રત્નકણિકા …

રત્નકણિકા …
શ્રી શ્રીમા શારદા દેવી
જો શાંતિ ઇચ્છતા હો તો કોઈના દોષ જોતા નહિ, દોષ જોજો પોતાના. જગતને પોતાનું કરી લેતાં શીખો. કોઈ પારકું નથી. જગત છે તમારું.
ભગવાન સમક્ષ તમારું શોક્સંત્પત હૃદય ખુલ્લું કરો. આંસુ સારો અને સરળ  ભાવે પ્રાર્થના કરો : ‘ પ્રભુ ! મને આપના  તરફ આકર્ષો, મને મનની શાંતિ આપો.’ કાયમ આમ કરવાથી ધીરે ધીરે તમને માનસિક શાંતિ મળશે.
જો કોઈ ભગવાનનો આશરો લે તો તેના વિધિના લેખ પણ ભૂંસાઈ જાય છે. એવા માણસના સંબંધમાં વીધીએ જે લખ્યું હોય છે, તે પોતાના હાથે ભૂંસી નાખે છે.
માણસ બીજાનાં દૂષણ જુએ છે ત્યારે પહેલાં તો તેનું મન અપવિત્ર થઇ જાય છે. બીજાનાં દૂષણ જોવાથી તેને  શો લાભ ? એમ કરીને તો તે પોતાને જ નુકસાન કરે છે. મારી બાલ્યાવસ્થાથી જ હું કોઈના દોષ જોઈ શકતી નહિ.
જેનું મન પવિત્ર છે, તેને બધું પવિત્ર દેખાય છે.
શ્રી શ્રીરામકૃષ્ણદેવ
દુર્લભ એવો મનુષ્યજન્મ મેળવ્યા પછી, આ જ જીવનમાં પ્રભુપ્રાપ્તિ માટે યત્ન ન કરનારનું જીવન વૃથા છે.
અંતરમાં ભક્તિ સેવો અને બધી લુચ્ચાઈ અને ચતુરાઈ છોડી દો. નોકરી કે વેપારધંધો કરનારે પણ સત્યને વળગી રહેવું. સત્યનિષ્ઠા આ કલિયુગની તપસ્યા છે.
મનની સરળતા માનવીને સહેલાઈથી ઈશ્વરભણી લઇ જાય છે. માનવી સરળ હોય તો આધ્યાત્મિક ઉપદેશ શીધ્ર પરિણામદાયી થાય છે.
હું સાચું કહું છું કે, જે ઈશ્વર ઝંખે છે તે એને પામે છે. તમારા જીવનમાં જ એની ખાતરી કરી શકો છો. ત્રણ દિવસ કોશીશ કરો, ખરી ધગશથી કોશીશ કરો અને તમને સફળતા મળશે જ.
ઈશ્વર દર્શન ચાહતા હો તો, એનાં નામજપમાં શ્રધ્ધા રાખો અને સાચા જૂઠા વચ્ચેનો વિવેક કેળવો.