“જય જય ગરવી ગુજરાત, …. ” (ગુજરાત સ્થાપના દિવસ)

જય જય ગરવી ગુજરાત …

મિત્રો,
ગુજરાત સ્વર્ણિમ જયંતી ઉજવણીનો સમાપન દિવસગઈકાલે હતો અને આજે  ગુજરાત -મહારાષ્ટ્ર સ્થાપના દીન હોય, એટલે કે ગુજરાતનો જન્મ દિવસ હોય, સર્વ ગુજરાતી તેમજ ગુજરાતના લોકો માટે ગૌરવની વાત કહેવાય અને આજના શુભ અવસર પર દેશ -વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ગુજરાતને ચાહનાર દરેક લોકોને શુભ શુભ કામનાઓ… (ગુજરાતમાં વસતો હોય  કે વિદેશમાં  વસતા હોય  અને ગુજરાતને ચાહે તે ગુજરાતી, પછી તે કોઈપણ નાત-જાતનો  હોય … તેની કોઈ અલગ ઓળખાણ ના જ હોય ને …)
આજે આપણે ગુજરાતની ગૌરવગાથા અલગ અલગ વિડ્યો ક્લીપમાં માણીશું  તેમજ આખરમાં એક ઓડિયો ક્લીપમાં,  ગુજરાતના  એક અદના કલાકાર શ્રી સાંઈરામ દવે ના સ્વરે માણીશું ….
(૧).
.

.
(૨)
.

.
.
(૩)
ગુજરાતની ગાથા સાંઈરામ ના સ્વરે ….

.

.
સાભાર :સૌજન્ય : યુ ટયુબ

મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને …(ભજન)

મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને …(ભજન)
.

.
મળ્યો મનુષ્ય જન્મ અવતાર,
માંડ કરીને ..
તમે ભજ્યા નહિ ભગવાન,
હેત ધરીને ..
તેથી ખાસો જમના માર,
પેટ ભરીને ..
માટે રામ નામ સંભાર …

 

 

ગઈ પલ પાછી ફેર નહિ આવે ..જી ..
મૂરખ મૂંઢ ગમાર .. (૨)
ભવ સાગરની ભૂલવણીમાં ..(૨)
વીતી ગયા જૂગ ચાર,
ફેરા ભરીને .. (૨)

 

 

ભજ્યા નહિ ભગવાન,
હેત ધરીને ..
ખાસો જમના માર,
પેટ ભરીને ..

તેથી રામ નામ સંભાર .. હે …જી ..

 


જઠરાગ્નિમાં જુગને રાખ્યો ..જી ..
નવ માસ નિર્ધાર .. (૨)
સ્તુતિ કીધી અલબેલાની
બાર ધર્યો અવતાર,
મહોયો માયામાં ..
બાર ધર્યો અવતાર,
માયામાં મોહીને ..

 

 

ભજ્યા નહિ ભગવાન,
હેત ધરીને ..
ખાસો જમના માર,
પેટ ભરીને ..
માટે રામ નામ સંભાર …

 

 

કળિયુગ પૂળો, રંગે રૂડો ..જી..
કહેતા ના આવે પાર .. (૨)
જપ-તીરથ કાંઈ ના કીધું, ..  (૨)
એક નામ આધાર ..
કૃષ્ણ કહીને ..
એક નામ આધાર
કૃષ્ણ કહીને ..

 

 

ભજ્યા નહિ ભગવાન,
હેત ભરીને ..
ખાસો જમના માર,
પેટ ભરીને
રામ નામ સંભાર …

 

 

ગુરુ ગમ પાયો, મનમેં સાયો
જુગતી કરી જદુરાઈ ..
ગુરુ ગમ પાયો, એ મનમેં સાયો
જુગતી કરી જદુરાઈ ..

 

 

ગંગાદાસ કો જ્ઞાન બતાયો ..(૨)
રામદાસ મહારાજ દયા કરીને  ..(૨)

 

 

ભજ્યા નહિ ભગવાન,
હેત ધરીને ..
ખાસો જમના માર,
પેટ ભરીને ..
માટે રામ નામ સંભાર …

 

 

મળ્યો મનુષ્ય અવતાર,
માંડ કરીને ..
ભજ્યા નહિ ભગવાન,
હેત ધરીને ..
ખાસો જમના માર,
પેટ ભરીને ..
માટે રામ નામ સંભાર …

ગુલાબ શરબત …

ગુલાબ શરબત …

 

આ ઉનાળાની સીઝનમાં શરીર અને દિલો દિમાગને ઠંડક પહોંચે તેવું કાંઇક બનાવીએ તો કેમ રહે ? ગરમીમાં ગુલાબનું શરબત દિલ –દિમાગ અને શરીર ને ઠંડક પહોંચાડે છે. આ સીઝનમાં ગુલાબના ફૂલો પણ બઝારમાં બહૂજ મળે છે.  તો ચાલો આજે આપને ગુલાબનું શરબત બનાવીશું.

આજ સમય છે ગુલકંદ અને ગુલાબનું શરબત બનાવવાનો. શરબત બનાવવા કે ગુલકંદ બનાવવા દેશી ગુલાબના ફૂલો ઇંગ્લિશ ગુલાબના ફૂલો કરતાં વધુ ઉત્તમ રહે છે. અને સાથે સાથે કિંમતમાં પણ સાવ સસ્તા હોય છે. ફૂલ બઝારમાં લગભગ ૧૦૦ ગુલાબ ૧૫-૨૦ રૂપિયામાં  મળી શકે છે.

સામગ્રી :

૩૦-૪૦ નંગ લાલ ગુલાબની પાંખડી (પાંચ કપ)

૧ નંગ લાલ બીટ

૨૦-૨૫ નંગ તુલસીના પાન

૨૦-૨૫ નંગ ફૂદીનાના પાન

૧ ટે.સ્પૂન લીલી કોથમીર બારીક સમારેલ

૫-૬ નંગ નાની એલચી

૧ કી.ગ્રા. ખાંડ (પાંચ કપ)

૪ નંગ લીંબુ

રીત :

ગુલાબની પાંદડીઓ ને બે વખત પાણીથી ધોઈ અને સાફ કરવી અને ચારણીમાં રાખવી જેથી વધારાનું પાણી નીકળી જાય. ત્યારબાદ, પાંદાડીને એક સૂતરના (સુતરાવ) સાફ કાપડ પર પાથરવી/ ગોઠવવી. અને બીજા કપડાથી પાંદડી પરનું  પાણી જે દેખાય છે તે લૂછીને સાફ /કોરી ફરવી.

 

એક કપ પાણી ગરમ કરવું. થોડું ગરમ થાય એટલે ગુલાબની પાંદડીઓને મિક્સરમાં નાખી તેમા ગરમ પાણી નાખી અને પીસી લેવી.

મિક્સરમાં પીસેલી પાંદડીઓના રસને ગરણીમાં/ચારણીમાં નાખી અને એક વાસણમાં ભેગો કરવો.

બીટ ને ધોઈ, છાલ ઉતારી અને ટૂકડામાં સમારવુ. કોથમીર, ફૂદીનો અને તુલસીના પાનાને ધોઈ સાફ કરી અને બધાને ભેગા કરીને બારીક પીસી લેવા. પીસેલું મિશ્રણ અને એક કપ પાણી એક વાસણમાં ભેગુ કરી અને તે વાસણને ગરમ કરવા મૂકવું. ઉફાળો આવ્યા બાદ, ધીમો તાપ કરી અને ૩-૪ મિનિટ સુધી ગરમ કરવા દેવું. ત્યારબાદ, તાપ બંધ કરી દેવો અને આ મિશ્રણને ઠંડુ પાડવા દેવું. ઠંડું પડી ગયા બાદ, ચારણીમાં રસને ગાળી અને એક વાસણમાં ભેગો કરવો.

૬૦૦ ગ્રામ ખાંડ (લગભગ ૩-કપ) એક વાસણમાં નાખી અને તેમાં ૨૦૦ ગ્રામ (૧-કપ) પાણી નાખવું. ખાંડ ઓગળી ગયા બાદ, ૧-૨ મિનિટ આ પાણી ગરમ કરવું અને ત્યારબાદ, તાપ/ગેસ  બંધ કરી દેવો.

બાકી વધેલી ખાંડમાં એલચી ફોલી અને તેના દાણા મિક્સ કરી અને ખાંડને પીસી લેવી.

લીંબુનો રસ એક વાટકીમાં કાઢીને અલગ રાખવો.

ખાંડની ચાસણીમાં ગુલાબની પાંદડીનો રસ, બીટ વગેરે મિશ્રણનો રસ અને લીંબુનો રસ મિક્સ કરવો. દળેલી (પીસેલી) ખાંડ પણ આ મિશ્રણમાં નાંખી મિક્સ કરવી. બધીજ વસ્તુને સારી રીતે હલાવીને મિક્સ કરવી. શરબતને ૪-૫ કલાક ઢાંકીને રાખી દેવું. જેથી બધાજ સ્વાદ એક રસ થઇ અને સુગંધ આવશે.

ગુલાબના શરબત માટેનું સીરપ / Concentrated Rose Sharbat  તૈયાર છે. જેને એક કાચની બોટલમાં ભરી લેવું.

જ્યારે પણ શરબત બનાવવાની ઈચ્છા થાય ત્યારે ૧ ગ્લાસ પાણીમાં (ઠંડા પાણીમાં) ૨ મોટા ચમચા  ગુલાબનું સીરપ નાંખવું અને મિક્સ કરવું. શરબત વધુ ઠંડુ કરવા બરફના ૧-૨ ટૂકડા પણ નાંખવા.

ગુલાબનું શરબત બહુજ સ્વાદિષ્ટ બશે. જે ઉનાળામાં મેહમાનોને પીવડાવો અને પીઓ.

આ ગુલાબનું શરબત /સીરપને ફ્રીઝમાં ૧૫ દિવસ સુધી રાખીને ઉપયોગમાં લઇ શકાય છે.

સુજાવ  :

૧. તમે તમારી પસંદગી અનુસાર કોથમીર, ફૂદીનો, તુલસીના પાનમાંથી કોઈપણ વસ્તુને આમાંથી દૂર કરી શકો છો. તેમજ દાડમનો રસ વિગેરે ઉમેરી પણ શકો છો.

૨.  બજારમાં મળતા શરબતમાં કલર અને સુગંધ માટે એસેન્સ મેળવવામાં આવતું હોય છે અને તેની સાચવણી માટે તેમાં પ્રિઝર્વેટિવ –સોડીયમ બેન્જોઈટ નો ઉપયોગ કરવામાં આવતો હોય, તે વધુ સમય ટકે છે. જેમાં આપણે બનાવેલ શરબતની જેમ પ્રાકૃતિક રસની માત્રા બહુ જ ઓછી હોય છે.

બ્લોગ લીંક: http://das.desais.net

ગઝલ –(ભાવેશ ભટ્ટ)

ગઝલ –
મૂળ બોડકદેવ, અમદાવાદના રહેવાસી શ્રી ભાવેશ ભટ્ટ., અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. તેઓ ઉર્દૂ અને ગુજરાતીમાં  કાવ્ય અને ગઝલ લખે છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે.  આ પહેલા છેલ્લા બે વર્ષમાં તેમનો ગઝલ સંગ્ર્રહ (૧) ‘છે તો છે’ અને (૨) ‘વીસ પંચા’ પુસ્તક રૂપે પ્રકાશિત થઇ ગયેલ છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ કલમની ધારેથી શબ્દને રસ્તો કરી આપે છે તો, જ્યારે બીજી ગઝલ આંતરખોજનો વિષય છે – પથદર્શક છે,  બંને ગઝલ ખૂબ સુંદર અને મનનીય થઈ છે. દાદીમા ની પોટલીને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી ભાવેશભાઈનો ખૂબ આભાર.
અશોકકુમાર -‘દાસ’
(૧)

ચીંતા કરવાની મેં  છોડી,
જેવું પાણી એવી હોડી !

 

ટુકડા શોધું અજવાળાના,
કોણે મારી સવાર તોડી ?

 

ચોક્કસ  ઘટના જેવો છું હું,
તું આવે છે વ્હેલી-મોડી.

 

બારી એવા દૃશ્ય બતાવે,
ભીંતો  કરતી દોડા-દોડી.

 

એક જનમની વાત નથી આ,
કાયમની છે માથાફોડી.

 

(૨)

એવા થાકીને ઘર આવ્યા,
પડછાયાને ચક્કર આવ્યા.

 

કેમ સમયજી  ખુશ લાગો છો ?
કોને મારી ટક્કર આવ્યા?

 

કૈંક લખ્યું જ્યાં તારા માટે,
આંસુ જેવા અક્ષર આવ્યા.

 

છેક નદીની વચ્ચે પહોંચ્યા,
આજ કીનારા વટ પર આવ્યા.

 

બસ દુનીયાનાં દ્વારે બેઠા,
બહાર ગયા ના અંદર આવ્યા.

 

* ભાવશે ભટ્ટ  *
♦ કવીસંપર્ક: બી-6, ચીત્રકુટ એપાટર્મેન્ટસ-2, દેવાશીષ સ્કૂલની સામે, બોડકદેવ
અમદાવાદ-380 054 ઈ-મેઈલઃ [email protected]
મોબાઈલ – 92274 50244

નિષ્કામ સેવા એ જ પ્રભુ સેવા …

નિષ્કામ સેવા એ જ પ્રભુ સેવા …

એક દહાડો શ્રીરામકૃષ્ણ પરમહંસ શ્રી ગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતા : ‘ઈશ્વરનાં નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત સહાનુભૂતિ અને, ભક્તોની સેવા – આ ત્રણ ગુણો કેળવવા પર આ સંપ્રદાય ભાર મૂકે છે. ઈશ્વર અને એનું નામ એક જ છે. આ જાણી, ખુબ પ્રેમ અને વ્યાકુળતા સાથે ઈશ્વરનાં રટવું જોઈએ. ભગવાનના ભક્તનું સન્માન કરવું જોઈએ; ભગવાન અને એના ભક્તો વચ્ચે, કૃષ્ણ અને વૈષ્ણવો વચ્ચે કોઈ ફરક નથી એમ સમજવું જોઈએ. આખું વિશ્વ પ્રભુનો નિવાસ છે એમ જાણી, પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ… ત્યારબાદ શ્રીરામકૃષ્ણ ભાવ સમાધિમાં ચાલ્યા ગયા અને થોડા જાગૃત થતા સ્વગત બોલ્યા :  ‘પ્રાણીમાત્ર પર દયા.’ પ્રાણીઓ પ્રત્યે દયા ! પ્રાણી માત્ર પ્રત્યે દયાની વાત કરનાર તું કોણ ? તું પોતે તો જંતુ છો ! ના, ના ! પ્રાણીઓ પ્રત્યે દયા નહીં પણ, સેવા, ‘શિવજ્ઞાને જીવસેવા !’
તમે કર્મનો ત્યાગ કરી શકો નહીં કારણ, પ્રકૃતિ જ તમને કર્મ તરફ ઘસડે છે. વાત એમ હોઈને, કરવું જોઈએ એમ જ બધું કરો. આસક્તિ વિના કામ થાય તો, એ ઈશ્વર ભણી લઇ જાય. આસક્તિ વિના કામ કરવું એટલે, આ લોકમાં કે પરલોકમાં, કશા બદલાની કે ભયની આશા વિના કાર્ય કરવું. આ રીતે કરેલું કાર્ય ધ્યેયનું સાધન છે અને ઈશ્વર જ ધ્યેય છે.
આસક્તિ વગરનું કર્મ સાધન છે; પણ જીવનનું ધ્યેય ઈશ્વર દર્શન છે. સાધનને સાધ્ય સાથે ભેળવવું જોઈએ નહીં – પંથ પરના પહેલાં પગલાંને ધ્યેય માણી લેવું જોઈએ નહીં. ના, કર્મને જીવનનું સારસર્વસ્વ નહીં માણી લેવું. ઈશ્વરભક્તિ માટે પ્રાર્થના કરો. ધારો કે તમે ઈશ્વરને જોવા શક્તિમાન છો. તો પછી, તમે શા માટે પ્રાર્થના કરશો? તમે દવાખાનાં, ઇસ્પિતાલ, તળાવો, કૂવાઓ, ધર્મશાળાઓ બનાવવા માટે પ્રાર્થના કરશો? ઈશ્વરદર્શન ન થાય ત્યાં સુધી જ આબધું સત્ય છે. પણ એકવાર ઈશ્વર સન્મુખ ઊભા પછી, આપણને એ જેવાં ચી તેવાં, સ્વપ્ન કરતાં જરાય સારા નહીં તેવાં ક્ષણિક જણાય છે. પછી આપણે વધારે પ્રકાશ માટે, વધારે ઉચ્ચતર જ્ઞાન માટે, વધારે દિવ્ય પ્રેમ માટે, માનવથી ઈશ્વરભણી વધે જતા પ્રેમ માટે, જે પ્રેમ આપણને ભાન કરાવે કે આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ જ છીએ તે પ્રેમ માટે જ આપણે પ્રાર્થના કરીશું.
ઇસ્પિતાલો, દવાખાનાંઓ, નિશાળો, કોલેજો સ્થાપવી કે રસ્તાઓ બાંધવા, કૂવા ગાળવા અને તળાવો ખોદાવવાથી લોકોનું ભલું થઇ શકે તેમ આપણી માન્યતા છે, જે બરોબર છે. પરંતુ આ બધું કરતી વખતે તમે અનાસક્ત હોવા જોઈએ અને જે કાર્ય સામાં ચાલીને આવે એ જ તમારે કરવાં જોઈએ, એવાં જ કાર્યો જે અનિવાર્ય હોય. એમને શોધવા ન જાઓ-તમે સંભાળી શકો તેથી વધારે ને વધારે કર્મો ઢૂંઢવા ન જાઓ. એમ કરશો તો ભગવાનને ભૂલી જશો.
–    ‘શ્રીરામકૃષ્ણ પરમહંસ(દેવ)ની અમૃતવાણી’ માંથી સાભાર…
(૦૩/૦૧)

કૂતરો સદેહે સ્વર્ગમાં જાય છે …(બોધકથા)

કૂતરો સદેહે સ્વર્ગમાં જાય છે …(બોધકથા)

 

યુધિષ્ઠિર મહાન રાજા હતા. તેઓ દયાળુ ને ધર્મપ્રેમી પણ હતા. તેઓ લોકોને ચાહતા અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખતા. બધાં પર તેઓ પ્રેમ વરસાવતા. તેમના માર્ગદર્શક, ગુરુસમા શ્રીકૃષ્ણના અવસાનના સમાચાર સાંભળી યુધિષ્ઠિર ખૂબ દુઃખી થયા. ‘કૃષ્ણ તો મારા પરમ મિત્ર. તેમણે મને હંમેશાં મદદ કરી હતી; અને મને શાણપણભરી સાચી સલાહ આપતા. કૃષ્ણ ન હોય તો હું જીવી ન શકું,’ તેમણે શોકમગ્ન બનીને કહ્યું અને પછી ઉમેર્યું: ‘જો કૃષ્ણ સ્વર્ગમાં હોય તો હું પણ ત્યાં જઈશ.’
આમ યુધિષ્ઠિર વગેરે પાંડવો, સૌ એક સાથે સ્વર્ગના લાંબા અને કઠિન રસ્તે ઉપડ્યા. યુધિષ્ઠિરની સાથે એમનો પોતાનો કૂતરો પણ પાછળ પાછળ સ્વર્ગ તરફ ચાલ્યો.
પાંડવો થોડું ચાલ્યા પછી યુધિષ્ઠિરે કૂતરાને કહ્યું : ‘અમારે તો હજુ લાંબો પંથ કાપવાનો છે. રસ્તો ય કઠિન છે. તું થાકી જઈશ. માટે ઘેર પાછો જા.’ કૂતરો તો સ્થિર ઊભો રહીને યુધિષ્ઠિર તરફ તાકી રહ્યો, પણ પાછો ન વળ્યો.
યુધિષ્ઠિર તો આગળ ચાલવા લાગ્યા; પેલો કૂતરોય તેમની પાછળ ગયો. રસ્તો હતો દુર્ગમ, વાંકોચૂંકો અને પહાડી. ને ઠંડી કહે મારું કામ. ચારે બાજુ બધું બરફથી ઢંકાયેલ ધોળુંધોળું લાગે. હવાય જાણે કે થીજી જતી હતી. ચાલતાં ચાલતાં યુધિષ્ઠિરના ભાઈઓ અને દ્રૌપદી એક પછી એક ગબડતાં ગયાં અને મૃત્યુ પામ્યાં. યુધિષ્ઠિર તો ક્યાંય રોકાયા વિના ચાલતા જ રહ્યા અને એમનો કૂતરોય એમની પાછળ પાછળ.
ડુંગરા, ટેકરા ચડતા અને ખીણો ખૂંદતા, સૂસવાટાં મારતાં પવન ને પહાડોની વચ્ચે હિમમાંથી રસ્તો કાઢતાં તેઓ ઊંચે ને ઊંચે ચડતા ગયા. અંતે તેઓ મેરુ પર્વતની તળેટીમાં પહોંચ્યા. મેરુ પર્વતની ટોચે બ્રહ્માનું નગર આવેલું છે. આ શહેરની ચારે બાજુએ ગંગા વર્તુળકારે વહે છે. યુધિષ્ઠિર અને કૂતરાએ આ પાવન નગરીના ઘંટના રણકાર સાંભળ્યા. આ સાંભળતાંની સાથે જ તેમના પર સ્વર્ગીય ફૂલોનો વરસાદ થયો. એકાએક વીજળીના ચમકારાની જેવા દિવ્ય પ્રકાશ સાથે સ્વર્ગના રાજા ઇન્દ્ર પોતાના રથમાં ઊભા રહી એમનું સ્વાગત કરવા આવ્યા. ઇન્દ્રે કહ્યું : ‘યુધિષ્ઠિર, મારા રથમાં બેસો ! હું તમને સ્વર્ગમાં સદેહે લઇ જવા આવ્યો છું. તમારા સિવાય બીજું કોઈ સદેહે સ્વર્ગમાં પ્રવેશ્યું નથી.’
યુધિષ્ઠિરે પૂછ્યું: ‘ મારા બાઈઓ અને દ્રૌપદી ક્યા છે? તેઓ રસ્તામાં જ મૃત્યુ પામ્યાં અને હું બધાંને પાછળ મૂકીને આવ્યો છું. તેઓ ક્યા છે ? હું એમનાં સિવાય સ્વર્ગમાં આવી ન શકું.’
ઇન્દ્રે જવાબ આપ્યો : ‘એની ચિંતા ન કરો. તેઓ બધાં સ્વર્ગમાં છે. તમારી રાહ જુએ છે.’ યુધિષ્ઠિરે આતુરતાથી પૂછ્યું : ‘ અને શ્રીકૃષ્ણ ક્યાં છે ? તેઓય સ્વર્ગમાં હશે ખરું ને ?’ ઇન્દ્રે હસતાં હસતાં કહ્યું : ‘તેઓ પણ ત્યાં છે. તમને ચાહનારાં બધાં તમારી રાહ જુએ છે.’
યુધિષ્ઠિરે આનંદ સાથે કહ્યું : ‘તો તો હું તમારી સાથે સ્વર્ગમાં આવું છું.’ પછી યુધિષ્ઠિરે પોતાના કૂતરા સામે જોયું અને કહ્યું: ‘હે વત્સ, તું પણ રથમાં ચઢી જા.’
‘શું કહ્યું ? ઇન્દ્ર બોલી ઊઠ્યા : ‘શું કૂતરોય મારા રથમાં બેસી સ્વર્ગમાં આવશે ? ના, મહારાજ ! ના, એ તો નહીં બને, સ્વર્ગમાં કૂતરા જ નથી. માટે તમે રથમાં બેસો અને કૂતરાને અહીં છોડી દો !’
યુધિષ્ઠિરે કહ્યું : ‘ એ ન બને. જ્યારે મારા ભાઈઓ અને પત્ની મને છોડી ગયાં ત્યારે દુર્ગમ માર્ગ અને હિમવર્ષામાં ય આ કૂતરો મારો વફાદાર સાથી રહ્યું છે. તેને મારો ત્યાગ કર્યો નથી. તે બોલતો નથી પણ તેની આંખોમાં તેનો મારા પ્રત્યેનો પ્રેમ હું જોઈ શકું છું. તેને હવે કેમ તાજી શું ?’
ઇન્દ્રે કહ્યું : ‘ હે યુધિષ્ઠિર મહારાજ, આ તમારું ગાંડપણ છે ! તમે મહાન અને સાધુ ચરિત છો.
એટલે તમે સદેહે સ્વર્ગમાં આવી શકો છો. પણ કૂતરાને સાથે રાખનાર માનવીને સ્વર્ગમાં સ્થાન જ નથી ! કૂતરાને તો અહીં છોડી દો !’
યુધિષ્ઠિરે વળતો જવાબ આપ્યો : ‘ કૂતરા વિના હું સ્વર્ગમાં નહીં આવું. હું એનો આશરો છું અને મારા જીવતાં હું તેને છોડીશ નહીં. હું ધર્મનું જ પાલન કરીશ અને તેને અત્યારે તાજી દેવો એ ધર્મ નથી. એટલે હે ઇન્દ્ર ! સ્વર્ગના સુખની ખાતર પણ હું ધર્મનો માર્ગ નહીં છોડું.’
ઇન્દ્રે કહ્યું : ‘ મહારાજ યુધિષ્ઠિર ! જરા વિચાર તો કરો ! આવાં કૂતરા તો બીજાં પ્રાણીને મારીય નાખે, શિકાર પણ કરે. શું આ પાપ – અધર્મ નથી ? આ કૂતરો અધર્મી છે. તે નરકને પાત્ર છે. હા, તમે સ્વર્ગના અધીકારી છો, પણ આ કૂતરો નથી.’
યુધિષ્ઠિરે કહ્યું : ‘ કૂતરા વિના હું સ્વર્ગમાં નહીં આવું.’ ઇન્દ્રે વિચારીને જવાબ આપ્યો : ‘ભલે, એક શરતે તમે તેને સ્વર્ગમાં લઇ જઈ શકો. તમે એની સાથે મળનારા સ્વર્ગની અદલીબદલી કરી શકો. એટલે કે તમે તેના બદલે નરકમાં જાઓ અને તે તમારે બદલે સ્વર્ગમાં જાય.’
તરત જ યુધિષ્ઠિરે કહ્યું : ‘ભલે, કૂતરાને સ્વર્ગમાં જવા દો; હું નરકમાં જઈશ.’ આ વચનો સાંભળતાં જ કૂતરાએ પોતાનું ધર્મરાજનું સાચું સ્વરૂપ ધારણ કર્યું. મૃત્યુ અને ધર્મના દેવ યમરાજ પોતે જ કૂતરાના સ્વરૂપમાં હતા. યમરાજે યુધિષ્ઠિરને કહ્યું : ‘હે રાજા ! તમે ખરેખર નિ:સ્વાર્થી છો. તમે માનવ અને પ્રાણીમાત્રને ચાઓ છો ! તમે બધાં પ્રત્યે પ્રેમાળ અને માયાળુ છો.’
બોધ –સાર: જગતના બધાં પ્રાણીઓમાં ભગવાન વિરાજે છે. જેઓ સૌ કોઈને ખરેખર અંતરથી ચાહે છે, તેમની ઉપર ભગવાનની કરુણા વરસે છે.

ઘણી ખમ્મા તને ઘળી ખમ્મા… (ગરબો)

ઘણી ખમ્મા તને ઘળી ખમ્મા..

 

મારી માડી ગબ્બર ગોંખ વાળી દયાળી મા, ઘણી ખમ્મા તને ઘળી ખમ્મા..
તારી શોભે છે સિંહ ની સવારી ધજાળી મા,  ઘણી ખમ્મા તને ઘળી ખમ્મા..

અષ્ટ ભુજાળી પાવનકારી, સ્નેહ નિતરતી આંખડી તારી
ભોળાં ભક્તો ની ભિડ ભાંગનારી હેતાળી મા…

સોના મુકુટ શિર શોભે કાન વાળી, હેમ કેરા હાર હૈયે નથડી રૂપાળી
તારી ટીલડી ના તેજે પૂરી અવની અજવાળી મા…

ઓઢી જાણે ચાંદની ચમકે છે ચૂંદડી, ચરણ કમલ ચૂમતી ઘમકે છે ઘૂઘરી
મા ના શોળે શણગાર ની શોભા છે નિરાળી મા….

શંખ ચક્ર ગદા બાણ ખડગ સોહાય છે, એક હાથ પુષ્પ એક ત્રિશુલ ધરાય છે
એક હાથ હિતકારી કરે સૌની રખેવાળી મા…
ચંડિકા રૂપ ધરિ ચંડ મૂંડ માર્યા, કાલિકા રૂપે મા અસુર્રો સંહાર્યા
સકળ દૈત્ય ને સંહારી પત ભક્ત કેરી પાળી મા…
બાલુડાં તારાં કરે કાલાવાલા, ભાવિક ભક્ત તને લાગે વ્હાલા વ્હાલા
લેવા પૂત્ર ને સંભાળી અંબા આવે દોડી દોડી મા…

દીન “કેદાર” ની દેવી દયાળી, ભક્ત કેરો સાદ સુણી આવો મારી માડી
વાસ દાસ દિલ રાખી દેજો પ્રેમથી પલાળી મા…

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

 

સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ …

સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ …

સર વિલિયમ ઓસ્લાર કેનેડાના સૌથી વધુ સુખ્યાત ચિક્ત્સકોમાંહેના એક ચિકિત્સક હતા. વિદ્યાર્થી અવસ્થામાં ચિંતાઓ, માનસિક તાણ એમને સતત સતાવતાં રહેતાં. જ્યારે તેઓ મોન્ટ્રીયલણી જનરલ હોસ્પિટલમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે તેમણે પોતાના ભાવિના ચિંતાભર્યા વિચારોથી જન્મેલી અત્યંત ઘેરી હતાશાએ ઘેરી લીધા હતા. ચિંતા, શંકાકુશંકા અને ભાવિની અચોક્કાસ્તાએ એમને ચારે બાજુએથી મૂંઝવી દીધા હતા.
અંતિમવર્ષની પરીક્ષા માટે મસમોટા ગ્રંથોનું વાચન મનન તેમણે વિક્ષુબ્ધ કરી મૂકતું. એ વર્ષે આ બધા અભ્યાસક્રમને પહોંચી વળશે કે કેમ એ વિશે તેમના મનમાં સંશય હતો. આ બધી અસંખ્ય વિગતો અને તેના પરીક્ષામાં આલેખનના મૂંઝવતા મુશ્કેલ કાર્યને નજર સમક્ષ રાખતાં તેઓ પોતાને એ માટે અસમર્થ ગણાતા હતાં. પરીક્ષામાં ઉત્તીર્ણ તો થઇ ગયા પણ હવે કામ ધંધો મેળવવાની સમસ્યા એમનાં મુખ પર તારી આવી. શું તેમણે સ્વતંત્ર ચિકત્સા વ્યવસાયમાં પડવું જોઈએ ? એમાં તો ઘણી મોટી મૂડીનું રોકાણ કરવું પડે અને વળી પાછું એ ચાલે છે કે નહિ એ વાત તો હરિના હાથમાં !
આ ગળાકાપ સપ્ર્ધાની દુનિયામાં કોઈપણ માણસ પોતાની સફળતાની ખાતરી કેવી રીતે અને ક્યાંથી મેળવી શકે ! એમનું મન જીવનમાં સફળતા વિશેની ચિંતાવ્યથા અને શંકાકુશંકાથી સમગ્ર રીતે છિન્નભિન્ન રહતું. પરંતુ, આકસ્મિક રીતે એની નજરે પડેલા વિશ્વના મહાન ચિંતક કાર્લાઈલના એકમાત્ર વિધાને એમના જીવનની અદ્ ભૂત કાયાપલટ કરી નાંખી : ‘આપની સમક્ષ સ્પષ્ટ દેખાતા અને જણાતા કાર્યમાં મંદી પડવું એ આપણા જીવનનું મુખ્ય ધ્યેય અને કાર્ય છે. અને નહિ કે દૂરસુદૂર પડેલા ઝાંખા અંધકારમય ભાવિને જોયા કરવાનું.’ આ કથાને એમને નિરાશાની ગર્તામાંથી બહાર કાઢ્યા અને એને લીધે પોતાની જાતને એક સામાન્ય ક્ષુદ્ર માનવમાંથી મહામાનવ-અસામાન્ય માનવ બનાવવા આવશ્યક પ્રેરણાની અમરજ્યોત એમનાં હૃદયમાં ઝળહળી ઊઠી. એમણે પોતાની જાતને એક જવાંમર્દને છાજે તેવાં કાર્યો કરવાં માટે નવો ઘાટ આપ્યો. કાર્લાઇલનું આ કથન એમના જીવનવિજયમાં એક જાદુઈ ચમત્કારિક સૂત્ર બની ગયું.
પોતાના જીવનકાળમાં એમણે સુખ્યાત જ્હોન હોપકિન્સ ઇન્સ્ટીટયુટને તેના સાર્વત્રિક વિકાસ સાથે વિશ્વમાં અગ્રગણ્ય સ્થાને મૂકી દીધું. એમણે ચાર ચાર વિશ્વવિદ્યાલયોમાં પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કરવાનાં સદભાગ્ય અને સન્માન સાંપડ્યાં હતાં. તેઓ ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયના મેડીસિનશાખાના પ્રાધ્યાપક તરીકે દીર્ઘકાલીન યશસ્વી સેવાઓ આપીને નિવૃત થયા.  બ્રિટિશ સરકારે એમણે અનેક ચંદ્રકો અને માં-અક્રમોથી નવાજ્યા હતા.
એક વખત યેલ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે કહ્યું હતું : ‘ઓક્સફર્ડ જેવી યુનિવર્સીટીના સુખ્યાત અને વિલક્ષણ પ્રતિભાવાળા પ્રાધ્યાપક અને લેખક તરીકેની મારી ખ્યાતિ તમારામાંથી કેટલાંકને એમ માણવા પ્રેરશે  કે હું એક જન્મજાત પ્રતિભાસંપન્ન, વિલક્ષણ માનવ છું. પણ એ વાત સાચી નથી. મારા નજીકના મિત્રો જાણે છે કે પ્રતિભા શક્તિનાં ક્ષેત્રોમાં હું કેટલો સામાન્ય પ્રતિભાવાળો માનવ છું !’

કેશર-પિસ્તા-મલાઈ કૂલ્ફી …(આઈસ્ક્રીમ)

કેશર-પિસ્તા-મલાઈ કૂલ્ફી ..( આઈસ્ક્રીમ) …

 

ઉનાળાની સિઝન હોય, અને ઠંડા પીણાં અને આઈસ્ક્રીમ કોને પસંદ ના હોય ? બચપણમાં આપણે કૂલ્ફી ખાતાં, તો ચાલે આજે આપણે કેશર-પીસ્તા- મલાઈ  કૂલ્ફી બનાવી આપણું બચપણ ફરી યાદ કરીએ અને આપણાં બાળકોને પણ તેનો સ્વાદ ચખાડીએ.

આઈસ્ક્રીમ હંમેશાં થોડો નરમ હોય છે, જ્યારે કૂલ્ફી થોડી સખ્ત હોય છે. તેને એરટાઈટ / હવાચૂસ્ત વાસણમાં જમાવવાની આવશ્યકતા નથી હોતી. તેને કાચની નાની વાટકીમાં, કે માટીના નાના વાસણમાં, ગ્લાસમાં  કે બજારમાં તેના મોલ્ડ મળતા હોય છે તેમાં જમાવી શકાય છે.

સામાન્ય રીતે કૂલ્ફી દૂધને ઘટ કરીને  (દૂધ ઉકાળીને ઘટ કરવું) બનાવાતી હોય છે. આમાં દૂધને એટલું ઉકાળવામાં આવે છે કે તે ઉકાળીને અડધાથી થોડું ઓછું થઈ જાય છે. જ્યારે આજકાલ કૂલ્ફી ઘરમા કન્ડેન્સડ મિલ્ક અથવા દૂધના પાઉડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી હોય છે. પરંતુ આમાં કૂલ્ફિનો સ્વાદ આવતો નથી. કૂલ્ફિના સ્વાદમાં દૂધની કણી /રેસા આવવા જોઈએ. એટલે કે રબડીની જેમ મોઢામાં દાણા દાણા જેવું લાગવું જોઈએ.

આપણે કેશર-પીસ્તા કૂલ્ફીમાં પીસ્તાની જગ્યાએ બદામનો ઉપયોગ પણ કરી શકીએ છીએ અને કેશર-બદામ કૂલ્ફી બનાવી સહાય, અથવા કાફ્ત કેશારનો ઉપયોગ કરીને કેશર કૂલ્ફી પણ બનાવી શકાય છે.કેશર નાખવાથી દૂધનો કલર આછો પીળો થઇ જશે. બજારમાં મળતી કૂલ્ફીમાં પીળા કલરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેથી તે ઘટ પીળો કલર દેખાય છે. ઘરમાં બનાવેલ કૂલ્ફિનો કલર વધુ ઘટ પીળો નહિ લાગે.

 

સામગ્રી :

૧-૧/૪ લીટર મલાઈ વાળું દૂધ

૪ નંગ બ્રેડ સ્લાઈઝ

૧ ટે.સ્પૂન પીસ્તા

૨૦-૨૫  ડાળખી કેશર

૧૦૦ ગ્રામ ખાંડ (૧/૨ – કપ)

૪-૫ નંગ નાની એલચી (એલચી ફોલીને દાણા વાટી ભૂકો કરી લેવો)

 

રીત:

એક ભારે તળિયાવાળા વાસણમાં દૂધને ગરમ કરવા મૂકવું. પેહલો ઉફાળો આવે કે તૂરત તેમાંથી ૧-વાટકી દૂધ અલગથી બહાર કાઢી લેવું અને ત્યારબાદ, ધીમા તાપે બાકી રહેલાં દૂધને ચમચાની મદદ લઇ અને દૂધને હલાવતાં રહેવું અને ઉકાળવું. દૂધ અઠધુ કે તેનાથી ઓછું થઇ જાય ત્યાં સુધી ચમચાથી હલાવતાં રહેવું અને ઉકાળવું. દૂધને સતત હલાવવાથી વાસણમાં નીચે ચોંટી નહિ જાય કે દાજ નહિ લાગે/બેશે.  દૂધ ગરમ થઇ ગયા બાદ, ગેસ પરથી નીચે ઉતારી લેવું અને ઠંડું થવાં દેવું.

પિસ્તાને બારીક સમારવા (કતરી) અને એલચીને ફોલીને તેના દાણાને વાટી અને ભૂકો તૈયાર કરવો. બ્રેડની સ્લાઈઝ્ની ચારેબાજુથી કિનારી કાપી લેવી. અગાઉ જે ૧-કપ દૂધ અલગ કરી રાખેલ તેને ગરમ કરવા મૂકવું અને તેમાં કેશર અને ખાંડ મિક્સ કરવા. કિનારી કાપેલ બ્રેડની બધીજ સ્લાઈઝ પણ તેમાં નાંખવી અને મિક્સ કરવી. બ્રેડ નાખ્યા બાદ દૂધ ગરમ કરવું નહિ તે ધ્યાનમાં રહે.

 

બઝારમાં બે પ્રકારના પીસ્તા મળે છે. એક મીઠાવાળ કે જે આપણે ફોલીને ખાય છીએ. અને બીજાં ફોલેલા પણ મીઠાવાળા  નથી હોતા. આપણે ફોલેલા પિસ્તાનો ઉપયોગ કરવાનો છે.

હવે અગાઉ ઘટ કરેલ દૂધમાં, બ્રેડ, ખાંડ અને કેશર વાળું દૂધ મિક્સ કરવું અને સાથે સાથે તેમાં સમારેલા પિસ્તા પણ મિક્સ કરવા. થોડા સમારેલ પિસ્તા અલગ રાખવા. બધું જ દૂધ ચમચાની મદદરથી ખૂબજ હલાવી અને મિક્સ કરવું.

બસ, કેશર-પીસ્તા કૂલ્ફી બનાવવા માટે દૂધ તૈયાર છે. આ દૂધને આઈસ્ક્રીમના (કૂલ્ફીના) મોલ્ડમાં કે ઘરમાં ઉપલબ્ધ નાની વાટકીમાં નાંખી અને ફ્રીઝરમાં જમાવવા મૂકવી. લગભગ ૨ થી ૨-૧/૨ કલાકમાં કૂલ્ફી જામીને તૈયાર થઇ જશે.

 

કૂલ્ફી જામી ગયા બાદ, તેને ફ્રીઝરમાંથી બહાર પાંચ મિનટ રાખવી. અને ત્યારબાદ, તેની ઉપર થોડાક પિસ્તા છાંટી અને ખાવી અને ખવડાવવી.

નાના છોકારાને કૂલ્ફી ગ્લાસમાં જમાવી અને આપવી અને વચ્ચે સ્ટિક/સળી ખોંસી દેવી અને તે ના હોય તો ચમચી ઊલટી ખોંસી ને જમાવવા મૂકવી.

 

 

સુજાવ :

૧.    બજારમાંથી તૈયાર રાબડીનો ઉપયોગ કરો તો બ્રેડ નાંખવી જરૂરી નથી.

૨.    બ્રેડ નાખવાથી કૂલ્ફિનો સ્વાદ અલગ જ આવશે.

૩.    દૂધનો પહેલો ઉફાળો આવ્યા બાદ, તાપ ધીમો કરી અને દૂધને ઘટ કરવું અને ચમચાની મદદથી દૂધ સતત હલાવતાં રહેવું.

૪.    આપણે દૂધ મલાઈ વાળું હોય મલાઈનો ઉપયોગ અલગથી કરતાં નથી.

૫.    બ્રેડની કિનારી જે આપણે દૂર કરેલ, તેને વઘારી કે તળીને ચાટ મસાલો નાંખી ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે.

 

 

બ્લોગ લીંક: http://das.desais.net

મનની શાંતિ – ૨ (ઉત્તરાધ)

મનની શાંતિ – ૨ (ઉત્તરાધ)

એટલું નિશ્ચિત માનજો કે કોઈ મનુષ્ય ભલેને ગમે તેટલો ખરાબ હોય અને આખી દુનિયાએ ભલે એનો ત્યાગ કર્યો હોય પણ ઈશ્વરનો પ્રેમ તો જેટલો માનવ સાર્વાધિક પવિત્ર રહે છે એટલો જ એના પ્રત્યે પ્રબળ અને તીવ્ર રહે છે. એક બાળક મોટું થઈને ભલેને હત્યારો બની જાય પણ માનો પ્રેમ એના પ્રત્યે અક્ષુણ્ણ રહે છે. બધી માતાઓને એક સાથે એકઠી કરીએ તો પણ ઈશ્વર એનાથી કેટલોય વધારે દયાળુ અને પ્રેમી છે. એમની પ્રેમપૂર્ણ કૃપામાં ક્યારેય શ્રધ્ધાવિશ્વાસ ગુમાવશો નહીં. તેઓ જધન્યતમ પાપીઓ પર પણ સદૈવ દ્રષ્ટિ રાખે છે એ જાણીને પ્રસન્ન રહો. પોતાની જાતથી અસંતુષ્ટ ન બનો. તમે ઈશ્વરના સંતાન પ્રત્યે  અસંતુષ્ટ બનો છો. શું આ ખરાબ વાત નથી ? એટલે જ પોતાનું સન્માન કરો કારણ કે તમે ઈશ્વરના પુત્ર છો અને તમને ઉત્પન્ન કરીને તેમણે કોઈ ભૂલ કરી નથી કેમકે તેઓ બધી ભૂલોથી પર છે. એટલે તેઓ તમારા દ્વારા જરૂર એવું કંઈક કરાવશે કે જેને માટે તેઓ તમને આ પૃથ્વી પર લાવ્યા છે. ઈશ્વર પ્રત્યે તમારો અનુરાગ જેટલો વધશે એટલી જ તમારી વાસનાઓ ઓછી થતી જશે. સદૈવ સન્માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરો. સત્યવાદી અને સારા બનો તથા વિષયભોગની આકાંક્ષા ન રાખો. આને જ તમે પોતાનું લક્ષ્ય અને આદર્શ બનાવો. કઠિન સંઘર્ષ કરો અને જો આ સંઘર્ષ કરતાં કરતાં તમારા પગ લપસી પડે તેમજ તમે કેટલીયવાર પડી જાઓ તો તેનાથી શું ? ફરીથી ઊભા થાઓ અને સંઘર્ષ કરતા રહો. નિશ્ચિત રહો કે અંતે તમે વિજયી થશો. જ્યાં સુધી તમે પૂર્ણ ન બની જાઓ ત્યા સુધી સંઘર્ષ ન છોડો. ભગવાન શ્રીરામકૃષ્ણ / તમારા ઇષ્ટ બધી વિપત્તિઓથી તમારું રક્ષણ કરે તથા તમને સુરક્ષિત અને સ્વસ્થ રાખે.
હા, તમારા પોતાના નિર્ણયમાં તમે સાચા છો. અહીં આપણે ભિખારીના રૂપે કે રાજાના રૂપે જીવન ચલાવવું છે. પરંતુ આપણે આદર્શ અને લક્ષ્ય આપણે ગમે ત્યાં રહીએ તો પણ એ હોવાં જોઈએ કે આપણે ભગવાન શ્રીરામકૃષ્ણને / આપણા ઇષ્ટને ક્યારેય ન ભૂલીએ. એ પણ સાચું છે કે ગમે ત્યાં રહીએ પણ ઈશ્વર આપણને ત્યજતા નથી. એ પ્રભુ જ આપણને જીવનના એક સ્તરમાંથી બીજા સ્તરમાં લઇ જાય છે. આ જાણીને આનંદમય સ્થિતિમાં રહો. હું હંમેશાં તમને યાદ કરું છું અને આપણા ગુરુમાહરાજને તમારા માટે પ્રાર્થના કરું છું. જો કે તમારી પાસે ભગવાન શ્રીરામકૃષ્ણની/ તમારા ઇષ્ટની છબી છે. એટલે મારી સલાહ છે કે તેમને ભગવાનના અવતાર રૂપે જુઓ. એમની છબી સામે પ્રાર્થના કરો. એટલું નક્કી  માનજો કે તમારી કામનાઓ પૂર્ણ થઇ જશે. એમનાથી વધુ દયાળુ બીજા કોઈ નથી. અરે ! જ્યારે જ્યારે હું એમનાં મહિમા અને મહાનતાનું સ્મરણ કરું છું ત્યારે ત્યારે હું તરત જ આનંદવિભોર બની જાઉં છું. તેઓ તમારી સાથે નથી એવું ન ધારો. જે લોકો સારા છે એવા લોકોની પાસે તેઓ સદૈવ રહે છે અને તમે ઘણા સારા છોકરામાંના એક છો એટલે હું કહી શકું છું કે પ્રલોભનથી તમારું રક્ષણ કરવા માટે તેઓ સદૈવ તમારી સાથે છે. એમની છબી એમનો સજીવ આત્મા છે.  જો શક્ય બંને તો પુષ્પધૂપાદિ એમને અપર્ણ કરો અને જો ન બંને તો પોતાના હૃદયના તીવ્ર પ્રેમ અને પશ્ચાત્તાપપૂર્ણ હૃદયનું અપર્ણ તેઓ વધારે પસંદ કરે છે. જો તમે સાચા હૃદયથી એમની પાસે સહાયની યાચના કરો તો તેઓ ચોક્કસ તમારી મદદ કરશે. તેઓ પ્રેમ અને કરુણાના અવતાર છે.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : ‘જેવી રીતે પાણીને કોઈ રૂપ નથી એને જે પાત્રમાં રાખો તેવો આકાર તે ધારણ કરે છે તેવી રીતે ઈશ્વરનું કોઈ વિશેષ રૂપ નથી.’ પરંતુ  ઈશ્વર પ્રાણીમાત્રના પ્રભુ છે એટલે તમારે એમને મનુષ્યના રૂપમાં જ સીમિત બનાવી ન દેવા જોઈએ. તમારા પિતા એક વિદેશી વેશ ધારણ કરી લે તો તેને  કારણે તેઓ તમારા સન્માન અને શ્રધા ગુમાવી દેતા નથી. એટલે ઈશ્વરનું ભલેને ગમે તે રૂપ હોય તમારે સદૈવ એમનાં પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. તેઓ ‘ તમારા ઈશ્વર છે.’ ઈશ્વરનાં કોઈપણ વિશેષરૂપને પોતાની ઇષ્ટમૂર્તિ રૂપે કોઈપણ વ્યક્તિ નિ:સંદેહ પ્રેમ કરી શકે છે. વૈષ્ણવો કૃષ્ણરૂપને ચાહે છે, શાકાતો શક્તિના રૂપને ચાહે છે, વગેરે. એમનું જે રૂપ તમને સૌથી વધુ સારું લાગે એ રૂપે જ એમની પૂજા કરો. જેવી રીતે હિંદુ પરિવારની કુલવધુ પરિવારના બધા સભ્યો પ્રત્યે શ્રધ્ધા રાખે છે, પરંતુ પોતાના પતિ સાથે એનો વિશેષ પ્રેમસંબંધ હોય છે. તેવી રીતે તમારે ઈશ્વરના ભિન્ન ભિન્ન રૂપોમાં શ્રધ્ધા રાખવી જોઈએ. પરંતુ તમારા જીવનના એક માત્ર ઈશ્વર તો તમારા ઇષ્ટદેવતા જ બનવા જોઈએ. એ વાત સારી છે કે શ્રીરામકૃષ્ણ પ્રત્યે તમારાં શ્રધ્ધા ભક્તિ  છે. એવી વાત નથી કે તેમની પૂજા કરવાથી તમે માના ભક્ત રહેતા નથી, કારણ કે શ્રીરામકૃષ્ણ તો શક્તિનું જ પ્રગટ રૂપ છે. શક્તિ અસીમ છે અને એટલે જ અગમ્ય છે. તેણે સર્વસુલભ થવાં માટે આ યુગમાં શ્રીરામકૃષ્ણનું સૌમ્યરૂપ ધારણ કર્યું છે. આ યુગના પ્રારંભમાં જ્યારે તેમણે શ્રીકૃષ્ણનું રૂપ ધારણ કર્યું હતું ત્યારે યુગે યુગે પોતે પોતાના અવતાર લેવાનું કારણ બતાવ્યું હતું –
‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત |
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સુજામ્યહમ્ ||’
શ્રીરામકૃષ્ણદેવના અધિકાંશ શિષ્યોએ પોતાના ગુરુદેવના પાર્થિવ દેહત્યાગ પછી  પણ એમનાં દર્શનની તમારી ઈચ્છા સાચી હશે તો તેઓ તમને અવશ્ય સંતુષ્ટ કરશે. ઈશ્વરનાં વિભિન્ન રૂપ રૂપક્માત્ર નથી, તે સત્ય છે. નિર્વિકલ્પ સમાધિમાં સૃષ્ટિ ય રહેતી નથી, સ્રષ્ટા પણ રહેતો નથી, ત્યાં પૂજા પણ નથી; તેને  હવે આપણે છોડી દઈએ કારણ કે મીઠાની પૂતળી સમુદ્રમાં ભળી ગઈ છે. પરંતુ જ્યાં સુધી આપણું ક્ષુદ્ર વ્યક્તિત્વ છે ત્યાં સુધી આપણને સાકાર ઈશ્વરની આવશ્યકતા રહે છે. જગતનાં રચિયતા ઈશ્વર સદૈવ સાકાર છે અને તેમની પ્રત્યેક અભિવ્યક્તિ એટલી જ સાચી છે જેટલા તે પોતે સત્ય છે. પૂજા ઈશ્વરનાં સાકારરૂપમાં જ સંભવ છે. હું તમને એ જ પધ્ધતિ ગ્રહણ કરવાની સલાહ આપું છું. પિતા અને પુત્ર કે માતા અને સંતાન વચ્ચે  કોઈ ભેદ –અંતર નથી. જો માનવ પથ્થરની મૂર્તિની પૂજા કરીને મુક્તિ મેળવી શકે તો ઈશ્વરની જીવંતમૂર્તિની પૂજા દ્વારા લક્ષ્ય સુધી પહોંચવાની વધારે શક્યતા છે. તમે સીધેસીધી ઈશ્વરની પૂજા કરી શકતા નથી, કારણ કે આ દેવમાનવો સિવાય તેમની ધારણા જ કોઈ કરી શકતા નથી. જો શ્રીરામકૃષ્ણની જેમ દેવમાનવ અહીં જન્મ ન લે તો ઈશ્વર વિશે કોણ શું જાણી શકે? તે લોકો આધ્યાત્મિક જગતના કોલંબસ છે.
મૂળ વિના વૃક્ષ નથી થતું. ભીતર વિના બાહ્ય નથી હોતું. તમારે પોતાની ભીતર અને બાહ્ય તેની પૂજા કરવી જોઈએ કારણ કે તે સર્વત્ર વિદ્યમાન છે. તેઓ જેટલા તમારી ભીતર છે એટલા જ મૂર્તિમાં પણ છે. પોતાની જાતને તેમનું સંતાન કે સેવકરૂપે, તેનાથી ભિન્ન માનીને સર્વત્ર તેમની પૂજા કરો. દ્વૈતવાદી કહે છે : ‘હું બ્રહ્માનો છું.’ અદ્વૈતવાદી કહે છે : ‘હું બ્રહ્મ જ છું.’ આ બંને કથનમાં વિશેષ ભેદ નથી, કારણ કે જે બ્રહ્મનો છે તે બ્રહ્મની સાથે એક પણ છે, જીવ-બ્રહ્મ-ઐક્યાનુભૂતિ કેવળ નિર્વિકલ્પ સમાધિમાં જ થાય છે અને મેં આગળ બતાવ્યું છે તેમ ત્યાં પૂજા હોતી નથી. સંપૂર્ણ મનપ્રાણપૂર્વકની ભક્તિ જ તેની પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય છે. આ સામાન્ય અને વિશિષ એમ બંને પ્રકારનો ઉપદેશ છે. શ્રીરામકૃષ્ણ પ્રત્યે મન પ્રાણપૂર્વકની ભક્તિ રાખો. તમે બરાબર કહો છો …. ‘આપણી ભીતરનો પશુ, આપણો ક્ષુદ્ર અહં જે સ્વયંને દુર્બળ અને પાપી સમજે છે, તેનું બલિદાન ‘નરબલિ’ ના નામે ઓળખાય છે. આ એક સાચા વીર દ્વારા જ થઇ શકે છે, કારણકે ‘જિતં જગત્ કેન મનો હિ યેન’ શેના વડે સંસારને જીતી શકાય છે ? જેણે  પોતાના મનને જીતી લીધું છે એના દ્વારા જ.’
દુર્બલતા પર આધારિત ધર્મ પૂર્ણત: મિથ્યા અને હાનીકારક છે. શ્રુતિ કહે છે : ‘નાયમાત્મા બલહીનેન લભ્ય:’ – ‘દુર્બળ દ્વારા આત્મોપલબ્ધિ થઇ શકતી નથી.’ જો હું ઈશ્વરનું સંતાન છું, હું એમની જાતિનો છું અને તે પૂર્ણપવિત્ર છે, તો હું પણ પૂર્ણપવિત્ર છું. એટલે જો તમે ખરેખર ઈશ્વરને પ્રેમ કરવા ઇચ્છતા હો તો તમારે પણ ઈશ્વર બનવું પડશે – ‘દેવો ભૂત્વા દેવં યજત’ – ઈશ્વરની પૂજા કરવા માટે તમારે ઈશ્વર બનવું પડે.’ પોતાની જાતને પાપી ગણવાથી શો ફાયદો? તમે અનંત છો. નર્યા અજ્ઞાનને કારણે પોતાને સીમિત સમજો છો. પ્રત્યેક વ્યક્તિની પાછળ અનંતતા રહેલી છે. તમારામાં અનંત શક્તિ છુપાયેલી છે. અત:પોતાના પર સંશય ન રાખો. તમે જે કોઈ માર્ગે ચાલો, સફળ થશો જ. ભકતિપથ સર્વશ્રેષ્ઠ છે કારણ કે તે સૌથી વધુ સ્વાભાવિક છે. જે ઈશ્વર તમારી ભીતર છે તેમના પ્રત્યે ભક્તિમાન બનો. તમે ઈશ્વરના સૌથી વધુ પ્રત્યક્ષ મંદિર છો.  બહારનું મંદિરતો ભીતરનું વાસ્તવિક મંદિરનું સમરણ કરાવનારું છે.
જ્યારે તમે પોતાના મનથી દુર્બળ બનાવનારા બધા વિચારોને દૂર કરી દેવા ઈચ્છો તો પોતાના વિચારો પર નજર રાખવી એ ભૂલ નથી. જો તમને સાપ કરડી લે અને તમે ‘નહીં’ ‘નહીં’ કહીને એના ઝેરનો અસ્વીકાર કરી દો તો તે ઝેર તમારા પર કોઈ અસર નહીં કરી શકે. જે આવી શ્રધ્ધા રાખે છે: ‘હું પાપી નથી, હું ઈશ્વરનું સંતાન છું’ તે યોગ્ય સમયે એ અનુભવ કરી લે છે કે હું ખરેખર ઈશ્વરનું સંતાન છું. જો તમે ખરાબ ટેવો છોડવાં ઈચ્છો તો તમારે એનાથી ઊલટી સારી ટેવો વિકસાવવી પડશે અને એ માટે તમારામાં અત્યધિક માત્રામાં રજસ કે કર્મઠતા હોવાં આવશ્યક છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે –
દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા |
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ||
-‘મારી ગુણમયી દૈવી માયાને પાર કરવી વાસ્તવિક રીતે ઘણી કઠિન છે. જે મારા શરણમાં આવે છે, તે તેને પાર કરી શકે છે.’ માયા ઈશ્વરની શક્તિ છે. ઈશ્વર તથા એમની શક્તિ વચ્ચે કોઈ ભેદ નથી. જેવી રીતે ગળપણ વિના સાકરની કલ્પના થઇ શકતી નથી અને સફેદપણા વગર દૂધની, તેવી રીતે ઈશ્વરની શક્તિ સિવાય ઈશ્વરની કલ્પના કરી શકાતી નથી. આપણે કોઈ અધિકારહીન વ્યક્તિની પ્રાર્થના કરતાં નથી કારણ કે આપણે જાણીએ છીએ કે એ નિરર્થક નીવડશે. ઈશ્વર સર્વશક્તિમાન છે એટલે એમને પ્રાર્થના કરીએ છીએ. એટલે જે કોઈ ઈશ્વરની પ્રાર્થના કરે છે તે શક્તિની જ પૂજા કરે છે. સંસારને પ્રત્યેક વ્યક્તિ શાક્ત છે કારણ કે એવો કોણ છે કે જે શક્તિની પૂજા નથી કરતો ?
ઈશ્વર વાદળ પર ક્યાંય રહેતો નથી. તે પ્રત્યેક પ્રાણીના હૃદયમાં વાસ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : ‘ઈશ્વર: સર્વભૂતાનાં હૃદેશેડર્જુન તિષ્ઠતિ – હે અર્જુન, ઈશ્વર બધાં પ્રાણીઓનાં હૃદયમાં વસે છે.’ સામાન્ય માનવ આ જાણતો નથી. ઈશ્વર આપણી સામે અજ્ઞાનીના, અભાવગ્રસ્તના, રોગીના, અનાથના, ભૂખ્યાના રૂપે આવે છે; જેથી આ રૂપોમાં તેમની સેવા કરીને આપની જાતને ઉન્નત કરી શકી. માત્ર કર્મ કરવામાં આપણો અધિકાર છે, તેના ફળ ઉપર નહીં. પરિણામ આપણા હાથમાં નથી. અત:બીજાનું કલ્યાણ કરવાની ભાવના દ્વારા સદૈવ પોતાનું કલ્યાણ કરવા આપણે વધારે સચેષ્ટ બનવું જોઈએ, કારણ કે એ બધાં ઈશ્વરનાં જ છે તથા જેવાં છે તેવાં તેમને ઈશ્વરે જ બનાવ્યાં છે. આપણે ન તો ઈશ્વરને સુધારી શકીએ કે ન એમની કાર્યપધ્ધતિમાં કોઈ દોષ કાઢી શકીએ. એ મહાન મૂર્ખતા ગણાશે. આપણે બીજાની સેવા દ્વારા પોતાનો વિસ્તાર કરીને પોતાની જ સેવા કરીએ છીએ. પોતાની માંગ અવશ્ય પૂરી થશે એ જાણીને એક બાળક પોતાના માતાપિતા પાસેથી જે જોઈએ છે તે શું માગતું નથી? બરાબર એ જ રીતે તમે પણ પોતાના ઈશ્વર પાસે એ બધી બાબતો માટે પ્રાર્થના કરો જે તમને ઈશ્વર સાક્ષાત્કાર માટે આવશ્યક છે. તમે ઈશ્વરનાં સંતાન શા માટે થવાં માગો છો ? જગજ્જ્વાલાથી છૂટવા માટે જ ને ? એટલે ભક્તિ અને જ્ઞાન વચ્ચે ભેદ જ કયાં છે ?
હું તમને બતાવી દઉં કે શાંતિ મનુષ્યની પોતાની માનસિક સંપત્તિ છે, એટલા માટે તમે, પોતાના ગૃહસ્થ જીવનની બાબતો કે સામાજિક બાબતોને ક્યારેય પોતાના મનની પવિત્ર સીમામાં પ્રવેશવા ન દો. મનુષ્ય જ્યારે પોતાના સર્વાધિક અપરાજેય શત્રુ અહંકારથી – મુક્ત બને ત્યારે સંપૂર્ણ આત્મસમર્પણભાવ આવી શકે છે. હું અમુકતમુક છું એ ભાવ આપણા વારંવાર જન્મ અને મરણનું કારણ છે, જેટલી વધુ માત્રામાં તમે પોતાના અત્યારે અહંકારથી ઢંકાયેલ આધ્યાત્મિક સ્વરૂપની અનુભૂતિ કરવા માટે સમર્થ બની શકો; આ ‘હું’ જ આપણાં બધાં દુઃખોનું મૂળ છે. અત:કોઈપણ રીતે આ અહંકારથી છૂટવું એ આપણું સૌથી પહેલું કર્તવ્ય છે. આ કાર્ય મહાપુરુષોની સેવા, નિષ્કામ કર્મ, ધ્યાન અને વિવેકથી સંપાદિત કરી શકાય છે. આમાંથી પ્રથમ સહજ્મત અને શ્રેષ્ઠતમ છે. જો તમે પોતાની જાતને એક સાચા ગુરુના ચરણોમાં સમર્પિત કરી શકો તો તમારા આ સેવાભાવથી ધીમે ધીમે તમારો અહંકાર દૂર થશે. જો કોઈ માનવ ખરેખર પોતાને શ્રીરામકૃષ્ણદેવના/ પોતાના ઈષ્ટના માર્ગદર્શન હેઠળ સમર્પિત કરી દે તો તેઓ તરત એની રક્ષા કરશે, પરંતુ આ કાર્ય ઘણી ઓછી વ્યક્તિ -લગભગ કોઈ નહિ-કરી શકે છે, કારણ કે દરેક વ્યક્તિ વત્તાઓછા પ્રમાણમાં અહંકારી છે જ. જો ઈશ્વર માટે કષ્ટ સહન કરવાં એનો અર્થ તમારી દ્રષ્ટિએ શરણાગતિ હોય તો અને શરણાગતિનો ઉચિત અર્થ હું સમજુ છું તે રીતે સંસારમાં લગભગ કોઈપણ એનો અધિકાર નથી. જો હું અહીં છું અને અહીં પ્રસન્ન રહેવા ઈચ્છું છું તો મારે એ જ કરવું જોઈએ કે જે મને બધા ભયથી મુક્ત કરી દે અને પ્રસન્ન બનાવી દે. એમનું સંતાન હોવાથી મને કોઈ ભય નથી કારણ કે સર્વશક્તિમાન પરમદયાળુ પરમેશ્વરે મારી ચિંતા કરવાની છે. ઈશ્વર તમારાં માતાપિતા બંને છે.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુશ્વ સખા ત્વમેવ |
ત્વમેવ વિદ્યા દ્રવિણં  ત્વમેવ
ત્વમેવ સર્વં મમ દેવદેવ ||
‘તમે જ મારાં માતા છો અને મારા પિતા છો, તમે જ મારા બંધુ છો અને મારા મિત્રો છો, તમે જ મારી વિદ્યા છો અને મારું ધન છો; હે પ્રભુ તમે મારું સર્વસ્વ છો.’
(સંપૂર્ણ)
(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘The Message of Eternal Wisdom’ ના ‘Consolations’ નો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.)
(૫/૦૧)