરો
વ્યભિચાર ન કરો
અસત્ય ન બોલો
નિંદા ન કરો
કર્કશ વાણી ન બોલો
વ્યર્થ વાતો ન કરો
અન્યની સંપત્તિનો લોભ ન રાખો
તિરસ્કાર ન કરો
ન્યાયપૂર્વક વિચારો.


પુણ્ય કર્મ …


સુપાત્રને દાન આપો
નીતિનિયમોનું પાલન કરો
સદ્ વિચારનો અભ્યાસ અને તેની વૃદ્ધિ કરો
બીજાની સેવા સુશ્રુષા કરો
માતાપિતા તથા વડીલોનું સન્માન કરો
પોતાના પુણ્યનો ભાગ અન્યને આપો
બીજાં પોતાનું પુણ્ય આપે તેનો સ્વીકાર કરો
સદ્ ધર્મના સિદ્ધાંતને સાંભળો
સદ્ ધર્મના સિદ્ધાંતનો પ્રચાર કરો
પોતાના દોષોનું નિવારણ કરો.


(૦૫/૦૧)