નિષ્કામ સેવા એ જ પ્રભુ સેવા …

નિષ્કામ સેવા એ જ પ્રભુ સેવા …

એક દહાડો શ્રીરામકૃષ્ણ પરમહંસ શ્રી ગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતા : ‘ઈશ્વરનાં નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત સહાનુભૂતિ અને, ભક્તોની સેવા – આ ત્રણ ગુણો કેળવવા પર આ સંપ્રદાય ભાર મૂકે છે. ઈશ્વર અને એનું નામ એક જ છે. આ જાણી, ખુબ પ્રેમ અને વ્યાકુળતા સાથે ઈશ્વરનાં રટવું જોઈએ. ભગવાનના ભક્તનું સન્માન કરવું જોઈએ; ભગવાન અને એના ભક્તો વચ્ચે, કૃષ્ણ અને વૈષ્ણવો વચ્ચે કોઈ ફરક નથી એમ સમજવું જોઈએ. આખું વિશ્વ પ્રભુનો નિવાસ છે એમ જાણી, પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ… ત્યારબાદ શ્રીરામકૃષ્ણ ભાવ સમાધિમાં ચાલ્યા ગયા અને થોડા જાગૃત થતા સ્વગત બોલ્યા :  ‘પ્રાણીમાત્ર પર દયા.’ પ્રાણીઓ પ્રત્યે દયા ! પ્રાણી માત્ર પ્રત્યે દયાની વાત કરનાર તું કોણ ? તું પોતે તો જંતુ છો ! ના, ના ! પ્રાણીઓ પ્રત્યે દયા નહીં પણ, સેવા, ‘શિવજ્ઞાને જીવસેવા !’
તમે કર્મનો ત્યાગ કરી શકો નહીં કારણ, પ્રકૃતિ જ તમને કર્મ તરફ ઘસડે છે. વાત એમ હોઈને, કરવું જોઈએ એમ જ બધું કરો. આસક્તિ વિના કામ થાય તો, એ ઈશ્વર ભણી લઇ જાય. આસક્તિ વિના કામ કરવું એટલે, આ લોકમાં કે પરલોકમાં, કશા બદલાની કે ભયની આશા વિના કાર્ય કરવું. આ રીતે કરેલું કાર્ય ધ્યેયનું સાધન છે અને ઈશ્વર જ ધ્યેય છે.
આસક્તિ વગરનું કર્મ સાધન છે; પણ જીવનનું ધ્યેય ઈશ્વર દર્શન છે. સાધનને સાધ્ય સાથે ભેળવવું જોઈએ નહીં – પંથ પરના પહેલાં પગલાંને ધ્યેય માણી લેવું જોઈએ નહીં. ના, કર્મને જીવનનું સારસર્વસ્વ નહીં માણી લેવું. ઈશ્વરભક્તિ માટે પ્રાર્થના કરો. ધારો કે તમે ઈશ્વરને જોવા શક્તિમાન છો. તો પછી, તમે શા માટે પ્રાર્થના કરશો? તમે દવાખાનાં, ઇસ્પિતાલ, તળાવો, કૂવાઓ, ધર્મશાળાઓ બનાવવા માટે પ્રાર્થના કરશો? ઈશ્વરદર્શન ન થાય ત્યાં સુધી જ આબધું સત્ય છે. પણ એકવાર ઈશ્વર સન્મુખ ઊભા પછી, આપણને એ જેવાં ચી તેવાં, સ્વપ્ન કરતાં જરાય સારા નહીં તેવાં ક્ષણિક જણાય છે. પછી આપણે વધારે પ્રકાશ માટે, વધારે ઉચ્ચતર જ્ઞાન માટે, વધારે દિવ્ય પ્રેમ માટે, માનવથી ઈશ્વરભણી વધે જતા પ્રેમ માટે, જે પ્રેમ આપણને ભાન કરાવે કે આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ જ છીએ તે પ્રેમ માટે જ આપણે પ્રાર્થના કરીશું.
ઇસ્પિતાલો, દવાખાનાંઓ, નિશાળો, કોલેજો સ્થાપવી કે રસ્તાઓ બાંધવા, કૂવા ગાળવા અને તળાવો ખોદાવવાથી લોકોનું ભલું થઇ શકે તેમ આપણી માન્યતા છે, જે બરોબર છે. પરંતુ આ બધું કરતી વખતે તમે અનાસક્ત હોવા જોઈએ અને જે કાર્ય સામાં ચાલીને આવે એ જ તમારે કરવાં જોઈએ, એવાં જ કાર્યો જે અનિવાર્ય હોય. એમને શોધવા ન જાઓ-તમે સંભાળી શકો તેથી વધારે ને વધારે કર્મો ઢૂંઢવા ન જાઓ. એમ કરશો તો ભગવાનને ભૂલી જશો.
–    ‘શ્રીરામકૃષ્ણ પરમહંસ(દેવ)ની અમૃતવાણી’ માંથી સાભાર…
(૦૩/૦૧)