ગુલાબ શરબત …

ગુલાબ શરબત …

 

આ ઉનાળાની સીઝનમાં શરીર અને દિલો દિમાગને ઠંડક પહોંચે તેવું કાંઇક બનાવીએ તો કેમ રહે ? ગરમીમાં ગુલાબનું શરબત દિલ –દિમાગ અને શરીર ને ઠંડક પહોંચાડે છે. આ સીઝનમાં ગુલાબના ફૂલો પણ બઝારમાં બહૂજ મળે છે.  તો ચાલો આજે આપને ગુલાબનું શરબત બનાવીશું.

આજ સમય છે ગુલકંદ અને ગુલાબનું શરબત બનાવવાનો. શરબત બનાવવા કે ગુલકંદ બનાવવા દેશી ગુલાબના ફૂલો ઇંગ્લિશ ગુલાબના ફૂલો કરતાં વધુ ઉત્તમ રહે છે. અને સાથે સાથે કિંમતમાં પણ સાવ સસ્તા હોય છે. ફૂલ બઝારમાં લગભગ ૧૦૦ ગુલાબ ૧૫-૨૦ રૂપિયામાં  મળી શકે છે.

સામગ્રી :

૩૦-૪૦ નંગ લાલ ગુલાબની પાંખડી (પાંચ કપ)

૧ નંગ લાલ બીટ

૨૦-૨૫ નંગ તુલસીના પાન

૨૦-૨૫ નંગ ફૂદીનાના પાન

૧ ટે.સ્પૂન લીલી કોથમીર બારીક સમારેલ

૫-૬ નંગ નાની એલચી

૧ કી.ગ્રા. ખાંડ (પાંચ કપ)

૪ નંગ લીંબુ

રીત :

ગુલાબની પાંદડીઓ ને બે વખત પાણીથી ધોઈ અને સાફ કરવી અને ચારણીમાં રાખવી જેથી વધારાનું પાણી નીકળી જાય. ત્યારબાદ, પાંદાડીને એક સૂતરના (સુતરાવ) સાફ કાપડ પર પાથરવી/ ગોઠવવી. અને બીજા કપડાથી પાંદડી પરનું  પાણી જે દેખાય છે તે લૂછીને સાફ /કોરી ફરવી.

 

એક કપ પાણી ગરમ કરવું. થોડું ગરમ થાય એટલે ગુલાબની પાંદડીઓને મિક્સરમાં નાખી તેમા ગરમ પાણી નાખી અને પીસી લેવી.

મિક્સરમાં પીસેલી પાંદડીઓના રસને ગરણીમાં/ચારણીમાં નાખી અને એક વાસણમાં ભેગો કરવો.

બીટ ને ધોઈ, છાલ ઉતારી અને ટૂકડામાં સમારવુ. કોથમીર, ફૂદીનો અને તુલસીના પાનાને ધોઈ સાફ કરી અને બધાને ભેગા કરીને બારીક પીસી લેવા. પીસેલું મિશ્રણ અને એક કપ પાણી એક વાસણમાં ભેગુ કરી અને તે વાસણને ગરમ કરવા મૂકવું. ઉફાળો આવ્યા બાદ, ધીમો તાપ કરી અને ૩-૪ મિનિટ સુધી ગરમ કરવા દેવું. ત્યારબાદ, તાપ બંધ કરી દેવો અને આ મિશ્રણને ઠંડુ પાડવા દેવું. ઠંડું પડી ગયા બાદ, ચારણીમાં રસને ગાળી અને એક વાસણમાં ભેગો કરવો.

૬૦૦ ગ્રામ ખાંડ (લગભગ ૩-કપ) એક વાસણમાં નાખી અને તેમાં ૨૦૦ ગ્રામ (૧-કપ) પાણી નાખવું. ખાંડ ઓગળી ગયા બાદ, ૧-૨ મિનિટ આ પાણી ગરમ કરવું અને ત્યારબાદ, તાપ/ગેસ  બંધ કરી દેવો.

બાકી વધેલી ખાંડમાં એલચી ફોલી અને તેના દાણા મિક્સ કરી અને ખાંડને પીસી લેવી.

લીંબુનો રસ એક વાટકીમાં કાઢીને અલગ રાખવો.

ખાંડની ચાસણીમાં ગુલાબની પાંદડીનો રસ, બીટ વગેરે મિશ્રણનો રસ અને લીંબુનો રસ મિક્સ કરવો. દળેલી (પીસેલી) ખાંડ પણ આ મિશ્રણમાં નાંખી મિક્સ કરવી. બધીજ વસ્તુને સારી રીતે હલાવીને મિક્સ કરવી. શરબતને ૪-૫ કલાક ઢાંકીને રાખી દેવું. જેથી બધાજ સ્વાદ એક રસ થઇ અને સુગંધ આવશે.

ગુલાબના શરબત માટેનું સીરપ / Concentrated Rose Sharbat  તૈયાર છે. જેને એક કાચની બોટલમાં ભરી લેવું.

જ્યારે પણ શરબત બનાવવાની ઈચ્છા થાય ત્યારે ૧ ગ્લાસ પાણીમાં (ઠંડા પાણીમાં) ૨ મોટા ચમચા  ગુલાબનું સીરપ નાંખવું અને મિક્સ કરવું. શરબત વધુ ઠંડુ કરવા બરફના ૧-૨ ટૂકડા પણ નાંખવા.

ગુલાબનું શરબત બહુજ સ્વાદિષ્ટ બશે. જે ઉનાળામાં મેહમાનોને પીવડાવો અને પીઓ.

આ ગુલાબનું શરબત /સીરપને ફ્રીઝમાં ૧૫ દિવસ સુધી રાખીને ઉપયોગમાં લઇ શકાય છે.

સુજાવ  :

૧. તમે તમારી પસંદગી અનુસાર કોથમીર, ફૂદીનો, તુલસીના પાનમાંથી કોઈપણ વસ્તુને આમાંથી દૂર કરી શકો છો. તેમજ દાડમનો રસ વિગેરે ઉમેરી પણ શકો છો.

૨.  બજારમાં મળતા શરબતમાં કલર અને સુગંધ માટે એસેન્સ મેળવવામાં આવતું હોય છે અને તેની સાચવણી માટે તેમાં પ્રિઝર્વેટિવ –સોડીયમ બેન્જોઈટ નો ઉપયોગ કરવામાં આવતો હોય, તે વધુ સમય ટકે છે. જેમાં આપણે બનાવેલ શરબતની જેમ પ્રાકૃતિક રસની માત્રા બહુ જ ઓછી હોય છે.

બ્લોગ લીંક: http://das.desais.net