ભીતરમાં જુઓ … (પ્રેરક પ્રસંગો)

ભીતરમાં જુઓ  … (પ્રેરક પ્રસંગો)

(૧)

એક ડોશીમા હતાં. ખૂબ ગરીબ, પહેરવાનાં કપડાં પણ પૂરતાં નહીં. એક વખત પહેરેલું કપડું ફાટી ગયું. ડોશીમાને આંખે સૂઝે ઓછું. જેમતેમ કરી કપડું સાંધવા બેઠા. અંધારું થયું, પણ કપડું સંધાયું નહિ. એમાં એમની સોય પડી ગઈ. એક તો  સુઝે ઓછું અને એમાં પાછું ઘરમાં અંધારું! ડોશી એ જોયું તો શેરીમાં બત્તીઓ થઇ ગઈ હતી. એમણે વિચાર્યું, ‘લાવને દીવે બહાર જ શોધું…’ ડોશીમાને બત્તી નીચે સોય શોધતા જોઈ એક દયાળુ ભાઈએ પૂછ્યું : ‘માજી, શું શોધી રહ્યા છો ? – ‘મારી સીવવાની સોય ખોવાઈ ગઈ છે, ભઈલા !’ ‘હું શોધવા લાગુ ?’ લાગ ને ભાઈ, તારો મોટો પાડ !’ ‘માજી ! સોય પડી છે કયે ઠેકાણે?’ ‘ દિકરા પડી તો મારી ઝૂંપડીમાં !’ ‘તો પછી અહીં કેમ શોધો છો?’ – ‘ઘરમાં અંધારું છે, અહીં અજવાળું છે એટલે !’ – ‘પણ ઘરમાં ખોવાયેલી સોય બહાર કેવે રીતે મળે માડી?’

આપણે પણ ઈશ્વરને શોધીએ છીએ ખરા, પણ ઈશ્વર છે ભીતરમાં અને શોધીએ છીએ બીજે ક્યાંક.

(૨)

બે માણસો મુસાફરી કરી રહ્યા હતાં. એક ધનવાન અને શાણો માણસ, બીજો લુચ્ચો અને લફંગો હતો. ધનવાન માણસ રોજ સવારે ખાનગીમાં પોતાનું ધન ગણતો અને પછી ડગલા અને ખમીસ નીચેની બંડીમાં તે ધન મૂકી દેતો. લુચ્ચા માણસે છૂપાઈને જોઈ લીધું કે ધનવાન પાસે ઘણાં નાણાં છે. ધનવાન ખમીસ અને ડગલા નીચેની બંડીમાં નાણાં મૂકી દેતો એટલે દિવસના તો તે નાણાં મેળવી શકાય તેમ તેમ નહોતું, પણ લાગ મળે એટલે રાતે નાણાં ઉપાડી નાસી જવું એવો લુચ્ચા માણસે ઈરાદો કર્યો. ત્રણ રાતની મુસાફરી હતી. ધનવાન સૂઈ જાય તે પછી લુચ્ચો માણસ ધનવાનની બેગ, ઝોળી અને બીજાં સામાનમાં ધન ખોળતો. ધનવાને પહેરેલાં કપડાંના ખિસ્સાઓ ફંફોળીને પણ તપાસ કરતો.  ડગલા અને ખમીસની નીચેની બંડીના ભાગ પર હાથ ફેરવી જોતો. ધનવાનના ઓશીકાં નીચે પણ જોયું. ક્યાંય ધન દેખાતું નહોતું. લુચ્ચા માણસે ત્રણે રાત તપાસ કરી, પણ ક્યાંય ધન દેખાયું નહીં કે હાથ લાગ્યું નહીં.

ચોથા દિવસની સવારે લુચ્ચા માણસથી રહેવાયું નહીં. તેણે ધનવાનને પૂછી જ નાંખ્યું. ‘ ભાઈ, દિવસના ભાગમાં તો તમે તમારું ધન ખમીસ – ડગલાની બંડીમાં રાખો છો, પણ રાત્રે સૂતી વખતે તમારા સામાનમાં કે તમારા ઓશિકા નીચે ક્યાંક છૂપાવતા હશો? ત્રણ રાતથી હું તપાસ કરું છું પણ તમારું ધન ક્યાંય જડ્યું નહીં. હવે તો તમારું ધન હું ચોરી શકવાનો નથી, પણ મને કુતુહલ છે કે તમારું ધન તમે ક્યા સંતાડતા હતા. મને જરા એ જણાવો તો સંતોષ થશે.’

શાણા ધનવાને કહ્યું : “ ભાઈ, મારા ધનનો બટવો હું તારા ઓશીકા નીચે સંતાડતો હતો. મને ખબર હતી કે તું ત્યાં તપાસ કરવાનો નથી. અને બહાર ફાંફા મારવાનો છે.”

સાર : આપણે પણ આપણા અંતરમાં જોતા નથી. આપણે તેનો અવાજ સાંભળતા નથી. આપણો ઈશ્વર ત્યાં જ વસેલો છે, પણ તેને ખોળવા માટે આપણે બહાર મંદિર, મસ્જિદ કે ગિરજા ઘરમાં ખોળાખોળ કરીએ છીએ અને અંતે હેરાન પરેશાન  થઈ નાસીપાસ થઇએ છીએ.

દોહરો :

બૂરા જો દેખન મૈં ગયા, બૂરા ન મિલિયા કોઈ |

જો દિલ ખોજા અપના, મુઝસે બૂરા ન કોઈ ||

(૩) ભીતરમાં શ્રધ્ધા અડગ રાખો …

ઈરાનના સૂફી સંત જલાલુદ્દીન રૂમી પોતાના શિષ્યો સાથે મુસાફરીએ હતાં. ત્યાં રસ્તામાં એક ખેતરમાં પચાસેક ફૂટ ઊંડા ચાર ખાડા ખોદેલા જોયા, અને ખેડૂત પાંચમો ખાડો ખોદી રહ્યો હતો. શિષ્યોએ સાશ્ચર્ય આનું રહસ્ય પૂછતાં સંત બોલ્યા : ‘આ માણસ ખેતર માટે પાણી મેળવવા આ ખાડા ખોદી રહ્યો છે, ને પાણી ન નીકળતાં ઉપરા ઉપર બીજાં ખાડા ખોધે જાય છે.

પણ આના કરતાં પોતાનો શ્રમ ફક્ત સો-દોઢસો ફૂટનો એક જ ખાડો ખોદવા પાછળ ખર્ચ્યો હોત તો જરૂર પાણી મળત, અને આમ ખાડા ખોદીને તેનું ખેતર બગાડત નહીં. વારંવાર પોતાની શ્રદ્ધા અને પોતાનું લક્ષ બદલનારના જીવનરૂપી ખેતરની આવી જ દુર્દશા થાય છે.