ભરવાં પનીર ટામેટા … (સ્ટફ્ડ)

ભરવાં  (સ્ટફડ)  પનીર ટામેટા …

(૪ વ્યક્તિ માટે)

(સમય -૪૦ મિનિટ)

 

કોઇપણ સ્ટફ્ડ (ભરેલા) શાકનો સ્વાદ જ ખૂબજ અલગ હોય છે. ક્યારેય પણ (સ્ટફ્ડ) ભરેલું શાક બનાવવાની ઈચ્છા થાય તો સ્ટફ્ડ ટામેટાનું શાક બનાવીને જોવું. તે ખૂબજ સ્વાદિષ્ટ બને છે.

સામગ્રી :

૮ – ૧૦ નંગ ટામેટા (મધ્યમ કદના)

૧૦૦ ગ્રામ પનીર

૨ નંગ બાફેલા બટેટા (જો તમને પસંદ હોય તો)

૧ નંગ લીલું મરચું (બારીક સમારી લેવું)

૧ નંગ આદુ ( ૧ ઈંચ આદુનો ટુકડો) છીણી લેવું

૩/૪ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૧/૪ નાની ચમચી લાલ મરચાનો પાઉડર (સ્વાદાનુસાર વધુ ઓછો કરી શકો)

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૧૦ -૧૨ નંગ કાજુ ( ૧ કાજુના ૬-૭ ટુકડા થાય તેમ સમારવા)

૧૫ – ૨૦ નંગ  કિસમિસ  (ડાળખી કાઢી, ધોઈને સાફ કરી લેવી)

૨ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારી લેવી)

૧/૪ નાની ચમચી જીરૂ

૨ ટે.સ્પૂન તેલ

 

રીત :

ટામેટાને ધોઈ અને ઉપરની બાજુએ ચપ્પુથી ચાર તરફ એક ચોરસ કટ લગાવી (ઢાંકણ ની જેમ) અને ઢાંકણાની જેમ કાઢી લેવું.

ઢાંકણા ને અલગથી પ્લેટમાં રાખી અને બાકી રહેલ ટામેટામાંથી અંદરનો પલ્પ અને બી કાઢી લેવા.  પલ્પ કાઢી લીધેલા ટામેટાને તેના પ્લેટમાં અલગ રહેલ ઢાંકણ સાથે અલગથી રાખી દેવું. આજ રીતે બધા જ ટામેટાનો પલ્પ કાઢી અને તેના ઢાંકણા સાથે અલગ રાખવા.

 

બટેટાનો ઉપયોગ કરવા માંગતા હોય તો, બટેટાને બાફી લેવા. તેની છાલ ઉતારી અને તેણે છૂંદી નાંખવા (મેસ કરવા). પનીરને છીણી લેવું. મીઠું, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને ૧ ટે.સ્પૂન લીલી કોથમીર મિક્સ કરે દેવી. કાજૂ અને કિસમિસ પણ સાથે મિક્સ કરવા.

એક કડાઈમાં ૧ ટે.સ્પૂન તેલ નાંખી ગરમ કરવું. જીરૂ નાંખી અને બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી સાંતળવું.  લીલાં મરચા, આદુ અને તામેતામાનથી જે પલ્પ નીકળેલ તે પણ તેમાં નાંખી મિક્સ કરવો. પલ્પ ઘટ થાય કે તેમાં પનીર, બટેટા વાળો મસાલો પણ અંદર નાંખી અને મિક્સ કરી દેવો. બસ, ટામેટામાં ભરવા-/સ્ટફ્ડ કરવા માટેનું પુરણ / મિશ્રણ તૈયાર છે.

પલ્પ કાઢેલા ટામેટામાં ઉપર તૈયાર થયેલ મિશ્રણ ભરી અને તેની ઉપર તેનું ઢાંકણું બંધ કરી દેવું.  આમ બધાજ ટામેટાને ભરી અને તેનું ઢાંકણું બંધ કરી અલગ રાખી દેવા.

આ ટામેટાને આપણે અલગ અલગ રીતે પકાવી શકીએ છીએ.

(૧) એક ભારે તળિયાવાળી કડાઈમાં ટામેટા ગોઠવી, ટામેટા ઉપર ૧/૪ ચમચીથી થોડું ઓછું મીઠું  અને ૧ ટે.સ્પૂન તેલ મિક્સ કરી દરેક ટામેટા પર થોડું થોડું લગાડી / ચોપડી દેવું. ટામેટાના વાસણને ઢાંકી દેવું. અને ધીમા તાપે ગેસ પર ૩-૪ મિનિટ પકવવા. ત્યારબાદ સાવધાનીથી ચિપિયાની મદદવડે  ઉલટાવવા (પલટાવવા). નરમ થાય ત્યાં સુધી પાકવા દેવા. બસ ભરેલા ટામેટાનું શાક તૈયાર છે.

(૨) માઈક્રોવેવમાં …

માઈક્રોવેવમાં ઉપયોગમાં લઇ શકાય તેવા કાચના વાસણમાં ટામેટાને ગોઠવવા. ટામેટા ઉપર ૧ ટે.સ્પૂન તેલ અને ૧/૪ નાની ચમચી મીઠું મિક્સ કરી લગાડી  અને વાસણને ઢાંકી દેવું. માઈક્રોવેવમાં પાંચ (૫) મિનિટનો સમય સેટ કરવો. પાંચ મિનિટ પછી માઈક્રોવેવમાં ચેક કરવું. જો ટે નરમ ન થાયાં હોય તો વધારે (૨) બે મિનિટ માટે પકવવા. બસ, હવે તો ટામેટા નરમ થઇ ગયા હશે. (પાકી ગયા હશે) બસ સ્ટફ્ડ ટામેટા તૈયાર છે.

(૩) ઓવનમાં …

ઓવનની ટ્રે ને તેલ લગાવવું. અને તેમાં ટામેટા ગોઠવવા.

ઓવનને ૩૦૦’ સે.ગ્રે. પર સેટ કરી અને (પ્રી હિટ) ગરમ કરવું. ઓવન ગરમ થઇ જાય એટલે ટામેટા ભરેલી ટ્રે ઓવનમાં રાખવી. તેની ઉપર ૧ ટે.સ્પૂન તેલ અને ૧/૪ નાની ચમચી મીઠું મિક્સ કરી અને દરેક ટામેટા ઉપર લગાડવું. ટામેટાને લગભગ ૬ (છ) મિનિટ સુધી બેક કરવા. ટામેટા પાકી જશે એટલે તેમાંથી તોડો રસ નીકળશે.  બસ સ્ટફ્ડ ટામેટા તૈયાર છે. જે રસ ટામેટામાંથી નેકડેલ તેને દરેક ટામેટા સાથે ઉપર નાંખી અને પીરસવા.

બસ, સ્ટફ્ડ ટામેટા નું (ભરેલ ટામેટાનું )  શાક તૈયાર છે.  શાકને સાવધાનીથી એક વાસણમાં કાઢી લેવું. ટામેટાને છીણેલા પનીર અને લીલી કોથમીર ઉપર છાંટી અને ગાર્નીસ / શણગારવા.


સ્ટફ્ડ ટામેટાને પરોઠા – નાન કે રોટલી સાથે પીરસવા અને ખાવા.

 

બ્લોગ લીંક: http://das.desais.net