હ્રદયે રહેજો …(રચના) …

હ્રદયે રહેજો …(રચના) …

 

 

અંબિકા મારે હ્રદયે રાત દિન રહેજો, માડી મારાં દોષ ન દિલ માં ધરજો…..

મેલો ને ધેલો તારે મંદિરે આવું તો, સેવક જાણી સહિ લેજો
બાલુડો તારો માંગુ હું માવડી,    ચાકર ને ચરણો માં લેજો…

ભાવ ન જાણું ભક્તિ ન જાણું જાણું નહિં વેદ ના વિચારો
બ્રહ્મ ની વાતો હું શું જાણું,        અંબા અધમ ને ઉગારો…

દેવી દયાળી તું બેઠી જઇ ડુંગરે, ભક્ત ને ભૂલાવી ન દેજો
સાદ કરૂં ત્યારે સાંભળ્જે માવડી, દોડી દર્શન મને આપજો…

આશરો અંબા એક તમારો અગણિત કર્યાં છે ઉપકારો
દીન “કેદાર” પર દયા દર્શાવી, પુત્ર પોતાનો કરી પાળજો…

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

 

જ્ઞાનનું સાચું ધ્યેય …

જ્ઞાનનું સાચું ધ્યેય …

 

ધર્મગ્રંથો માત્ર ઈશ્વરનો રાહ ચીંધે છે. એક વાર રસ્તો જાણ્યા પછી, પોથાંઓનું શું કામ? પછી ઈશ્વર સાથે એકાંત સેવન કરી, આત્માનો વિકાસ સાધવો રહ્યો. ગામડે રહેતા કોઈ કુટુંબી તરફથી એક માણસને પત્ર મળ્યો, ‘મને આટલું આટલું મોકલજો.’ બજારમાં જતી વખતે ફરી પત્રમાં જોઈ મગાવેલી વસ્તુઓની ચોક્સાઈ કરવા માગતો હતો પણ એ પત્ર હાથ આવતો ન હતો. ખૂબ તલાશને અંતે, પત્ર જડતાં એ ખુશ થયો. એ ફરી વાંચી ગયો : ‘પાંચ શેર મીઠાઈ લાવજો, સો નારંગી અને કાપડના આઠ તાકા લાવજો’ આ જાણ્યા પછી પત્ર કચરામાં ફેંકી દઇ એ ખરીદવા નીકળ્યો.
તો આવા પત્રની જરૂર ક્યાં સુધી? એને વિગતવાર જાણીએ નહીં ત્યાં સુધી. વિગતો જાણ્યા પછી, મગાવેલી ચીજો લાવવાનું બીજું પગલું ભરવાનું. એ જ રીતે, ધર્મગ્રંથો ઈશ્વરને પામવાના માર્ગની, સાધનની, વાત કરે છે. એ માર્ગ જાણી લીધા પછી, ધ્યેયે પહોંચવા આગળ વધવાનું છે. સાક્ષાત્કાર ધ્યેય છે.
જેના દ્વારા ઈશ્વર જ્ઞાન થાય તે પરાવિદ્યા, શાસ્ત્રો, તત્વજ્ઞાન, તર્ક, વ્યાકરણ, બધું જ, મનને ગૂંચવે છે ને મન પર ભારણ કરે છે. ગ્રંથો કેટલીક વાર ગ્રંથીઓ બને છે. ઉચ્ચ જ્ઞાન ભણી લઇ જાય તો જ તે ઉપયોગી છે.
પોથીઓ પઢયા સિવાય ઈશ્વરજ્ઞાન પ્રાપ્ત ન થાય એમ ઘણા માને છે. પણ વાચન કરતાં શ્રવણ ચડિયાતું છે અને એથીયે ચડિયાતું છે જોવું કે અનુભવવું. માત્ર પોથી વાચન કરતાં, ગુરુમુખેથી સાંભળેલા સત્ય, મન ઉપર વધારે ગાઢ અસર કરે છે પણ નજરે જોવાની અસર એથી ય વધારે ગાઢ છે. વારાણસી વિશે વાંચવા કરતાં, ત્યાં જઈ આવેલા પાસેથી વારાણસી વિશે સાંભળવું વધારે ફાયદાકારક છે અને એથીયે વધારે ચડિયાતું છે જાતે જઈ પોતાની આંખે વારાણસી જોવું તે.
કેવળ બે પ્રકારના માણસોને આત્મજ્ઞાન થાય : પુસ્તકિયા જ્ઞાનનો ભાર જેમણે જરાય નથી કચડતો તે, અર્થાત્, જેમનું મન ઉછીના વિચારોથી ઉભરાતું નથી તે અને, બધાં શાસ્ત્રો, ધર્મગ્રંથો વાંચ્યા પછી જેઓ એ તારણ પર આવ્યા છે કે, ‘અમે કંઈ જ જાણતા નથી.’
લોકો ભ્રમ અને વહેમોની વાતો કરે છે ને પોતાના પુસ્તકજ્ઞાનનો ઘમંડ કરે છે; પણ નિષ્ઠાવાન ભક્તને સહાય કરવા કૃપાવાન ઈશ્વર સદા હાજર હોય છે, એ થોડો સમય ખોટે માર્ગે ગયો હોય તોય ભલે. એને શેની જરૂર છે તે પ્રભુ જાણે છે અને અંતે, એના હૃદયની વાંછના પૂરી કરે છે.
બે મિત્રો એક આંબાવાડીમાં ગયા. દુન્યવી ડાહપણવાળો હતો તે કેટલા આંબા છે ને દરેક ઝાડ પર કેટલી કેરી છે તે ગણવા લાગ્યો. અને આખા આંબાવાડીયાની કિંમત આંકવા લાગ્યો. એનો સાથી આંબાવાડીના માલિક પાસે ગયો. એની સાથે દોસ્તી કેળવી અને પછી, એ માલિકની ઈચ્છા મુજબ એક ઝાડ પર ચડી, કેરી ઉતારી, ખાવા લાગ્યો. બેમાં કોણ વધારે ડાહ્યો ? કેરી ખાઓ; એથી ભૂખ ભાંગશે. ઝાડ કેટલાં ને પાંદડાં કેટલાં એ ગણતરીનું શું કામ છે? બુદ્ધિનો ઘમંડ કરનાર સૃષ્ટિની કારણમિમાંસામાં  વ્યસ્ત થઇ જાય છે, જ્ઞાનથી નમ્ર માણસ સષ્ટા સાથે મિત્રતા કેળવે છે અને પ્રભુએ આપેલ પરમાનંદને ભોગવે છે.
જે ખરે જ જ્ઞાનની દેવી છે તે મારી મા જગદંબા તરફથી જ્યોતનું એક કિરણ જેને સાંપડે તેનામાં સૌથી મોટા પંડિતને પણ જમીન પર ઘસડાતા અળસિયા જેવો બનાવી દે છે.
ગીતા શબ્દ જલ્દી જલ્દી વારંવાર બોલો – ગીતા, ગીતા … ‘ગીતા’ એ ‘તાગી’ જેમ બોલાશે. તાગી-ત્યાગી-એટલે ઈશ્વરને માટે સંસારનો ત્યાગ કરનાર. આમ ગીતા એક શબ્દમાં જ શીખવે છે : ‘સંસાર બદ્ધ લોકો, ત્યાગ કરો ! બધું તજી દો અને, ઈશ્વરમાં મન લગાડો.
(-‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ માંથી સભાર)
(૧૨/૦૧/૧૩/૩૬૪)

– સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ – હોમીઓપેથી- (૨) …

– સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ – હોમીઓપેથી- (૨) …

 


હોમીઓપેથી આખરે આ ગળી (મીઠી) ગોળી છે શું ? એનો ઉદભવ, ઉત્ક્રાંતિ અને એની આજ :


હોમીઓપેથી નો ઉદભવ ૧૭૯૬ માં ડૉ. સમ્યુએલ હનેમાન દ્વારા Germany માં થયેલ. એના ઉદભવના બનાવ અને background-પૂર્વભૂમિકામાં જવા જેવું છે. બન્યું એવું કે સાવ જ અંધારામાં લાગે તો તીર નહિ તો તુક્કો જેવી logic – તર્ક વિનાની અને અંધશ્રદ્ધા, વહેમ અને ખોટા ખ્યાલો થી ભરપુર એવી medical practice – ચિકત્સાસારવારના વ્યવસાયથી ડૉ.હનેમાન ખુબ દુઃખી થયા અને એમણે વ્યવસાય – practice છોડી ને medical field ની books નું translation – અનુવાદન (ભાષાંતર) કરવાનું શરુ  કર્યું.આ વાત લગભગ ૧૮મી સદીની છે.

Translation –અનુવાદન કરતાં કરતાં એમના ધ્યાનમાં એક વાક્ય આવ્યું જે કૈક આમ હતું : ” તજ ની છાલ મલેરિયા મટાડી શકે છે કારણ કે તે કડવી છે ” ડો. હનેમાનના ગળે આ વાત ઉતરી નહિ, એમણે થયું કે દુનિયામાં હજારો વસ્તુઓ કડવી છે તો કેમ તજ જ મેલરિયા મટાડી શકે છે ? અને એમણે પ્રયોગ કરવાના શરુ કર્યા. ઘણા બધા પ્રયોગોના અંતે એ એવા તારણ ઉપર આવ્યા કે ” તજની  છાલ મેલરિયા મટાડી શકે છે કારણ કે તેને જો નિયમિત માત્રમાં લાંબો સમય લેવામાં આવે તો તે સામાન્ય માણસમાં મેલરિયા જેવા જ symptoms produce  લક્ષણો – ચિન્હો સર્જન –ઉત્પન કરી શકે છે.આ તારણ આવ્યું લગભગ ૧૭૯૦માં અને પછી તો એમણે ૬ વર્ષ સતત પ્રયોગો પર પ્રયોગો કર્યા અને છેવટે એવા તારણ પર આવ્યા કે જે તત્વ જે પ્રકાર નો રોગ કે ચિન્હો સર્જી શકે તે જ તત્વ જો એના અર્ક સ્વરૂપે લેવામાં આવે તો એને જ મટાડી શકે.

આપણી સાદી ભાષામાં કહીએ તો ” ઝેર નું મારણ ઝેર ” કે પછી ” लोहा लोहे को काटता है ” કે પછી કવિ કલાપી ના શબ્દોમાં ” જે પોષતું તે મારતું તે ક્રમ દિશે છે કુદરતી” નું vice -versa .આ મૂળ સિદ્ધાંત ની સાથે એમણે વૈદક શાસ્ત્રના તમામ મૂળ સિદ્ધાંતો ને સાથે લીધા અને હોમીઓપેથીનું સર્જન થયું.

આમ તો આયુર્વેદમાં પણ ચરક સંહિતામાં આ બાબત નો સ્પષ્ટ ઉલ્લેખ છે જેમાં ઋષિ ચરક લખે છે ” सम: समं शमयति “

વધુ ઊંડાણમાં ના જતા આટલે થી ઈતિહાસની વાત અટકાવીને ટૂંકમાં હોમીઓપેથીની વિશેષતાઓ જણાવું તો કૈક આમ કહી શકાય :

૧. હોમીઓપેથીમાં રોગની દવા નથી પરંતુ રોગીની દવા છે . એટલે કે એક વ્યક્તિના રોગની સાથે સાથે એના પ્રકૃતિના પણ તમામ symptoms – લક્ષણો –ચિન્હો દવામાં સાથે આવરી લેવાય છે જેથી તે ખુબ અકસીર નીવડે છે.

૨. હોમીઓપેથીમાં દવા મૂળ કુદરતી તત્વો એટલે કે વનસ્પતિ કે ધાતુઓમાંથી જ બનાવાય છે જેથી તેની આડઅસર ની શક્યતા નહીવત હોય છે.

૩. હોમીઓપેથીમાં દવામાં રહેલું તત્વ એના અર્ક સ્વરૂપે રહેલું હોવાથી તે ખુબ જ effective  રહે છે. જેમકે ચામાં ૨૫૦ ગ્રામ આદું એમ જ નાખીએને એને બદલે ૧૦ ગ્રામ આદુંને વાટીને તેમાંથી નીકળેલા રસનું એક ટીપું નાખીએ તો તે ખુબ વધુ effective –અસરકારક  હોય છે. હોમીઓપેથીમાં પ્રત્યેક દવા આ રીતે તૈયાર થાય છે.

૪. હોમીઓપેથીની દવાની જેટલી અસર શરીર પર છે એટલી જ મન પર પણ છે. એટલે આ દવાથી વ્યક્તિની શારીરિક બીમારીઓ તો દુર થાય જ છે પણ સાથે સાથે વધુ પડતો ગુસ્સો, વધારે પડતો લાગણીશીલ સ્વભાવ, દુઃખ, depression-ખિન્નતા, જેવી સ્વભાવગત તમામ વિષમતાઓ દુર થઇ emotional  stability generate –ભાવનાઓ- ઉર્મિલ સ્થિરતા ઉત્પન થાય છે.

૫. હોમીઓપેથી પ્રમાણે પ્રત્યેક રોગનું મૂળ તેનામાં રહેલી energy-ક્રિયાશક્તિ –ઉર્જાના disturbance –ખલેલ પહોચાડવામાં રહેલું છે. શરીર દ્વારા કે મન  દ્વારા આવતા ચિન્હો તો તેના દર્પણ માત્ર છે. હોમિઓપેથ આ છેક અંદર પડેલા રોગને ઓળખીને એનો ઈલાજ કરે છે આથી રોગ ના માત્ર ચિન્હો દુર નથી થતા પણ અંદર જ energy –ઉર્જાનું એક પ્રકારનું balance – સ્થિરતા સર્જાય છે. જેથી સ્વાથ્ય આકાર લે છે.

૬. હોમીઓપેથી વ્યક્તિની પ્રકૃતિને એકદમ અનુરુપ હોવાથી પણ આડઅસર અને ધીમી અસર આ બંને કરતી નથી. જો રોગ થયા પછી તાત્કાલિક હોમિઓપેથનો સંપર્ક  કરવામાં આવે તો  રોગ તરત જ દુર થાય છે.

૭. મોટેભાગે હોમીઓપેથીની દવાઓ તો પ્રવાહી સ્વરૂપમાં હોય છે પણ એનો dose –દવાની માત્રા  ખુબ જ ઓછો આપવાનો હોવાથી એક ટીપાના વધુ ભાગ ના કરી શકાય. એટલે અપાતી ગળી (મીઠી) ગોળી તો માત્ર વાહક છે જેમાં દવાના ટીપા નાખેલા હોય છે.

હજી ઘણું કહી શકાય પણ હવે એટલા technical area માં જવા ને બદલે ટૂંકમાં એટલું સમજી લઈએ કેહોમીઓપેથી એક અસરકારક ચિકિત્સા પદ્ધતી છે જે આડઅસર વિના,ઝડપી કોઈ પણ રોગને મટાડીને સાચા અર્થમાં સ્વાસ્થ્ય આપવા સક્ષમ છે. હોમીઓપેથીમાં આજે લગભગ ૫૦૦૦ થી પણ વધારે પુરેપુરી પ્રમાણભૂત થયેલી દવાઓ છે જે આજના સમયના કોઈ પણ રોગ ની સામે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે.


આ વાતથી જ આ લેખ પૂરો કરું છું, આવતા વખતથી આપણે દર વખતે અલગ અલગ રોગ વિષે જરા general – સામાન્ય  માહિતી મેળવીશું ને સાથે સાથે એની હોમીઓપેથીની દવાઓ અને એમાં હોમીઓપેથીના role – કાર્ય  વિષે પણ જાણીશું. આપના પ્રતિભાવો અને સવાલો ની પ્રતીક્ષા મને બિલકુલ રહેશે.

પ્લેસીબો :

china (cinchona ) એ હોમીઓપેથીની એવી દવા છે જેનાથી મેલરિયા કોઈ પણ પ્રકારની ઉથલો મારવાની શક્યતા વિના અને આડઅસર વિના મટે છે. મોટેભાગે વ્યક્તિ ને કોઈ પણ પ્રકાર ના hospitalization – હોસ્પિટલમાં દાખલ થયા વગર મેલરિયા મટાડતી આ શ્રેષ્ઠ દવા છે.

ડૉ.પાર્થ માંકડ

M.D.(HOM)

( નોંધ : કોઈ પણ દવા નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ લેવી હિતાવહ છે.)

આ વિશે વધુ જાણકારી મેળવવા માટે કે તમારા મનમાં  ઉદભાવતા પ્રશ્નો માટે …આપ અહીં આપના પતિભાવ મૂકી શકો છો કે અમોને લખી શકો છો, જે અમો ડૉ.પાર્થ માંકડ ને તેમના પ્રતિભાવ  આપવા મોકલી આપીશું. આ સાઈટ કોમર્શીયલ -વેપાર કરવાના હેતુથી ના હોઈ, ફક્ત આપની સુખાકારી ની જાણકારી માટે જ  હોય નોંધ લેવા વિનતી. 

” આપ આપના પ્રતિભાવો તેમ જ પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછશો ડો. પાર્થ માંકડ શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે. જો કોઈ ને એમના પ્રશ્ન કે રોગ બાબતે secrecy રાખવાનો પ્રશ્ન હોય નડતો હોય તો તેમણે drparthhomoeopath @ gmail .com પર અમોને જાણ કરવી જેનો જવાબ અમો તેમેન તેમના મેઈલ આઈડી પર મોકલી આપવા કોશિશ કરીશું..”

 

 

 

સબ તીરથ કર આઈ તુંબડીયાં…

સબ તીરથ કર આઈ તુંબડીયાં…

.
.

સબ તીરથ કર આઈ તુંબડીયાં…
સબ તીરથ કર આઈ તુંબડીયાં…
સબ તીરથ કર આઈ…
.
સબ તીરથ કર આઈ તુંબડીયાં…
સબ તીરથ કર આઈ…
.
ગંગા નાઈ, ગૌમતિ નાઈ
અડસઠ તીરથ ધાઈ…
નિત નિત ઉઠ, મંદિરમેં આઈ
તો ભી ન ગઈ કડવાઈ…તુંબડીયાં…
.
સબ તીરથ કર આઈ તુંબડીયાં…
સબ તીરથ કર …
.
સત્ ગુરુ સંકટે નજર ચડી જબ
અપને પાસ મંગાઈ…
કાટ-કૂટ કર સાફ બનાઈ
અંદર રાખ મિલાઈ…તુંબડીયાં ….
.
સબ તીરથ કર આઈ તુંબડીયાં…
સબ તીરથ કર …
.
રાખ મિલાકર, પાક બનાઈ
તબ તો ગઈ કડવાઈ…
અ મ્રિત જલ ભર લાઈ તુંબડીયાં…
સંતન કે મન ભાઈ તુંબડીયાં…
.
સબ તીરથ કર આઈ…
સબ તીરથ કર આઈ તુંબડીયાં…
સબ તીરથ કર આઈ…
સબ તીરથ કર આઈ…
સબ તીરથ કર આઈ તુંબડીયાં…
.
યે બાતા સબ સત્ય સુનાઈ
જુઠ્ઠ નહિ હૈ, મેરે ભાઈ
દાસ સતાર, તુંબડીયાં ફિર તો..
કળકી ધીરે ઠકુરાઈ …તુંબડીયાં…
.
સબ તીરથ કર આઈ..
સબ તીરથ કર આઈ તુંબડીયાં…
સબ તીરથ કર …

જય ગણેશ, ગણનાથ દયા નિધિ … (ગણેશ વંદના)

જય ગણેશ, ગણનાથ દયા નિધિ … (ગણેશ વંદના)

.
.
જય ગણેશ, ગિરજા સુવન
મંગલ મૂળ સુજાણ
કહત અયોધ્યા દાસ તું
દેવ અભય વરદાન …
જય ગણેશ, જય ગણેશ ..
જય ગણેશ, ગણનાથ દયાનિધિ
સકલ વિઘન કર દૂર હમારે ..
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ
જય ગણેશ, ગણનાથ દયાનિધિ
સકલ વિઘન કર દૂર હમારે
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ …
પ્રથમ ધરે જો, ધ્યાન તુમ્હારો
ધ્યાન તુમ્હારો, ધ્યાન તુમ્હારો ..
પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારો .. (૨)
કિસપે પૂરણકાર દીસાવે
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ …
જય ગણેશ, ગણનાથ દયાનિધિ
સકલ વિઘન કર દૂર હમારે
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ …
લંબોદર ગજ બદન મનોહર .. (૨)
લંબોદર ગજ બદન મનોહર ..
બદન મનોહર … બદન મનોહર ..
લંબોદર ગજ બદન મનોહર ..
કરતી શૂલ વરધારે ..
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ
જય ગણેશ, ગણનાથ દયાનિધિ
સકલ વિઘન કર દૂર હમારે
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ …
રિદ્ધિ – સિદ્ધિ દો ચમર ઢૂલાવે
ચમર ઢૂલાવે, ચમર ઢૂલાવે ..
રિદ્ધિ-સિદ્ધિ .. (૨) દો ચમર ઢૂલાવે
મૂષક વાહન પરમ સુખાવે
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ ..
પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારો .. (૨)
કિસપે પૂરણકાર દીસાવે ..
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ ..
જય ગણેશ, ગણનાથ દયાનિધિ
સકલ વિઘન કર દૂર હમારે
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ …
બ્રહ્માદિક સૂર ધ્યાવત મનમેં ..(૨)
બ્રહ્માદિક … સૂર ધ્યાવત મનમેં ..(૨)
ઋષિમુનિ ગણ સબ દાસ તુમ્હારે ..
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ ..
જય ગણેશ, ગણનાથ દયાનિધિ
સકલ વિઘન કર દૂર હમારે
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ …
બ્રહ્માનંદ એ … સહાય કરો
બ્રહ્માનંદ રે .. (૨) બ્રહ્માનંદજી .. સહાય કરો
નિજ, ભક્તજનો કે તુમ રખવાલે
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ ..
જય ગણેશ, ગણનાથ દયાનિધિ
સકલ વિઘન કર દૂર હમારે
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ …
જય ગણેશ, ગણનાથ દયાનિધિ
સકલ વિઘન કર દૂર હમારે ..
સકલ વિઘન કર.. દૂર .. (૨)
સકલ વિઘન કર દૂર હમારે ..
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ …
જય ગણેશ, ગણનાથ દયાનિધિ …
પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારો ..
ધ્યાન તુમ્હારો .. (૨)
પ્રથમ ધરે ધ્યાન તુમ્હારો ..
કિસપે પૂરણકાર દીસાવે
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ … (૨)

રસ્તો નથી જડતો … (ગઝલ)

રસ્તો નથી જડતો … (ગઝલ)

 

‘કવિ જલરૂપ’ ના ઉપનામથી અનેકવિધ સાહિત્યિક અને વૈવિધ્યસભર લેખનકાર્ય કરતાં મોરબીના ૨૫ વર્ષીય નવયુવાન શ્રી રૂપેશ લાલજીભાઈ પરમાર થનગનતા, આશાવાદી સુશિક્ષિત મધ્યમવર્ગીય યુવાન છે. તેઓએ બી.કોમની પદવી હાંસલ કરી લીધા બાદ, હિન્દીમાં વિશારદ કરેલ છે અને સંસ્કૃતમાં પણ વિશારદનો અભ્યાસ કરે છે. ચિત્રકળા (ડ્રોઈંગ)ના ટ્યુશન ક્લાસ ૧ થી ૧૨ ધોરણ ના હાલ ચલાવે છે. રૂપેશ પરમાર, ‘કાનૂન ખબર’ અખબારમાં ‘કવિતા’ની કટાર લખે છે. તેમજ રાજકોટના સાંધ્ય દૈનિક ‘અકિલા’માં,  ‘મોકળુ મેદાન’ લેખ અને કાવ્યો લખે છે. તેમની ‘શ્રેયના સુવિચાર’ નામની પુસ્તિકા પણ પ્રકાશિત થયેલ છે અને ‘શ્રેયનો માર્ગ’ પુસ્તિકારૂપે હવે પ્રકાશિત થશે.
રૂપેશ પરમાર – કવિ જલરૂપ, અનેકવિધ પ્રતિભા ધરાવે છે, પોતાની બે રચનાઓ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ તેમના આભારી છીએ…

ગઝલ ..

 

(૧) રસ્તો નથી જડતો …

આંખના આંસુથી ભરાય છે દરિયો;
આ ખારા પાણીમાં રસ્તો નથી જડતો.

લાગણીના સંબંધોથી સોહાય છે દરિયો;
લાગણીની વાણીમાં રસ્તો નથી જડતો.

પ્રેમના પ્યાલામાં પૂજાય છે દરિયો;
આ બંધ સુરાઈમાં રસ્તો નથી જડતો;

નફરતની નજરોથી ધોવાય છે દરિયો;
જલરૂપ આ બુરાઈમાં રસ્તો નથી જડતો.

-કવિ જલરૂપ (મોરબી)

 

(૨) મા-બાપ ..

 

પૈસે બધું મળે,
પાપ મળે, પુણ્ય મળે,
પ્રેમ મળે, નફરત મળે,
પળેપળ
પૈસે બધું મળે,
દુનિયા નમે
સૌને ગમે, બાકી
બધાં પૈસે રમે,
પૈસો તો છે પરમેશ્વર
ન મળે, ન મળે
દુનિયાની શ્રેષ્ઠ વસ્તુ
ન મળે મા-બાપ,
બાકી પૈસે બધું મળે.

 

રચિયતા  -રૂપેશ પરમાર …
કવિ જલરૂપ (મોરબી)

કવિ સંપર્ક  :  રૂપેશ પરમાર,વજેપર શેરી નંબર ૨૩, વજેરી પાછળ, મોરબી ૩૬૩૬૪૧.

જ્યાં લગી આત્મા, તત્વ ચીન્યો નહી …(ભજન)

જ્યાં લગી આત્મા, તત્વ ચીન્યો નહી …
સ્વર : શ્રી નારાયણ સ્વામી …

.

.
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહી …

 

આત્મા ઓર પરમાત્મા
દૂર રહે બહોત કાલ
સુંદર મેલા કર દિયા
સદગુરુ મિલે ગલાલ …

 

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહી …
ત્યાં લાગી સાધના સર્વ દુઃખી
જ્યાં લાગી આત્મા તત્વ ચીન્યો નહી …

 

મનુષ્ય દેહ તારો એમ એળે ગયો
માવઠાની જેમ વૃષ્ટિ રૂઠી
જ્યાં લાગી આત્મા તત્વ ચીન્યો નહી …

 

શું થયું સ્નાન સેવા થકી ને
શું થયું દેર રહી દાન દીધે
શું થયું સ્નાન સેવા થાકી ને વળી
શું થયું દેહ રહી દાન દીધે
શું થયું દરિદ્રતા ભષ્મ લેપન કરે
શું થયું લાલ લોચન કીધે
જ્યાં લાગી આત્મા તત્વ ચીન્યો નહી …

 

જ્યાં લાગી આત્મા તત્વ ચીન્યો નહી …
ત્યાં લગી સાધના સર્વ દુઃખી …

 

આ મનુષ્ય દેહ તારો
એમ એળે ગયો
માવઠા ની જેમ વૃષ્ટિ રૂઠી
જ્યાં લાગી આત્મા તત્વ ચીન્યો નહી …

 

શું થયું તપને તીરથ કીધા થકી
શું થયું માળ ગઈ નામ લીધે
શું થયું તપને તીરથ કીધા થકી
શું થયું માળ ગઈ નામ લીધે
શું થયું તિલકને તુલસી ધર્યા થકી

 

શું થયું તિલકને તુલસી ધર્યા થકી
શું થયું ગંગાજળ પાન કીધે
જ્યાં લાગી આત્મા તત્વ ચીન્યો નહી …

 

જ્યાં લાગી આત્મા તત્વ ચીન્યો નહી …
ત્યાં લગી સાધના સર્વ દુઃખી
જ્યાં લાગી આત્મા તત્વ ચીન્યો નહી …

 

શું થયું વેદ, વ્યાકરણ, વાણી વદે
શું થયું રાગ ને રંગ જાણે
શું થયું વેદ, વ્યાકરણ, વાણી વદે
શું થયું રાગ ને રંગ જાણે
શું થયું ખટ દર્શન સેવા થકી ..(૨)
શું થયું વરણ ના ભેદ આણે
જ્યાં લાગી આત્મા તત્વ ચીન્યો નહી …

 

જ્યાં લાગી આત્મા તત્વ ચીન્યો નહી …
ત્યાં લગી સાધના સર્વ દુઃખી
જ્યાં લાગી આત્મા તત્વ ચીન્યો નહી …

 

આ.. પ્રપંચ સૌ પેટ ભરવા તણા
આત્મા રામ કદી બ્રહ્મ ન જોયો
એ છે પ્રપંચ સૌ પેટ ભરવા તણા
આત્મા રામ કદી બ્રહ્મ ન જોયો
ભણે નરસૈંયો કે’ તત્વ દર્શન વિના

 

ભણે નરસૈંયો કે’ તત્વ દર્શન વિના
રત્ન ચિંતામણી જન્મ ખોયો

 

ભણે નરસૈંયો કે તત્વ દર્શન વિના
રત્ન ચિંતામણી જન્મ ખોયો
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહી …

 

જ્યાં લાગી આત્મા તત્વ ચીન્યો નહી …
ત્યાં લગી સાધના સર્વ દુઃખી
આ મનુષ્ય દેહ તારો એમ એળે ગયો
માવઠા ની જેમ વૃષ્ટિ રૂઠી
જ્યાં લાગી આત્મા તત્વ ચીન્યો નહી …

 

જ્યાં લાગી આત્મા તત્વ ચીન્યો નહી …
ત્યાં લગી સાધના સર્વ દુઃખી
જ્યાં લાગી આત્મા તત્વ ચીન્યો નહી …

 

મન કરી લે ને વિચાર … (ભજન)

મન કરી લે ને વિચાર … (ભજન)
સ્વર : નારાયણ સ્વામી …

.

.
મન કરી લે ને વિચાર
જીવન થોળા ..
તારા હરિ ભજનની માંય
કાન છે બહોળા
જાશો જમપુરી માંય
જળશે જોળા ..
તેથી રામ નામ સંભાર …

 

મન, કરી લે ને વિચાર
જીવન થોળા ..
તારા હરિ ભજનની માંય
કાન છે બહોળા ..
અંતે જાશો જમપુરી માંય
જળશે જોળા ..
તેથી રામ નામ સંભાર …

 

મોર મુકુટ, ધીર્યો શિર ઉપર
દરપન કર મોજાર ..
મોર મુકુટ ધર્યો શિર ઉપર
દરપન કર મોજાર ..
વેઢ, વિટીયું, હાર ગળામાં .. (૨)
ખૂબ ધર્યો શણગાર ..
પગમાં તોળા ..(૨)

 

ખૂબ ધર્યો શણગાર ..
પગમાં તોળા ..
રામ નામ સંભાર …

 

મન કરી લે ને વિચાર
જીવન થોળા ..
હરિ ભજનની માંય
કાન છે બહોળા ..
જાશો જમપુરી માંય
જળશે જોળા ..
તેથી રામ નામ સંભાર …

 

હસ્તી ઉપર કનક અંબાળી
ખમ્મા કહે છડીદાર ..
હસ્તી ઉપર કનક અંબાળી
ખમ્મા કહે છડીદાર ..
રથની આના ઊંટ પાલખી
કે’તા ના આવે પાર ..
ચડવા ઘોડા ..
રામ નામ સંભાર …

 

મન કરી લે ને વિચાર
જીવન થોળા ..
તારા હરિ ભજનની માંય
કાન છે બહોળા ..
અંતે જાશો જમપુરી માંય
જળશે જોળા ..
તેથી રામ નામ સંભાર …

 

લોભ ન ચૂકે, કામ ન મૂકે …
ઘર ધંધા ની માંય ..
લોભ ન ચૂકે કામ ન મૂકે ..
ઘર ધંધા ની માંય ..
મૂરખ મન તું કછુ ન બુજે .. (૨)

 

તીરથ ગમન ની માંય
પગ છે થોડા ..

 

તીરથ ગમન ની માંય ..
પગ છે થોડા ..
રામ નામ સંભાર …

 

મન કરી લે ને તું વિચાર
જીવન થોળા ..
હરિ ભજનની માંય
કાન છે બહોળા ..
અંતે જાશો જમપુરી માંય
જળશે જોળા ..
તેથી રામ નામ સંભાર …

 

સંસાર સાગર, મહા જળ ભરીયો
રામ નામ કો જહાજ ..
સંસાર સાગર, મહા જળ ભરીયો ..
રામ નામ કો જહાજ ..
ગંગાદાસ કો જ્ઞાન બતાયો  .. (૨)
રામદાસ મહારાજ ..

 

કૃપા કરી ને ..
રામદાસ મહારાજ
કૃપા કરી ને  ..

 

મન કરી લે ને તું  વિચાર
જીવન થોળા ..
હરિ ભજનની માંય
કાન છે બહોળા ..
જાશો જમપુરી માંય
જળશે જોળા ..
તેથી રામ નામ સંભાર …રે ..જી

 

કૂવામાંનો દેડકો … (બોધ કથા)

કૂવામાંનો દેડકો … (બોધ કથા)

દરિયાથી દૂર એક કૂવામાં એક કાળો દેડકો રહેતો હતો. ત્યાં જ જન્મ્યો. મોટો થયો,પણ કૂવાની બહાર એક પણ દિવસ ક્યાંય નીકળ્યો ન હતો. બહારની દુનિયાનાં એને સાન-ભાન ન હતાં, પણ પોતાને ખૂબજ બુદ્ધિશાળી માનતો. કૂવામાં રહેતાં ને અચાનક કૂવામાં પડતાં જીવ-જંતુ ખાઈને તે શરીરે તગડો બની ગયો.
એક દિવસ આ દેડકાભાઈ ઝોકે ચડ્યા, ત્યાં ઓચિંતાનો દરિયાનો દેડકો ધડામ દઈને કૂવામાં પડ્યો. કોઈ મોટું જીવડું આવી ચડ્યું હશે એમ માનીને કૂવાના દેડકાભાઈ તો જાગી ગયા. અને જીવડાંને હડપી લેવા તૈયાર થયા.

કૂવાના દેડકાએ ફરીથી ધ્યાનથી જોયું ત્યારે તેને બહુ નવાઈ લાગી. મનમાં વિચારવા લાગ્યો : ‘ અરે ! આ તો લાગે છે આપણો જાતભાઈ, પણ મારા જેવો કાળિયો કેમ નથી?’ આ દંભી દેડકાએ પોતે ડરી ગયો છે એવું દેખાઈ ન જાય એવી રીતે જરા ધીરગંભીર અવાજે દરિયાના દેડકાને પૂછ્યું : ‘ભાઈ, તું કોણ છો?’
દરિયાનો દેડકો બોલી ઊઠ્યો : ‘ભાઈ, હું તો અજાણ્યો મુસાફર છું.’
કૂવાના દેડકાએ કહ્યું : ‘એ તો મને ખબર છે ! પણ ભાઈ, પણ તું અહીં શું કામ આવ્યો છે?’
દરિયાના દેડકાએ વિનયથી કહ્યું : ‘ભાઈ, અહીં આવવાનો મારો કોઈ ઈરાદો ન હતો. હું તો અકસ્માતે અહીં પડી ગયો છું. પણ સાચે જ આપણે મળીને મને ઘણો આનંદ થયો છે.’ આ સાંભળીને દંભી દેદાકાભાઈ તો ખુશ ખુશ.
છતાંય મહેમાન વિશે વધુ જાણવા પૂછ્યું : ‘ પણ તમે ક્યાંથી આવો છો ?’
દરિયાના દેડકાએ કહ્યું : ‘ભાઈ ! હું તો દરિયામાંથી આવું છું.’
‘દરિયો ? એ વળી શું ? તે કેવડો છે ? મારા કૂવા જેવડો ખરો ?’ આ પૂછતાં – પૂછતાં દંભી દેડકાએ કૂવાના એક છેડાથી બીજા છેડા સુધી છલાંગ મારી.
દરિયાના દેડકાએ એક છલાંગ મારીને કહ્યું : ‘ભાઈ, તારો દરિયો આવડો હશે કે ?’
દરિયાનો દેડકો બોલી ઊઠિયો : ‘ભાઈ, કેવી મૂર્ખ જેવી વાત કરો છો ? તારા નાના કૂવા સાથે દરિયાની તુલના હોય ! તારા આ કૂવા કરતાં તો હજાર ગણો વિશાળ છે દરિયો.’
દંભી દેદાકાભાઈ ખીજાઈ ગયા ને બોલ્યા : ‘ હાલ્ય, હાલ્ય, મારા કૂવાથી કંઈ મોટું નથી. જા,જા, ખોટા બોલા, તારી વાત ખોટી છે. હું માનવા તૈયાર નથી.’
દરિયાના દેડકાના લાગ્યું કે આવા મૂરખ સાથે ચર્ચા કરવી નકામી. એટલે ત્યાંથી ચાલી નીકળ્યો.
હવે આપણા દંભી દેદાકાભાઈ ખડખડાટ હસતાં બોલી ઊઠિયા : ‘પેલા ગાંડિયાને એમ કે મને મુરખ બનાવી જશે. પણ હું જાણું જ છું કે મારા કૂવાથી મોટું કંઈ નથી.’ આમ બોલતાં બોલતાં કૂવાના એક છેડાથી બીજાં છેડા સુધી વળી પાછી એક બીજી છલાંગ મારી.
બોધ / સાર : સંસારમાં કોઈના પ્રત્યે કૂવાના દેડકા જેવું સંકુચિત મન ન રાખો. બીજાના વિચારને સમજતાં – સ્વીકારતાં શીખો. આ છે સંસ્કારિતાની નિશાની.

 

(સ્વામી વિવેકાનંદની બોધકથા” માંથી સાભાર)

સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ .. હોમીઓપેથી…

– સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ .. હોમીઓપેથી… (૧)
ડો. પાર્થ માંકડની કલમે …


ડો.પાર્થ માંકડ જેઓ યુવાન તેમજ જાણીતા (Homoeopathic Dotctor) – હોમીઓપેથિક ડૉકટર છે, તેઓ હોમીઓપેથીમાં M.D. ની ડિગ્રી ધરાવે છે.આ ઉપરાંત તેમણે Music Therapy, Spiritual Healing જેવા વિષયો સાથે Alternative medicines માં પણ M.D. કરેલું છે. તેમનું મુખ્ય ક્લિનિક અમદાવાદ માં अथ  homeo cure છે. આ ઉપરાંત હાલમાં ગુજરાતના વિવિધ સ્થળો જેમ કે મહેમદાબાદ, હાથીજણ તેમ જ ભુજ ખાતે પણ તેમના ક્લિનિક ધરાવે છે. આ ઉપરાંત ખાસ કરી ને ભારત ની બહાર વસતા ગુજરાતીઓ ને યોગ્ય treatment – સારવાર મળી રહે એ હેતુથી તેઓ ગુજરાતનું પ્રથમ e – clinic :’www.homeoeclinic.com’ પણ ધરાવે છે. જેમાં કોઈપણ દેશમાં રહેતી વ્યક્તિ એમને આ website  પર મળી ને જરૂરી માર્ગદર્શન તેમ જ દવા મેળવી શકે છે, તેઓ વ્યક્તિ સાથે રૂબરૂ મળ્યા ની જેમ જ detail માં –વિસ્તારથી વાત કરી તેમને courier – આંગડિયા દ્વારા નિયમિત દવા મોકલતા રહે છે અને તેમના નિયમિત સંપર્કમાં – touchમાં  પણ રહે છે.
ડો.પાર્થ patient / દર્દીના માત્ર દર્દને જ જાણીને દવા ના આપતા તેઓ પ્રત્યેક કિસ્સામાં વ્યક્તિની પ્રકૃતિ નો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરે છે અને ત્યાર બાદ દવા કરે છે. જેથી વ્યક્તિ મન તેમ જ શરીર બંનેથી સાચા અર્થમાં તંદુરસ્તી મેળવી શકે. તેઓ પોતે હોમીઓપેથીની નવી દવાઓ ના સંશોધનો, હોમીઓપેથીના વિદ્યાર્થીઓનું ટીચિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓ સાથે પણ સંકળયેલા છે. વ્યક્તિના મનનો પૂર્ણ અભ્યાસ અને રોગના મૂળ સુધી પહોચીને એને પારખવાની આવડત ને પરિણામે સચોટ prescription એ એમની મુખ્ય વિશેષતાઓ છે. તેમનું specialization stress તેમજ અયોગ્ય life style પરિણામે થતા રોગ છે. તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીત પર આધારિત ઉપચાર પર પણ હાલમાં research કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાતી લેખન, સંચાલન જેવી સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે. હોમીઓપેથી તેમ જ સ્વાસ્થ્ય જેવા વિષયો પર તેઓ હાલમાં પુસ્તક પણ લખી રહ્યા છે. સતત ઉત્સાહ સાથે શક્ય એટલું  સ્વાસ્થ્ય લોકો સુધી પહોચાડવું એ તેમનો શોખ પણ છે અને profession/ વ્યવાસ્ય પણ છે.
આજથી દર અઠવાડિયે નિયમિત રીતે આપણે … સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ .. હોમીઓપેથી … પર તેમની અનુભવી કલમનો  લાભ લઈશું, ‘દાદીમા ની પોટલી’ પર તેમની કલમનો લાભ આપવા બદલ અત્રે  અમો તેમના આભારી છીએ…
હોમીઓપેથીનો ટૂંકો પરિચય ….(૧)સ્વાસ્થ્યની વાત મનમાં આવે એટલે તરત જ આપણા મનમાં ડર મિશ્રિત ચિંતા ડોકાય,  ને થોડા attention (વિચારણામાં)માં પણ આવી જઈએ. મોટેભાગે આપણે બધા જ પૈસા, સંબંધો અને સ્વાથ્ય આ ત્રણેય માટે હંમેશ અસુરક્ષિતતા ની લાગણી ને સતત સાથે લઇ ને ચાલીએ છીએ. આવા સંજોગોમાં સ્વસ્થ જીવન જીવવા માટે ની જરૂરી બાબતો જાણવીને એનું જરૂરિયાત મુજબ નું application આ બને બાબતો કદાચ આપણને નીરોગી રાખવામાં બહુ અગત્ય નો role play- (ભૂમિકા ભજવી) કરી શકે. ડૉ.પાર્થ માંકડ દ્વારા અહી અપાતા લેખ એ સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ એમાં હોમીઓપેથી ના role ની, (ભૂમિકાની) જાગૃતિ ના  હેતુ થી શરુ કરાયેલું ખિસકોલી કાર્ય છે.
અહી આપણે હોમીઓપેથી ની વાતો પણ કરીશું અને સાથે સાથે અન્ય ચિકિત્સા પધ્તિઓ સાથે એનો comparative study/તુલનાત્મક અભ્યાસ, સ્વાસ્થ્ય વિષે ની ગેરમાન્યતાઓ, રોગ વિષે ની ગેરમાન્યતાઓ, સ્વાસ્થ્યનો સાચો અર્થ, રોગ નું મૂળ વગેરે જેવી ઘણી બધી બાબતો ને આવરી લેવા નો પ્રયત્ન કરીશું. વાચકો ને ખાસ બે  વિનંતી ..
એક તો આપ વાંચ્યા પછી બને ત્યાં સુધી આપના સંલગ્ન સવાલો તેમજ પ્રતિભાવ /comments સતત આપતા રહેશો જેથી આપની જરૂરિયાત પ્રમાણે ની માહિતી પીરસી શકાય અને બીજું એ વિનંતી કે પ્રત્યેક પોસ્ટ /article માંથી, મારા રોગ ની દવા કઈ જેવો સંકુચિત અભિગમ ના રાખવો, આ લેખ જાગૃતિ ફેલાવા માટે છે, નહિ કે તમને/જાતે ડોક્ટર બનાવા માટે. વ્યક્તિ પોતે જ પોતાનો ઉપચાર ચાલુ કરવા માંડે તો ઘણા જોખમો ઉભા થાય કારણ કે નીરોગી હોવું એ માત્ર કોઈ અંકગણિત ની ઘટના નથી કે જેમાં ૨ +૨ =૪ જ થાય, હા, પણ છતાં આપ આપના રોગ તેમજ ઉપચાર સંબંધી ઘણું  જાણી શકો અને એનો ઉપયોગ પણ કરી શકો  એ પ્રયત્ન હંમેશ રહેશે જ…
હોમીઓપેથી વિષે કે અન્ય કોઈ પણ પ્રકારની  રોગ મટાડી આપતી પદ્ધતીઓ વિષે વાત શરુ કરીએ એ પહેલા એક ડોકિયું કરીએ એ સમયગાળામાં જ્યાંથી આ બધી જ શાખાઓ નો ઉદ્દભવ થયો ..
તો ચાલો …જરા જઈએ ખુબ રસપ્રદ કહી શકાય એવા વૈદકશાસ્ત્ર ના ઈતિહાસમાં …
science of theraputics ( ઉપચાર સંબંધી વિજ્ઞાન ) નો ઉત્ક્રાંતિ ને ઉદ્દભવ :
ભારતમાં વૈદક શાસ્ત્રના મૂળ ખુબ જ જુના છે, છેક વૈદિક કાળથી આપણે ત્યાં આયુર્વેદની મદદથી રોગ, એનો ઉદભવ એની પાછળનું વિજ્ઞાન બધું જ ભારતમાં એ સમયે પ્રાપ્ત હતું અને વૈદરાજો વિજ્ઞાન અને શ્રદ્ધા આ બંને ને સાથે રાખી ને આરોગ્ય સમાજમાં પ્રસ્થાપિત કરવા પૂરતા યત્નો કરતા.
ઋષિ ચરક અને શુશ્રુત આયુર્વેદના development-વિકાસના  એ સમયના milestones – માર્ગસૂચકસ્થંભ કહી શકાય. કૈક આવા જ સમયે એટલે કે ચરકના કાળની આજુબાજુ જ ભારત સિવાયના અન્યઅવિકસિત દેશોમાં પણ સંસ્કૃતિ વિકસી રહી હતી … જેમાં એ સમયની સૌથી ઝડપથી વિકસતી સંસ્કૃતિ હોય તો એ હતી ગ્રીક સંસ્કૃતિ. ઈતિહાસના બહુ ઊંડાણોમાં જતો નથી પણ એ સંસ્કૃતિમાં વૈદક શાસ્ત્ર ની દિશામાં ખુબ મોટો અંધકાર  વ્યાપેલો  હતો. અંધશ્રદ્ધા અને વહેમોથી જ માણસ નો રોગ ઠીક  કરવામાં આવતો. મોટેભાગે રોગ એ પાપ ને કારણે  જ થાય અને રોગી  એટલે પાપી  એવું  મનાતું. રોગ  થવો  એટલે ઈશ્વર  દ્વારા કરવામાં  આવતો  દંડ  એવી માન્યતા  રૂઢ  થયેલી  હતી. ત્યારે  father   of   modern   medicine – આધુનિક દવા/ઉપચારના પિતા  કહેવાય  એવા  Hippocrates ની  entry (આગમન)  થઇ, એમણે ખુબ  બધા  સંશોધનો કર્યા  ને  સિદ્ધાંતોએ  આપ્યા  જેથી  વૈદક  શાસ્ત્ર  થોડી  યોગ્ય  દિશામાં વળ્યું, પણ  ત્યાર  પછી  ફરી  અંધારું … માત્ર  ગ્રીસ  કે યુરોપમાં જ  નહિ, પણ ભારતમાં પણ.
મુઘલ  આક્રમણો  અને  અન્ય  કારણો  થી  ૧૦  થી  ૧૫મી  સદી  સુધીમાં આવતા  આવતા  આપણે  પણ આયુર્વેદ ઘણું ખરું ભૂલતા ગયા અને વૈદક શાસ્ત્ર  ફરી એક  વાર  ભારતમાં ભુવાઓ  અને બહાર  ના  દેશોમાં પાદરીઓ ના હાથમાં ગયું.   લોકો  ને રોગ  મટાડવા  માટે  ચેન/સાંકળથી મારતા,  લોહી  લેવાતું, જળો  લગાડી  ને ખરજવું  મટાડતું  અને હજી  તો  બીજા કઈ  કેટલાયે  અંધશ્રદ્ધાઓ અને વહેમો ઉમેરતા ગયા. એલોપેથીમાં એ વખતે વધુ ને વધુ સંશોધનો જરૂર થતા ગયા પણ એમાં કેટલાક પાયાના મુદ્દા ભુલાયા … જેનો ભોગ આપણે અત્યારે ઘણી બધી આડઅસરો રૂપે આપણને આપી રહ્યા છીએ .. હા, એમાં ક્યાંય પણ એલોપેથી એ જે કઈ શ્રેષ્ઠ આપ્યું છે એનો વિરોધ નથી પણ એની પણ મર્યાદા ઓ જરૂર છે .. (એ વિષે ક્યારેક ખુબ વિસ્તારથી – detail માં વાત કરીશું ) પણ ટૂંકમાં આવા સમયે  સમગ્ર માનવ જગત ઉપચાર સંબંધી અજ્ઞાનના અંધકારમાં અથડાયા કરતુ તું …
આવામાં  સારવાર માટે ની યોગ્ય પદ્ધતી કઈ ? કઈ રીતે રોગ  ને જડમૂળથી દુર કરી શકાય ? નવા અને સતત ઉદ્દભવતા રોગો ને કઈ રીતે નાથી શકાય ? આ બધા પ્રશ્નો થયા.. અને … હોમીઓપેથીનો જન્મ થયો …
હોમીઓપેથીના જન્મ ની સ્ટોરી- વાર્તા કૈક અંશે ગુરુત્વાકર્ષણ ના સિદ્ધાંત ની શોધ જેટલી જ રસપ્રદ છતાં સિમ્પલ-સરળ છે…આવતા અંકે તે વાત માંડીશું તો મજા આવશે… આજે આટલું બસ …
ડૉ.પાર્થ માંકડ
M.D. (HOM)

 

પ્લેસીબો :
“Homeopathy …cures a larger percentage of cases than any other method of treatment, and is beyond all doubt safer and more economical, and the most complete medical science”
-Mahatma Gandhi
ડૉ.પાર્થ માંકડ
M.D. (HOM)
સુજાવ:

” આપ  આપના પ્રતિભાવો તેમ જ પ્રશ્નો બ્લોગ પર જરૂર પૂછશો  ડો. પાર્થ શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે. જો કોઈ ને  એમના પ્રશ્ન કે રોગ બાબતે secrecy રાખવાનો  પ્રશ્ન હોય નડતો હોય તો તેમણે drparthhomoeopath @ gmail .com પર પૂછવી.”

આ વિશે વધુ જાણકારી મેળવવા માટે કે તમારા મનમાં  ઉદભાવતા પ્રશ્નો માટે …આપ અહીં આપના પતિભાવ મૂકી શકો છો કે અમોને લખી શકો છો, જે અમો ડૉ.પાર્થ માંકડ ને તેમના પ્રતિભાવ  આપવા મોકલી આપીશું. આ સાઈટ કોમર્શીયલ -વેપાર કરવાના હેતુથી ના હોઈ, ફક્ત આપની સુખાકારી ની જાણકારી માટે જ  હોય નોંધ લેવા વિનતી.