જટાળો જોગી …(રચના)

જટાળો જોગી …
અયોધ્યાના રાજા દશરથને ત્યાં કૌશલ્યાની કુખે જ્યારે ભગવાને શ્રી રામ અવતાર લે છે, ત્યારે પુરાણોમાં કહેવાય છે કે પ્રભુના બાળસ્વરૂપના દર્શન માણવા ભગવાન શિવ ને  પણ દરેક દેવોની જેમ ઈચ્છા થઇ, પરંતુ,  અલગારી જોગીના વેશમાં જ્યારે શિવજી મહારાજ, દશરથના દ્વારે આવી મા કૌશલ્યાને વિનતી કરે છે કે તારા બાળકને મારે જોવો છે, તું મને તેની પાસે લઇ જા, પરંતુ માતાએ કહ્યું મહારજ, બાળકના દર્શન સિવાય તમારે જે જોઈએ તે આપું, પણ તે શક્ય નથી. મારો બાળક તમને જોઈને ડરી જાય…..  શું ભગવાન શિવ સરળતાથી .પ્રભુ રામના દર્શન પામી શકે છે ? વિગેર જાણવા રચના જરૂરથી  માણો ….
 

જોગી જટળો હરિના જોષ જુવે છે, સંગમાં ભુશંડી શિવના ચેલા થઇ ફરે છે…

રાજા દશરથ ના ઘરે આનંદ અનેરો, એક છે ઉપાધી આજે બાળ કાં રડે છે…

પરખી શક્યા ના પીડા વૈદ કે હકીમો, લાગે છે લાલાને કોઇની નજરૂં નડે છે..

ગિરિ કૈલાસે થી આવ્યો છે અઘોરી, જાણે છે જંતર જોષી કુંડ્લી કરે છે…

બોલ્યો બાવાજી લાવો લાલો મારી ગોદ માં, ભૂત ને પિશાચો મોટા અમ થી ડરે છે..

હરિ હર મળિયા ત્યારે જુગતિ અનેરી, કૌશ્લ્યા નો કુંવર હંસતો જોષીડો રડે છે..

માડી તારો લાલો લાગે જગથી નિરાળો, જગદીશ્વર જેવી જાણે રેખાઓ મળે છે..

“કેદાર” ભુષંડી કેરાં ભાગ્ય શું વખાણુ, હરિ કેરાં મુખથી પડેલાં એઠાં જમે છે..

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com