રસગુલ્લા …(બંગાળી મીઠાઈ)

રસગુલ્લા …(બંગાળી મીઠાઈ)

 

રસગુલ્લાનું નામ પડતાં કોના મોહમાં પાણી ન છૂટે ? મોટાભાગના લોકો રસગુલ્લા પસંદ કરતા હોય છે.  જે બનાવવા કઠિન લાગે છે, પરંતુ હકીકત તેમ નથી. રસગુલ્લા બનાવવા ઘણા સરળ છે. તો આજે આપણે રસગુલ્લા બનાવીશું.

રસગુલ્લા માટે જે પનીર જોઈએ તે બહાર ડેરીમાંથી શક્ય હોય ત્યાં સુધી ન લેતાં, પનીર ઘરમાં બનાવવું જોઈએ. બહારનું પનીર કઠણ હોય છે, આ ઉપરાંત તે વધુ સમય સુધી ઉપયોગમાં લઇ શકાય તે માટે તેમાં પ્રિઝર્વેટિવ / આરાલોટ ઉમેરવામાં આવતો હોય છે. જ્યારે રસગુલ્લા બનાવવા માટે ફૂલ મલાઈ યુક્ત દૂધનું પનીર હોવું જરૂરી છે. કારણ તે નરમ/મુલાયમ હોય છે. અને ઘરમાં બનાવેલ પનીર બજારમાંથી ખરીદેલ પનીર કરતાં વધુ સ્વાદિષ્ટ હોય છે.

(નોંધ: આ અગાઉ ઘરે પનીર કેમ બનાવવું ?તે દર્શાવતી પોસ્ટ બ્લોગ પર મૂકેલ હોવા છતાં, આપ સર્વેની જાણકારી અને અનુકુળતા માટે પનીર બનાવવાની રીત ફરી અત્રે  દર્શાવેલ છે.)

સામગ્રી :

૧ લીટર દૂધ ક્રીમવાળું

૨ ટે.સ્પૂન લીંબુનો રસ/સિરકો

૧ ટે.સ્પૂન આરાલોટ

૩૦૦ ગ્રામ ખાંડ (૧-૧/૨ કપ)

 

રસગુલ્લા બનવવા માટે મૂખ્ય સામગ્રી પનીર છે, જે ડેરીમાંથી તાજુ પનીર લઇ શકીએ અથવા ઘરમાં પણ બનાવી શકાય.તો આપણે ઘરમાં પનીર બનાવીએ.

 

રીત :

પનીર બનાવવા માટે હંમેશાં ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ કરવો. ભારે તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધને સતત હલાવતાં રહેવું જેથી નીચે બેસી ન જાય. જ્યારે દૂધમાં ઉફાળો આવે કે તૂરત લીંબુનો રસ /સિરકો અંદર નાંખી અને દૂધ હલાવતા રહેવુ. દૂધમાં પાણી અને પનીર અલગથી દેખાવા લાગશે. પાણીમાં   પનીર અલગ દેખાવા લાગે કે તૂરત ગેસ બંધ કરી દેવો. અને તે વાસણમા થોડું ઠંડુ પાણી અથવા બરફનો ટૂકડો નાંખી દેવો, જેથી પનીર પાણીથી તૂરત અલગ થઇ જશે.

હવે તે પનીરને એક સાફ/ચોખ્ખા સફેદ કોટનના કપડાનાં ગરણામાં લઇ અને થોડુ ઠંડુ પાણી નાખવું. જેથી લીંબુ નાં રસ/સિરકા ની ખટાશ પનીરમાંથી જે કાંઈ હશે તે નીકળી જશે. અને ત્યારબાદ તેની પોટલી વાળી અને બીજા હાથની મદદથી પોટલીને દબાવવી. જેથી વધારાનું પાણી જો તેમાં રહી ગયું  હશે તો તે નીકળી જશે. બસ રસગુલ્લા કે બંગાળી અન્ય મીઠાઈ બનાવવા માટે પનીર તૈયાર છે.

જો આ પનીરનો ઉપયોગ મીઠાઈને બદલે શાક બનાવવામાં કરવો હોય તો પનીરને કપડામાંથી બહાર ન કાઢતા કપડા સહિત તેની ઉપર કોઈ વજનદાર વસ્તુ મૂકી અને અડધા કલાક સુધી તે વજન તેના પર રાખવું. પનીર અંદર સખત થઇ જશે.

બસ ત્યારબાદ, પનીર કપડામાંથી બહાર કાઢી લેવું.  શાક બનાવવા માટેનું પનીર તૈયાર છે.

ઘરમાં બનાવેલું પનીર બજારમાં મળતા પનીર કરતાં વધુ નરમ/મુલાયમ  અને સ્વાદિષ્ઠ હોય છે.

 

રસગુલ્લા બનાવવાની રીત ..

 

પનીરને એક વાસણમાં કાઢી  લેવું.  આરાલોટ નાંખી અને પનીરને સારી રીતે મસળવું. અને પનીર મસળીને રોટલીનો લોટ બાંધીએ તેમ, નરમ અને સુંવાળુ થઇ જાય ત્યાં સુધી મસળવું .. અને કણક તૈયાર કરવું. જ્યારે તેમ થઇ ગયુ છે તેમ લાગે ત્યારે સમજવું કે પનીર રસગુલ્લા માટે તૈયાર છે.

આ પનીરમાંથી થોડું પનીર હાથમાં લઇ અને તેના ૩/૪ ઈંચ ની જાડાઈમાં (અંદાજે) ગોળા બનાવવા.  અને તેની એક પ્લેટમાં અલગથી રાખવા. આમ બધાજ પનીરના ગોળા બનાવી લેવા. અને ગોળા બની ગયા બાદ તેની ઉપર એક ભીનું કપડું ૧/૨ કલાક માટે ઢાંકી દેવું.

૩૦૦ ગ્રામ ખાંડ, ૧ લીટર પાણીમાં એક વાસણમાં કાઢી અને ગરમ કરવા મૂકવી. જ્યારે પાણી ગરમ થવા લાગે ત્યારે તેમાં પનીરના બનાવેલ ગોળા નાખવા.

ત્યારબાદ, વાસણને ઢાંકી દેવુ. આ પનીરના ગોળા સાથેનુ સીરપ મધ્યમ તાપથી ૨૦ મિનિટ સુધી ગરમ થવા દેવુ. રસગુલ્લા પાકીને ફૂલી જશે. ગેસ બંધ કરી દેવો. અને તેને આ ખાંડના સિરપમા જ ઠંડા થવા દેવા.

 

બસ, રસગુલ્લા તૈયાર છે. ઠંડા થઇ ગયાબાદ, ફ્રીઝમાં રાખી દેવા. અને ઠંડા ઠંડા રસગુલ્લા ખાઓ અને ખવરાવો.

 

નોંધ:

(૧) પનીર હંમેશા તાજા અને ક્રીમવાળા દૂધનું જ ઉપયોગમાં લેવું.

(૨) પનીરમાં પાણી ના રહે તે જોવું. તેને બરોબર નીચવી લેવું.

(૩) પનીરમાં આરાલોટ ને મિક્સ કર્યાં બાદ એ રીતે પનીરને મસળવું / રોટલીના લોટની જેમ ગુથવું જેથી  મુલાયમ થઇ જાય.

 

 

બ્લોગ લીંક: http://das.desais.net